આ નાનીની ફરિયાદ નવાઈ પમાડે એવી છે!

27 October, 2021 12:41 PM IST  |  Mumbai | Ruchita Shah

૮૫ વર્ષનાં રંજન પેઠાણી આર્ટ અને ક્રાફ્ટમાં એટલાં બધાં ઍક્ટિવ હોય છે કે ચોવીસ કલાક તેમને ઓછા પડે છે

આ નાનીની ફરિયાદ નવાઈ પમાડે એવી છે!

૮૫ વર્ષ રનિંગ છે પરંતુ બોરીવલીની ચીકુવાડીમાં રહેતાં રંજનબહેન પેઠાણીને કંટાળો શું હોય એની ખબર નથી. થાક નામનો શબ્દ પણ તેમની ડિક્શનરીમાં નથી. આજે પણ પેઇન્ટિંગ્સ કરવાના તેમના રૂટીનનો મહત્ત્વનો હિસ્સો છે. ફૅબ્રિક, નિબ, પેન, ફોઇલ, ગ્લાસ, તાર, કોન, ટ્યુબ, ઑઇલ, સેન્ડ - આટલા પ્રકારનાં પેઇન્ટિંગ તેમને આવડે છે. એ સિવાય કોડવર્ક, સિરામિક વર્ક, ચાઇનીઝ પૉટ, સોલા વુડ, ફ્લાવર મેકિંગ, ગ્લાસ વર્ક, કૅન્ડલ મેકિંગ, સૉફ્ટ ટૉય્ઝ, પૉમ પૉમ મેકિંગ, પર્સ મેકિંગ, કાર હૅન્ગિંગ, શેલ વર્ક, જ્વેલરી બૉક્સ જેવી લગભગ ચાલીસથી વધારે આર્ટ ફૉર્મમાં તેમની માસ્ટરી છે. ઘણાં વર્ષો સુધી તેમણે આ આર્ટ ફૉર્મના ક્લાસિસ પણ ચલાવ્યા છે અને સેંકડો છોકરીઓ તેમની પાસે આ આર્ટ ફૉર્મ શીખી છે. કુકિંગમાં પણ તેમની માસ્ટરી છે. ફરવાનાં શોખીન છે અને સામાજિક ક્ષેત્રે પણ સક્રિય છે.
નાનપણથી શોખ | સાઉથ મુંબઈમાં જન્મેલાં અને ઊછરેલાં રંજનબહેન લગ્ન પછી કાંદિવલી શિફ્ટ થઈ ગયાં. એ સમયની વાત કરતાં તેઓ કહે છે, ‘અઢારમા વર્ષે મારાં લગ્ન થયાં પણ એ પહેલાં મમ્મી પાસે ભરત-ગૂંથણની કળા બરાબર શીખી ગઈ હતી. બીજું, નાનપણથી મને ખૂબ જ શોખ હતો આવી બધી વસ્તુઓનો. હું ક્યારેક માર્કેટમાં જાઉં અને કોઈ પણ યુનિક આઇટમ જોઉં તો એને હાથમાં લેતાં જ એને કેવી રીતે બનાવાય એનો અંદાજ મને આવી જાય છે. ’
અત્યારે પણ સક્રિય | રંજનબહેન આજે પણ નિયમિત પેઇન્ટિંગ કરે છે. એકલાં રહે છે અને છતાં અલમસ્ત છે. તેઓ કહે છે, ‘લાંબી બીમારી બાદ હસબન્ડનું નિધન થયું એ પછી પુણેથી બોરીવલી શિફ્ટ થઈ ગઈ, કારણ કે મારે એક જ દીકરી છે. દીકરીની નજીક રહેતી હોઉં તો તેને નિરાંત રહે. લગભગ ૧૧ વર્ષથી અહીં એકલી જ રહું છું. પોતાના માટે જમવાનું આજે પણ જાતે જ બનાવું છું. પછી જ્યારે-જ્યારે સમય મળે ત્યારે પેઇન્ટિંગ કરવા બેસી જાઉં છું. ઠાકોરજીની પિછવાઈઓ બનાવી રહી છું આજકાલ. ઊંઘ ન આવે તો ખાલી-ખાલી પડ્યા રહેવાને બદલે હું પેઇન્ટિંગ કરવા બેસી જાઉં છું. કંટાળો શું હોય અને કંટાળો કોને કહેવાય એ મને ખબર જ નથી. સમય ઓછો પડે છે એમ કહું તો ચાલે. હવે ઉંમરને કારણે ક્લાસિસ લેવાનું તો બંધ કર્યું પરંતુ શોખ માટે આજે પણ નવું-નવું શીખતી રહું છું.’
સામાજિક દાયિત્વ | લૉકડાઉન પહેલાં સુધી રંજનબહેન જાતે ગાડી ચલાવીને બોરીવલીથી કાંદિવલી હિતવર્ધક મંડળમાં સેવા આપવા માટે જતાં. સંસ્થા અંતર્ગતની સ્કૂલમાં ગુજરાતી વિભાગમાં જોડાઈને તેમણે ઘણાં કામ કર્યાં છે. તેઓ કહે છે, ‘મારા સસરા કાંદિવલીમાં અગ્રણી હતા. સામાજિક સ્તરે તેમણે સારુંએવું કામ કર્યું છે. હું પણ વર્ષો સુધી કાંદિવલી રહી છું. એ સમયે ઘરમાં સારી જાહોજલાલી હતી. પોતાની ઘોડાગાડીમાં બેસીને અમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં. ઘરમાં ગાયો હતી. જોકે એ સમયે જ હિતવર્ધક મંડળમાં યોજાયેલી રંગોળી કૉમ્પિટિશન અને કુકિંગની સ્પર્ધામાં હું ઇનામો જીતી હતી. ત્યારે મારી અંદર રહેલી આવડતો પહેલી વાર બહાર આવી. એ પછી ધીમે-ધીમે પરિવાર મોટા થતા ગયા અને અલગ પડ્યા ત્યારે મેં મારા ક્લાસ વર્ષો સુધી ચલાવ્યા છે.’‍

મારી તંદુરસ્તીનો રાઝ

આખા ભારત સિવાય વિશ્વના ઘણા દેશોની મુલાકાત લઈ ચૂકેલા અને હંમેશાં મોજમાં રહેવાની સલાહ આપતા રંજનબહેન પેઠાણી કહે છે, ‘હું કોઈ પણ વસ્તુને મન પર નથી લેતી. ક્યારેક કોઈ કડવું બોલી દે કે આપણને ન ગમે એવો વ્યવહાર કરી પણ લે તોય ભૂલી જવાનું. અત્યારે ગોઠણના દુખાવા સિવાય એકેય તકલીફ નથી શરીરમાં. થોડીક નબળાઈ તો બધાને હોય. છતાં હું નિયમિત યોગ કરું છું. પ્રાણાયામ કરું છું અને સતત કામમાં રહું છું. દુનિયાના લોકોએ શું કહ્યું એની બહુ ચિંતા ન કરું. કોઈ મારી સાથે ન બોલે તો મોઢામાં આંગળાં નાખીને પણ તેને બોલાવું જેથી મનમાં કોઈને એકબીજા માટે વેરભાવ ન રહે. મોટે ભાગે એક જ ટાઇમ સાદાં શાક-રોટલી જમું. બપોરે કૉફી પીઉં. નાસ્તા મને ભાવે છે. જોકે હું ક્યારેય પોતાના પેટની કૅપેસિટીની બહાર ખાતી નથી.’

columnists ruchita shah