14 June, 2026 04:15 PM IST | Mumbai | Aashutosh Desai
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા ઘણા દિવસથી પૅસિફિક મહાસાગરમાં આકાર લઈ રહેલી કુદરતી પરિસ્થિતિને કારણે આ વર્ષે વરસાદ ઓછો પડશે એવી આગાહી કરવામાં આવી છે. એલ નીન્યો તરીકે ઓળખાતી આ કુદરતી આફત ભારત સુધી પહોંચી ગઈ છે ત્યારે આબોહવામાં જબરદસ્ત ઊથલપાથલ કરનારી આ મોમસી પરિસ્થિતિ શું છે એનું વિજ્ઞાન અને આ પહેલાંના એલ નીન્યોએ વિશ્વભરમાં કેવો કાળો કેર વર્તાવ્યો છે એની વરવી વાસ્તવિકતા સમજીએ
એક સમય હતો જ્યારે વર્ષમાં મુખ્ય ૩ ઋતુ આવતી હતી : ઉનાળો, ચોમાસું અને શિયાળો. હવે વાસ્તવિક પરિસ્થિતિ કંઈક એવી છે કે વર્ષમાં એક મહિનો શિયાળો, એક મહિનો ચોમાસું અને બાકીના ૧૦ મહિના ઉનાળા જેવી ગરમી રહે છે. કારણ શું? આ પૂછવાનો કોઈ અર્થ નથી, ખરુંને? આપણે બધા જાણીએ છીએ કે આ માટેનું સૌથી મોટું કારણ ‘આપણે’ જ છીએ.
છેલ્લાં થોડાંક વર્ષોથી જ્યારે-જ્યારે ચોમાસાની ઋતુ નજીક આવે ત્યારે આપણે ભારતીય મોસમ વિભાગ કે એના જેવા ઋતુચક્ર અને વાતાવરણનો અભ્યાસ કરતી સંસ્થાઓ પાસેથી સાંભળીએ છીએ કે આ વખતે સરેરાશ કરતાં ઓછો વરસાદ પડશે અથવા સરેરાશ કરતાં વધુ વરસાદ પડશે. એ જ રીતે ઉનાળાની શરૂઆત થાય એ પહેલાં જ ગરમીના વર્તારા વિશે પણ સાંભળીએ છીએ કે ‘આ વખતે ગરમી હદ વટાવશે, ઉકળાટના નવા રેકૉર્ડ સર્જાશે.’ હવે આવી ભવિષ્યવાણીમાં છેલ્લાં થોડાં વર્ષોથી એક શબ્દ વારંવાર આપણે સાંભળ્યો છે - ‘એલ નીન્યો!’ એમાં વળી આ વખતે તો કહેવાય છે કે આ વર્ષ ‘સુપર એલ નીન્યો’નું વર્ષ રહેશે. એનો અર્થ કંઈક એવો થાય કે વિશ્વના અડધોઅડધ દેશોમાં દુકાળની પરિસ્થિતિ સર્જાઈ શકે.
સામાન્ય ભૂગોળ
એલ નીન્યો એ વાસ્તવમાં વાતાવરણમાં સર્જાતી એક કુદરતી ઘટના છે જે માટે આપણે માનવીઓ જવાબદાર તો ખરા, પણ એના મૂળ જન્મનું કારણ અને સ્થળ સમુદ્ર અને એની સાથે-સાથે ઊઠતી હવાઓ છે. એલ નીન્યોને સમજવાનો પ્રયત્ન કરીએ એ પહેલાં આપણે સામાન્ય ભૂગોળ ધ્યાનમાં લેવી પડશે. આ પૃથ્વી એક ગોળાકાર સ્વરૂપે આ બ્રહ્માંડમાં વિદ્યમાન છે એ આપણે બધા જાણીએ છીએ. એ ગોળાકાર પૃથ્વીના ઉપરી હિસ્સાને આપણે ઉત્તરી ભાગ અને નીચલા હિસ્સાને દક્ષિણ ભાગ તરીકે ઓળખીએ છીએ જ્યાં મહદંશે સમુદ્ર છે. તો હવે આ બન્નેની વચ્ચે જે ભાગ છે એ સ્વાભાવિક રીતે જ મધ્ય હિસ્સો ગણાય જ્યાં સમુદ્ર અને ભૂભાગ બન્ને આવેલા છે. ગણતરી ખાતર આપણે આ મધ્યભાગમાં એક રેખા અંકિત કરી છે જેને આખું વિશ્વ ભૂમધ્યરેખા તરીકે ઓળખાવે છે. આપણે સ્કૂલમાં ભૂગોળ ભણ્યા ત્યારે એને વિષુવવૃત્ત રેખા કહેતા. હવે આ ભૂમધ્યરેખાનું એક બિંદુ પકડીને એની બન્ને તરફ નજર કરીએ તો પ્રશાંત મહાસાગર એટલે કે પૅસિફિક સમુદ્રની પૂર્વ તરફ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા આવેલાં છે અને પશ્ચિમ તરફ ઇન્ડોનેશિયા, ઑસ્ટ્રેલિયા અને ત્યાંથી આગળ વધતા એશિયા ભારત જેવા દેશો આવેલા છે. આટલું બેઝિક યાદ કરી લઈએ તો એલ નીન્યો આપણને વધુ સટીક રીતે સમજાશે.
