ઍન્ટિક ચીજો માટે વીકમાં એક આંટો ચોરબજારનો પાક્કો

20 October, 2021 07:28 PM IST  |  Mumbai | Ruchita Shah

૭૭ વર્ષના પ્રવીણ વસાએ હવે જોકે થોડા સમયથી એ બંધ કર્યું છે પરંતુ પોસ્ટલ સ્ટૅમ્પ્સથી લઈને લિમિટેડ એડિશન કૉઇન્સ, જૂની પેન અને બૉલપેન, યુનિક ચલણી નોટો જેવી તો કેટલીયે વસ્તુનું કલેક્શન તેમની પાસે છે

ઍન્ટિક ચીજો માટે વીકમાં એક આંટો ચોરબજારનો પાક્કો

વર્ષો સુધી સાઉથ મુંબઈની લોહાર ચાલમાં રહેલા પ્રવીણ વસા તેમનાં દીકરા અને વહુ સાથે હવે દાદર શિફ્ટ થઈ ગયા છે. ટેક્સટાઇલના બિઝનેસ સાથે જોડાયેલા પ્રવીણભાઈ છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી નિવૃત્તિનું જીવન જીવે છે. તેર વર્ષ પહેલાં પત્ની ગુજરી ગયા પછી થોડીક એકલતા આવી પરંતુ પ્રેમાળ દીકરા-વહુ અને પૌત્રએ તેમના ખાલીપાને દૂર કરવાના અઢળક પ્રયાસો કર્યા છે. અત્યારે આ ખાલીપાને નિવારવામાં તેમની બીજી સહાય કરી છે તેમના કલેક્શને. નાનપણમાં પિતાજીને પોસ્ટલ સ્ટૅમ્પ કલેક્ટ કરતા તેમણે જોયા છે અને એ જ બાબત ક્યારે તેમનો શોખ બની ગયો એની ખબર પણ ન પડી. યુનિક નંબરની ચલણી નોટો, કૉઇન્સ, બૉલપેન, ઍન્ટિક બૉટલો જેવી ઘણી ઍન્ટિક વસ્તુઓનો ખજાનો પ્રવીણભાઈ પાસે છે. ઘણી વસ્તુઓ તેમણે એના ઉપયુક્ત કદરદાનને વેચી પણ છે. તેમના હસ્તાક્ષર પ્રિન્ટરના છાપેલા શબ્દોને પાછા પાડે એટલા સુંદર છે. તેમને વાંચનનો અને લખવાનો પણ જબ્બર શોખ છે. પ્રવીણભાઈ સાથે તેમની પાસે રહેલી વસ્તુઓની ખાસિયતો પર વાત કરીએ. 

લોકોને નવાઈ લાગતી
જે જૂના સિક્કાઓ સામે પણ ન જોઈએ એવા સિક્કાઓની શોધ કરવા માટે પ્રવીણભાઈ ચોરબજાર જતા. એ વિશે તેઓ કહે છે, ‘આ એવી જગ્યા છે જ્યાં ઘણી વાર યુનિક વસ્તુઓ મળી જાય. જિંદગી આખી ટેક્સટાઇલના વ્યવસાયમાં કાઢી છે એટલે પૈસાની એવી છૂટ તો ન હોય કે લાખોની આઇટમ ખરીદી શકાય પરંતુ ચોરબજારમાં મળતી યુનિક વસ્તુઓ અમુક રૂપિયામાં ખરીદીને એને હજારોમાં વેચી જરૂર છે. મારી પાસે ગાંધીજીની યુનિક સ્ટૅમ્પ છે. રિઝર્વ બેન્કે લૉન્ચ કરેલા રૅર કહી શકાય એવા લિમિટેડ એડિશન કૉઇન્સ છે. પિતાને સ્ટૅમ્પનો શોખ હતો. તેમનું કલેક્શન અમે ત્રણ ભાઈઓ હતા તો સરખા ભાગે તેમણે વહેંચી કાઢ્યું હતું. મને બરાબર યાદ છે કે મારા પિતાજી પાસે એક યુનિક સોનામહોર હતી જે તેમણે એ સમયમાં માત્ર બે હજાર રૂપિયામાં વેચી કાઢેલી, કારણ કે પૈસાની જરૂરિયાત હતી. જો એ સોનામહોર આજે હોત તો કદાચ એની કિંમત હજારોમાં આંકી શકાત. ચલણી નોટોનું યુનિક નંબરનું કલેક્શન પણ છે મારી પાસે. દસ-દસનાં તો સારાંએવાં બંડલ છે. પાંચ રૂપિયાની નોટનું પણ એક યુનિક બંડલ છે. સો રૂપિયાની નોટનું સિરિયલ નંબર ૧૯૯૧થી ૨૦૦૦ સુધીનું એક બંડલ છે. હું આ ચિલ્લર અને તાંબાના સિક્કા શું કામ ભેગા કરું છું એની લોકોને ત્યારે પણ નવાઈ લાગતી અને આજે પણ લાગે છે. હવે તો એ વાતને ઓછાંમાં ઓછાં ૬૨ વર્ષ થઈ ગયાં છે.’

ખાસ શું?
અત્યારે મારી પાસે એક-એક ટિકિટનાં પાંચેક આલબમ છે પ્લસ અમુક શીટ્સ છે એમ જણાવીને પ્રવીણભાઈ કહે છે, ‘ઘણાં એક્ઝિબિશનમાં પણ મેં મારી વસ્તુઓ મૂકી છે. ગાંધીજીની સ્ટૅમ્પ્સ અને તેમના ફોટોનું યુનિક કલેક્શન છે મારી પાસે. એની સાચી બોલી લગાવનારો મળે તો લાખોમાં બોલાય અને બાકી બધા માટે એ જૂના ભંગારથી વિશેષ કંઈ નથી. જૂના સિક્કાઓ જુઓ તો તમને એ જમાનો જાણે લાઇવ થતો હોય એવો અનુભવ થશે. સમય બદલાય છે અને વસ્તુઓની જરૂરિયાતો બદલાય છે પરંતુ આવી ઍન્ટિક વસ્તુઓમાં જૂનો સમય અકબંધ રહે છે. હવે પગમાં રૉડ બેસાડેલો હોવાથી બહુ ચલાતું નથી એટલે હવે ચોરબજારમાં જવાનું બંધ કર્યું છે. હરણના ફોટોવાળી પાંચની નોટનું બંડલ મારા માટે ખાસ છે. પિતાજીના સમયની પાર્કર, શેફર જેવી ઘણી જૂની પેનો પણ પડી છે. લગભગ બે બૅગ ભરીને આ વસ્તુઓ છે. મને ટિકિટો કલેક્ટ કરવાનો શોખ છે. મુગલ-એ-આઝમ બ્લૅક ઍન્ડ વાઇટમાં જોયું એ સમયની બે રૂપિયાની ટિકિટ અને પછી એ રંગીન પ્રિન્ટમાં જોયું એ સમયની સો રૂપિયાની ટિકિટ છે. ઘણાં નાટકોની ટિકિટ છે જે એ જ ઑડિટોરિયમમાં એ જ જગ્યાએ ક્યારે દસ રૂપિયામાં નાટક જોયું હતું અને પછી એ જ સીટ પર બેસવાના બસો રૂપિયા પણ આપ્યા છે. સમયના પ્રવાહને આ જૂની વસ્તુઓ તમારી સમક્ષ સાક્ષાત્કાર કરાવે છે.’

columnists ruchita shah