15 September, 2025 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સુખ અને દુઃખ, આનંદ અને શોક બન્ને સાથે આવે છે એવી વિચારસરણીમાં આપણે જીવીએ છીએ અને એમાંથી જન્મતી અથડામણોમાં ફાંફાં મારતાં-મારતાં જીવન વ્યતીત કરીએ છીએ. જેમાંથી દુ:ખ ન જન્મે એવું સુખ મેળવી શકાય કે નહીં? કે જેમાં ગઈ કાલ નથી, આવતી કાલ નથી; પણ માત્ર આજ જ છે.
સમયથી પર એવી સ્થિતિમાં રહેનાર માનવી ઇચ્છારહિત આનંદ શું છે એ સમજી શકે છે. પરંતુ એવો આનંદ મેળવવા માટે આપણે જાત વિશે કેળવેલું ‘હું’પણું નષ્ટ કરવું પડશે. હું એટલે મારી ઇચ્છાઓ, મારો અહંકાર, મારી ઈર્ષા, મારો ક્રોધ, મારી માલિકીની ભાવના, મારી કહેવાતી ધાર્મિકતા, મારી કીર્તિ, મારી પ્રશંસા... આ બધાંમાંથી છબછબિયાં કરતો જ્યારે હું બંધ પડું ત્યારે જ મારું મન સાચું સુખ શું છે એ સમજી શકશે.
જ્યાં જન્મનો આનંદ અને મૃત્યુનું દુ:ખ નથી પણ જન્મ-મરણની સાચી સમજ છે, દંભી જીવન જીવવા માટેના ફાંફાં નથી, બહારની કે અંદરની અથડામણ નથી પરંતુ સ્થિરતા, સમજ અને પ્રેમ છે. ઇચ્છાઓ અને અપેક્ષારહિત પ્રેમ છે જે બદલાની આશા વગર ચાહવાનું જ સમજે છે. આ ચાહના એટલે કે જાતીય આનંદ નહીં પણ બે દિલો વચ્ચેનું ઐક્ય. સમગ્ર વિશ્વના જીવો વચ્ચેની એકતા. આવી એકતામાં વિભિન્નતા રહેતી નથી. જાતિભેદ, ચામડીભેદ, જ્ઞાતિભેદ નષ્ટ થાય છે અને ભૂગોળના અને સમયના સીમાડાથી પર અંતરની એકતા સ્થપાય છે.
આ બધું એક માનવ બીજા માનવને ધર્મના નામે, વાદને નામે કે રાષ્ટ્રને નામે ધિક્કાર્યા કરે ત્યાં સુધી નથી બની શકતું. રોજેરોજના મિનિટેમિનિટના વ્યવહારમાં બદલાની આશા વગર નિર્વ્યાજ પ્રેમથી વ્યક્તિ વર્તી શકે છે કે નહીં એના પર તેના સુખનો આધાર રહેલો છે. સુખી થવાની આ એક સરળ રીત છે.
- હેમંત ઠક્કર
(લેખક જાણીતા પ્રકાશનગૃહ એન. એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે)