24 June, 2026 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજના આધુનિક યુગમાં કૉર્પોરેટ કલ્ચર શબ્દ આપણા દૈનિક જીવનના તાણાવાણા સાથે એવો વણાઈ ગયો છે કે એના વિના આધુનિક સમાજની કલ્પના કરવી અશક્ય લાગે છે. વ્યવસાય, બૅન્કિંગ, વીમા ક્ષેત્ર, શિક્ષણ અને IT સેક્ટરથી લઈને હવે તો મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલોમાં પણ આ કલ્ચર પ્રવેશી ચૂક્યું છે જ્યાં કંપનીના બિઝનેસ-ટાર્ગેટ્સ અને પ્રૉફિટ માર્જિનને જ મહત્ત્વ આપવામાં આવે છે. આમ તો કૉર્પોરેટ કલ્ચરનો વ્યાપ દરેક ક્ષેત્રમાં છે, પરંતુ અહીં આપણે મુખ્યત્વે એવા વ્યાવસાયિક અને રોજગાર ક્ષેત્રની ચર્ચા કરીશું જે સામાન્ય માણસની રોજીરોટી અને જીવનશૈલી સાથે સીધાં જોડાયેલાં છે.
જો કૉર્પોરેટ કલ્ચરની વ્યાખ્યા કરવી હોય તો કાર્યક્ષમતા, સ્પર્ધા, સમયપાલન, શિસ્ત અને રિઝલ્ટ ઓરિયેન્ટેડ (પરિણામલક્ષી) કાર્યપદ્ધતિ એનાં સકારાત્મક પાસાં ગણાય છે. જોકે એની બીજી બાજુ ભારે ચિંતાજનક છે. આ ઝાકઝમાળભર્યા કલ્ચરમાં કામ કરતા કર્મચારીઓ માટે માથાના દુખાવા સમાન પડકાર હોય છે - ટાર્ગેટ. કંપનીમાં સેલ્સ હોય, કસ્ટમર કૅર હોય, પ્રોડક્શન હોય કે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય; કર્મચારીઓ પર સતત ટાર્ગેટ્સ પૂરા કરવાનું દબાણ હોય છે.
ધીમે-ધીમે આ દબાણ એટલું વધી જાય છે કે વ્યક્તિ ઑફિસના ટાર્ગેટ પૂરા કરવાની આંધળી દોડમાં પોતાના વ્યક્તિગત જીવન, પરિવારની ખુશીઓ અને સૌથી અગત્યનું એવું પોતાના સ્વાસ્થ્યને પણ કિનારે મૂકી દે છે. ટાર્ગેટ અચીવ ન થવાની સ્થિતિમાં નોકરી ગુમાવવાનો ભય, પ્રમોશનની સ્પર્ધા અને મૅનેજમેન્ટની વધતી અપેક્ષાઓ એમ્પ્લૉઈઝને સતત ચિંતાના ઓથાર નીચે જીવવા મજબૂર કરે છે. પરિણામે સૌથી પહેલાં તો વ્યક્તિનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે. ત્યાર બાદ તે ચીડિયાપણું, અનિદ્રા અને ડિપ્રેશન જેવી ગંભીર માનસિક બીમારીઓમાં લપેટાઈ જાય છે. આ માનસિક તનાવ ફક્ત મન પૂરતો જ સીમિત નથી રહેતો, એ ધીમે-ધીમે શરીરને પણ અંદરથી કોતરી ખાય છે.
મેડિકલ એક્સપર્ટ્સ અને સાઇકોલૉજિસ્ટ્સ પણ હવે સ્વીકારે છે કે અતિશય માનસિક તનાવની સીધી અસર વ્યક્તિના શરીર પર પડે છે. ચોવીસે કલાક ટેન્શનમાં રહેતા કર્મચારીઓમાં ઍસિડિટી અને અપચો સામાન્ય બની ગયાં છે. એક સમય હતો જ્યારે બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝને વૃદ્ધાવસ્થાના રોગો માનવામાં આવતા, પરંતુ હવે એ યુવાનોમાં પણ ઝડપથી વધી રહ્યા છે. અનિયમિત જીવનશૈલી, અપૂરતો આરામ, મોડી રાત સુધીના શિફ્ટિંગ કલાકો, કૅફીનનો અતિરેક અને કાર્યસ્થળનું અસહ્ય દબાણ યુવાનોને હાર્ટ-અટૅકના આરે લાવીને ઊભા રાખે છે. ઊંઘની ગોળીઓ વિના ન ઊંઘી શકતા યુવાનોની સંખ્યા કૉર્પોરેટ હબ ગણાતાં શહેરોમાં ચિંતાજનક રીતે વધી રહી છે.
કૉર્પોરેટ કલ્ચરના અતિશય દબાણની ક્રૂર પદ્ધતિનું સૌથી હૃદયદ્રાવક ઉદાહરણ ૨૦૦૫માં જપાનમાં જોવા મળ્યું. ૨૦૦૫ની પચીસ એપ્રિલે સવારે ૯.૧૯ વાગ્યે જપાનના ઓસાકા શહેર નજીક આશરે ૭૦૦ મુસાફરોને લઈને જતી એક પૅસેન્જર ટ્રેનનો ભયાનક અકસ્માત થયો. ઘટના મુજબ એક તીવ્ર વળાંક પર જ્યાં ટ્રેનની ઝડપ વધુમાં વધુ ૭૦ કિલોમીટર/કલાક હોવી જોઈતી હતી ત્યાં ૧૧૬ કિલોમીટર/કલાકની અત્યંત જોખમી ઝડપે દોડી રહેલી ટ્રેન પાટા પરથી ફંગોળાઈ અને એક ઇમારત સાથે અથડાઈ ગઈ. આ ભયાનક રેલ-દુર્ઘટનામાં ૧૦૬ નિર્દોષ લોકોએ ક્ષણભરમાં જીવ ગુમાવ્યો હતો.
