મારી શ્રદ્ધા પ્રદૂષણનું કારણ તો નથીને?

22 February, 2026 03:18 PM IST  |  Mumbai | Aashutosh Desai

આપણે મંદિરોમાં અને યાત્રાધામોમાં પૂજાના નામે ઘણો કચરો ઠાલવીએ છીએ, જે પ્રકૃતિ માટે અત્યંત હાનિકારક છે. આ સમસ્યા સામે કેટલાંક મંદિરોએ કેવા અનુકરણીય ઉપાય અજમાવ્યા છે એ જાણવા જેવું છે

મારી શ્રદ્ધા પ્રદૂષણનું કારણ તો નથીને?

પ્રકૃતિને ઈશ્વર માનનારા આપણે પૂજા, પ્રાર્થના અને દર્શનના નામે પ્રકૃતિને (ઈશ્વરને) જ તો દૂષિત નથી કરી રહ્યાને? આ પ્રશ્ન આપણે દરેકે આપણી જાતને દરરોજ પૂછવો જોઈએ. એમાં પણ જ્યારે કોઈ યાત્રાધામ કે પવિત્ર સ્થળે દર્શન-પૂજા કરવા જઈએ ત્યારે તો ખાસ પૂછવો જોઈએ. આવી વણમાગી સલાહ આપવા પાછળનું મુખ્ય કારણ એ છે કે જો ઈશ્વર ધરતી પર અવતરિત થઈને આપણા જેવા કૃતઘ્નીઓને કંઈક કહેવા વિચારે તો સૌથી પહેલાં એવું કહે કે ‘મારાં દર્શન કરવા તો પૂર્ણ ભાવથી આવો છો, પણ સાથે પૂજાના નામે જે ગંદકી, જે બગાડ કરો છો અને મારા જ પ્રકૃતિ સ્વરૂપનો લેશમાત્ર વિચાર સુધ્ધાં નથી કરતા ત્યારે મને અત્યંત દુઃખ થાય છે. એટલું નક્કી જાણજો કે તમારી આ બેદરકારી હું (પ્રકૃતિ) જાતે જ તમને વધુ ભયંકર સ્વરૂપે સુપરત કરીશ.’

ભારત એક દેશમાં અનેક ધર્મસંસ્કૃતિને સાંગોપીને જીવતો દેશ છે. અહીં મંદિરો છે, મસ્જિદો છે, ગિરજાઘરો છે અને ગુરુદ્વારાઓ પણ છે; પરંતુ આ દેશના જવાબદાર શ્રદ્ધાળુ તરીકે આપણે ક્યારેય એ વિચારતા નથી કે આ પવિત્ર સ્થળોએ જ્યાં સવિશેષ ચોખ્ખાઈ અને પવિત્રતા જાળવવી જોઈએ ત્યાં જ આપણે ચડાવાના નામે કેટલો ગંદવાડ ફેલાવીએ છીએ. જે કુદરત કે પ્રકૃતિને આપણે ઈશ્વર તરીકે પૂજીએ છીએ એને જ એટલું નુકસાન પહોંચાડતા હોઈએ છીએ કે એ જ ઈશ્વરને પ્રદૂષણ અને કચરાની ભેટ ધરી બેસતા હોઈએ છીએ.

જવાબદાર શ્રદ્ધાળુની બેજવાબદારીના આંકડા

એકલા ભારતમાં જ દરેક મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને બીજાં ધાર્મિક સ્થળો મળીને આપણે દર વર્ષે ૮૦૦ મિલ્યન ટન કરતાંય વધુ ફૂલો ચડાવીએ છીએ. એની સાથે પ્લાસ્ટિકમાં પૅક્ડ એવી સિંદૂર, કંકુ, અષ્ટગંધ, અગરબત્તી, ચૂંદડી, નારિયેળ, ઘી, દૂધ, સાડી, ધોતિયું અને બીજી કંઈકેટલીયે સામગ્રી. ચડાવવું જોઈએ, ના નથી. જેવી જેની શ્રદ્ધા એવો તેનો ચડાવો, પરંતુ ઈશ્વરની એ મૂરતને આ ભેટો ચડાવ્યા બાદ શું? થોડા આંકડા જાણીએ.


વિલે પાર્લેના પાર્લેશ્વર મંદિરમાં ફૂલો ફેંકી દેવાને બદલે બાસ્કેટમાં ઠાલવવામાં આવે છે અને એમાંથી ખાતર બને છે.

ભારતમાં દર વર્ષે ૮૦૦ મિલ્યન ટન કરતાંય વધુ ફૂલો ધાર્મિક સ્થળોએ ચડે છે. આ સિવાય અંદાજે ૨૦૦૦ કિલો કંકુ, ૧૫૦૦ કિલો અષ્ટગંધ, ૪૦૦ ટન જેટલી અગરબત્તીઓ, ચૂંદડી, સાડી વગેરેનો તો કોઈ હિસાબ જ નથી. આ સિવાય રોજનું લગભગ ૧૦,૦૦૦ લીટર દૂધ અને ૫૬૦ કિલો જેટલું ઘી ઈશ્વરને ચડે છે. ફરી કહીએ છીએ, એમાં કશું જ ખોટું નથી. ‘તારું તુજને અર્પણ’ના ભાવે ઈશ્વરે જે આપ્યું છે તે તેમને જ અર્પણ આપણે કરીએ છીએ, પરંતુ ત્યાર બાદ શું?

