05 September, 2026 06:03 PM IST | Mumbai | Darshini Vashi
ફ્રી કોચિંગથી સારા માર્ક્સથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું દર વર્ષે સન્માન કરવામાં આવે છે.
સાચું શિક્ષણ દીવાલોની અંદર નહીં, શિક્ષકના જ્ઞાન અને સમર્પણથી મળે છે. આ વિધાનને સંપૂર્ણપણે સત્ય ઠેરવે એવું કામ કરી રહ્યા છે કેટલાક મુંબઈગરાઓ. આજે મળીએ એવા લોકોને જેઓ શિક્ષણને વ્યવસાય નહીં પણ સેવા સમજીને ગરીબ બાળકોને નિ:સ્વાર્થભાવે જ્યાં જગ્યા મળે ત્યાં ભણાવી રહ્યા છે
આજે પ્રાઇવેટ સ્કૂલોની ફી એટલી વધી ગઈ છે કે ગરીબ પરિવારો માટે બાળકને ત્યાં ભણાવવું મુશ્કેલ બની ગયું છે એટલે તેઓ BMCની સ્કૂલો તરફ વળે છે તો કોઈ પોતાના બાળકને સ્કૂલમાં જ મોકલતા નથી. આવી સ્થિતિમાં બાળકોની પ્રગતિ અટકી જાય છે જેને જોતાં સમાજના કેટલાક સેવાભાવી લોકો આગળ આવીને કોઈ સ્વાર્થ કે અપેક્ષા વિના સેવાભાવથી આવાં બાળકોને ભણાવી રહ્યા છે. ક્યારેક ઘર, ગાર્ડન, મંદિર કે ખુલ્લું મેદાન જ તેમની સ્કૂલ બની જાય છે. તેમનું માનવું છે કે સાચું શિક્ષણ એ જ છે જે દરેક બાળક સુધી પહોંચે. આજે આપણે એવા જ કેટલાક સવાયા શિક્ષકોને મળવાના છીએ જેઓ હમણાં કોઈ સ્કૂલમાં શિક્ષક નથી છતાં એક સાચા શિક્ષકની ફરજ નિભાવી રહ્યા છે. કોઈક ગાર્ડનમાં બાળકોને બેસાડીને શિક્ષણ આપે છે તો કોઈક શહેરની સુવિધાઓ છોડીને ગ્રામીણ વિસ્તારમાં જઈને ભણાવે છે તો કોઈ ૯૬ વર્ષની ઉંમરે પણ ગરીબ બાળકોને શિક્ષણ આપે છે. કોઈ મંદિરના આંગણે બાળકોનું ભવિષ્ય ઘડે છે તો કોઈ અભણ વયસ્કોને અક્ષરજ્ઞાન આપીને તેમના જીવનમાં નવી શરૂઆત કરે છે. જગ્યા અલગ છે, ઉંમર અલગ છે, રીત અલગ છે પણ હેતુ એક જ છે કે કોઈ વ્યક્તિ શિક્ષણથી વંચિત ન રહે. આજે શિક્ષક દિવસ નિમિત્તે ચાલો મળીએ આવા સવાયા શિક્ષકોને.
