થૅન્ક યુ કોવિડ:કબૂલવું પડે કે મહામારીએ જેટલી તકલીફ આપી એટલી જ નવી દિશાઓ પણ ખોલી

24 October, 2021 10:27 AM IST  |  Mumbai | Manoj Joshi

કોવિડે પીડા આપી છે તો કોવિડે અનેક જગ્યાએ પરિવારને એક કરવાનું કામ પણ કર્યું છે. કોવિડે હેરાનગતિ ઊભી કરી છે તો એ પણ એટલું જ સાચું કે કોવિડે જીવનને ઠહરાવનો અર્થ પણ સમજાવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

આ હકીકત છે. ઘરે બેસીને કામ થઈ શકે અને એ પણ ઑફિસમાં બેસીને કરીએ એના કરતાં વધારે એ વાત આપણને પેન્ડેમિકે શીખવી. આ જ નહીં, આના ઉપરાંતની પણ ૫૦૦ એવી વાતો છે જે પેન્ડેમિક શીખવી ગયું. કબૂલ કે પેન્ડેમિકે હેરાનગતિ ઊભી કરી, સ્વજનોનો સાથ લઈ લીધો. એ પણ કબૂલ કે પેન્ડેમિકે પારાવાર તકલીફ આપી અને પેન્ડેમિક જીવન આખું ડામાડોળ કરી દીધું, પણ ક્યાં સુધી સતત નેગેટિવ વાતો કર્યા કરીશું, ક્યાં સુધી અડધા ખાલી ગ્લાસની ફરિયાદ કરતા રહીશું. મુદ્દો એ પણ એટલો જ સાચો છે કે અડધો ગ્લાસ ભરેલો પણ છે. કોવિડે તકલીફ આપી છે તો કોવિડે નવી દિશાઓ પણ ખોલી છે. કોવિડે પીડા આપી છે તો કોવિડે અનેક જગ્યાએ પરિવારને એક કરવાનું કામ પણ કર્યું છે. કોવિડે હેરાનગતિ ઊભી કરી છે તો એ પણ એટલું જ સાચું કે કોવિડે જીવનને ઠહરાવનો અર્થ પણ સમજાવ્યો છે. શાંતિ આપવાનું કામ કોવિડે કર્યું અને અશાંતિને ભગાડવાનું કામ પણ કોવિડે કર્યું. મુંબઈ જેવા સતત ભાગતા-દોડતા શહેરમાં કોવિડને કારણે અચાનક જ ધીરજ આવી. કબૂલ કે આપણે એ ધીરજ ભૂલી જવાના છીએ, પણ ભૂલીશું નહીં તો પીડાને પણ કેમ વીસરીશું? કોવિડે સમજાવ્યું કે ઘરે બેસીને કામ થઈ શકે અને એ પણ ઑફિસ કરતાં વધારે સારી ગુણવત્તાથી અને ઉત્તમ રીતે. વર્ક ફ્રૉમ હોમનો કન્સેપ્ટ ક્યારેય કોઈએ વિચાર્યો નહોતો અને એવી કલ્પના પણ નહોતી કરી શકાતી, પણ કોવિડે એ વાતને સહજ રીતે સમજાવી અને કલ્પનાને હકીકતમાં ફેરવીને વાજબી પરિણામ આપવાનું કામ પણ કોવિડે કર્યું. કેટલો સમય સાહેબ, જુઓ તો ખરા તમે. કેટલો સમય ઘરે રહીને લોકોએ દેશના અર્થતંત્રને ધબકતું રાખ્યું. દેશના અને પોતાના અર્થતંત્રને પણ. ઘરે રહીને કામ કરવાની નીતિ આવ્યા પછી તો આજે કૉર્પોરેટ સેક્ટર પણ એટલું સમજી ગયું કે આ દિશામાં આગળ વધવું સૌકોઈ માટે હિતાવહ છે.અનેક કંપનીઓ આજે પણ હજી વર્ક ફ્રૉમ હોમના કન્સેપ્ટ પર કામ કરે છે. અનેક કંપનીઓની ઑફિસમાં આજે પણ કામચલાઉ ધોરણે જ સ્ટાફ આવે છે. બનશે, હવે ટૂંક સમયમાં એવું બનશે કે લોકો ઑફિસ જતા થશે, પણ એ તો જવાનું જ હતું અને જવું જ જોઈએ, પણ મુદ્દો એ છે કે વર્ક ફ્રૉમ હોમ કન્સેપ્ટ આપીને કોવિડે ફૅમિલીને નજીક લાવવાનું પણ કામ કરી દીધું. અનેક પરિવારો એવા હતા જે સવારે ૬ વાગ્યે છૂટા પડતા અને રાતે ૧૧-૧૨ વાગ્યે ફરી એક છત નીચે એકત્રિત થતા. એ પરિવારો મહિનાઓ સુધી સાથે રહી શક્યા અને સાથે રહીને તેમણે જીવનને એક નવો રંગ આપવાનું કામ કર્યું. અનેક મતભેદો દૂર થયા અને જીવનમાં અનેક પ્રકારની ખુશ્બૂ ઉમેરાઈ. અનેક ખુશી મેળવી અને અનેક સ્પંદનો કેળવ્યાં. ઘરે બેસીને કામ કરવાના કન્સેપ્ટે તો અનેક લોકોને આર્થિક તકલીફોમાંથી ઉગારી લેવાનું કામ પણ કર્યું. રેન્ટ ચૂકવીને પણ ઑફિસ કે શૉપ રાખનારાઓને ઘરેથી કામ કરવાનો સંકોચ નીકળી ગયો. તેમની એ વાતની ફિકર પણ નીકળી ગઈ કે હવે કામ કેવી રીતે કરવું? કોવિડે સમજાવ્યું કે કામ ક્યાંયથી પણ થાય અને કોઈ પણ રીતે કરી શકાય. જરૂર છે ધગશની અને ધગશ સાથે ઇચ્છાની.

columnists manoj joshi