સુપરસ્ટાર રાજેશ ખન્નાએ ‘બૉબી’ના શૂટિંગ દરમ્યાન રાજ કપૂરને માનસિક રીતે ખૂબ જ પરેશાન કર્યા હતા

01 October, 2022 04:13 PM IST  |  Mumbai | Rajani Mehta

એ દિવસોમાં રાજેશ ખન્નાના નામની આગળ સુપરસ્ટારનું લેબલ લાગી ચૂક્યું હતું એટલે તેના મૂડના કિસ્સાઓ ધીમે-ધીમે લોકોમાં ચર્ચાનો વિષય બનતા જતા હતા

ફાઇલ તસવીર

‘બૉબી’ના શૂટિંગ દરમ્યાન જ ડિમ્પલ કાપડિયા શ્રીમતી રાજેશ ખન્ના બની ગઈ એ ઘટના રાજ કપૂર માટે અણધારી હતી, છતાં તેમણે મોટું મન રાખીને હકીકતનો સ્વીકાર કરી લીધો અને નવદંપતી માટે ચેમ્બુર બંગલાના ખુલ્લા મેદાનમાં એક વિશાળ પાર્ટીનું આયોજન કર્યું. જોકે તેમના મનમાં એક વાતનો ડર હતો કે હવે શૂટિંગ માટેની ડેટ્સ લેવામાં તકલીફ પડશે. અત્યાર સુધી તો ફિલ્મની હિરોઇન તેમના કહ્યામાં હતી, પરંતુ તેના પરનો સંપૂર્ણ કન્ટ્રોલ હવે રાજેશ ખન્નાના હાથમાં હતો. આ વિચારમાત્રથી રાજ કપૂર નાની-નાની વાતમાં તેમની ધીરજ ખોઈ બેસતા. આ કારણે નજીકના સાથીઓ સાથે જ નહીં, પણ અજાણ્યા માણસો સાથેનું તેમનું વર્તન તોછડાઈભર્યું રહેતું. ખાસ કરીને શરાબના સેવન બાદ તેમનો ગુસ્સો કાબૂ બહાર થઈ જતો. તેમને ન્યાય આપવા ખાતર એટલું કહેવું જરૂરી છે કે તેમનો ડર વાજબી હતો, કારણ કે થોડા દિવસમાં તેમને એક એવો અનુભવ થયો જે અકલ્પનીય હતો.                                                       

એ દિવસોમાં રાજેશ ખન્નાના નામની આગળ સુપરસ્ટારનું લેબલ લાગી ચૂક્યું હતું એટલે તેના મૂડના કિસ્સાઓ ધીમે-ધીમે લોકોમાં ચર્ચાનો વિષય બનતા જતા હતા. એક દિવસ રાજ કપૂરને ખબર પડી કે રાજેશ ખન્ના જે. ઓમપ્રકાશની ફિલ્મના શૂટિંગ માટે ડિમ્પલ સાથે કાશ્મીર ગયા છે. ‘બૉબી’નું એક દિવસનું શૂટિંગ કાશ્મીરમાં કરવાનું બાકી હતું એટલે રાજ કપૂરે જે. ઓમપ્રકાશને વિનંતી કરી હતી કે જ્યારે તેઓ રાજેશ ખન્ના સાથે કાશ્મીરના શૂટિંગનું શેડ્યુલ નક્કી કરે ત્યારે એક દિવસ માટે તેમના કૅમેરા, લાઇટિંગ ઇક્વિપમેન્ટ અને બીજાં સાધનો વાપરીને ‘બૉબી’નું શૂટિંગ પૂરું કરશે. 

સમાચાર મળતાં જ રાજ કપૂરે કાશ્મીર હોટેલમાં રાજેશ ખન્નાને કૉલ કર્યો જેથી ડિમ્પલના એક દિવસના શૂટિંગ માટે રિક્વેસ્ટ કરી શકે. તેમણે એક નહીં, બે નહીં; પણ ત્રણ કૉલ કર્યા પરંતુ રાજેશ ખન્નાએ ફોન ઉપાડવાની તસ્દી ન લીધી એટલું જ નહીં, સામો ફોન કરવાની જરૂર ન સમજી. રાજ કપૂરે ગુસ્સે થઈને ચુનીભાઈને ફોન પર ખખડાવી નાખતાં એટલું જ કહ્યું, ‘કાશ્મીરમાં બેઠેલા તમારા જમાઈને કહો કે હું હમણાં જ નીકળું છું અને કાશ્મીર પહોંચું છું.’

