22 February, 2026 04:15 PM IST | Mumbai | Sairam Dave
સાંઈરામ દવે
જગતમાં તમે જુઓ કે સસરા વિશે જેટલું નથી વિચારાયું એટલું સાસુ વિશે લખાયું છે, બોલાયું છે અને કહેવાયું પણ છે. અને શું કામ એવું ન થાય ભાઈ? સાસુ જગતની એકમાત્ર એવી જણસ છે જેનું નામ પડતાં પતિ-પત્ની બેય જણ એકમત થઈ જાય ને બેયના મોઢામાંથી એક જ વાત નીકળે : અમારી સાસુ બોવ ખરાબ. હા, તમે જોઈ લેજો. પુરુષ અને સ્ત્રી આમ ક્યારેય એકમત નો થાય, પણ સાસુની વાતમાં બેયનો મત એક જ હોય. બેમાંથી કોઈને સાસુ ગમતી નથી.
મેં છેને હમણાં રિસર્ચ કર્યું, જેમાં ખબર પડી કે સાસુના મુખ્યત્વે ત્રણ પ્રકાર હોય છે : કડક સાસુ, ઢીલીઢફ સાસુ અને ક્યારેક કડક, ક્યારેક ઢીલી એવી મિક્સ-બ્રીડ સાસુ. તમને દરેક સાસુનાં લક્ષણો જણાવું.
સૌથી પહેલાં વાત કરીએ કડક સાસુનાં લક્ષણોની.
આ જે કડક સાસુ છે તેને તમે હિટલર-સાસુ પણ ક્યો તો વાંધો નો આવે, પણ હિટલરની પહેલેથી જ આ કડક સાસુનાં મૂળિયાં જોવા મળ્યાં છે. કડક સાસુ નામની આ પ્રજાતિનાં મૂળ છેક રામાયણકાળથી જોવા મળે છે. દશરથપત્ની કૈકેયી આ પ્રજાતિની આદિસ્ત્રી ગણાય છે. કડક સાસુને કારણે અત્યારે આપણી ટીવી-સિરિયલું ટકેલી છે એવું કહેવું અતિશિયોક્તિ નહીં કહેવાય. આ પ્રજાતિ પુત્રવધૂ પર સહેજ પણ દયા દાખવતી નથી. લગ્નના પ્રથમ મહિનામાં જ તે પુત્રવધૂને પરચાઓ આપવા લાગે છે. તેઓ વહુ પાસે કડક શિસ્તનો હઠાગ્રહ રાખે છે. સ્વયં સવારે સાડાઆઠે જાગતી હોવા છતાં વહુ છ વાગે જાગીને વાસીદાં વાળીને પૂજા-પાઠ કરી નાસ્તો તૈયાર રાખે એવી આકાંક્ષા સેવે છે.
મહેમાનોની હાજરીમાં વહુનાં ખોટેખોટાં વખાણ કરીને મહેમાનો ગયા બાદ તેની ઝાટકણી કાઢે છે. આ પ્રજાતિની સાસુઓ શેરીમાં થતી અન્ય નવી સાસુઓને સંક્રમિત કરવાના કુદરતી ગુણ ધરાવે છે. પોતાના પતિ અને દીકરા સામે દર ત્રીજી મિનિટે રડી શકવાનો લાજવાબ કસબ તેમને જન્મજાત પ્રાપ્ત સાથે છે. આ પ્રજાતિ તેના દીકરાના દામ્પત્યજીવનને રફેદફે કરવા સક્ષમ હોય છે. જીવનના ઉત્તરાર્ધમાં આવી સાસુઓ ઘરડાઘરમાં કે ડિપ્રેશનમાં સરીને એકલી જીવતી નજરે ચડે છે તો આજના યુગમાં આવી સાસુઓને દીકરીઓ સાચવતી પણ જોવા મળે છે. દીકરીયુંઓને પણ ખબર હોય છે કે મારી માએ કડકાઈને લીધે બધુંય બગાડ્યું, પણ શું કરે બિચારી. લોહી અને DNA તો તેનામાં પણ એ જ માનાં છે એટલે પોતાના ભવિષ્ય માટે પણ તે કડક સાસુની ઉપાધિ મેળવેલી માને સાચવી લે છે.
હવે વાત આવે છે ઢીલીઢફ સાસુની.
