ઇન્ફ્લુઅન્સર માર્કેટિંગની અસલી વાસ્તવિકતા જાણી લેશો તો ફાયદામાં રહેશો

18 June, 2026 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફેક રિવ્યુઝની આ માયાજાળ માત્ર ઇન્સ્ટાગ્રામ પૂરતી સીમિત નથી. ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ્સ સિવાયની પણ એવી અગણિત વેબસાઇટ્સ છે જે ગ્રાહકોને ફ્રીમાં પ્રોડક્ટ્સ ડિલિવર કરે છે, પણ એની પાછળ એક જ શરત હોય છે...

ડૉ. દિશા દેઢિયા વ્યવસાયે ફિઝિયોથેરપિસ્ટ છે અને સાથે કચ્છી મેડિકલ અસોસિએશનનાં યંગેસ્ટ કમિટી મેમ્બર અને કવીઓ દેરાવાસી જૈન મહાજન વિમેન્સ ફોરમનાં પણ કમિટી મેમ્બર છે.

એક જમાનો હતો જ્યારે વર્ડ ઑફ માