25 January, 2026 02:14 PM IST | Mumbai | Dr. Dinkar Joshi
પ્રતીકાત્મક તસવીર
માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી બાર-તેર વર્ષની એક છોકરીએ ઘરના એક ઓરડામાં પંખાએ લટકી જઈને આત્મહત્યા કરી એવા સમાચાર અખબારના પાને ક્યાંક નજરે પડ્યા હતા. આમ તો અખબારોમાં આવું રોજ નજરે પડે છે. આત્મહત્યા, બળાત્કાર, ખૂન આ બધા સમાચારો વાંચીને મન ઉદ્વિગ્ન થઈ જતું હોય છે. એમાં પણ ખાસ કરીને જિંદગીને હજી જેણે જોઈ જ નથી એવા વિદ્યાર્થીઓ કે પછી તાજેતરમાં જ લગ્ન કરીને મધુરજની માણવા ગયેલાં કોઈક વર-વધૂમાંથી એકે બીજાની હત્યા કરી હોય આવા સમાચાર પણ હોય છે. પેલી ૧૨ વર્ષની છોકરીએ જેને સુસાઇડ-નોટ કહીએ એવું પણ કંઈક લખ્યું છે. આ સુસાઇડ-નોટ અને ઘરના પંખાએ ગળે ફાંસો ખાઈ લેવો આ સૂઝ તેને ટીવીના પડદા પરથી જ આવી હશે એમાં શંકા નથી. ૧૨ વર્ષની ઉંમરે જિંદગી પ્રત્યેનો આવો કોઈક અભિગમ અને એનો આવો અંત ટીવીના પડદા સિવાય બીજે ક્યાંયથી મેળવી શકાય નહીં. આ સુસાઇડ-નોટમાં તેણે એવું લખ્યું છે કે મને જિંદગી જીવવામાં મજા નથી આવતી. તેની સમજણમાં આ મજા એટલે શું એ હવે આપણે જાણી શકીએ એમ નથી.
જિંદગીમાં દરેકને મજા જોઈએ છે. મજાપૂર્વક જીવવું છે, પણ આ મજા એટલે શું એ વિશેની સમજણ બદલાતી રહેતી હોય છે. ગઈ કાલે જેને આપણે મજા માનતા હોઈએ છીએ એને આજે કે આવતી કાલે ભારે પીડા માનતા હોઈશું એવું બને છે. એક વકીલને ફી ભરી-ભરીને ખાલીખમ થઈ જતો અસીલ પેલી ફીને પીડા માને છે. વારંવાર અદાલતમાં ધક્કાથી તે ત્રાસી ગયો છે, પણ પેલા વકીલ માટે આ કેસ એક મજા છે. આવું જ લગભગ દરેક મજામાં બનતું હોય છે.
મજા મારકણી બની છે
થોડાં વર્ષો પહેલાં એક પરિવારમાં બે કે ચાર તો ઠીક પણ આઠ-દસ માણસો સુધ્ધાં રહેતા. બધાને બધું મળી જતું અને જરૂરિયાત પૂરી થઈ જતી. આજે હવે પરિવાર કોને કહેવો એવો પણ પ્રશ્ન પેદા થાય એવો જબરદસ્ત પલટો આવ્યો છે. પ્રત્યેક વ્યક્તિ પછી એ બાર વર્ષની કન્યા હોય કે પછી એંસી વર્ષના દાદા હોય, પોતાને એક સ્વતંત્ર પરિવાર માને છે. આ સ્વતંત્ર પરિવાર પોતે પોતાની મજા માટે જે વ્યાખ્યા નિયત કરે છે એ વ્યાખ્યાની બાંધછોડ પણ કદાચ તેમનાથી થઈ શકતી નથી. ક્યારેક એંસી વર્ષના દાદા બાર વર્ષના પૌત્ર કે પૌત્રી માટે બાંધછોડ કરી શકતા નથી તો ક્યારેક બાર વર્ષના બાળકને તેનાં મમ્મી કે પપ્પા એંસી વર્ષના દાદા માટે ક્યાં બાંધછોડ કરવી જોઈએ એ શીખવતા નથી. પરિણામ સ્વરૂપ અંતર વધ્યું છે અને આ અંતરમાં સમજણની સુગંધ ઉમેરાતી નથી.
એક રીતે જોઈએ તો આત્મહત્યા પણ મજા માણવાનો જ એક માર્ગ છે. માણસને જ્યારે પોતાની મજાઓ મળતી નથી અને એને મેળવવા તે જે પ્રયત્નો કરે છે એમાં એકધારી નિષ્ફળતા મળે છે. પરિણામે એને જિંદગી જીવવા જેવી નથી લાગતી અને નહીં મળતી મજા મેળવવા માટે વધુ ને વધુ પ્રયત્નશીલ થાય છે. આત્મહત્યા પણ આવા પ્રયત્નનો જ એક પ્રકાર છે. મજા અહીંથી નથી મળી તો પછી બીજે ક્યાંકથી લો. પેલી મજા જતી કરવાને બદલે માણસ એને મેળવવા વધુ ને વધુ ઝનૂની થાય છે અને આ ઝનૂન તેને આત્મહત્યાના માર્ગે લઈ જાય છે. જે રીતે માણસને જીવવાનો અધિકાર છે એ જ રીતે તેને મરવાનો અધિકાર હોવો જોઈએ એવી તર્કબદ્ધ દલીલો થાય છે ખરી. દુનિયાના કેટલાક દેશોએ એના નાગરિકોને મરવાનો આવો અધિકાર આપ્યો પણ છે. આત્મહત્યા પૂર્વેની ક્ષણે માણસ ખરેખર તો ‘પેલું નહીં મેળવાયેલું સુખ’ વિશે જ વિચારો કરતો હોય છે. તેને પેલી મજા જોઈએ છે. આત્મહત્યા એ પણ આ મજા મેળવવાનો જ એક માર્ગ છે એવી ગેરસમજની ગાંઠ તેના મનમાં વળી ગઈ હોય છે. આ ગાંઠ તેને આ રસ્તે લઈ જાય છે.
માણસને મરી જવાનો અધિકાર હોય છે એટલું જ નહીં, તેને મારી નાખવાનો શાસનને અધિકાર હોય છે એવી એક વિચારસરણી વીસમી સદીના આરંભ કાળમાં કેટલાક બુદ્ધિજીવીઓએ ઊભી કરી હતી. જે માણસ રાજને કે સમાજને બિલકુલ ઉપયોગી નથી, ઉપયોગી થઈ શકે એવી તેની શારીરિક કે માનસિક ક્ષમતા જ નથી, હવે શેષ વર્ષો તે બીજા માટે બોજારૂપ જ છે. તેને શા માટે વધુ જીવતા રહેવાનો અધિકાર આપવો જોઈએ? સામ્યવાદ નામનું એક ધતિંગ આ બુદ્ધિજીવીઓએ ચલાવ્યું હતું અને થોડાંક વર્ષો સુધી એ કેટલાકને મોહક પણ લાગ્યું હતું. સદ્ભાગ્યે આ મોહાંધ લાંબો નભ્યો નહોતો.
આ માંદગીના જીવાણુ નથી
આધુનિક વિજ્ઞાને માંદગીના જીવાણુ વિશે પુષ્કળ શોધ કરી છે. હજારો અને લાખો બૅક્ટેરિયા વિશે અનેક સંશોધનો થયાં છે. આ સંશોધનો જ ક્યારેક તેને પેલી મજાના રવાડે ચડાવી દે છે. માણસ એવું માનવા માંડે છે કે હવે તેનું જીવન પૂરું થઈ ગયું છે. આ પૂરું થયાની વાસ્તવિકતા તે પોતે જ નક્કી કરી લે છે. વ્યવહારમાં સુખ છે, દુઃખ છે, ગમતું હોય એવું ઘણું છે, અણગમતું હોય એવું અપાર છે. કવિ સુન્દરમ્ની કવિતા આ વિષયમાં થોડા શબ્દોમાં ઘણું કહી જાય છે. આજે જે નથી ગમતું એ આવતી કાલે કઈ રીતે ગમતું થઈ જાય એની વાત સુંદરમ્ આ રીતે કહે છે :
હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની
ને જે અસુન્દર રહી તેહ સર્વેને
મૂકું કરી સુન્દર ચાહી ચાહીને
મૃત્યુ જીવનનો અંત નથી પણ નવા જીવનનો આરંભ છે. ઝિંદગી એક ફેરફુદરડી છે અને ફેરફુદરડી એક વાર ફરવા માંડીએ એટલે એના બધા જ ચકરાવા ધાર્યા એ પ્રમાણે ગોઠવી શકાતા નથી અને છતાં એ ફેરફુદરડી ફરવી ગમે છે.