હરિદ્વાર, કાશી, નાશિક, અયોધ્યા જેવાં સ્થળોનું ઉદાહરણ લઈએ તો મા ગંગા, સરયૂ નદી, ગોદાવરી નદીમાં પૂજા કરવાના નામે આપણે ફૂલ, દીવા વગેરે વહાવતા હોઈએ છીએ. વિચારતા પણ નથી કે મારા આ ચડાવાથી માતા ગંગાજી-ગોદાવરી કે સરયૂ કેટલાં દૂષિત થઈ રહ્યાં છે. એક આંકડો કહે છે કે માત્ર ગંગાજીમાં જ ૮ મિલ્યન ટન જેટલાં ફૂલો વેસ્ટ (કચરા) તરીકે ઠલવાય છે.

નહીં સુધરીએ તો પરિણામ માટે તૈયાર રહીએ.

ભારતમાં દર વર્ષે કુલ કચરાનો ૮૦ ટકા હિસ્સો પ્રોસેસ થયા વિનાનો જ રહે છે. વિચાર કરો કે ધાર્મિક સ્થળોએ જમા થતા ૮૦૦ મિલ્યન ટન જેટલા કચરાનો ૮૦ ટકા હિસ્સો પ્રોસેસ થયા વિના ડમ્પ વેસ્ટ તરીકે સર્જાય છે જેને ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે અથવા નદીઓમાં વહાવી દેવામાં આવે છે. આ એક બહુ મોટી સમસ્યા છે. કુલ કચરાનો લગભગ ચાલીસથી પચાસ ટકા હિસ્સો ઑર્ગેનિક મટીરિયલ હોય છે. વીસથી ૨૪ ટકા રીસાઇક્લેબલ (પેપર, પ્લાસ્ટિક, ગ્લાસ વગેરે) હોય છે અને આ બધાનો માત્ર ૨૦-૨૫ ટકા હિસ્સો જ રીસાઇકલ કે પ્રોસેસ થાય છે જે ગ્લોબલ સ્ટાન્ડર્ડની દૃષ્ટિએ ખૂબ નજીવો છે. માત્ર એક જ દેશનું ઉદાહરણ લઈએ તો જર્મની પોતાના કુલ મ્યુનિસિપલ વેસ્ટનો ૬૮ ટકા જેટલો કચરો રીસાઇકલ કરે છે.

આરોપો ઘડ્યા તો હવે વિકલ્પો પણ દેખાડો

છે, વિકલ્પો છે જ જેના દ્વારા આપણે ઈશ્વર અને કુદરત બન્નેની યોગ્ય સેવા અને પૂજા કરી શકીએ. મંદિરોમાં ચડાવવામાં આવતી વસ્તુઓ પવિત્ર મનાય છે. આથી કચરા તરીકે એને ગમે ત્યાં ફેંકી દેવાની સખત મનાઈ હોય એ સ્વાભાવિક છે. આથી આપણે ‘મૂળ સ્રોતથી જ વિભાજન’નો માર્ગ અપનાવવો પડે. મુખ્ય બે કૅટેગરીમાં વિભાજિત થયેલો ટેમ્પલ-વેસ્ટ અણધાર્યાં સુપરિણામો આપી શકે છે. ૧. બાયો-ડિગ્રેડેબલ અને ૨. નૉન-બાયોડિગ્રેડેબલ.

ધાર્મિક સ્થળોનો કચરો વેસ્ટમાં પરિણમીને હાનિકારક પ્રદૂષણમાં પરિવર્તિત થવાનું એક મુખ્ય કારણ એ છે કે ક્લાસિફિકેશન ઑન સોર્સ થતું જ નથી. એને કારણે બધો કચરો એકસાથે ક્યાં તો નદીઓમાં વહાવી દેવામાં આવે છે અથવા જમીન પર ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે કચરાના મોટા-મોટા પહાડો સર્જાતા રહે છે. ફૂલો, પાંદડાંઓ, ફળો, નારિયેળનાં કાચલાં, દૂધ, ઘી, ચોખા, બીજી અનેક ખાવાની વસ્તુઓ આ બધું જ બાયો-ડિગ્રેડેબલ વેસ્ટ છે. એમાંથી ઘી, ફળો, ખાવાની ચીજવસ્તુઓ વગેરે તો ધાર્મિક સ્થળની આસપાસના ભિખારીઓ અથવા ગરીબોમાં જ વહેંચી શકાય અને બાકીની ચીજો બાયોડિગ્રેડેબલ વેસ્ટમાં વિભાજિત કરી શકાય. વળી આ સિવાયની વસ્તુઓ પ્લાસ્ટિક, મેટલ્સ, સિન્થેટિક મટીરિયલ્સ આ બધું જ નૉન-બાયોડિગ્રેડેબલ આઇટમ્સમાં વિભાજિત કરી શકાય. તમે ફરી કહેશો કે ઉપાયના નામે આ સલાહો આપે છે, પણ વિશ્વાસ રાખજો કે આ આદતનો કરિશ્મા શું છે એ કેટલાંક મંદિરો અને સંસ્થાઓએ જાતે સિદ્ધ કરીને આપણને સમજાવ્યું છે.


