28 April, 2026 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોઈનું વ્યક્તિત્વ આપણે કેવી રીતે મૂલવીશું? સામાન્ય રીતે સારી-સજ્જન લાગતી વ્યક્તિ ક્યારેક ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા લાગે અને જેમ-તેમ બોલવા લાગે તો તેને કાયમ માટે ‘ખરાબ સ્વભાવવાળી’ ચીતરી દઈશું? પૂજાપાઠ અને મંદિરના નિત્ય નિયમવાળી વ્યક્તિ એક શનિવારે સાંજે દોસ્તો સાથે બિઅર પીવા બેસી જાય તો તેને ઢોંગી કહીશું? જીવનમાં જે રોજનું અને સામાન્ય નથી હોતું એનું કુતૂહલ હંમેશાં હોય છે. એ શું છે? કેવું છે? એ જાણવાની ઇન્તેજારી હોય છે. જીવનમાં અખતરા કરવાનો માનવનો સ્વભાવ છે. સ્ટૉકમાર્કેટમાં આપણે અજાણી કંપનીમાં રોકાણ કરવાનો ખતરો નથી લેતા? ધંધામાં અજાણી પાર્ટીને માલ આપવાનો ખતરો નથી વહોરી લેતા?
યુવાનો માટે તો આ વાત વધુ લાગુ પડે. ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. નશો કરવો એ પણ વણદીઠેલી ભોમ જ છે. પાંખો વીંઝતી યુવાની કહે છે, ‘જોઈએ તો ખરા કેવું છે એ?’ કૉલેજમાં ભણતા યુવાનોની આસપાસ તો આવાં ઘણાં જોખમો હોય છે. એક તરફ અચરજભરી આંખ છે અને બીજી તરફ દોસ્તોનું પીઅર પ્રેશર છે. પાર્ટીનું માદક વાતાવરણ અને ધમનીઓમાં ઊછળતાં હૉર્મોન્સથી ઘટનો ઘોડો થનગનાટ ન કરે તો જ નવાઈ. એ જોખમી છે એની ખબર હોવા છતાં ‘ખતરોં સે ખેલના હી તો ઝિંદગી હૈ’ જેવી પરિભાષા સંસ્કારોને એક વખત તો સાઇડલાઇન કરી જ દે છે. ચર્ચગેટની મૅનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ રેવ પાર્ટીમાં જોડાયા. મુંબઈ જેવા મહાનગર માટે આ કલ્ચર નવું નથી. એમ ને એમ એને મોહમયી નગરી તો નથી કહીને?
તે વિદ્યાર્થીઓ મૅનેજમેન્ટમાં ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા હતા, જેમાં ઍડ્મિશન લેવું સહેલું હોતું નથી. લેખિત પરીક્ષામાં પાસ થયા પછી (મિનિમમ ૫૦ ટકા) ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યુ પછી ઍડ્મિશન મળતું હોય છે. એટલે આ વિદ્યાર્થીઓનું ઇન્ટેલિજન્સ લેવલ (બૌદ્ધિક સ્તર) એક પગથિયું ઊંચું તો ગણાય જને. અહીં ફક્ત પૈસાના જોરે ઍડ્મિશન નથી મળતું. અહીંના વિદ્યાર્થીઓનું વાંચન સામાન્ય કરતાં વધારે અને વિશાળ હોય છે. ટેક્નૉલૉજિકલી પણ વધુ ઍડ્વાન્સ હોય છે. કહેવાનો મતલબ એ કે સામાન્ય વિદ્યાર્થી કરતાં શૈક્ષણિક સ્તર વધુ ઊંચું હોવા છતાં તેઓ આવી ભૂલો કરી બેસતા હોય છે. અહીં તેમની ભૂલોને છાવરવાનો આશય નથી. ખોટું કૃત્ય ખોટું જ કહેવાય, પરંતુ ગુનેગારને સજા કરતી વખતે કાયદો પણ ઉંમર અને સંજોગોને લક્ષમાં લે છે.
ગુનો ગમે તેણે કર્યો હોય તેને સુધરવાનો મોકો મળવો જોઈએ એ ન્યાયશાસ્ત્રનો પહેલો સિદ્ધાંત છે.
સમાજને તે વ્યક્તિની સારપનો લાભ મળે એ સમાજશાસ્ત્રનો સિદ્ધાંત છે.
માનસશાસ્ત્ર કહે છે કે એક જ વ્યક્તિમાં સારા અને ખરાબ બન્ને અંશો હોય જ છે. (જૅકિલ ઍન્ડ હાઇડ વાર્તા યાદ કરો.)