મહાભારતકાળની કુંતી આ પ્રજાતિની આદિસ્ત્રી મનાય છે. જોકે આ મુદ્દે કેટલીક વિદ્વાન સાસુઓમાં મતમતાંતર છે. તેઓ મુખ્યત્વે લુપ્ત થતી પ્રજાતિઓમાંની એક છે જે વહુ પર થતા અત્યાચારને સમજવા છતાં એનો લાગણીવશ વિરોધ નથી કરી શકતી.
‘પુરુષો આવા જ હોય!’ અને ‘સમાજ આવો જ હોય!’ અને ‘આપણાં નસીબ આવાં જ છે!’ આ ત્રણ આ પ્રજાતિનાં મુખ્ય આશ્વાસનવાળાં વાક્યો છે. આ સાસુઓ દિવસમાં ઓછામાં ઓછી બે વાર રડે છે. ઘણાખરા કિસ્સાઓમાં માથાભારે વહુઓ લગ્નના છ મહિનામાં જ આ ઢીલી સાસુઓ પર કબજો જમાવી લ્યે છે. આ સાસુઓના દીકરાઓ પણ ઢીલા હોવાથી ઘણી વાર સમગ્ર ઘરનું સંચાલન નવી આવનારી ‘કડક વહુ’ જ કરતી નજરે ચડે છે. ઢીલી સાસુઓ મોટા ભાગે વહુઓ દ્વારા ઓછી તરછોડાય છે, પરંતુ જીવનના ઉત્તરાર્ધમાં આ સાસુઓ ‘આપણે શું? વહુને જેમ ગમે એમ કરે!’ જેવી માળા સતત જપીને એકલી બડબડ કરતી જોવા મળે છે. આ ફૅકલ્ટી થોડી વેવલી ગણાતી હોવાથી હાલ માઇનૉરિટીમાં છે.
ક્યારેક કડક ને ક્યારેક ઢીલીઢફ એવી મિક્સ-બ્રીડ સાસુ પ્રજાતિની આ આદિસ્ત્રી વિશે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ આ સાસુઓ શેરીમાં ઢીલી અને ઘરમાં કડક સ્વભાવથી વર્તે છે. તે ‘ડબલ પર્સનાલિટી’ની સીધી લીટીની વારસદાર છે. આ સાસુને વહુને કન્ટ્રોલ કરતાં પણ આવડે છે અને વહુનાં વખાણ કરતાં પણ આવડે છે. આ અનપ્રિડિક્ટેબલ વ્યક્તિત્વ હોવાથી વહુને આજીવન એ અંદાજ નથી આવતો કે સાસુમા ક્યારે રડશે અને કઈ વાતથી ભડકશે? રડવાનું અને રાડું પાડવાનું પર્ફેક્ટ મિક્સ્ચર હોવાથી આ પ્રજાતિ એના જીવનકાળમાં મહદંશે સફળ રહે છે. અમુક કિસ્સાઓમાં આવી સાસુ મર્યા પછી વહુઓ ખરેખર રડતી પણ જોવા મળે છે. આવી સાસુઓ જીવનના ઉત્તરાર્ધમાં પરિવાર સાથે જ જોવા મળે છે. તે વહુને મુક્તિ પણ આપે છે અને ક્યાંક બાંધી પણ રાખે છે જેથી આવી સાસુઓ સાથે કઈ રીતે વર્તવું એ બાબતે SASA (નાસાની જેમ સાસુઓ પર સંશોધન કરતી સંસ્થા)એ આ ફૅકલ્ટીની વસ્તીગણતરી ભૂતકાળમાં ત્રણ વાર કરી હોવા છતાં વિશ્વાસુ આંકડા મળ્યા નથી; પણ હા, ટીવીસિરિયલુંમાં આવી સાસુઓએ પણ ઉપાડો લીધો છે એ સ્વીકારવું રહ્યું.
ઉપર્યુક્ત પ્રકાર સિવાય અન્ય કોઈ સાસુ તમને પ્રાપ્ત થઈ છે તો વિના સંકોચે મને જાણ કરવામાં આવે. તમારી માહિતી ગુપ્ત રાખીને આગામી લેખમાં સર્વપતિહિતાય એ પ્રગટ કરવામાં આવશે.