18 August, 2026 04:08 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા કેટલાક મહિનાઓથી દેશનો સ્ટુડન્ટ્સ-ક્લાસ લાઇમ લાઇટમાં છે. જંતર મંતર પછી ઝારખંડ. એમાં વચ્ચે વળી ચમકી ગઈ સુરત સિવિલ હૉસ્પિટલમાં PGના પહેલા વર્ષના રેસિડન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાતની ઘટના. માઇક્રોબાયોલૉજીના ફર્સ્ટ યરના રેસિડન્ટ ડૉક્ટરે લીધેલા આત્યંતિક પગલા પાછળ દેખીતું રૅગિંગનું કારણ બહાર આવ્યું છે.
સતત ૪ મહિનાથી સિનિયર છાત્રોની દાદાગીરીથી તંગ આવી ગયેલા જુનિયર્સે ત્યાં સુધી કહ્યું કે જો અમે પોસ્ટ-ગ્રૅજ્યુએશન માટેનું બૉન્ડ ન આપ્યું હોત તો આ ડિપાર્ટમેન્ટ જ છોડી દીધો હોત. તેમને અપાતા શારીરિક અને માનસિક ત્રાસની વાત તેમણે ખૂલીને છેક હવે કરી. માત્ર બે દિવસ પહેલાં સિનિયર્સના ત્રાસની ફરિયાદ વિદ્યાર્થીઓએ ટીચરને કરી હતી ત્યારે કોઈ પગલાં લેવાને બદલે હસતાં-હસતાં એવો જવાબ આપ્યો હતો કે ‘નઈ નવેલી દુલ્હન કો ઇગો નહીં રખના ચાહિએ!’
મહિલા ફૅકલ્ટીએ જો આટલી હદે અસંવેદનશીલ ન રહેતાં ત્વરિત પગલાં લીધાં હોત તો વિદ્યાર્થીએ કદાચ આપઘાત ન પણ કર્યો હોત.
પૂરા ૧૦૦ લોકોનાં નિવેદનો લેવાયાં એ પછી પગલાં લેવાયાં અને તાત્કાલિક અસરથી ૪ સિનિયર્સને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ કેટલાક પ્રોફેસરો સહિત કેટલાકને શોકૉઝ નોટિસ આપવામાં આવી. ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળું મારવાની પરંપરા હજી યથાવત્ છે. એક આશાસ્પદ તબીબનું ઊગતા પહેલાં જ આથમી જવું અને મોડાસામાં રહેતા તેના પરિવારને લાગેલો આઘાત, તેમને પડેલી કાયમી ખોટ આ બધાનો હિસાબ કોણ કરશે?
રૅગિંગનું દૂષણ દાયકાઓ જૂનું છે. કેટલાક સિનિયર્સ એટલી હદે વંઠી ગયેલા હોય છે કે એનું વર્ણન પણ ન થઈ શકે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પચીસથી વધુ વિદ્યાર્થીઓએ રૅગિંગના કારણે આત્મહત્યા કરી છે. કેટલાક રિપોર્ટ્સ આ આંકડો પચાસથી ઉપર બતાવે છે. ઘણી આવી દુર્ઘટનાઓ નોંધાયા વગર જ રહી જાય છે.
દરેક વિદ્યાર્થીનું જીવન ખૂબ જ કીમતી છે. છતાં મળતા આંકડા મુજબ પેપર-લીક મુદ્દે થયેલી આત્મહત્યા કરતા રૅગિંગને કારણે થયેલી આત્મહત્યા વધુ પ્રમાણમાં છે. વિદ્યાર્થી-આલમમાં સંસ્કાર, શિસ્તનું રહેલું નબળું પ્રમાણ સ્પષ્ટ દેખાય છે. આ મુદ્દે કોઈ આંદોલન તો નથી, કડક કાયદાનું પ્રોવિઝન પણ નથી. સરકાર સામે, પોલીસ સામે અને ન્યાયાધીશો સામે આક્રમક વલણ દાખવનાર વંઠી ગયેલા વિદ્યાર્થીઓ, જેમની સંખ્યા હજારોમાં છે, તેમની સામે ચૂપ રહે છે. આવા પરિવારને વળતરના ક્યાંય રૂપિયા નથી મળવાના.
‘વિદ્યા વિનયેન શોભતે’ જેવાં નીતિ-વાક્યો ગામડાની સ્કૂલોની દીવાલ પર પેઇન્ટ થયેલા અક્ષરોરૂપે રહી ગયાં છે. ઊગતી પેઢી ઘણી સ્માર્ટ, ફાસ્ટ, ટૅલન્ટેડ છે અને એટલે જ તેમને સંસ્કાર સાથે સંયમમાં રહેવું જરૂરી છે. આ માટે કડક કાયદા અને એનો સખત અમલ જરૂરી છે. પોતાની સ્વચ્છંદતા પર અંકુશ લાવવાની કોઈ ઇચ્છા કે તૈયારી ન હોવાથી યુવાઓ આ મુદ્દો નહીં ઉપાડે, છતાં આવી કાયદાકીય સવલત યુવાવર્ગના જ સારા માટે થશે. શિક્ષણ માહિતીલક્ષી બનવાને કારણે આજે શિક્ષણ વ્યક્તિની તાકાત બની શકતું નથી. વિદ્યાર્થી-અવસ્થા એ માત્ર શિક્ષણ નહીં પણ સાથે શિસ્ત અને સંયમનું પણ તાલીમસત્ર બનવું જોઈએ. જો આવી કેળવણી નહીં થાય તો વિવેકહીનતા તેમની પ્રતિભાને ગળી જશે.