છેલ્લાં ૩૦ વર્ષથી પોતાના ઘરમાં ગરીબ અને સ્કૂલમાં ન જઈ શકતાં બાળકોને ભણાવતાં ૯૬ વર્ષનાં અંધેરીમાં રહેતાં ભારતી સંઘવી કહે છે, ‘ઘણાં વર્ષો પહેલાંની વાત છે. મારા ઘરે હાઉસહેલ્પ આવતી હતી. તેને ખબર હતી કે હું ભણેલી છું એટલે તેણે મને રિક્વેસ્ટ કરી કે તમે મારી છોકરીને અંગ્રેજી ભણાવશો? મેં તેને હા પાડી. તેની દીકરી નવમા ધોરણમાં ભણતી હતી. મેં તેને ભણાવી ત્યારે જોયું કે તેનું અંગ્રેજી સાવ કાચું હતું અને ગ્રામર શું હોય એ પણ તેને પ્રૉપર ખબર નહોતી. ત્યારે મને થયું કે આવાં તો કેટલાંય બાળકો હશે જેમને ઘણી મહેનતની જરૂર છે, મારે તેમના માટે કંઈક વિચારવું જોઈએ. પછી મેં મારે ત્યાં કામ પર આવતાં અને આજુબાજુના ઘરે કામ કરવા આવતાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. આમ ધીરે-ધીરે બાળકો વધ્યાં. ઘરમાં જગ્યા નાની પડવા લાગી એટલે મારા દીકરાએ મને ઘરની નજીક એક રૂમ લઈ આપી, જ્યાં હું રોજ સવારે નવથી સાંજે ૬ વાગ્યા સુધી આવાં બાળકોને આજે ૯૬ વર્ષની ઉંમરે પણ ભણાવવા જાઉં છું. આજ સુધીમાં મેં ૬૦૦ જેટલાં બાળકોને ભણાવ્યાં હશે. કેટલાંય બાળકોને ભણવા માટે પૈસા પણ આપ્યા છે, જેમાંના ઘણાખરા આજે સારી પોસ્ટ પર કામ કરે છે અને મને મળવા પણ આવે છે. તેમની પ્રગતિ જ મારી ફી છે. મને આનંદ થાય છે કે આજે આ ૬૦૦ બાળકોનું ભવિષ્ય સુધારવામાં હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું પણ યોગદાન આપી શકી છું.’
મંદિર માત્ર પૂજા માટેનું સ્થાન નથી, કોઈના જીવનમાં જ્ઞાનનો દીવો પ્રગટાવવાનું સ્થાન પણ બની શકે છે. બોરીવલીમાં રહેતાં ૫૭ વર્ષનાં હાઉસવાઇફ જયા દલાલ કહે છે, ‘જ્યાં ભગવાનની ભક્તિ થાય છે ત્યાં જો કોઈ જરૂરિયાતમંદ બાળકને શિક્ષણ મળે તો એ પણ એક પ્રકારની સેવા જ છે. હું પ્રોફેશનલ ટીચર નથી પરંતુ મેં ટીચિંગનો કોર્સ કર્યો છે અને મને ભણાવવાનું ગમે છે. મને સારી સ્કૂલમાં નોકરી મળતી હતી પરંતુ એક દિવસ વિચાર આવ્યો કે સારી સ્કૂલમાં ભણતાં બાળકોને ભણાવનારા તો ઘણા મળી રહેશે, પરંતુ એવાં બાળકોનું શું જેઓ ભણવા માગે છે પણ સારી જગ્યાએ ભણી નથી શકતાં. તેમના માટે મને કંઈક કરવાની ઇચ્છા હતી એટલે મેં બોરીવલી-વેસ્ટમાં આવેલા રામ મંદિરમાં ભણાવવાનું શરૂ કર્યું. ત્યાંના ટ્રસ્ટી મારા સગા છે એટલે મેં તેમને કહ્યું કે મને બપોરના સમયે મંદિર બંધ હોય છે ત્યારે એક-બે કલાક એના પ્રાંગણમાં ભણાવવા માટેની જગ્યા આપો. તેમણે તરત મારી અરજી સ્વીકારી અને મને ત્યાં ભણાવવાની મંજૂરી આપી. શરૂઆતમાં મારી પાસે માત્ર બે વિદ્યાર્થીઓ હતા. પછી જેમ-જેમ ખબર પડવા લાગી એમ-એમ વધુ બાળકો એમાં જોડાતાં ગયાં હતાં. આ વાતને ૧૨ વર્ષ થઈ ગયાં છે અને ત્યારથી રોજ BMCની સ્કૂલના વિદ્યાર્થીઓને ભણાવું છું. આ બાળકોને મૅથ્સ, સાયન્સ અને અંગ્રેજી વિષયો બહુ કઠિન પડતા હોય છે એટલે આ વિષયો પર હું વધારે ધ્યાન આપું છું.’