તામિલનાડુના હોસુર શહેરના બ્રહ્મ મમલાય થિરુમૂલા શ્રીચક્ર મંદિરમાં ચડાવવામાં આવતું દૂધ મંદિરની બહાર એક પાત્રમાં ઝિલાય છે અને શેરીના કૂતરાઓને ધરી દેવાય છે.

તૈયારી છે? તો આશા છે

એટલી ધરપત જરૂર છે કે પાછલાં કેટલાંક વર્ષોમાં કમસે કમ આપણે નહીં તો કેટલાંક મંદિરો અને સંસ્થાઓ આ અંગે ગંભીરતાથી વિચારતાં થયાં છે. મંદિર ઍડ્મિનિસ્ટ્રેશનથી લઈને કેટલાંક ટ્રસ્ટ, કેટલીક સંસ્થાઓ આ અંગે એવા નવા અને ઇનોવેટિવ વિચારો અપનાવી રહ્યાં છે, એવાં પ્રેરણાદાયક પગલાંઓ લઈ રહ્યાં છે કે ખરેખર જ આપણને ગર્વ થાય. કેટલાંક મંદિરોએ તો હવે પોતાની સિસ્ટમ જ એવી ડેવલપ કરી છે જે વિશે જાણીને છાતી ૫૬ નહીં ૧૦૦ ઇંચ ફૂલી જાય. ચાલો, એક લટાર મારીએ આવાં કેટલાંક મંદિરો તરફ અને મુલાકાત લઈએ કેટલીક સંસ્થાઓની.

પાર્લેશ્વર મંદિર, વિલે પાર્લે

દૂર સુધી શું કામ જઈએ? આપણી સફર આપણે મુંબઈથી જ શરૂ ન કરીએ? મુંબઈના સબર્બ વિલે પાર્લેને આપણે બધા જ જાણીએ છીએ. વિલે પાર્લે-ઈસ્ટમાં પાર્લેશ્વર મંદિર છે. આ મંદિર પણ ઝીરો વેસ્ટ સ્ટ્રૅટેજી તરફ વળી રહેલું મંદિર છે. મંદિરમાં ચડતાં ટનબંધ ફૂલોને આ મંદિર પ્રશાસન ક્યાંય ફેંકી નથી દેતું કે કોઈ નદીમાં વહાવી નથી દેતું. તેમણે ઊભી કરી છે કેટલીક બાસ્કેટ્સ. રોજેરોજ ચડતાં ફૂલોને તેઓ આ લોખંડની જાળીમાંથી બનાવેલી બાસ્કેટ્સમાં જમા કરે છે અને કમ્પોસ્ટ બનવા માટે છોડી દે છે જેને તેમણે ‘નિર્માલ્ય કમ્પોસ્ટ’ નામ આપ્યું છે. પછી એનો ઉપયોગ શું? તો સૌથી પહેલો ઉપયોગ તો મંદિર પોતે જ પોતાના પ્રાંગણમાં ઊગેલા છોડ અને ઝાડ માટે ખાતર તરીકે કરે છે. ત્યાર બાદ જે બાકી બચે એમાંથી મોટો હિસ્સો મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ પોતાના ઘરના બગીચા માટે લઈ જાય છે.

બ્રહ્મ મમલાય થિરુમૂલા

તામિલનાડુનું હોસુર શહેર અને ત્યાં આવેલું બ્રહ્મ મમલાય થિરુમૂલા શ્રીચક્ર મંદિર. એક એવું મંદિર જે રોજ કમસે કમ દોઢ લીટર દૂધ શેરીના કૂતરાઓને પીવડાવે છે. વાત કંઈક એવી છે કે આ મંદિરમાં પૂજાતા શ્રીચક્રને પૂજા સમયે પૂજારીજી દૂધનો અભિષેક કરે છે. હવે સામાન્ય રીતે આપણે ત્યાં મહાદેવનાં મંદિરોમાં અથવા એવાં બીજાં મંદિરોમાં અભિષેક થતું દૂધ મંદિરની બહાર ગટરમાં અથવા નદીમાં વહી જાય છે. જોકે બ્રહ્મ મમલાય થિરુમૂલા શ્રીચક્ર મંદિરમાં બાંધકામ દ્વારા એવી વ્યવસ્થા બનાવવામાં આવી કે શ્રીચક્રને ચડેલા દૂધનું એક પણ ટીપું બેકાર ન જાય. એ બધું દૂધ મંદિરની બહાર એક પાત્રમાં ઝિલાય અને એ દૂધ શેરીના કૂતરાઓને ભોજન તરીકે પીવા માટે ધરી દેવામાં આવે. એક મિનિટ ઊભા રહો, વાત અહીં જ પૂરી નથી થઈ જતી. મંદિરમાં ઈશ્વર સામે જેટલાં પણ ફળો શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવાય છે એ તમામ પ્રસાદ તરીકે ફરી શ્રદ્ધાળુઓમાં જ વહેંચી દેવામાં આવે છે અને એ પછી પણ બાકી બચે તો એ (અંદાજે રોજનાં પાંચ કિલો ફળો) અનાથાશ્રમમાં અને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવે છે જ્યાં બાળકો અને વૃદ્ધોને પ્રેમથી એ ખાવા માટે અપાય છે. આ મંદિર જ્યારથી બંધાયું ત્યારથી આ ‘ઝીરો વેસ્ટ’ની પ્રણાલી અપનાવવામાં આવી છે.

હવે બીજી એક મજાની વાત જાણો. આપણે દૂધ અને ફળોની તો વાત કરી, પરંતુ ફૂલો અને તુલસી ચડે એનું શું? તો મંદિરમાં ચડતા એક-એક ફૂલ અને એક નાનુંસરખું તુલસીપત્ર સુધ્ધાં જમા કરવામાં આવે છે. તુલસીને તડકામાં સૂકવીને એમાંથી હર્બલ ટી બનાવવામાં આવે અને એ હર્બલ ટી મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને અને હોસુરના સિનિયર સિટિઝનોને પીવા માટે આપવામાં આવે છે. તો હવે બાકી બચેલાં ફૂલોનું શું? તો એ ફૂલોમાંથી ઑર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે અને મંદિરના પ્રાંગણમાં લગભગ ૩૦ જેટલાં ઝાડ છે એમાં એ ખાતર વપરાય છે અને બાકી બચે એ ત્યાંના ખેડૂતોને આપવામાં આવે છે. મંદિર-પ્રશાસન આ અંગે કેવી મજાની વાત કહે છે ખબર છે? તેઓ કહે છે કે આ મંદિરમાં પૂજા કરવી એ માત્ર શ્રદ્ધા જ નહીં પરંતુ જવાબદારી પણ છે.


ધાર્મિક સ્થળોના કચરાને સુગંધીદાર લાકડા અને સાબુમાં પરિવર્તિત કરે છે હેલ્પ અસ ગ્રીન નામની સંસ્થા.

રાંજણગાવનું મહાગણપતિજીનું મંદિર

એક એવું મંદિર જ્યાં છેલ્લાં ૧૦ વર્ષ દરમ્યાન અંદાજે ૪૫૦૦ લીટર કરતાંય વધુ દૂધ બચાવીને એમાંથી માવો બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, એ માવો જે વાસ્તવમાં તો મંદિરના પ્રસાદ તરીકે જ ગણાય એ એવા લોકોને વહેંચવામાં આવે છે જેઓ સાચા અર્થમાં જરૂરિયાતમંદ છે. આવું ઇનોવેટિવ અને સામાજિક ગર્વ લઈ શકાય એવું મંદિર આપણા મહારાષ્ટ્રના પુણેના રાંજણગાવમાં આવેલું મહાગણપતિજીનું મંદિર. RNisarg નામની સામાજિક સંસ્થા અહીં આ ભગીરથ કાર્ય પોતાની સામાજિક જવાબદારી તરીકે છેલ્લાં ૧૦ વર્ષથી કરી રહી છે.

વાત કંઈક એવી છે કે આ મંદિરમાં દર વર્ષે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી ધૂમધામથી થાય છે. આ પર્વ નિમિત્તે અનેક શ્રદ્ધાળુઓ અહીં મહાદેવને દૂધનો અભિષેક કરે છે. RNisarg સંસ્થાના લગભગ ૨૦ જેટલા સ્વયંસેવકો મળસકે પાંચ વાગ્યાથી આ કાર્ય માટે ભેગા મળે છે અને તેમણે બનાવેલી એક સસ્ટેનેબલ સિસ્ટમ દ્વારા રાતના ૧૦ વાગ્યા સુધી તેઓ ભક્તોએ ચડાવેલું બધું જ દૂધ કોઈ નાળા કે ગટરમાં ન જવા દઈને સંપૂર્ણ હાઇજીનિક પદ્ધતિએ ભેગું કરે છે અને એ સોંપવામાં આવે છે માવો બનાવનારા ગામના બે કારીગરોને. તેઓ એ બધા જ દૂધનો માવો બનાવીને ફરી પેલા સ્વયંસેવકોને સુપરત કરી દે છે.

વાત અહીં જ પૂરી નથી થઈ જતી. ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) સેક્ટરની જાણીતી કંપની ઇન્ડિયન ટબૅકો કંપની (ITC)ની મદદથી ચાલતી ફિનિશ સોસાયટી નામની સંસ્થા સાથે મંદિરના ટ્રસ્ટે કોલૅબરેશન કર્યું છે. ટાર્ગેટ રખાયો કે મહાગણપતિજીના મંદિરને ‘ગ્રીન ટેમ્પલ’ તરીકે જાળવવું છે. શિરુર તાલુકામાં આવેલું અષ્ટવિનાયક મંદિરમાંનું એક એટલે આ મહાગણપતિજીનું મંદિર. આ મંદિરમાં રોજ લગભગ ૨૦૦૦ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. આ જ આંકડો ગણેશચતુર્થી વખતે લગભગ ૨૫,૦૦૦ જેટલો થઈ જાય છે. જાણીને નવાઈ લાગશે પણ દર મહિને મંદિરમાં લગભગ સાડાત્રણ ટન જેટલો કચરો જમા થાય છે.

પ્રાંગણ અને ગર્ભગૃહ ભલે ચોખ્ખાંચણક દેખાય, પણ એક સમયે આ મંદિરનો બધો કચરો બેદરકારીપૂર્વક પાછળના ભાગમાં ઠલવાતો હતો. મંદિરમાં કચરાના નિકાલ માટે એવી કોઈ વ્યવસ્થા નહોતી જેને કારણે આટલો બધો કચરો બોજારૂપ ન બને. મંદિરના ટ્રસ્ટ સાથે આ માટે અનેક વાર મીટિંગ્સ કરવામાં આવી. એટલું જ નહીં, ITC દ્વારા તામિલનાડુનાં કેટલાંક ગ્રીન ટેમ્પલ્સની વિઝિટ પણ ગોઠવવામાં આવી જેથી ખ્યાલ આવે કે મંદિરને ગ્રીન ટેમ્પલ કઈ રીતે બનાવી શકાય. ત્યાર બાદ મંદિરમાં આવતી દરેક વસ્તુનું સૅગ્રિગેશન શરૂ થયું. એટલું જ નહીં, મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓમાં અવેરનેસ ફેલાવવામાં આવી કે મંદિરમાં પ્લાસ્ટિક લઈને આવવું નહીં. ફૂલો અને બીજા બાયોડિગ્રેડેબલ વેસ્ટ માટે મંદિરની પાછળના ભાગમાં ૬ ટાંકી બનાવવામાં આવી જેમાં ફૂલો અને બીજા ભીના ડિગ્રેડેબલ કચરાને જમા કરીને એમાંથી કમ્પોસ્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ. જેટલો સૂકો કચરો જમા થાય એ બધો જ ટાયર બનાવતી કંપની મદ્રાસ રબર ફૅક્ટરી (MRF)ની સાઇટ પર મોકલાવા માંડ્યો. આ રીતે ભીના અને સૂકા કચરાને અલગ પાડવા માટે અને એની આગળની પ્રક્રિયા માટે મંદિરના ક્લીનિંગ સ્ટાફને પણ ટ્રેઇનિંગ આપવામાં આવી. હવે મહારાષ્ટ્રના અષ્ટવિનાયક મંદિરની મુલાકાતે જાઓ તો રાંજણગાવના મહાગણપતિજીના મંદિરે બેવડી શ્રદ્ધાથી દર્શન કરજો, કારણ કે આ મંદિર હવે ગ્રીન ટેમ્પલમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે.

ચાર મંદિર, એક લક્ષ્ય - ઝીરો વેસ્ટ

કર્ણાટકનું મેટ્રોપૉલિટન શહેર બૅન્ગલોર અને એના દક્ષિણ ભાગમાં આવેલું બેગુર. અહીં ૪ મંદિરો એવાં છે જેમને ઝીરો વેસ્ટ મંદિર બનાવવાની નેમ કૉલેજના યુવાનોએ લીધી છે. બંશનકરીનું બંશનકરી દેવીનું મંદિર, મલેશ્વરમસ્થિત કડુ મલેશ્વર મંદિર, જયાનગરનું રાગીગુડા શ્રી પ્રસન્ના અંજનેયસ્વામીનું મંદિર અને બેગુરમાં વિદયમાન નાગેશ્વર મંદિર. ગામની આસપાસ રહેતા લોકો, કૉલેજના વિદ્યાર્થીઓ અને મોટાં-મોટાં કૉર્પોરેટ્સમાં વાઇટ કૉલર જૉબ કરતા અનેક લોકોએ સ્વયંસેવક તરીકે પોતાનું યોગદાન આપવાનું નક્કી કર્યું અને શરૂ થયો શુભગ યજ્ઞ, ઝીરો વેસ્ટ મંદિર બનાવવાનો.

દરેક પૂજાના અંતે મંદિરના ગર્ભગૃહ અને પ્રાંગણમાં પ્લાસ્ટિક રૅપર્સ, કપૂરનાં પૅકેટ્સ, પેપરપ્લેટ્સ, ફળ, ફૂલ, દૂધની થેલીઓ આ બધો અનેક પ્રકારનો કચરો જમા થયેલો જોઈને આ સ્વયંસેવકોએ એ બધા કચરાને પોતાના હાથે છૂટો પાડીને એને કૅટેગરી પ્રમાણે વહેંચવાનું શરૂ કર્યું. ફૂલો અને ફળોનો કચરો ભીના ઑર્ગેનિક વેસ્ટમાં ગયો, પેપરપ્લેટ્સ વગેરે કચરો ડ્રાય વેસ્ટમાં રવાના કરવામાં આવ્યો અને બીજો કમ્પોસ્ટ કૅટેગરીમાં. સાથે જ તેમણે મંદિરના સ્ટાફને શક્ય એટલી દરેક જગ્યાએ આ અંગેની જાગૃતિ ફેલાવતાં બૅનર્સ મૂકવા માટે મનાવ્યો. લોકો મીઠું ચડાવી જાય તો એ આ સ્વયંસેવકોએ નારિયેળની ખેતી કરતા ખેડૂતોને પહોંચાડવા માંડ્યું અને કોઈક ગોળ કે લીંબુ વગેરે ચડાવે તો એ મોકલાયું સ્વચ્છ ગ્રહિકા કેન્દ્રમાં. ટૂંકમાં, મંદિરમાંથી નીકળતી એક પણ વસ્તુ હવે એવી બચી નહોતી જેનો પ્રકૃતિ માટે સકારાત્મક ઉપયોગ થાય એવી જગ્યાએ પહોંચે નહીં. આજે હવે ફૂલ-ફળોના નિર્માલ્યમાંથી ઑર્ગેનિક ખાતર બને છે, ડ્રાય વેસ્ટ જાય છે રીસાઇક્લિંગ માટે અને બાકીની વસ્તુઓ પહોંચે જરૂરિયાતમંદો સુધી.

મંદિરોના વેસ્ટને બેસ્ટ બનાવે છે આ સંસ્થાઓ

ક્લીન ઇન્ડિયા વેન્ચર્સ

આ એક એવું ઑર્ગેનાઇઝેશન, ના સૉરી, કંપની છે જે દેશમાંથી કચરાનો મહત્તમ નિકાલ પ્રોડક્ટિવ આઉટપુટ દ્વારા કરે છે. ક્લીન ઇન્ડિયા વેન્ચર્સ સોર્સ પર જ એટલે કે જે-તે મંદિરના પ્રાંગણમાં જ ઍડ્વાન્સ ટેક્નૉલૉજી દ્વારા કચરો ઓછો કરવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે ગ્રીન વેસ્ટ રીપ્રોસેસર (GWR) નામના એક રીસાઇક્લિંગ મશીનના ઉપયોગ દ્વારા એ સફળ કરી દેખાડ્યું છે. GWR એક ઑટોમૅટિક મેકૅનાઇઝ્ડ ઑર્ગેનિક વેસ્ટ કન્વર્ટર છે જે મંદિરના બધી જ રીતના બાયોડિગ્રેડેબલ કચરાને ઑર્ગેનિક ખાતર અથવા હવન-સામગ્રીમાં બદલીને ફરી ઉપયોગી બનાવે છે.

હમણાંની જ વાત કરીએ તો ક્લીન ઇન્ડિયા વેન્ચર્સે ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક એવા બૈદ્યનાથ મંદિર ધામમાં તેમનું એક ફ્લાવર વેસ્ટ રીસાઇક્લિંગ મશીન ઇન્સ્ટૉલ કર્યું. આ મશીન મંદિરમાં ચડતા બધા જ પ્રકારનાં ફૂલો અને પાંદડાંઓ સહિતને જમા કરીને એને ખાતરમાં પરિવર્તિત કરે છે. ‘પ્રોસેસ ઍટ સોર્સ’ના ઇનિશિયેટિવ દ્વારા તેમણે દરરોજના એક ટન જેટલા કચરાને પ્રોસેસ કરી શકે એવાં બે મશીન બૈદ્યનાથ ધામમાં ઇન્સ્ટૉલ કર્યાં છે જેનો ફાયદો મંદિરને તો થયો જ, સાથે સ્થાનિક ખેડૂતોને સસ્તા ભાવે ઑર્ગેનિક ખાતર પણ ઉપલબ્ધ થવા માંડ્યું.

આર્ટ ઑફ લિવિંગ

શ્રી શ્રી રવિશંકરના વડપણ હેઠળની આ ધાર્મિક સંસ્થાનું નામ આપણા કોઈથી અજાણ્યું નથી. આર્ટ ઑફ લિવિંગે કોલ ઇન્ડિયા નામની ભારતીય કંપની સાથે સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. એ અનેક મંદિરોમાંથી કચરો ભેગો કરે છે અને ત્યાંથી પોતાના વેસ્ટ મૅનેજમેન્ટ યુનિટમાં મોકલી આપે છે. ત્યાર બાદ એ યુનિટ બધા કચરાને બાયો-એન્ઝાઇમ્સ દ્વારા તોડી અલગ કરીને એમાંથી ઑર્ગેનિક ખાતર બનાવે છે. આર્ટ ઑફ લિવિંગના આ વેસ્ટ મૅનેજમેન્ટ પ્રોજેક્ટનું કામ સંભાળી રહેલા પ્રોજેક્ટ-લીડર મયંક વશિષ્ઠ કહે છે કે તેઓ ધાર્મિક સ્થળોએથી નીકળતા કચરામાંથી દરરોજ એક ટન ઑર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરે છે. તમે નહીં માનો પણ અત્યાર સુધીમાં તેમણે અલગ-અલગ ૧૩ જગ્યાએ વેસ્ટ મૅનેજમેન્ટ પ્લાન્ટ લગાડ્યા છે. એટલું જ નહીં, મયંક વશિષ્ઠ બીજાં મંદિરોને પણ પોતાના વેસ્ટ મૅનેજમેન્ટ પ્રોજેક્ટ લગાવવા માટે પ્રોત્સાહિત કરતા રહે છે કારણ કે આ પ્રકારના કચરાને પ્રોસેસ માટે દૂર સુધી લઈ જવો શક્ય નથી.

હેલ્પ અસ ગ્રીન

આ ઑર્ગેનાઇઝેશનના અગ્રવાલ અને રસ્તોગીજી તો વળી સાવ નવી ‘ફ્લાવર સાઇક્લિંગ’ નામની ટેક્નૉલૉજી લઈને આવ્યા છે. એના દ્વારા તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યનાં અનેક ધાર્મિક સ્થળોના કચરાને સુગંધીદાર લાકડામાં, સાબુમાં અને ખાતરમાં પરિવર્તિત કરે છે. આ બન્ને જબરદસ્ત ટૅલન્ટેડ વ્યક્તિ રાજ્યનાં મંદિરો અને મસ્જિદોમાંથી રોજનો ૨.૪ ટન જેટલાં ફૂલોનો કચરો જમા કરે છે અને એને રીસાઇકલ કરે છે. ગમતીલી વાત એ છે કે તેમનું મહદંશે ફોકસ ગંગા નદીમાં ફેંકાતા કચરા પર હોય છે. જાણશો તો માનવામાં નહીં આવે કે તેમણે હમણાં સુધીમાં મંદિરોનો અંદાજે ૧૧,૦૬૦ ટન જેટલો કચરો રીસાઇકલ કર્યો છે. એમાંથી તેમણે સાબુ, અગરબત્તીઓ અને ખાતર બનાવ્યાં છે.

નોએડા હૉર્ટિકલ્ચર ડિવિઝન ઍન્ડ સોસાયટી ફૉર ચાઇલ્ડ ડેવલપમેન્ટ

હેલ્પ અસ ગ્રીનની જેમ જ આ જૉઇન્ટ વેન્ચર પણ ધાર્મિક સ્થળો પર બનતાં ફૂલોના કચરામાંથી ઑર્ગેનિક રંગો, અગરબત્તીઓ અને ખાતર બનાવે છે. મજાની વાત એ છે કે આ સંસ્થા માત્ર ફૂલોના કચરાને રીસાઇકલ કરવાનું જ કામ નથી કરતી, આ એક કામને કારણે તેઓ નોએડાના ગરીબ અને બેરોજગાર લોકોને રોજગાર પણ પૂરો પાડે છે. આ સંસ્થા હાલ નોએડાનાં ૭ મંદિરોમાંથી રોજ અંદાજે ૬૦ કિલો જેટલાં નિર્માલ્યનાં ફૂલો એકઠાં કરે છે અને એની રીસાઇક્લિંગ પ્રોસેસ કરે છે.

ફૂલ

એક એવી સંસ્થા જેણે પોતાના કામને જ સંસ્થાના નામ તરીકે અપનાવ્યું. ફૂલ એક એવી સંસ્થા છે જેને ગંગા નદીમાં ફેંકાતાં ફૂલો જોઈને આ કામ હાથ ધરવાની પ્રેરણા મળી. આજે ‘ફૂલ’ અગરબત્તી, વર્મી કમ્પોસ્ટ અને ફ્લોરાફોમ બનાવવાની નવી-નવી રીતો અને ટેક્નૉલૉજી શોધવા બાબતે રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ખૂબ મોટું કામ કરી રહી છે. અહીં જણાવી દઈએ કે ફ્લોરાફોમ એ અત્યંત નુકસાનકારક એવા થર્મોકૉલનો ૧૦૦ ટકા બાયોડિગ્રેડેબલ વિકલ્પ છે. ૭૩ જેટલી મહિલાઓને રોજગાર પૂરો પાડતી આ સંસ્થા ધાર્મિક સ્થળોએ થતા હમણાં સુધીમાં લગભગ ૧૧,૦૦૦ ટન જેટલાં ફૂલોના કચરાને રીસાઇકલ કરી ચૂકી છે. અહીં કામ કરતી મહિલાઓ સૌથી પહેલાં ફૂલોને જાતે અલગ-અલગ તારવે છે. ત્યાર બાદ એના પર ઑર્ગેનિક બાયોફૂલમ સ્પ્રે કરવામાં આવે છે. એ પછી એને પાણીએ ધોઈ પાંખડીઓ અલગ કરીને તડકામાં સૂકવવામાં આવે છે અને ત્યાર બાદ એમાંથી અગરબત્તી, વર્મી કમ્પોસ્ટ અથવા ફ્લોરાફોમ બનાવવામાં આવે છે.