શૂટિંગ માટે જરૂરી થોડા ટેક્નિશ્યન્સને લઈને રાજ કપૂર શ્રીનગર પહોંચ્યા. ઍરપોર્ટથી સીધા તે રાજેશ ખન્નાની હોટેલે પહોંચ્યા. રાજ ભતીજા સાથે ડ્રિન્ક લેતા તે રાજેશ ખન્નાની શૂટિંગ પરથી પાછા આવવાની રાહ જોતા હતા. તેમને હતું કે હવે સામસામે વાત થઈ જશે, પરંતુ સુપરસ્ટારના મૂડનો તેમને આજે પરચો મળવાનો હતો. શૂટિંગ પરથી પાછા ફરતા રાજેશ ખન્નાને ખબર પડી કે રાજ કપૂર તેમની રાહ જોતા હોટેલના બારમાં બેઠા છે. એટલે તે બારમાં જવાને બદલે શર્મિલા ટાગોરના રૂમમાં ગપ્પાં મારવા બેસી ગયા અને ત્યાંથી રાજ કપૂરને મળ્યા વિના, બારોબાર ઍરપૉર્ટ જવા નીકળી ગયા. 

રાજ કપૂર જેવા મહાન ફિલ્મમેકરના સ્વમાન પર આટલો મોટો તમાચો કદાચ આજ સુધી કોઈએ નહોતો માર્યો. તેમના માટે આ અપમાનનો ઘૂંટડો ગળ્યા વિના છૂટકો નહોતો. જોકે તેમના માટે આશ્વાસનની વાત એ હતી કે ડિમ્પલ હજી કાશ્મીરમાં જ હતી. ચુનીભાઈ એ ઘટનાનો ઉલ્લેખ કરતાં કહે છે, ‘કાકા (રાજેશ ખન્નાનું હુલામણું નામ) સ્વભાવે ખૂબ જ પઝેસિવ હતો. તેના મનમાં શંકા હતી કે રિશી અને ડિમ્પલ અેકમેકના પ્રેમમાં હતાં. એ કારણે તેનું આવું વર્તન હોઈ શકે. મિત્ર રાજ ભતીજા અને તેની પત્નીની હાજરીમાં ડિમ્પલ સલામત છે એવું તેને લાગ્યું હશે. જે હોય તે, એ હકીકત છે કે ‘બૉબી’ના બાકીના શૂટિંગમાં તેણે રાજ કપૂરને ઘણા હેરાન કર્યા.’ 

રાજ કપૂર માટે હજી મોટો આંચકો બાકી હતો. ‘બૉબી’ના શૂટિંગ દરમ્યાન જ ડિમ્પલ પ્રેગ્નન્ટ બની. રાજ કપૂર ડિમ્પલને એક ટીનેજર તરીકે દર્શકો સમક્ષ રજૂ કરવાના હતા. ‘Rich Girl meets poor Boy’ની જૂની અને જાણીતી ફૉર્મ્યુલા પર બે ટીનેજર્સની ‘લવ સ્ટોરી’ પર આધારિત ‘બૉબી’ની પબ્લિસિટી માટે આ મોટો ઝટકો હતો. રાજ કપૂર મનોમન વિચારતા હશે કે કેવા મુરતમાં તેમણે આ ફિલ્મ શરૂ કરી હશે કે તેમનાં સપનાનાં વાવેતર ખૂબસૂરત બનવાને બદલે કાંટાની વાડ બનતાં જાય છે. 

ફિલ્મ પૂરી થઈ અને રાજ કપૂરે નિરાંતનો શ્વાસ લીધો. કહેવાય છેને કે ઈશ્વરના દરબારમાં દેર છે પણ અંધેર નથી. ‘બૉબી’ તેમના માટે લકી સાબિત થઈ. રાજ કપૂર એક સિદ્ધહસ્ત પ્રોડ્યુસર-ડિરેક્ટર હતા. જે લોકોએ ફિલ્મનો પ્રિવ્યુ જોયો હતો તેઓ બે મોઢે ગ્રેટ શોમૅનની કારીગરીનાં વખાણ કરતા હતા. એ વાતનો ઇનકાર ન થાય કે ‘બૉબી’ બનાવતી વખતે રાજ કપૂરે કેવળ અને કેવળ દર્શકોના મનોરંજન સિવાય બીજી કોઈ વસ્તુનો વિચાર નહોતો કર્યો. આરકેની ટ્રેડિશનની વિપરીત આ ફિલ્મમાં કોઈ પણ જાતનો સામાજિક કે સંવેદનાસભર સંદેશ આપવાનો રાજ કપૂરે લેશમાત્ર પ્રયત્ન કર્યો નહોતો. એક વસ્તુ નક્કી હતી, ટેક્નિકલી ફિલ્મ અદ્ભુત રીતે રજૂ થઈ હતી. જાણકારોનું કહેવું હતું કે રાજ કપૂરે આજ સુધી આ પ્રકારનાં ‘સૉન્ગ પિક્ચરાઇઝેશન’ કોઈ ફિલ્મમાં નથી કર્યાં. ડિસ્ટ્રિબ્યુટર્સ ફિલ્મની ટ્રાયલ જોઈને એકી અવાજે બોલ્યા, ‘આ ફિલ્મ હિટ છે.’