મુંબઈમાં ગરીબો માટે ઘણું કરવામાં આવે છે, પરંતુ મુંબઈની બહાર જ્યાં ખરેખર મદદની જરૂર છે ત્યાં સુધી વધુ મદદ પહોંચી શકતી નથી. મુંબઈની નજીક આવેલા દહાણુમાં આદિવાસી વિસ્તારોમાં ઘણી સરકારી સ્કૂલો આવેલી છે જ્યાં બાળકોને ભણાવવાની અને માર્ગદર્શનની જરૂર હોય છે. ત્યાં વિર્લે પાર્લેમાં રહેતાં ૬૯ વર્ષનાં હાઉસવાઇફ યોગિની ત્રિવેદી જરૂર પડતાંની સાથે પહોંચી જાય છે. આ વિશે તેઓ કહે છે, ‘હું જમનાબાઈ નરસી સ્કૂલમાં ટીચર હતી. રિટાયર થયા બાદ મારે શિક્ષણક્ષેત્રે કંઈક સમાજસેવા કરવી હતી. ત્યારે મને એક જણે કહ્યું હતું કે દહાણુમાં આદિવાસી વિસ્તારમાં આવેલી સ્કૂલમાં બાળકોને યોગ્ય શિક્ષા આપવાની ઘણી જરૂર છે. એટલે હું ત્યાં પહોંચી ગઈ હતી. સૌથી પહેલાં આ બાળકો સાથે બૉન્ડિંગ કરવું પડે છે એટલે હું તેમને સુંદર મરાઠી ગીતો ગાઈને સંભળાવતી. પછી વાર્તા કહેતી અને એના માધ્યમ દ્વારા તેમને ભણાવતી. આ હું ઘણાં વર્ષોથી કરું છું. કોઈ વખત અઠવાડિયામાં એક વખત કે મહિનામાં બે વખત પણ જવું પડે છે અને હું રાજી-ખુશી જાઉં છું.’
સોનલ અને હરેશ ચંદારાણા
આજે સ્કૂલ-ફી કરતાં ટ્યુશન-ફી ઘણી વધી ગઈ છે ત્યારે ગરીબ ઘરનાં બાળકો જેઓ બોર્ડની એક્ઝામ આપવાનાં હોય તેમના માટે તો ટ્યુશન રાખવું અશક્ય બને છે. તેમના માટે બોરીવલીનું ચંદારાણા કપલ રોટરી ક્લબ ઑફ બોરીબલી હેઠળ ચાલતા જ્ઞાનપ્રકાશ કાર્યક્રમ હેઠળ શહેરની ૨૭ જેટલી BMCની સ્કૂલમાં ભણાવવા માટે ટીચર્સ મોકલે છે. આ વિશે માહિતી આપતાં સોનલ ચંદારાણા કહે છે, ‘રોટરી ક્લબ ઑફ બોરીવલીના પ્રોજેક્ટ જ્ઞાનપ્રકાશ અંતર્ગત નવમા અને દસમા (SSC બોર્ડ) ધોરણના વંચિત વર્ગના વિદ્યાર્થીઓને મફત કોચિંગ પૂરું પાડવામાં આવે છે જેના ચૅરમૅન મારા હસબન્ડ હરેશ ચંદારાણા છે અને હું પ્રોજેક્ટ ઍડ્મિન છું. શહેરની ૨૭ જેટલી BMCની સ્કૂલમાં અમે ટીચર્સ મોકલીએ છીએ જેઓ આફ્ટર-સ્કૂલ નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓને ફ્રીમાં કોચિંગ આપે છે. એ માટે અમે આ ટીચર્સને પગાર પણ ચૂકવીએ છીએ. અમે અમારા મેમ્બર્સ, અન્ય સોર્સ તેમ જ ગાંઠના પૈસા કાઢીને શિક્ષકોને પગાર આપીએ છીએ. છેલ્લાં ૧૨ વર્ષથી અમારું અભિયાન ચાલે છે.’
