બીજું કંઈ નહીં આપો તો ચાલશે, પણ બાળકોને હેલ્ધી રહેવાના સંસ્કાર ભૂલ્યા વિના આપજો

23 May, 2022 07:46 PM IST  |  Mumbai | Rashmin Shah

‘ઇન્ડિયાવાલી માૅં’, ‘થપકી’, ‘કુમકુમ ભાગ્ય’ જેવી સિરિયલો અને અઢળક ઍડ-ફિલ્મ કરી ચૂકેલા ઍક્ટર-મૉડલ અભિષેક કુમારની સલાહ શું કામ મહત્ત્વપૂર્ણ છે એ જાણવાની જરૂર છે

બીજું કંઈ નહીં આપો તો ચાલશે, પણ બાળકોને હેલ્ધી રહેવાના સંસ્કાર ભૂલ્યા વિના આપજો

‘ઇન્ડિયાવાલી માૅં’, ‘થપકી’, ‘કુમકુમ ભાગ્ય’ જેવી સિરિયલો અને અઢળક ઍડ-ફિલ્મ કરી ચૂકેલા ઍક્ટર-મૉડલ અભિષેક કુમારની સલાહ શું કામ મહત્ત્વપૂર્ણ છે એ જાણવાની જરૂર છે. અભિષેક કહે છે, ‘નાનપણમાં મળેલા સારા ગુણો લાઇફટાઇમ યાદ રહેતા હોય છે તો પછી અત્યારથી જ આપણે બાળકોને એવું ન શીખવીએ કે જેથી એ હેલ્ધી રહેવા માટે સજાગ બને?’

