સકારાત્મક માનસિકતાનો પ્રયાસ એકધારો ચાલુ રહેશે તો જંગ જલદી પૂરો થશે

17 January, 2022 03:19 PM IST  |  Mumbai | Manoj Joshi

જો તમે એકલા હો અને નસીબને ભાંડવાનું કામ કરો તો સમજી શકાય, પણ જો તમારી સાથે દુનિયાનો એકેએક માણસ હોય તો પછી તમે તમારા નસીબને કોસવાનું કામ કરો એ પણ ખોટું જ છેને.

પ્રતીકાત્મક તસવીર

પૅન્ડેમિક સામે જ નહીં, કટોકટીના કોઈ પણ સમય સામે લડવાનો જો કોઈ સાચો માર્ગ હોય તો એ છે સકારાત્મકતા, હકારાત્મકતા, કહો કે પૉઝિટિવિટી અને આ એ જ સમય છે જેમાં તમારે સૌથી વધારે સકારાત્મક રહેવાનું છે. સકારાત્મક માનસિકતાના પ્રયાસો એકધારા ચાલુ રહેશે તો પૅન્ડેમિકનો આ જંગ જલદી પૂરો થશે અને એને જલદી પૂરો કરવા માટે સૌકોઈએ એકબીજાને સાથ આપવાનો છે. પૅન્ડેમિકની સૌથી મોટી ખાસિયત જો કોઈ હોય તો એ છે નકારાત્મકતા અને આ નકારાત્મકતાની પહેલી અસર જો ક્યાંય થતી હોય તો એ છે મન અને વિચાર પર.
હમણાં જ વાંચ્યું કે એકધારા બે વર્ષના આ પૅન્ડેમિક પિરિયડ દરમ્યાન લોકો હવે શૉર્ટ ટેમ્પર્ડ થવા માંડ્યા છે. નાની વાતમાં ઉશ્કેરાટનું પ્રમાણ વધવા માંડ્યું છે અને વધતા એ ઉશ્કેરાટ વચ્ચે સૌકોઈને એ પણ દેખાવા માંડ્યું છે કે આગળ ક્યાંય રસ્તો નથી. છે રસ્તો સાહેબ અને પ્રકાશમય રસ્તો છે. આ તો એક ટનલ આવી છે જેને આપણે પાર કરવાની છે. તમે એવું ધારો કે અત્યારે તમે દુનિયાની સૌથી મોટી ટનલમાંથી પસાર થઈ રહ્યા છો અને આખી દુનિયા તમારી સાથે છે. તમે એ ટનલ પાર કરવામાં એકલા નથી. જો તમે એકલા હો અને નસીબને ભાંડવાનું કામ કરો તો સમજી શકાય, પણ જો તમારી સાથે દુનિયાનો એકેએક માણસ હોય તો પછી તમે તમારા નસીબને કોસવાનું કામ કરો એ પણ ખોટું જ છેને.
આજે જે કંઈ બની રહ્યું છે એ તમારા એક સાથે નથી બનતું. તમે જુઓ કે હજારો લોકોના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ અટકી ગયા છે. તમે જુઓ કે લાખો લોકોના પ્રોગ્રામ વેડફાઈ ગયા છે. અરે, પરણવા માગતા અને હોંશે-હોંશે સગાંસંબંધીઓને બોલાવવા માગતા લોકોનાં પ્લાનિંગ પણ પૅન્ડેમિકમાં બદલાઈ ગયાં છે અને અબ્રૉડ જઈને સ્ટડી કરવા માટે રાત-રાત જાગીને ભણનારાઓના મૂડ પણ ત્યારે ઓસરી ગયા છે જ્યારે વિદેશના એ દેશોએ તેમના દેશની તમામ પ્રકારની સરહદો બંધ કરી દેવાનો નિર્ણય કર્યો. કહેવાનો ભાવાર્થ એટલો જ કે બગડ્યું છે પ્લાનિંગ, પણ એમાં તમારા એકનો સમાવેશ નથી થયો. દુનિયા આખી સાથે એવું જ બન્યું છે અને જ્યારે સૌ સાથે થયું હોય ત્યારે કેવી રીતે તમે તમારા એકના સંજોગોને દોષ આપી શકો?
ના, એ દોષનો કોઈ અર્થ સરતો નથી અને એવો દોષ આપવાથી કશું પરિણામ પણ બદલાવાનું નથી. બહેતર છે કે સમય અને વહેણની સાથે રહો અને આજની પરિસ્થિતિને સ્વીકારીને આગળ વધવા માંડો. આગળ વધો એમાં જ લાભ છે અને આગળ વધશો તો અને તો જ અત્યારના આ સંજોગોને પાર કરી શકશો. સકારાત્મક રહેવાનું છે અને હકારાત્મકતા સાથે સમય અને સંજોગોનો સામનો કરવાનો છે. ઓમાઇક્રોન આજે ઊછળે છે, આવતી કાલે ફરી શમન સાથે ચૂપ થાય છે તો પરમ દિવસે એ નવેસરથી ફૂંફાડો પણ મારશે. મારે, ભલે મારે; પણ તમારે તમારું કામ કરવાનું છે અને તમારું કામ છે શમન સાથે, સંયમ સાથે અને સમતા સાથે સંજોગોનો સામનો કરવાનું. આ કામ જ્યારે સુપેરે પાર પાડશો ત્યારે તમને પૅન્ડેમિકમાં પણ પરમકલ્યાણકાળની ખુશ્બૂ આવશે. ગૅરન્ટી મારી. એક વાર અનુભવ કરી જુઓ.

columnists manoj joshi