21 January, 2026 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાણેમાં રહેતાં સરયૂ માલદે છેલ્લા બે દાયકાથી શિક્ષણક્ષેત્રે કાર્યરત છે. ભરતનાટ્યમમાં પણ વિશારદ કર્યું હોવાથી ડાન્સ પણ શીખવાડે છે.
આજે શિક્ષણનું સ્તર વધ્યું છે, પણ એની સાથે સ્પર્ધા અને ટેન્શન પણ એટલાં જ વધ્યાં છે. ખાસ કરીને ICSE અને CBSE જેવાં બોર્ડમાં ધોરણ ૧થી ૪નાં બાળકોનો અભ્યાસક્રમ એટલો લેન્ધી બનાવી દેવામાં આવ્યો છે કે નાનકડાં બાળકોને માથું ઊંચું કરવાનો સમય નથી મળતો. સવારથી સાંજ સુધી તેમનું જીવન સ્કૂલથી ટ્યુશન અને ટ્યુશનથી હોમવર્ક વચ્ચે જ પૂરું થઈ જાય છે. એક શિક્ષક તરીકે મેં નજીકથી જોયું છે કે આજનાં બાળકો પર પહેલાં કરતાં ત્રણગણું માનસિક દબાણ છે. શાળાઓમાં છાશવારે લેવાતી નાની-મોટી પરીક્ષાઓ અને યુનિટ ટેસ્ટ તેમના માટે માથાનો દુખાવો બની ગઈ છે. પરીક્ષા લેવી જોઈએ, પણ વારંવાર નહીં. પહેલાં તેમના ડાઉટ્સને ક્લિયર કરવા જોઈએ. ઘણી વાર એવું બને છે કે ક્લાસમાં લેક્ચર પૂરું થઈ જાય પણ બાળકને વિષયવસ્તુ સમજાઈ જ ન હોય. પરિણામે સિલેબસ પૂરો કરવાના દબાણમાં શિક્ષકો પણ બાળકોને ગોખણપટ્ટી તરફ ધકેલે છે. જો પાયો જ કાચો રહી જશે તો ભવિષ્યમાં તેમનું ઘડતર કેવું થશે? આ પ્રશ્ન દરેક શિક્ષણશાસ્ત્રીએ વિચારવા જેવો છે. મોટા ભાગના કેસમાં એવું પણ બને છે કે ક્લાસનાં ચાલીસ બાળકો પૈકી પાંચ બાળકો હોશિયાર હોય છે અને ટીચર તેમની તરફ વધુ ધ્યાન આપે છે. પરિણામે હોશિયાર બાળકો વધુ હોશિયાર થાય છે અને નબળાં બાળકો નબળાં જ રહી જાય છે. ભારત સરકારની નવી શિક્ષણનીતિ ખૂબ જ પ્રશંસનીય છે, પરંતુ એનો અમલ પાયાના સ્તરે થવો જરૂરી છે. જો પ્રાઇમરીનાં બાળકોના સિલેબસને થોડો ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં આવે તો બાળકો હોંશે-હોંશે શીખશે. મારો અનુભવ કહે છે કે હોમવર્કમાં કોઈ એક સ્પેલિંગ કે પાઠ ૧૦ કે ૧૦૦ વાર લખવા આપવાને બદલે રમતગમતના માધ્યમથી શીખવવું જોઈએ. ઘડિયાં ગોખાવવાને બદલે રમતો કે સીડી ચડતી વખતે ગણતરી કરાવી શકાય. કક્કો, બારાખડી કે અંગ્રેજી શબ્દો માટે ફ્લૅશ કાર્ડ્સ કે વાર્તાલાપનો ઉપયોગ કરી શકાય. હોમવર્ક એટલે માત્ર બાળકને એકલું ન બેસાડી દેવાય, પણ માતા-પિતાએ સાથે ગેમ રમીને તેને સેન્ટેન્સ બનાવતાં કે શબ્દભંડોળ વધારતાં શીખવવું જોઈએ. હું અત્યારે પ્રી-પ્રાઇમરીમાં ભણાવું છું અને ઘરે આઠમા ધોરણ સુધીનાં બાળકોના ટ્યુશન લઉં છું. મેં નોંધ્યું છે કે બાળકોને ઘણી વાર સ્કૂલમાં જે અંગ્રેજીમાં ભણાવાય છે એ સમજાતું જ નથી. જ્યારે હું એ જ ચૅપ્ટર તેમને ગુજરાતી કે હિન્દીમાં સરળતાથી સમજાવું છું ત્યારે તેમના ચહેરા પરની ચમક કંઈક અલગ હોય છે. એક વાર બાળકને કન્સેપ્ટ સમજાઈ જાય પછી તેને ગોખવાની જરૂર પડતી નથી.