શું છે એલ નીન્યો?
એલ નીન્યો શું છે અને કઈ રીતે સર્જાય છે? તો વાતાવરણની સામાન્ય પરિસ્થિતિમાં રૂટીન કંઈક એવું હોય છે કે પૅસિફિક સમુદ્રની પૂર્વ તરફ એટલે કે દક્ષિણ અમેરિકા તરફ સમુદ્રના પાણીનું તાપમાન નીચું હોય છે એટલે કે એ હિસ્સાનું પાણી ઠંડું હોય છે. હવે જેમ-જેમ આપણે દક્ષિણ અમેરિકાથી એટલે કે પ્રશાંત મહાસાગરની પૂર્વ તરફથી પશ્ચિમ તરફ આવતા જઈએ એટલે કે ઑસ્ટ્રેલિયા-ઇન્ડોનેશિયા તરફ તો એ જ સમુદ્રના પાણીનું ટેમ્પરેચર વધતું જાય છે. એટલે કે ઇન્ડોનેશિયા-ઑસ્ટ્રેલિયાના સમુદ્રનું પાણી પૂર્વના પાણી કરતાં ગરમ હોય છે. આ તફાવત લગભગ ૦.૫૦ ડિગ્રીથી ૧.૫ ડિગ્રી જેટલો હોય છે. ટૂંકમાં, દક્ષિણ અમેરિકાના સમુદ્રની સરખામણીએ ઑસ્ટ્રેલિયા તરફનું પાણી ગરમ હોય છે.
બસ, અહીંથી શરૂ થાય છે એક વૈજ્ઞાનિક પ્રક્રિયા. સાવ સરળ ભાષામાં સમજીએ તો દક્ષિણ અમેરિકાના સમુદ્રનું પાણી ઠંડું હોય એટલે સ્વાભાવિક છે કે ત્યાંની હવા પણ ઠંડી હોવાની. ઠંડી હવાનો મતલબ વધુ ડેન્સિટી એટલે કે વધુ પ્રેશર સર્જનારું વાતાવરણ. હવે એટલું સામાન્ય વિજ્ઞાન તો આપણે બધા જાણીએ છીએ કે ઠંડી હવા નીચે રહે છે અને ગરમ હવા હલકી હોવાને કારણે ઊર્ધ્વગમન કરે છે. અર્થાત્, દક્ષિણ અમેરિકાથી સાવ ઊલટું ઇન્ડોનેશિયા-ઑસ્ટ્રેલિયા તરફ. સમુદ્રનું પાણી ગરમ આથી હવા પણ ગરમ અને ગરમી વધુ એટલે હવાનું પ્રેશર પણ ઓછું. આથી સામાન્ય રીતે થાય છે શું? વધુ પ્રેશરવાળી હવા ઓછા પ્રેશરવાળી હવા તરફ વહે જેથી પ્રેશરનું કુદરતી રીતે સંતુલન જળવાઈ રહે. અર્થાત્, દક્ષિણ અમેરિકા તરફથી ઠંડી હવા ઇન્ડોનેશિયા અને ઑસ્ટ્રેલિયા તરફ આવે અને ત્યાંની ગરમ હવાને ઠંડી રાખવાનો પ્રયત્ન કરે. એમ કહીએ તો ચાલે કે આ કુદરતી પ્રક્રિયા જ આપણે ત્યાં ચોમાસું લઈને આવે છે. ગરમ હવા વરાળ બની ઉપર ઊઠે અને દક્ષિણ પૅસિફિકથી આવતી ઠંડી હવાને કારણે એ ઠંડી થતાં ભેજનું સર્જન થાય અને પાણી ભરેલાં વાદળો સર્જાય જે વરસાદ સ્વરૂપે આપણને બધાને સંતુષ્ટ કરે.