ગુજરાતી કવિ અનિલ જોશીની પ્રખ્યાત પંક્તિઓ છે : મેં તુલસીનું પાંદડું બિઅરમાં નાખીને પીધું. જીવનમાં ગંભીરતા છે તો છીછરાપણું પણ છે, પવિત્રતા છે તો અપવિત્રતા પણ છે. તુલસી પૂજનીય છે એ ખબર છે અને નશો ખોટો જ છે એની ખબર હોવા છતાં મનુષ્ય રહી નથી શકતો. તેથી તુલસીપત્ર નાખીને મનને મનાવવાની કોશિશ કરે છે. આ કટાક્ષ છે, બચાવ નથી. કોઈ વેશ્યા હાથમાં સીતાનું છૂંદણું છૂંદાવે તો એ તેની મૂર્ખાઈ નથી બલ્કે તેની સમજણ છે કે સાચું શું છે. જીવનની મજબૂરીમાં પણ તેને વંદનીય તો સીતા જ લાગે છે એવી તેની સમજણને બિરદાવવી જોઈએ. તેની મશ્કરી કરીશું તો એમાં આપણી જ નાસમજ પ્રગટ થશે.
આ ઇન્સ્ટિટ્યૂટે સમાજને મોટા-મોટા કૉર્પોરેટ લીડર્સ આપ્યા છે, થિન્કર્સ આપ્યા છે, બૅન્કર્સ-ડિરેક્ટર્સ-રાઇટર્સ આપ્યા છે. આવી ઉચ્ચ કક્ષાની ઇન્સ્ટિટ્યૂટમાં જિનીયસ દેખાવાનું પ્રેશર ઓછું નથી હોતું. ‘વર્ક હાર્ડ - પ્લે હાર્ડ’ એ અત્યારના વિદ્યાર્થીઓનું મનગમતું સૂત્ર છે. ભણવામાં પણ અવ્વલ અને મજામાં પણ અવ્વલ હોવું જોઈએ એમ જાણે જાતને મનાવી રહ્યા છે. આ સંસ્થાઓ દ્વારા જે શિક્ષણ અને ટ્રેઇનિંગ આપવામાં આવે છે એ, નો ડાઉટ, અવ્વલ દરજ્જાની હોય છે. અહીંથી જ ઉત્તીર્ણ થયેલા યુવાનો સમાજને, ધંધા-વ્યાપારને નવો દૃષ્ટિકોણ આપે છે, નવી દિશા આપે છે. કંપનીઓને જ નહીં, દેશના અર્થતંત્રને-ઇકૉનૉમીને પ્રગતિશીલ રાખવામાં તેમનો ફાળો નાનોસૂનો નથી હોતો.
મૅનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ દેશની CEO Factory કહેવાય છે જે ઉચ્ચ કૅલિબરની ખાતરી આપતી હોય છે. ગળાકાપ સ્પર્ધાવાળી પરીક્ષાઓમાં પાસ થયા પછી મોંઘી ફી ભરી હોય છે. તેથી વિદ્યાર્થીઓ જાણતા હોય છે કે તેઓ સ્વયં એક ઇન્વેસ્ટમેન્ટ છે. તેઓ ફાઇનૅન્સ મૅનેજમેન્ટમાં ROI (રિટર્ન ઑફ ઇન્વેસ્ટમેન્ટ) ભણે છે એ પ્રમાણે તેમણે પણ કુટુંબને રિટર્ન આપવાનું છે એ ધ્યાનમાં હોય છે. કૅમ્પસ રિક્રૂટમેન્ટમાં એક જ ઝાટકે ઉંબરો ઓળંગાઈ જવાય છે. લાખોનો પગાર અને માન-મરતબાની જિંદગી રાહ જોઈ રહી હોય છે. એટલે જ આ જિનીયસ વર્ગ ક્યારેક પ્રેશરથી ‘એસ્કેપિઝમ’ની છટકબારી શોધે છે. ત્યારે વિચાર આવે કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સખત મહેનત કરતી આ સંસ્થાઓ તેમના માનસિક દબાણને ઓછું કરવાનો Psychologyનો વિષય કેમ સિલેબસમાં નહીં રાખતી હોય?
બાય ધ વે
વર્ષો પછી તમે તમારી કૉલેજના કૉરિડોરમાંથી પસાર થાઓ ત્યારે થતો રોમાંચ વર્ણવી શકશો? નહીંને? તો આ લખનારને પણ એવું જ થાય છે. પચીસેક વર્ષ પછી ફરી એ જ સંસ્થાના કૉરિડોરમાંથી જાણે પસાર થઈ રહ્યો છું. MBAની ડિગ્રી ગર્વ જ નથી આપતી, સાથે-સાથે કંપની અને દેશ જ નહીં જીવન તરફ જોવાની અનોખી દૃષ્ટિ પણ આપે છે. ફાઇનૅન્સ મૅનેજમેન્ટ ભણાવતાં-ભણાવતાં એ પણ શીખવેલું કે તમારો શોખ જીવંત રાખજો. દિવસનો એક કલાક પણ એને આપજો જ. તેથી જ ગુજરાતી સાહિત્ય વાંચતો રહ્યો અને ગુજરાતીમાં મારા વિચારો વ્યક્ત કરી શકું છું.