ન ભવ્ય ક્લાસરૂમ, ન મોંઘી ફી. જ્યાં આકાશ છત બને છે અને ગાર્ડન જ્ઞાનનું મંદિર બની જાય છે એ વાતને સ્વીકારીને બોરીવલીમાં રહેતાં ૫૨ વર્ષનાં ભાવના ગાંધી છેલ્લાં ૭ વર્ષથી શિમ્પોલીની પાછળ આવેલા ગાર્ડનમાં ગરીબ બાળકોને ભણાવી રહ્યાં છે. તેઓ કહે છે, ‘હું અને મારી ફ્રેન્ડ દીપા શાહ બોરીવલી-વેસ્ટમાં આવેલા એક ગાર્ડનમાં છેલ્લાં ૭ વર્ષથી ગરીબ અને સરકારી સ્કૂલમાં ભણતાં બાળકોને ટ્યુશન આપી રહ્યાં છીએ જે માટે કોઈ ફી લેતાં નથી. વરસાદ હોય ત્યારે અમે ગાર્ડનમાં કલાસ નથી રાખતાં. ત્યારે અમે બાળકોને ઘરે બોલાવી લઈએ છીએ. બાળકો પણ કોઈ વખત વધારે હોય તો કોઈ વખત ઓછાં હોય છે. અમે તેમને ભણાવવા ઉપરાંત તેમના માટે સમર કૅમ્પ પણ રાખીએ છીએ જેમાં ઘણાં બાળકો આવે છે. એમાં હું તેમની પાસે સ્ટડી-રિલેટેડ જનરલ નૉલેજ તેમ જ તેમનામાં ક્રીએટિવિટી વધે એવી ઍક્ટિવિટી કરાવું છું. હું પોતે કૉમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતાં બાળકોને ટ્રેઇનિંગ આપતી ઍકૅડેમી ચલાવું છું જે મારું પ્રોફેશનલ કામ છે, પરંતુ ગરીબ બાળકોને જે હું ભણાવું છું એ મારા પ્રોફેશનલ કામકાજથી અલગ છે.’
‘જૂની કહેવત છે કે એક મા ભણે તો એક પેઢી ભણે એટલે કે મા જો ભણેલી હોય તો તે પોતાનાં બાળકોને પણ શિક્ષણનું મહત્ત્વ સમજાવશે એમ જણાવતાં વ્યવસાયે આર્કિટેક્ટ અને સાન્તાકુઝમાં રહેતાં ૬૧ વર્ષનાં પલ્લવી પંચોલી કહે છે, ‘ગરીબ બાળકોને ભણાવનારા તો ઘણા મળી રહે છે, પરંતુ તેમનાં મા-બાપને ભણવાનારા કેટલા? એટલે મેં નક્કી કર્યું કે હું ગરીબ બાળકોને તો ભણાવીશ જ, પરંતુ સાથે એવા મોટા લોકોને પણ ભણાવીશ જેઓ ભણેલા નથી. ખાસ કરીને મહિલાઓને, જેમને જરાસરખું પણ અક્ષરજ્ઞાન નથી. એટલે મેં દર રવિવારે અથવા તો રજાના દિવસોમાં હાઉસહેલ્પ, રસોઈનાં કામ કરતી, નાનાં-મોટાં ઘરકામ કરતી મહિલાઓને ભણાવવાનું શરૂ કર્યું. આજે તેઓ લખતાં-વાંચતાં શીખી ગઈ છે અને પોતાનાં બાળકોને પણ ભણાવી રહી છે. એક જણ તો નર્સ તરીકે કામ કરી રહી છે. એક મા ભણી એટલે તેને લીધે તેનાં બે બાળકો પણ ભણી શક્યાં. જો આવી રીતે વધુ ને વધુ લોકો આવી બહેનોને ભણાવવા માટે આગળ આવશે તો આપણા દેશનાં બાળકોનું ભવિષ્ય ખૂબ જ સુંદર બની જશે.’