16 February, 2026 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રી લોહાણા મહાપરિષદના પ્રેસિડન્ટ સતીશ વિઠલાણી ઇનોવેટિવ પ્રયોગો દ્વારા સમાજહિતનાં કાર્યોમાં સક્રિય છે.
આજે અમારાં જ નહીં પણ લગભગ દરેક સમાજમાં લગ્નોત્સુક યુવકો-યુવતીઓનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. આજનાં જુવાન યુવકો-યુવતીઓને ઉચિત પાત્ર નથી મળી રહ્યાં. સોશ્યલ મીડિયા વિકસ્યું છે, સોશ્યલ કનેક્શન સહેલાં બન્યાં છે અને છતાં પહેલાંના સમયમાં ગામના ગોર મહારાજ દ્વારા જેટલું સરળતાથી અને સહજતાથી જે કામ થતું એ આજે નથી જ થઈ રહ્યું.
તમે વિચાર કરો કે પોતાનો ભર્યોભાદર્યો બિઝનેસ હોય, બધું જ વેલ-સેટલ્ડ હોય, ભરપૂર સુખસગવડ હોય પરંતુ તેઓ મોટા મેટ્રો સિટીમાં નથી રહેતા એટલે પરિવારનાં સંતાનોએ લગ્નવિહોણાં રહેવાનું, પાત્ર સાથે બાંધછોડ કરવાની અથવા તો પોતાનું બધું જ સેટઅપ પડતું મૂકીને મોટા શહેરમાં નવેસરથી ઠરીઠામ થવાનું. ફરી કહું છું કે માત્ર અમારા લોહાણા સમાજની જ નહીં પણ આપણે ત્યાંના મોટા ભાગના સમાજમાં યુવકો અને યુવતીઓનાં લગ્ન એક પેચીદો પ્રશ્ન બનતો જાય છે. આ જ કારણ છે કે તાજેતરમાં અમે યોજેલા લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ એક્સ્પોમાં અમે સમાજની પંદર જેટલી મૅટ્રિમોનિયલ સંસ્થાઓને નિઃશુલ્ક સ્ટૉલ મૂકવાની વ્યવસ્થા આપી હતી જેથી જુદા-જુદા શહેરના મૅટ્રિમોનિયલના કામકાજને જોતા લોકો આપસમાં ડેટા એક્સચેન્જ કરી શકે. ઇન ફૅક્ટ આ વિષય પર અમે ડિસ્કશન-સત્ર પણ યોજ્યાં હતાં.
અમારી રીતે શોધખોળ કરતાં એક વસ્તુ અમને એ સમજાઈ કે લોકો સોશ્યલી કનેક્ટેડ તો છે પરંતુ પોતાની આસપાસના લોકોના બૅકગ્રાઉન્ડથી માહિતગાર નથી. આનો ઇલાજ લાવવા માટે અમે સમાજની પોતાની લગ્ન સેતુ નામની ઍપ્લિકેશન બનાવી છે. આખી દુનિયામાં રહેલા લોહાણા સમાજનાં દીકરા-દીકરીઓ આ ઍપ પર પોતાની પ્રોફાઇલ રજિસ્ટર કરી શકે. તેમની આખી ફૅમિલી-હિસ્ટરી એમાં હોય. પહેલાં જે કામ ગોરમહારાજ કરતા એ કામ આ ઍપ થકી થવાનું શરૂ થયું અને અમને પરિણામ દેખાવાનું પણ શરૂ થયું છે. નાના ગામડામાં રહેતા પરિવારના દીકરાને તેની જ આસપાસના વિસ્તારમાં રહેતી દીકરી મળી જાય એવી સંભાવના આ ઍપથી વધી ગઈ. આજે દુનિયાભરમાં લગભગ પચીસ લાખ લોકોની લોહાણાની વસ્તી છે. નાનાં-નાનાં ગામડાંઓથી લઈને દુનિયાના ટૉપના દેશોમાં પણ લોહાણાઓ વસે છે ત્યારે તેમને જોડતા એક પ્લૅટફૉર્મ તરીકે લોહાણા કનેક્ટ નામની ઍપ પણ અમે બનાવી છે. લગ્ન સેતુમાં મુકાતી પ્રોફાઇલ વેરિફાય કરવામાં આવે છે. એ પછી પરિવાર પોતે પણ સ્ક્રૂટિની કરીને ઊંડી તપાસ કરતા હોય છે. આજે યુવકો-યુવતીઓના માઇન્ડસેટમાં આવી રહેલા બદલાવો વચ્ચે આ ઍપ મહત્ત્વનું કામ કરી રહી હોય એવું અમને દેખાય છે. લગભગ દસેક હજાર પ્રોફાઇલ અત્યારે ઍપ પર મુકાઈ છે અને હજી પણ એ કામ ચાલુ છે. જેમની મધ્યસ્થીમાં લગભગ પંદરેક હજાર લગ્નો પાર પડ્યાં છે એવા જયંત સોઢા, અમરીશ સોઢા અને તેમની સાથે અન્ય અગ્રણીઓ બહુ જ પદ્ધતિસર આ કામને આગળ વધારી રહ્યા છે. અત્યારે તો માત્ર લોહાણા સમાજનો ડેટા છે પરંતુ અમારો પ્લાન એ પણ છે કે અન્ય સુસંસ્કૃત જ્ઞાતિઓને પણ આ ઍપ્લિકેશન થકી જોડવી અને લગ્ન સેતુનો વ્યાપ વધારવો.
સમાજમાં અત્યારે વકરી રહેલા આ મહત્ત્વના પ્રશ્નને હવે સ્માર્ટ સૉલ્યુશનથી ટાર્ગેટ કરવાનો સમય આવી ગયો છે અને તમામ જ્ઞાતિઓએ આ બાબતને ગંભીરતા સાથે લેવાની જરૂર છે.