ઉપરછલ્લી રીતે જોતાં આ અકસ્માતમાં ૨૩ વર્ષના નવયુવાન ડ્રાઇવર તાકામીની બેદરકારી હતી, પણ તપાસમાં જે બહાર આવ્યું એણે આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી હતી. આ અકસ્માત પાછળ એ રેલવે કંપનીની માનસિક રીતે તોડી પાડતી સજા-પદ્ધતિ જવાબદાર હતી. કંપનીના કડક નિયમ મુજબ જો કોઈ ડ્રાઇવરથી ટ્રેન માત્ર ૬૦ સેકન્ડ પણ મોડી પડે તો તેને માનસિક રીતે ટૉર્ચર કરવામાં આવતો, તેનો પગાર કાપી લેવાતો, તેને શૌચાલય સાફ કરવાની સજા અપાતી અને સ્ટાફ સામે તેનું ભયંકર અપમાન કરવામાં આવતું. ડ્રાઇવર તાકામી અગાઉ પણ આવી ક્રૂર સજા ભોગવી ચૂક્યો હતો. અકસ્માતના દિવસે ટ્રેન ૯૦ સેકન્ડ મોડી પડતાં તેને ફરી સજા અને અપમાનનો ડર સતાવી રહ્યો હતો, જેને કારણે સમય સરભર કરવા માટે તેણે વળાંક પર પણ ટ્રેનની સ્પીડ ઓછી ન કરી. અંતે કંપનીના મૅનેજમેન્ટે ઊભા કરેલા એ માનસિક ડર અને દબાણને લીધે ૧૦૦થી વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ ગયો.
એવું નથી કે કૉર્પોરેટ કલ્ચર માત્ર નકારાત્મકતાનું જ ઘર છે. વાસ્તવમાં કૉર્પોરેટ કાર્યપદ્ધતિએ જ વિશ્વભરમાં પ્રોડક્ટિવિટી (ઉત્પાદનક્ષમતા) વધારવામાં, નવી ટેક્નૉલૉજી અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવામાં અને ગ્રાહકોને આંગળીના ટેરવે વૈશ્વિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સિંહફાળો આપ્યો છે. પ્રોફેશનલિઝમ, ટાઇમ મૅનેજમેન્ટ, અકાઉન્ટેબિલિટી (જવાબદારી) અને ટ્રાન્સપરન્સી (પારદર્શિતા) જેવા અદ્ભુત ગુણો આ કલ્ચરની જ દેણ છે. એને કારણે લાખો યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે કરીઅર બનાવવાની અને વૈશ્વિક અર્થતંત્રમાં યોગદાન આપવાની ઉત્કૃષ્ટ તકો મળી છે. જોકે સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે કંપનીઓ ફક્ત પ્રૉફિટને જ સર્વોચ્ચ સ્થાન આપે છે અને એની પાછળ કામ કરતી માનવીય સંવેદનાઓને સાવ ભૂલી જાય છે.
આજના ગ્લોબલાઇઝેશનના સમયમાં કૉર્પોરેટ કલ્ચરથી સંપૂર્ણપણે મોઢું ફેરવી લેવું કે એનાથી ભાગવું શક્ય નથી, કારણ કે એ આપણી અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. આજની આ વાત કૉર્પોરેટ કલ્ચરના બહિષ્કારની નથી, પરંતુ એની વચ્ચે રહીને કામ અને જીવન વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું એની છે. ખાસ કરીને યુવા પેઢીએ માનસિક સંતુલન જાળવવા માટે રોજિંદા જીવનમાં ફક્ત ૧૦ મિનિટ માટે પણ યોગ અને મેડિટેશનને સ્થાન આપવું જ પડશે. ઑફિસમાં પણ દર બે કલાકે પાંચ-દસ મિનિટ સ્ક્રીનથી દૂર રહીને મનને શાંત રાખવાની કળા શીખવી પડશે. કૉર્પોરેટજગતના ટોચના CEOથી લઈને સામાન્ય એમ્પ્લૉઈઝ સુધીની દરેક વ્યક્તિએ એક વાત ગાંઠે બાંધી લેવાની જરૂર છે કે પ્રમોશન અને શાનદાર પૅકેજ ચોક્કસ મહત્ત્વનાં છે, પણ એ બધું તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના ભોગે તો બિલકુલ ન હોવું જોઈએ.
અંતિમ વિચાર
પ્રગતિ અને વિકાસના પાટા પર સ્પીડ વધારવી જરૂરી છે, પણ ગાડી એટલી ફાસ્ટ પણ ન હોવી જોઈએ કે કોઈ વળાંક આવતાં વ્હીલની સાથે-સાથે જીવનની શાંતિ, સામાજિક સંબંધો અને પારિવારિક સુખ પણ પાટા પરથી ઊતરી જાય.