એલ નીન્યો - નામકરણ કઈ રીતે થયું?
કહેવાય છે કે સત્તરમી સદીની આસપાસના સમયમાં દક્ષિણ અમેરિકાના માછીમારોએ સમુદ્રી ફેરફાર માટે પહેલી વાર આ શબ્દ વાપર્યો હતો. આ એક સ્પૅનિશ શબ્દ છે જેનો અર્થ થાય છે નાનું બાળક અથવા જીઝસનું બાળક.
વાત કંઈક એવી છે કે પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક ઓશનના દક્ષિણ તરફના હિસ્સાનું પાણી પ્રમાણમાં ઠંડું હોવાને કારણે અલગ-અલગ પ્રકારના સમુદ્રી જીવો બાબતે ત્યાંનો સમુદ્ર ખૂબ ફળદ્રુપ છે. આથી ત્યાં મચ્છીમારીનો ધંધો વર્ષો પહેલાંથી ખૂબ ફૂલ્યોફાલ્યો હતો. એવામાં સત્તરમી સદીની આસપાસ માછીમારોએ નોંધ્યું કે ક્રિસમસની પહેલાં-પહેલાંનો સમય એટલે કે જૂન-જુલાઈ-ઑગસ્ટ દરમ્યાન ઠંડી હવાઓ જે ગરમ હવાઓ તરફ વહેતી હતી અને એની સાથે સમુદ્રી જીવો પણ એ તરફ સફર કરતા અને છેક ઇન્ડોનેશિયા-ઑસ્ટ્રેલિયા સુધી જતા. જોકે કેટલાંક વર્ષોના અંતરાલે આ પરિસ્થિતિ ખોરવાતી અને ઠંડી હવાઓ ગરમ હવાઓ તરફ જવાને બદલે ગરમ હવાઓ ઠંડી હવા તરફ આવતી. એને કારણે અતિવૃષ્ટિ થતી, તોફાનો આવતાં, સુનામી સર્જાતી.
સમુદ્ર અને વાતાવરણની આ બદલાયેલી પરિસ્થિતિ ક્રિસમસના પહેલાં-પહેલાં સર્જાતી હોવાને કારણે તેમણે એને નામ આપ્યું એલ નીન્યો, અર્થાત્ ઈસાનું બાળક અથવા નાનું બાળક.
પવનની આપ-લે
આ એક સામાન્ય કુદરતી પ્રક્રિયા છે જેને આપણે એક નામ આપ્યું છે - ‘ટ્રેડ વિન્ડ્સ!’ અર્થાત્ પોતાની ઠંડક ગરમ હવાઓ સાથે વહેંચતી હવા - ટ્રેડ વિન્ડ્સ. હવે આ આખી પ્રક્રિયાને ENSO તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ‘એલ નીન્યો સધર્ન ઓસિનેશન!’