જ્યારે લોકો તમારી વાહ-વાહ કરતા હોય ત્યારે જ દુનિયાએ આપેલા ઘા તાજા થતા હોય છે. આર. કે. સ્ટુડિયોના કૉટેજમાં રાજ કપૂર બેઠા છે. તેમને કંપની આપવા કેવળ મેકઅપ મૅન સરોશ મોદી છે. ધ્રુસકે-ધ્રુસકે રડતાં રાજ કપૂર તેને કહે છે, ‘મારે આ દિવસો જોવા પડશે એની મને કલ્પના નહોતી. દુનિયા મને ‘ગ્રેટ શોમૅન` કહે છે. આજ સુધી મારી ફિલ્મો મેં ડિસ્ટ્રિબ્યુટર્સને દેખાડયા વિના મોંમાગી કિંમતે વેચી છે. ‘મેરા નામ જોકર’ શું નિષ્ફળ ગઈ અને સઘળું બદલાઈ ગયું. હવે આ લોકો પહેલાં ફિલ્મ જોવા માગે છે અને પછી એની કિંમત નક્કી કરે છે.’

‘મેરા નામ જોકર’ સુધી રાજ કપૂર અને ડિસ્ટ્રિબ્યુટર્સ વચ્ચે લાંબા સમયના ઘનિષ્ઠ  સંબંધો હતા. ‘બૉબી’ પછી પૂરું ચિત્ર બદલાઈ ગયું. મોટા ભાગના નવા ડિસ્ટ્રિબ્યુટર્સ આવ્યા એટલું જ નહીં, ‘બૉબી’થી એક નવા સમીકરણની શરૂઆત થઈ. જે ડિસ્ટ્રિબ્યુટર સૌથી વધુ કિંમત આપે તેને ફિલ્મના રાઇટ્સ મળવા લાગ્યા. 

રાજ કપૂરે ‘બૉબી’નું પ્રીમિયર મુંબઈના મેટ્રો થિયેટરમાં કરવાનું નક્કી કર્યું. ફિલ્મની પ્રી-પબ્લિસિટી એટલી જોરદાર હતી કે દર્શકો આતુરતાથી હિરોઇનને નજરોનજર જોવા માટે ઉતાવળા હતા. ૨૩ સપ્ટેમ્બર, ૧૯૭૩ની રાતે ફિલ્મનું પ્રીમિયર હતું. એ સમયે ડિમ્પલ સાત મહિનાની પ્રેગ્નન્ટ હતી. તેના શરીર પર આવનાર માતૃત્વ સાફ-સાફ દેખાઈ આવતું હતું. 

આજ સુધી એ વાતનો કોઈ પાસે જવાબ નથી કે એ રાતે ડિમ્પલ શા માટે પ્રીમિયરમાં હાજર નહોતી. શું રાજ કપૂરે તેને ના પાડી કે તેની હાજરીથી દર્શકોમાં એક ટીનેજર હિરોઇનની જે ઇમેજ રાજ કપૂર ઊભી કરવા માગતા હતા એને નુકસાન થશે કે પછી રાજેશ ખન્નાએ મના કરી હશે કે પછી ખુદ ડિમ્પલે આ નિર્ણય કર્યો હશે? 

‘બૉબી’ બૉક્સ-ઑફિસ પર સુપરડુપર હિટ ફિલ્મ બની. રાજ કપૂર માટે આ ફિલ્મ ટંકશાળ સાબિત થઈ. ફરી એક વાર એક સફળ ફિલ્મમેકર તરીકે રાજ કપૂરની ઇમેજ એસ્ટાબ્લિશ થઈ. તેમનો અહમ, તેમનો સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સ તેમની પાસે પાછો આવ્યો. એ અલગ વાત છે કે તે જાણતા હતા કે એક ફિલ્મમેકર તરીકે તેમની વિચારસરણી સાથે તેમણે અનેક સમાધાન કર્યાં છે. 
એટલે જ જ્યારે નર્ગિસે આ ફિલ્મ જોઈને કમેન્ટ કરી કે ‘બૉબી’ એક વાહિયાત ફિલ્મ છે ત્યારે તેમના મનમાં એટલો સંતોષ થયો હશે કે તેમની પ્રેરણામૂર્તિ સાચું કહેવાની હિંમત ધરાવે છે. 

columnists