આપણે શું કરી શકીએ?

વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર હોય કે મથુરાનું શ્રીહરિ કૃષ્ણનું, આવાં અનેક ધાર્મિક સ્થળોએ ઢગલાબંધ ફૂલો અને ફળો રોજેરોજ નિર્માલ્ય તરીકે નીકળે છે જેની સાથે સ્વાભાવિક રીતે જ આપણી શ્રદ્ધા સંકળાયેલી હોય અને જ્યારે ખબર પડે કે આપણે ચડાવેલાં એ બધાં જ ફૂલો અને ફળો ઇત્યાદિ બેજવાબદારીપૂર્વક કચરામાં ઠલવાય છે ત્યારે નિઃશંક દુઃખ થાય અને આપણી ધાર્મિક લાગણીને પણ ઠેસ પહોંચે. જોકે આપણે ક્યારેય આપણી જાતને પ્રશ્ન પૂછતા જ નથી કે મેં પોતે આ માટે શું કર્યું? પ્લાસ્ટિક્સનાં પૅકેટ્સ અને ચૂંદડીઓ, કંકુ કે બંગડીઓ વગેરે દ્વારા ટેમ્પલ વેસ્ટ તરીકે કેટલું કેમિકલ નદીઓમાં અને જમીની મેદાનોમાં રોજેરોજ બેજવાબદારીપૂર્વક ઠલવાતું રહે છે. આ માટે મૂળ જવાબદાર કોણ? આપણે જને? આ લખનારના પોતાના અનેક અનુભવોમાંનો માત્ર એક અનુભવ કહું. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમેળામાં બે વાર જવાનું થયું. એક મહિલા અત્યંત શ્રદ્ધાપૂર્વક સંગમમાં સ્નાન કરી હોડીમાં બેસીને કિનારે આવી અને ત્યાર બાદ મા યમુનાની પૂજા કરીને પ્લાસ્ટિકના પૅકેટમાં પૅક્ડ એવી ચૂંદડી, પ્લાસ્ટિકની કોથળીમાં સીલ બંગડીઓ અને ફૂલોની ટોપલી સહિત દીવાનો દડિયો, ચાંદલાનું પૅકેટ અને સિંદૂરની ડબ્બી યમુનાજીમાં વહાવી (ફેંકી) દીધી અને મહાન શ્રદ્ધાળુ તરીકે મૅડમે હાથ જોડ્યા, યમુનાજીને નમન કર્યું. કેવી નિર્મળ ભક્તિ નહીં? કેટલી સાત્ત્વિક શ્રદ્ધા અને પૂજા, ખરુંને?

જોકે કાશી વિશ્વનાથ અને મથુરાનાં મંદિરોમાંથી હવે ઘણી સંસ્થાઓ આ ફૂલો અને ફળોનો કચરો ભેગો કરીને લઈ જાય છે અને એનો વર્મી કમ્પોસ્ટ કે અગરબત્તીઓ કે ઑર્ગેનિક રંગો બનાવવામાં ઉપયોગ થાય છે. એમ છતાં હજી આજે પણ મોટી સંખ્યામાં મંદિરમાં જનરેટ થતું આ બધું વેસ્ટ સીધેસીધું ક્યાં તો પાણીમાં એટલે કે નદીઓમાં ઠલવાય છે અથવા કચરાનાં મેદાનોમાં. ભારત અંદાજે ૭ લાખ કરતાં વધુ મંદિરો ધરાવતો દેશ છે અને એ સિવાય મસ્જિદો અને ગુરુદ્વારાઓ તો અલગ. વિચાર કરો કે બધું મળીને અંદાજે દસથી ૧૨ લાખ જેટલાં આ ધાર્મિક સ્થળોએથી નીકળતો કચરો પ્રકૃતિ નામના આપણા ઈશ્વર પર રોજેરોજ કેટલું મોટું પ્રદૂષણનું ભારણ ઊભું કરતો હશે? જો આ બધાં મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારાઓને આપણે ઝીરો વેસ્ટ બનાવવા તરફ લઈ જઈ શકીએ તો શું દેશમાં એક મોટો બદલાવ નહીં આવી શકે? આપણી ભક્તિ અને શ્રદ્ધા શું માત્ર ઈશ્વરને ભેટ અર્પણ કરવા સુધી જ સીમિત છે? એમણે સર્જેલી આ ધરતીને ભારવિહીન અને હરિયાળી પ્રદૂષણવિહીન રાખવાની જવાબદારી પણ શું આપણી નથી?   

columnists lifestyle news life and style air pollution environment gujarati mid day