31 August, 2026 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત।
સ્થિતોઽસ્મિ ગતસન્દેહઃ કરિષ્યે વચનં તવ।।
સ્વયમ્ પ્રભુ દ્વારા પ્રાપ્ત ગીતાજ્ઞાન પશ્ચાત્ મહાન ધનુર્ધર અર્જુને જ્યારે આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે કદાચ તેમને પણ આ અણસાર નહીં પડ્યો હોય કે તેઓ આવનારી અનેક પેઢીઓને એક અતિ મહત્ત્વપૂર્ણ શિક્ષાનો પાઠ ભણાવવા જઈ રહ્યા છે. પરમાત્માના કૃપાપ્રસાદથી અર્જુનનો મોહ તો નષ્ટ થઈ ગયો અને તેને સ્મૃતિ (જ્ઞાન) પણ પ્રાપ્ત થઈ ગઈ, પરંતુ આટલાં વર્ષો વીતી ગયાં હોવા છતાં મનુષ્યનો મોહ હજી પણ અડગ છે. શા માટે? એનું મૂળ કારણ એ છે કે મનુષ્યે ગીતા તો અનેક વખત વાંચી છે પણ જીવેલી નથી. તેણે ગીતાને માત્ર ધાર્મિક ગ્રંથ સમજી લીધો, પરંતુ એમાંથી પ્રાપ્ત દિવ્ય જ્ઞાનને જીવનમાં માર્ગદર્શનરૂપે હજી સુધી સ્વીકાર્યું નથી. જેમ અહંકાર અહંતાથી પેદા થાય છે એમ મોહ મમતાથી પેદા થાય છે. દૈહિક દૃષ્ટિથી બધું જોનારા મનુષ્યનો દૈહિક બાળકોમાં મમતાનો ભાવ ઉત્પન્ન થાય છે અર્થાત્ પહેલાં મનુષ્ય પોતાની જાતને દેહ માને છે અને ત્યાર બાદ આ દેહ દ્વારા તેણે જે બાળકો પેદા કર્યાં છે તેમને તે ‘મારાં પોતાનાં’ બાળકો માને છે જેના પરિણામસ્વરૂપ તે બાળકો જોડે રહેતાં-રહેતાં તેમની અંદર તેમનો રાગ, મમતા, મોહ પાકો થતો જાય છે જે તેને આત્મિક સુખ તેમ જ પરમાત્મ-આનંદ લેવા નથી દેતો. અતઃ મનુષ્યનો કોઈક અન્ય વ્યક્તિના હાડ-માંસમાં જે મોહ છે એ એક પ્રકારે ઈશ્વર પ્રત્યે દ્રોહ અથવા વિદ્રોહ છે અને તેમનું ઘોર અપમાન છે.
પરમાત્માએ આપણને આ સૃષ્ટિ પર સુખ, શાંતિ અને સદ્ભાવના સાથે જીવન જીવવા માટે મોકલ્યા છે; પરંતુ આપણે પોતાના લોભ અને સ્વાર્થવશ ચારેકોર મોહ અને મમતાની એવી માયાજાળ નિર્મિત્ત કરી દીધી છે કે એમાં આપણે પોતે તો ફસાયા જ છીએ, પરંતુ અન્યોને પણ આ દલદલમાં પોતાની સાથે ફસાવી નાખ્યા છે. હવે આમાંથી બહાર કઈ રીતે નીકળવું? આની વિધિ સાવ જ સરળ છે અને એ છે ‘આત્મઅનુભૂતિ’. જી હાં, જ્યાં સુધી આપણે પોતે એ વાતનો સ્વીકાર નહીં કરીએ કે મોહની આ માયાજાળ આપણી જ પોતાની માનસિક બીમારીનું પરિણામ છે ત્યાં સુધી આપણે એમાંથી બહાર નીકળી જ નહીં શકીએ. અતઃ જો આપણે પોતાનો ઉદ્ધાર કરવા માગતા હોઈએ તો તમામ પ્રકારની ઇચ્છાઓ-કામનાઓનો ત્યાગ કરીને એક પરમાત્માની જેમ બધા આત્માઓને પ્રેમ કરતાં શીખવું પડશે. અન્યથા આપણે મોહરૂપી કળણમાંથી ક્યારેય બહાર નીકળી નહીં શકીએ. યાદ રહે! પ્રેમ એ એકમાત્ર એવી શક્તિ છે જે મોહને ભસ્મ કરી શકે છે, કારણ કે મોહ બંધન છે અને પ્રેમ મુક્તિ છે. એટલે જો આપણે જીવનનો સાચો આનંદ અનુભવો હોય તો પરમાત્માની સ્મૃતિમાં સ્થિત થઈને ‘નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા’ બનવું જ પડશે. એ જ ગીતાજ્ઞાનનો સાર અને માનવજીવનનું પરમ લક્ષ્ય છે.