ENSOનો ન્યુટ્રલ ફેઝ એટલે સામાન્ય પરિસ્થિતિ અર્થાત્ સામાન્ય ચોમાસું, પરંતુ આ સામાન્ય પરિસ્થિતિમાં કોઈ અડચણ ઊભી થાય એટલે કે હવા પોતાનું વહેણ બદલે. પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી હવા ક્યારેક પશ્ચિમથી પૂર્વ તરફ વહેવા માંડે અથવા રૅન્ડમ મૂવમેન્ટ કરવા માંડે તો આ આખીયે સાઇકલ ખોરવાય જાય છે. ઠંડી હવાઓ પશ્ચિમ તરફ વહીને ગરમ હવાને ઠંડી ન કરે અથવા નજીવા પ્રમાણમાં ઠંડી કરે અથવા કદાચ એવું બને કે રૅન્ડમ મૂવમેન્ટ્સને કારણે ટ્રેડ વિન્ડ્સ નબળા પડી જાય તો ક્યારેક આખી પ્રક્રિયા જ ઊલટી થઈ જાય. ગરમ હવા પૂર્વ તરફ વહેવા માંડે અને ઠંડી હવાને પણ ગરમ કરવા માંડે જેથી ત્યાં સમુદ્રના પાણીમાં અસામાન્ય પ્રેશર સર્જાય અને મોટી-મોટી લહેરો ઊઠવા માંડે અથવા અતિવૃષ્ટિ સર્જાય. જો આવું બને તો આખું વાતાવરણ અને એની સાઇકલ ખોરવાઈ જાય. સામાન્ય રીતે આવી ખોરવાયેલી પરિસ્થિતિ ૧૫ દિવસથી લઈને સાત-આઠ મહિના સુધી રહેતી હોય છે. આ ખોરવાયેલી સાઇકલને સમુદ્રવિદો બે અલગ નામથી ઓળખાવે છે : ૧. એલ નીન્યો (ગરમ વાતાવરણ) અને ૨. લા નીન્યો (ઠંડું વાતાવરણ).
હવે આપણને થશે કે આ તો પૅસિફિક સમુદ્રના પૂર્વ-દક્ષિણ અને પશ્ચિમ તરફના ભાગોની વાત છે તો ભારતને શું લેવાદેવા? ભૂગોળની સામાન્ય જાણકારીને કામે લગાડીશું તો સમજાશે કે ભારત આ બન્ને સિસ્ટમની મધ્યમાં આવેલો દેશ છે. (ઇન્ડોનેશિયા અને ઑસ્ટ્રેલિયા આપણાથી દક્ષિણ-પૂર્વ તરફ આવેલા છે.) અર્થાત્, આ સાઇકલના ખોરવાવાની સૌથી વધુ અસર તો આપણને જ થાય છે.
એલ નીન્યો અને ચોમાસું
તો થાય છે કંઈક એવું કે ઠંડી હવા જે ગરમ હવાને ઠંડી કરીને વરસાદી વાદળોનું સર્જન કરે અને ભારત તરફ એ વાદળોને વહાવી લાવીને ચોમાસાનું સર્જન કરે છે એ આખી સિસ્ટમ આ વખતે પણ ખોરવાઈ છે. સમુદ્રવિજ્ઞાનીઓને એવો ડર છે કે એલ નીન્યોને કારણે ભારત તરફ ઊડીને આવતાં વરસાદી વાદળો સર્જાય જ નહીં અથવા ખૂબ ઓછાં સર્જાય તો? અને દક્ષિણ અમેરિકા તરફ એવાં વરસાદી વાદળો સર્જાય જે અતિવૃષ્ટિથી લઈને તોફાન જેવી પરિસ્થિતિનું સર્જન કરી નાખે તો?
વાદળોનું સર્જન નહીં અર્થાત્ ચોમાસાનો વરસાદ નહીં અને ચોમાસાનો વરસાદ નહીં અર્થાત્ ગરમીનો કાળો કેર, કારણ કે જે સમુદ્રી ઠંડી હવા આવીને આપણી ગરમ હવાઓને ઠંડી કરતી હતી એ આ તરફ આવી જ નથી રહી. ઊલટાનું આપણા તરફની ગરમ હવા એ તરફ જઈને ત્યાંની ઠંડી હવાને પણ ગરમ કરી રહી છે.
૨૭ એલ નીન્યો આવ્યા અને ગયા
એક સામાન્ય જાણકારી એવી છે કે એલ નીન્યો જેવી પરિસ્થિતિ દર પાંચથી ૭ વર્ષે સર્જાય છે. NASAના રિપોર્ટ અનુસાર વીસમી સદીમાં હમણાં સુધીમાં કુલ ૨૭ વખત એલ નીન્યો આવ્યાં છે. દર વખતનું એલ નીન્યો પોતાની સાથે અલગ-અલગ પ્રકારની કસોટીઓ અને પરિણામ લઈને આવ્યું છે અને વિશ્વના અનેક દેશોમાં એણે માઠી અસરો છોડી છે. જોકે એક સાર્વત્રિક અસર રહી છે અને એ છે અર્થવ્યવસ્થાને મોટું નુકસાન.
