વાંચનનું શિક્ષણ અને રંગભૂમિનું શિક્ષણ

21 September, 2021 04:35 PM IST  |  Mumbai | Sarita Joshi

સ્કૂલનું શિક્ષણ છૂટી ગયું હતું અને એ પછી પણ અમારું શિક્ષણ લેવાનું ચાલુ જ હતું. હું વાંચીને શીખતી, વાતોમાંથી શીખતી અને સાથે રંગભૂમિ પણ અમને ઘડવાનું કામ કરતી

પ્રતીકાત્મક તસવીર

‘ઇન્દુ, આજુબાજુમાં નહીં જો, ધ્યાન આપ અહીં, સ્વર પકડ...’
હું આજુબાજુમાં ડાફોળિયા મારતી હોઉં એટલે શાંતા આપ્ટે મને કહે અને મારે ધ્યાન આપીને તેમની પાસેથી શીખવાનું. સરગમ સાથે મારે શીખવાનું અને સાચું કહું તો હું કંઈ મને બહુ ગાયક માનતી નથી, પણ હા, સ્વરમાં ગાઈ શકું અને એ પણ સારી રીતે. એનાં ઉદાહરણ પણ આપીશ તમને, પણ આપણી આ યાત્રાના આગળના પડાવમાં એ વાત આવશે.
યાત્રા, હા, હું આને યાત્રા કહીશ, જાત્રા કહીશ. જીવનની જાત્રા. બહુ શીખવા મળ્યું જીવનની આ યાત્રા દરમ્યાન. અઢળક શીખવા મળ્યું, અનહદ જાણવા મળ્યું અને એ જ મારું શિક્ષણ. શરૂઆતનું બેઝિક એજ્યુકેશન તો સ્કૂલમાંથી મળ્યું, પણ પછી રંગદેવતાએ એજ્યુકેશન આપવાનું શરૂ કર્યું. રંગદેવતા ફરાવતા અને રંગદેવતા જ બધું શીખવતા. જે મારી માનો ખોળો હતો એનું સ્થાન સમય જતાં તખ્તાએ લઈ લીધું. પિતાની જે આંગળી હતી એ માર્ગદર્શનની આંગળી રંગદેવતાએ હાથમાં આપી. મા અને બાપ બન્ને બનવાનું કામ રંગદેવતાએ કર્યું અને મેં પણ તેમને મારા આરાધ્ય માની લીધા. એ મને સુંદર રીતે તખ્તા પર રમાડતા, શીખવતા, સમજાવતા અને ધીમે-ધીમે આગળ લઈ જતા. તમને ખબર જ છે કે ભણતર તો વડોદરાની સાથે જ અટકી ગયું હતું એટલે હવે જીવન આ ગણતરના આધારે આગળ વધતું હતું. 
માતૃભાષા મરાઠી હતી, પણ રંગભૂમિને કારણે ધીમે-ધીમે હું ગુજરાતી પણ વાંચવા માંડી હતી. ઈશ્વરની કૃપા હતી કે ભાષાઓને સમજવાની ક્ષમતા બહુ વહેલી આવી ગઈ. આજે મરાઠી, હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ પર પ્રભુત્વ છે અને એ પ્રભુત્વ રંગભૂમિને આભારી છે.
ભાષા પર કમાન્ડ માટે તમારે વાંચન કરવું જોઈએ. હું ખૂબ વાંચતી. નાટકનું તો વાંચવાનું જ હોય, પણ એ સિવાય પણ બધું વાંચવાનું. રસ્તા પર નીકળીએ એટલે હોર્ડિંગ વાંચવાનાં અને ન આવડે તો પૂછતા જવાનું. હોર્ડિંગમાં અજાણ્યું નામ હોય તો એની જાણકારી પણ મેળવીએ. વાંચનની આ વાત પર મને યાદ આવે છે, હું ‘ચાંદામામા’ બહુ વાંચતી. વાર્તાઓ મને બહુ ગમતી. બાળવાર્તાઓ હું વાંચું અને પછી હું અમારી નાટક કંપનીમાં બધાને એ કહું પણ ખરી. બાળવાર્તાઓનું પ્રમાણ હવે ઘટ્યું છે, પણ મારે કહેવું છે કે ‘મિડ-ડે’એ બહુ સરસ આની શરૂઆત કરી છે.
દર શુક્રવારે ‘મિડ-ડે’માં મોરલ સ્ટોરી આવે છે. હું એ નિયમિત વાંચતી થઈ છું. બાળકોને ધ્યાનમાં રાખીને લખાતી એ વાર્તાઓ બાળકો વાંચે એ તો જરૂરી છે જ, પણ ધારો કે બાળકો ન વાંચે તો દરેક પેરન્ટ્સે એ વાંચવી જોઈએ અને પોતાનાં બાળકોને એ વાંચી સંભળાવવી જોઈએ. વાર્તા દૃષ્ટિ વિકસાવવાનું કામ કરે અને દૃષ્ટિ વિકસે એનો વિકાસ પણ વધે. ‘ચાંદામામા’ અને એવાં જેકોઈ બીજાં બાળસામયિકો હતાં એનો પુષ્કળ લાભ મળ્યો છે એ હું કબૂલ કરીશ અને કહીશ કે તમારાં બાળકો પણ વાંચતાં રહે એ જોતા રહેજો.
lll
વાંચન. પુષ્કળ મળ્યું વાંચન દ્વારા, તો વાંચન ઉપરાંત રંગભૂમિએ પણ અઢળક સંસ્કાર આપ્યા. શરૂઆતમાં માબાપ પાસેથી સંસ્કાર મળ્યા અને એ જ સંસ્કારોનું સિંચન નાટકોમાંથી, નાટકો દ્વારા થયું. જે પાત્રો ભજવતી એ પાત્રોએ પુષ્કળ શીખવ્યું અને હું એને જ મારું શ્રેષ્ઠ શિક્ષણ ગણું છું. રંગભૂમિ સંસ્કારભૂમિ છે, એ તમને સમજણ આપવાનું કામ કરે. શીખવે પણ રંગભૂમિ અને ઘડતર પણ એ જ કરે.
એ સમયે મારામાં નાગર કે બ્રાહ્મણ જેવી ભાષાની શુદ્ધિ નહોતી, પણ પ્રભુલાલ ત્રિવેદી, નંદલાલ લખુભાઈ જેવા સુંદર લેખકોને કારણે ભાષામાં શુદ્ધિ આવી તો સાથોસાથ ભાષા પર પ્રભુત્વ પણ કેળવાયું અને શબ્દભંડોળ પણ વધારવાનું કામ આ લેખકો દ્વારા થયું. 
અમારી નાટક કંપની હિન્દી નાટકો પણ કરતી. ‘દિલ કી પ્યાસ’, ‘આંખ કા નશા’, ‘મોહબ્બત કી આશ’ જેવાં અનેક નાટકો અમારી કંપની દ્વારા થયાં હતાં. હિન્દી નાટકોમાં ઉર્દૂ જબાનનો પણ ઉપયોગ થતો, તો સાથોસાથ આરોહ-અવરોહની સમજણ પણ આપવામાં આવતી. અહીં હું દિલીપકુમારનું નામ ચોક્કસ લઈશ. વાત તો આગળ જતાં આવશે, પણ ભાષાની, ઉર્દૂની વાતો ચાલે છે એટલે મને એની વાત અત્યારે કરવી જરૂરી લાગે છે.
દિલીપકુમાર ‘સંતુ રંગીલી’ જોવા આવ્યા હતા. તેમણે મને પૂછ્યું હતું કે ‘સરિતા, તને આટલું સરસ ઉર્દૂ કેવી રીતે આવડે છે? તું મારી સાથે, સાયરા સાથે જે ઉર્દૂ તહેઝિબ સાથે વાત કરે છે એ અદ્ભુત છે.’ 
જવાબમાં મેં તેમને મારી જૂની યાત્રા વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે હું નાટક કંપનીમાં નાટકો કરતી એનો આ એક્સ્પીરિયન્સ છે. 