મારા પપ્પા ડૉક્ટર છે એટલે નૅચરલી જ ઘરમાં થોડુંક હેલ્ધી વાતાવરણ હતું. કૉલેજ શરૂ થઈ પછી મારા પપ્પાએ ફિટનેસ પર મને મોટું લેક્ચર આપેલું અને પછી રોજ સવારે સાડાપાંચ વાગ્યે મને ઉઠાડીને તેઓ પણ મારી સાથે વર્કઆઉટ માટે આવતા. મને દોડાવતા તો ક્યારેક અમે કોઈ સ્પોર્ટ્‍સ રમતા. એ સમયે મને મારા ફાધર પર સખત ખીજ ચડતી. જોકે આજે મને લાગે છે કે તેઓ દુનિયાના શ્રેષ્ઠ ફાધર છે. આવી જ આદતો પિતા તરીકે તમારે તમારાં સંતાનોમાં કલ્ટિવેટ કરવી જાઈએ. 
માણસ બીજો કોઈ વારસો આપે કે ન આપે પણ હેલ્ધી આદતોનો વારસો તો તેણે નાનપણથી જ તેનાં સંતાનોને આપવો જોઈએ. એનું કારણ મારા પપ્પા પાસેથી મળેલી આદતો. આજે પણ મને ખૂબ કામ લાગે છે અને મને લાગે છે કે જિનેટિકલી જ હું પોતાને હેલ્ધી ફીલ કરું છું.
પંદર મિનિટ શવાસન અચૂક | માર્શલ આર્ટ મારી ફેવરિટ છે. બાળપણથી જ હું એમાં ટ્રેઇન્ડ છું અને આજે પણ રોજ માર્શલ આર્ટ માટે એકાદ કલાક ફાળવું છું. એ સિવાય ચાર દિવસ જુદી-જુદી ટાઇપનું વર્કઆઉટ જિમમાં કરું છું. ફિઝિકલી ઍક્ટિવ રહેવાનું દરેક માટે શક્ય છે. ઍટ લીસ્ટ રોજની ચાલીસ મિનિટ તો તમારે તમારી હેલ્થ માટે ફાળવવી જ જોઈએ. બીજી એક મહત્ત્વની બાબત હું કરું છું, જેનો મને બહુ લાભ થાય છે.
સવારે જાગ્યા પછી ગરમ પાણી પીવાનું અને પછી એક સફરજન ખાવાનું. આ મારું રૂટીન છે. આ રૂટીન પતાવ્યા પછી હું વીસ મિનિટ માટે શવાસનમાં સૂઈ જાઉં અને શરીરને રિલૅક્સ કરીને આખા દિવસમાં મારે શું કરવાનું છે અને એને હું શ્રેષ્ઠ રીતે કેવી રીતે કરી શકીશ એનું વિઝ્યુઅલાઇઝેશન કરતાં-કરતાં મેડિટેશન કરું. આ આદત બધાએ પાળવાની જરૂર છે. આ જે પંદર મિનિટ છે એ મારા આખા દિવસને જાણે કે ચાર્જ કરી દે છે. સવારે તમારું માઇન્ડ એકદમ ફ્રી હોય અને એનો સીધો લાભ મને થાય છે. બીજો ફાયદો એ થાય છે કે હું મારા દિવસ પાસેથી પૂરેપૂરો બેનિફિટ લઈ શકું છું અને મારે જેટલું કામ કરવું હોય એ બધાં કામ હું દિવસ દરમ્યાન પૂરાં કરું છું.
ઇટ્સ ઓકે નૉટ ટુ બી ઓકે | ‘ફેક ઇટ, અન્ટિલ યુ મેક ઇટ’ આ કહેવત તમે સાંભળી હશે. હું આ વાતનો તદ્દન વિરોધ કરું છું. તમારે તમારાં ઇમોશન્સને કે મેન્ટલ સ્ટેટને હાઇડ કરવાની જરૂર નથી. તમારે ખોટેખોટું હસવાની કે તમે સ્વસ્થ છો એવો દેખાડો કરવાની જરૂર નથી. ઇટ્સ ઓકે નૉટ ટુ બી ઓકે. આપણે ત્યાં મેન્ટલ હેલ્થને બિલકુલ મહત્ત્વ નથી અપાતું. એને ટૅબુની જેમ જોવામાં આવે છે. આ ઍટિટ્યુડ બદલાવો જોઈએ. 
તમે ક્યારેક દુખી હોઈ શકો, તમે ક્યારેક મૂડલેસ હોઈ શકો અને એ વિશે તમે તમારા નજીકના સર્કલ વિશે વાત કરી શકો એટલો તમારી પાસે સોશ્યલ સપોર્ટ હોવો જોઈએ. મારા ઘરમાં આ બાબતને લઈને પહેલેથી જ વોકલ વાતાવરણ રહ્યું છે. ઘરમાં કોઈ પણ દુખી કે ઉદાસ હોય તો એ કહી શકે અને તેને પરિવારના સભ્યો બહુ જ પૉઝિટિવલી સાંભળે. તમે જે પણ ફીલ કરતા હો એ કહેવા માટે એવા લોકો તમારી પાસે હોવા જોઈએ જે તમને જજ ન કરે એની તમને ખાતરી હોય. મારી દૃષ્ટિએ આ તમારી સૌથી કીમતી ઍસેટ છે. 
મેન્ટલ હેલ્થ જો બરાબર નહીં હોય તો ફિઝિકલ હેલ્થને બરાબર કરવી શક્ય જ નથી અને સાથે એ પણ એટલું જ સાચું છે કે જીવનના અમુક તબક્કામાં તમે મેન્ટલી ડિસ્ટર્બ થતા જ હો છો. જો તમે માણસ છો તો આ દરેક માટે સામાન્ય છે અને એને સ્વીકારીને એમાંથી બહાર આવવાના પ્રયાસ કરો. એનાથી ભાગવાનું કે એની સામે આંખ બંધ કરીને દેખાડો કરવાનું હેલ્ધી વ્યક્તિની નિશાની નથી. સાડાચાર વર્ષથી પરિવારથી દૂર હું મુંબઈમાં રહું છું. આ ગાળામાં એવો સમય આવ્યો છે જ્યારે હું પણ સૅડ હોઉં અને એ સમયને મેં પડકાર તરીકે સ્વીકારીને એનાં સમાધાનો શોધ્યાં છે. જીવનમાં આવતા કોઈ પણ સંકટમાંથી બહાર આવવા માટેનું પહેલું પગથિયું છે, એનો સ્વીકાર.

સ્માર્ટ ફૂડ-પ્લાનિંગ

સામાન્ય રીતે ખાવાની બાબતમાં હું બહુ ડિસિપ્લિન્ડ છું. બૅલૅન્સ્ડ ફૂડ લઉં છું અને નિયમિત ખાઉં છું, પરંતુ અઠવાડિયામાં બે મીલ એવાં હોય ત્યારે મને જે ખાવું હોય એ ખાઈ લઉં. બુધવારનું એક મીલ અને રવિવારનું એક મીલ એવાં હોય જેમાં મારી સાઇડથી કોઈ એટલે કોઈ જ બંધન નહીં. ક્વૉન્ટિટીમાં પણ નહીં અને ક્વૉલિટીમાં પણ નહીં. આ બે દિવસના કારણે બાકીના પાંચ દિવસ પેલા દિવસની રાહ જોવાના એક્સાઇટમેન્ટમાં નીકળી જાય અને બાકીના દિવસમાં હેલ્ધી ઑપ્શન જ ખાવાનો નિયમ તૂટે નહીં.

columnists Rashmin Shah