એમાં વળી આ વખતના એલ નીન્યોને તો ઓશનોગ્રાફર્સ ‘સુપર એલ નીન્યો’ અથવા ‘ગૉડઝિલા એલ નીન્યો’ તરીકે ગણાવી રહ્યા છે. નજીકના ભૂતકાળની વાત કરીએ તો આવાં મહાકાય એલ નીન્યો ૩ વાર આવ્યાં છે : ૧૯૮૨-’૮૩માં, ત્યાર બાદ ૧૯૯૭-’૯૮માં અને છેલ્લે ૨૦૧૫-’૧૬માં. કહેવાય છે કે આ વર્ષો દરમ્યાન ભૂખમરા અને દુકાળને કારણે થયેલાં મૃત્યુના સાચા આંકડા હજી સુધી ક્યારેય બહાર આવ્યા જ નથી.
૧૯૮૨-’૮૩નો કાળો કેર
એ વખતે એલ નીન્યોમાં ઑસ્ટ્રેલિયા, આફ્રિકા અને ઇન્ડોનેશિયામાં જબરદસ્ત દુકાળની પરિસ્થિતિ સર્જાઈ હતી. રેતીનાં મેદાનોમાં તોફાનો ઊઠવાં એ જાણે એ સમયે રોજની વાત થઈ ગઈ હતી. ગરમી એટલી વધી ગઈ હતી કે ઑસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાનાં જંગલોમાં આપોઆપ આગ ફાટી નીકળતી હતી તો બીજી તરફ સાઉથ અમેરિકાનો પેરુ વિસ્તાર હતો જ્યાં આખા વર્ષમાં અંદાજે માત્ર ૬ ઇંચ વરસાદ પડે છે ત્યાં સરેરાશથી બાવીસગણો વધુ વરસાદ પડ્યો હતો જેને કારણે એ વિસ્તારનાં અનેક ગામ એકઝાટકે બરબાદ થઈ ગયાં હતાં.
ફ્રેન્ચ પોલિનેશિયામાં ડિસેમ્બર ૧૯૮૨થી એપ્રિલ ૧૯૮૩ દરમ્યાન કુલ ૬ સાઇક્લોન આવ્યાં હતાં, જ્યારે હવાઈમાં એવાં હરિકેન સર્જાયાં હતાં કે ૨૩ વર્ષમાં ક્યારેય એવાં તોફાનો આવ્યાં નહોતાં. એક અંદાજ અનુસાર ૧૯૮૨-’૮૩ના એ એલ નીન્યોને કારણે વિશ્વભરમાં કુલ ૪.૧ ટ્રિલ્યન ડૉલરનું નુકસાન થયું હતું. અર્થાત્, ભારતની હાલની કુલ GDP જેટલું નુકસાન વિશ્વમાં નોંધાયું હતું. અનૌપચારિક આંકડાઓ સાચા માનીએ તો કહેવાય છે કે આ એલ નીન્યોને કારણે વિશ્વભરમાં કુલ પચીસથી ૩૦ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.
૧૯૯૭-’૯૮નો દુકાળ
આ વર્ષમાં સુપર એલ નીન્યો આવ્યું જેને વિશ્વના ઇતિહાસમાં હમણાં સુધીમાં ઘટેલી સૌથી મોટી અને સૌથી ભયાનક પ્રાકૃતિક ઘટના તરીકે ગણાવાય છે. કહેવાય છે કે આ એકમાત્ર એલ નીન્યોએ આખા વિશ્વનું ૧.૫ ડિગ્રી ટેમ્પરેચર વધારી દીધું હતું. (એક સ્ટડી એવું કહે છે કે ૧૯૫૦થી લઈને હમણાં સુધી દર એક દશકમાં પૃથ્વીનું તાપમાન ૦.૦૬ ડિગ્રી વધે છે. અર્થાત્, પૃથ્વીનું જેટલું તાપમાન આગળ પચીસ દશકમાં વધવાનું હતું એટલું આ એકમાત્ર એલ નીન્યોએ વધારી દીધું હતું.) ૧૯૯૭-’૯૮ના એ એલ નીન્યોએ આખા વિશ્વની ૧૬ ટકા જેટલી સમુદ્રી કોરલ રીફ્સ સિસ્ટમને મારી નાખી હતી. ઇન્ડોનેશિયામાં લગભગ પાંચ લાખ હેક્ટરમાં ફેલાયેલી ખેતી નષ્ટ થઈ ગઈ હતી. ગરમીને કારણે જંગલોમાં અવારનવાર આગ લાગી જતી જેને કારણે અંદાજે ૯૭ લાખ હેક્ટર જેટલી જંગલની જમીન બળીને ખાક થઈ ગઈ હતી, ૫૦ લાખ કરતાં વધુ લોકોને ખાવાના સાંસા પડવા માંડ્યા હતા. નુકસાન કેટલું મોટું હતું એનો અંદાજ માત્ર આ એક આંકડાથી જ આવી જાય એમ છે.
