૯૨ વર્ષનાં આ બા છે પોકર અને કાર્ડ ગેમ્સનાં રસિયા

15 June, 2022 08:21 PM IST  |  Mumbai | Jigisha Jain

ખારઘરમાં રહેતાં વનિતાબહેન શાહને કિટી પાર્ટીઝ અને ક્લબમાં જઈને પત્તાં કે હાઉઝી રમવાનું ખૂબ ગમે. એટલું જ નહીં, આ બાને નાનાં બાળકોની જેમ ઘરમાં જ કમ્પ્યુટર પર જુદી-જુદી ગેમ્સ રમવાનો પણ જબરો શોખ છે

૯૨ વર્ષનાં આ બા છે પોકર અને કાર્ડ ગેમ્સનાં રસિયા

દર શનિવારે જુહુ ક્લબમાં હાઉઝીની ટિકિટ પર જીતવાની હોંશ લઈને બેઠેલાં, એક પણ સળ વગરની કડક ઇસ્ત્રીવાળી સાડી પહેરીને ગરવા લાગતાં એક ગુજરાતણ તમને દેખાય તો એ ચોક્કસપણે ખારઘરમાં રહેતાં વનિતાબહેન શાહ હશે. ૯૨ વર્ષે પણ સારું સ્વાસ્થ્ય ધરાવતાં વનિતાબહેનના દીકરા અમેરિકા અને દીકરી પાર્લામાં સાસરે છે એટલે ઘરે તો એ એકલાં જ રહે છે, પરંતુ માણસોની વચ્ચે રહેવા ટેવાયેલાં વનિતાબહેન એમના મુંબઈમાં રહેતા પચાસેક જેટલા કુટુંબીઓને થોડા-થોડા દિવસે ઘરે આમંત્રે અને બધા સાથે મળીને પત્તા રમે. આખું કુટુંબ એમના ઘરના સૌથી મોટા વડીલને બા જ કહે છે. 
કિટી લવર | વનિતાબહેન મૂળ વાંકાનેરનાં અને લગ્ન પછી મુંબઈ સ્થિર થયાં હતાં. આજથી ૧૧ વર્ષ પહેલાં એક સમયે ૬-૭ કિટીમાં જતાં વનિતાબહેને કોરોના પછી કિટીમાં જવાનું ઓછું તો કર્યું છે પણ સાવ બંધ કરવાનું એમને ગમતું નથી. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘લોકોને મળવાનું, એમની જોડે ગપ્પાં મારવાનું, બધા સાથે કોઈને કોઈ ગેમ રમવાનું એ બધું મને ખૂબ ગમે. છેલ્લાં પંદરેક વર્ષોથી હું કિટીઓમાં જાઉં છું. ત્યાં બધા મારાથી નાના જ છે પણ મજા આવે બધા સાથે.’ 
રમવાનો શોખ વનિતાબાનો ઘણાં વર્ષોથી જળવાઈ રહ્યો છે. ક્લબમાં જાય ત્યારે હાઉઝી રમે. કિટીમાં તીન પત્તી રમે અને ઘરના સભ્યો સાથે પોકર. એ વિશે વાત કરતાં વનિતાબા કહે છે, ‘અમે ફક્ત ૧ રૂપિયાની ચાલથી તીન પત્તી રમીએ એટલે ખાસ કંઈ ગુમાવવાનું કે મેળવવાનું રહે નહીં, પણ મજા આવે. હાઉઝીમાં પણ એવું છે કે અમે કુટુંબની બે-ત્રણ સ્ત્રીઓ સાથે જઈએ અને રમીએ. જો એક પણ વ્યક્તિ જીતે તો ઇનામ ત્રણેયમાં સરખા ભાગ પાડીને વહેંચાય. રમત રમવામાં તો મજા છે જ પરંતુ જીતીએ ત્યારે મજા બેવડાય છે.’  
કમ્પ્યુટર લિટરસી પણ સારી | પોતે દસમી પાસ વનિતાબા કમ્પ્યુટર ચલાવી જાણે છે અને એના પર મજાથી ગેમ રમતાં હોય છે. પોતાનાં બાળકો સાથે વિડિયો કૉલ પર વાત પણ કરતાં હોય છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘સમય સાથે બધું શીખી લેવું જરૂરી છે. કમ્પ્યુટર પર મને ગેમ રમવાની ખૂબ મજા પડે છે. આ સિવાય નૉર્મલ કૉલ કરતાં વિડિયો કૉલ હોય તો બાળકોને જોઈ લેવાનો સંતોષ પણ થાય છે.’ 
મજાની લાઇફ | વનિતાબહેનના ઘરમાં એક છોકરી એમનું ધ્યાન રાખવા માટે સાથે રહે છે. ખાવાનાં અને ખવડાવવાનાં શોખીન વનિતાબહેન એની પાસે દરેક વાનગી બનાવડાવે છે. એમને પાણી-પૂરી, સેવ-પૂરી અને રગડા-પૅટીસ જેવી ચાટ આઇટમ્સ ખૂબ ભાવે છે. આ ઉંમરે તેઓ એ ખાઈ પણ શકે છે અને પચાવી પણ શકે છે. ઘરે બધાને બોલાવ્યા હોય ત્યારે ઘર પણ ફૂલોની રંગોળીથી સજાવેલું હોવું જોઈએ એવો બાનો ખાસ આગ્રહ હોય છે. 

સામાજિક ઋણ અદા કરતી પ્રવૃત્તિઓમાં પણ સક્રિય

પોતે ઓછું ભણેલાં હોવાનો રંજ વનિતાબાને એટલો હતો કે એને દૂર કરવા એમણે ૧૦-૧૨ વર્ષ પહેલાં વાંકાનેરમાં અક્ષમ બાળકો માટે વાત્સલ્ય ભવન નામની સ્કૂલ બનાવડાવી જ્યાં ભણીને આ બાળકો પગભર થઈ શકે. માત્ર પૈસા થકી જ મદદ કરી છે એવું નથી, પણ કોરોના આવ્યા પહેલાં વર્ષે લગભગ બે વાર તેઓ આ સ્કૂલમાં જતાં હતાં અને એ બાળકોને મળતાં. આ સિવાય એ સ્કૂલ ઉપર એક હૉલનું નિર્માણ કરાવ્યું છે જેમાં સિનિયર સિટિઝનને નિ:શુલ્ક જુદી-જુદી સ્કિલ્સ શીખવવામાં આવે છે.

columnists Jigisha Jain