દિલીપકુમાર સાથેનાં સંસ્મરણો અને ‘સંતુ રંગીલી’ની વાતો સમય આવ્યે આપણે કરીશું પણ અત્યારે આપણે આપણી જૂની વાતોને આગળ વધારીએ.
lll
આ એ સમયની વાત છે જે સમયે તવાયફ એટલે ગાયક કલાકાર એવું માનવામાં આવતું. પવન પુલ શબ્દ સાંભળ્યો છે તમે ક્યારેય?
પવન પુલ નામની આપણે ત્યાં એક જગ્યા હતી. ત્યાં તવાયફો હોય અને ગાયકીનું કામ ચાલતું હોય. ત્યાંથી નીકળો તો તમને મ્યુઝિકના અવાજ આવે અને ત્યારે અમે નાના હતા, કુતૂહલ બહુ થાય કે આ શાનો અવાજ છે, પણ ત્યાં જઈ શકાય નહીં કે જોઈ શકાય નહીં કે શું ચાલે છે. મને અત્યારે યાદ આવે છે કે અમારું નાટક, ‘આંખ કા નશા’. મારી ઉંમર એ સમયે ૧૨ વર્ષની હતી. પદ્‍માબહેન મારાથી મોટાં અને તેઓ આ નાટકમાં એક પાત્ર કરે, કામલતાની દીકરીનું, આ કામલતાનું પાત્ર કરે રાણી પ્રેમલતા. એક દિવસ પ્રેમલતા બીમાર પડી ગયાં અને એ જ રાતે શો હતો. 
બધાએ વાતો ચાલુ કરી કે શો કૅન્સલ કરી નાખીએ, પણ કોણ જાણે તેમને શું થયું, શો કૅન્સલ ન કરવા દીધો અને કહ્યું કે ઇન્દુ છેને, તે આ શો સંભાળી લેશે. 
મેં કહ્યું એમ, હું તો ત્યારે ફક્ત ૧૨ વર્ષની. બધાને નવાઈ લાગી કે ૧૨ વર્ષની છોકરી કેવી રીતે કામલતાનો રોલ કરશે, પણ તેમને વિશ્વાસ હતો અને તેમનો વિશ્વાસ જોઈને મને પણ મારા પર વિશ્વાસ આવી ગયો. ચૅલેન્જ લેવી તો ગમે જ. મેં પણ હા પાડી દીધી અને ખબર નહીં ભગવાનની શું કૃપા ઊતરી કે મારી હા સાથે જ બધાએ તૈયારીઓ ચાલુ કરી દીધી. ૧૨ વર્ષની એ ઉંમરે મને સાડીઓ પહેરાવી, બે-ત્રણ બ્લાઉઝ એકસાથે પહેરાવ્યાં, જેથી શરીરે હું થોડી ભરાવદાર લાગું. ચંપલ અને મોટો જૂડો અને વાળમાં મોટોબધો ગજરો. 
હું તો આવી ગઈ મા રંગભૂમિના ખોળે અને મેં કામલતાનો રોલ કર્યો. સાહેબ, એ ગીતના શબ્દો હું તમને આજે કહીશ, પૂરા આત્મસન્માનથી કહીશ. કારણ કે તેઓ તેમના પેટ માટે આ કામ કરતાં હતાં. રાજા-મહારાજાઓ તેમને વંદન કરીને રિસ્પેક્ટ આપતા. ઈશ્વરે જે જેના ભાગ્યમાં આપ્યું એને વંદન કરવું જોઈએ. નીચલી કક્ષાના લોકોને પણ માન મળવું જોઈએ. અમને નાટકવાળા લોકોને પણ એક સમયે નિમ્ન સ્તરના જ ગણવામાં આવતાં અને આજે, આ ગ્લૅમર વર્લ્ડ અને ગાયકીનું શિક્ષણ કયા સ્તરે પહોંચ્યું છે, પણ હશે, સમય-સમયની વાત છે. કામલતાનું આ ગીત વાંચો તમે...
‘કુંવર, કન્હાઇ માનત નાહી, 
બાલા જોરી કરે રાજ
કરે કૃષ્ણ મોરારી,
મનમાં ભાવત, રૂપ સજન કે, 
બાલા જોરી કરે કન્હાઇ
માનત નાહી કૃષ્ણ મોરારી...’

columnists