અંદાજ કહે છે કે આ એલ નીન્યોને કારણે વિશ્વભરમાં ૫.૨૭ ટ્રિલ્યન કરોડનું નુકસાન થયું હતું. ભારતમાં પણ એ સમયે ૧૪ ટકા જેટલો ઓછો વરસાદ થયો હતો અને દેશનાં અનેક રાજ્યોમાં દુકાળની પરિસ્થિતિ સર્જાઈ હતી. એકલા ભારતમાં જ ૩૩૦ મિલ્યન લોકો અસરગ્રસ્ત થયા હતા. ભારતના રીસન્ટ ઇતિહાસમાં દુકાળની આ સૌથી મોટી પરિસ્થિતિ હતી જેમાં સરકારે ડિઝૅસ્ટર ફન્ડમાંથી ૧૩,૫૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ આ અસરગ્રસ્ત રાજ્યોમાં આપવી પડી હતી.
ભારત અને એલ નીન્યો
૧૫૦ કરોડની વસ્તી ધરાવતા આપણા દેશમાં એક મોટી વર્કફોર્સ ખેતીક્ષેત્રે કામ કરે છે. વિશ્વમાં ખેતપેદાશોના ઉત્પાદક તરીકે આપણે મોખરાના સ્થાને છીએ. આપણી અનેક ખેતપેદાશો એવી છે જે વરસાદ આધારિત છે. ચોખા, મકાઈ, જુવાર, બાજરો, તુવર, મગ, અળદ, સોયાબીન, કપાસ, શેરડી જેવી અનેક ખેતપેદાશો ચોમાસા પર અવલંબિત છે. સ્વાભાવિક છે કે આવી અનેક ખેતપેદાશોને મોટું નુકસાન થઈ શકે. ક્યાં તો પાક લેવાય જ નહીં અને જો લેવાય તો એમાં ઊપજ એટલી થાય નહીં, કારણ કે જરૂરિયાત પ્રમાણેનો વરસાદ જ ન પડે.
અંદાજ અને આંકડાઓ કહે છે કે આ વખતે સુપર એલ નીન્યોની પરિસ્થિતિ ભારતમાં પણ કોહરામ મચાવશે. એના અંદાજિત આંકડાઓ પણ બહાર આવવા માંડ્યા છે. ઇન્ડિયા મિટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) કહી રહ્યું છે કે આ વખતે ચોમાસામાં વરસાદ સરેરાશ કરતાં ૮ ટકા જેટલો ઓછો થશે. વાસ્તવિકતા એના પુરાવા પણ આપવા માંડી છે. ચોમાસું દક્ષિણ ભારતમાં પ્રવેશી તો ચૂક્યું છે, પરંતુ આગળ વધવામાં મંદ પડી ગયું છે. વર્તમાન રિપોર્ટ્સ કહી રહ્યા છે કે મંદ પડેલી હવા ચોમાસાનાં વાદળોને આગળ ધકેલી નથી રહી અને કર્ણાટક-ગોવા જેવા વિસ્તારોથી આગળની ગતિ અત્યંત ધીમી પડી ગઈ છે જેને કારણે મહારાષ્ટ્ર-મુંબઈમાં ચોમાસું હજી આઠથી ૧૦ દિવસ મોડું આવશે.
દેશના ઉત્તરી ભાગમાં દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે એની શક્યતા ૩૦ ટકા સુધી વધારી દેવામાં આવી છે એવું હાલના અભ્યાસ દર્શાવી રહ્યા છે. એમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યો આવે છે. કહે છે કે આ વર્ષે જૂન મહિનામાં વરસાદ તો પડશે, પરંતુ ત્યાર બાદ ફરી વરસાદ નહીંવત્ રહીને ગરમીનું પ્રમાણ એટલું વધશે કે જાણે એક્સ્ટેન્ડેડ ઉનાળો હોય.
ગરમીનો પ્રકોપ શહેરો અને ગામડાંઓમાં વધુ ને વધુ આકરો બનશે. આપણે હવે ઝાડ, છોડ જેવું તો કશું રાખ્યું નથી. વિકાસ-વિકાસ કરતાં-કરતાં હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે. આ સૃષ્ટિમાં વૃક્ષ એ એવા આશીર્વાદ છે જે પોતાનામાં તો પાણીનો સંગ્રહ કરે જ છે, સાથે જ જમીનમાં પણ પાણીનો સંગ્રહ કરે છે. વળી એનાં પાંદડાં અને લીલો ઘેરાવો આસપાસના વાતાવરણને ઠંડક આપે છે, ઑક્સિજન દ્વારા જીવન આપતાં રહે છે. એલ નીન્યો જેવી પરિસ્થિતિ સર્જાય, વરસાદ તો નહીં જ પડે. ઊલટાનાં જેટલાં ઝાડ-પાન બચ્યાં હોય એ પણ સુકાવા માંડે. ગરમીનો પારો એ હદ સુધી વધી જવાની શક્યતા છે કે ભારતમાં પણ જંગલોમાં આગ ફાટી નીકળવા જેવી ઘટનાઓ બની શકે.
સતત થતા રહેતા ખનન, વૃક્ષોની કાપણી અને બોરિંગની સાથે જ હવે કૉન્ક્રીટનાં ઊભાં થતાં જંગલોને કારણે જમીનની અંદર પણ પાણીનું સ્તર એટલું નીચે જવા માંડ્યું છે કે જમીન ગરમી ઍબ્સૉર્બ કરી જ શકતી નથી. એમાં વળી વરસાદ સ્વરૂપે જે કંઈ થોડુંઘણું પાણી વરસે છે એ પણ વહી જાય છે, એનો સંગ્રહ થતો નથી.
પરિણામસ્વરૂપ ગરમી એટલી વધી જઈ શકે કે બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય, ચામડી બાળી નાખશે એવું લાગવા માંડે. શરીરમાંથી હાઇડ્રેશન-લેવલ ઓછું થાય અને ચક્કર આવવાથી લઈને આંખે અંધારાં આવવા, તાવ આવવો કે ઊલટીઓ થવી, બેભાન થઈ જવું જેવી અનેક શારીરિક તકલીફો થઈ શકે.
૨૦૧૫-’૧૬માં રોગચાળો
આ સમય તો હજી હમણાં નજીકનો જ ભૂતકાળ છે. યાદ છે, વર્ષના અંત ભાગમાં અચાનક દક્ષિણ ભારતમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને લગભગ ૫૦૦ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો? એટલું જ નહીં, દેશના મોટા ભાગના હિસ્સાઓમાં ચિકનગુનિયા, ડેન્ગી અને મલેરિયા જેવી બીમારીઓ ફેલાઈ હતી. ભારતમાં અંદાજે ૨૩૦૦ લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું કહેવાય છે. બીજી તરફ ફ્રાન્સમાં ૩૩૦૦ અને પાકિસ્તાનમાં ૧૩૦૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું નોંધાયું છે.
કહેવાય છે કે ૨૦૧૫-’૧૬ના એ એલ નીન્યોએ વિશ્વ આખામાં બીમારીઓનો પીક પૉઇન્ટ સરજ્યો હતો. એક તરફ બ્રાઝિલ અને સાઉથ ઈસ્ટ એશિયામાં ડેન્ગી ફેલાયો હતો તો ટાન્ઝાનિયામાં કૉલેરાની બીમારી મહામારી બની હતી. બીજી તરફ અમેરિકાના સાઉથ વેસ્ટ વિસ્તારોમાં પ્લેગ અને હન્તા વાઇરસ તો વળી ક્યાંક રિફ્ટ વૅલી ફીવર અને ઝીકા વાઇરસે લાખો લોકોના જીવ લીધા હતા.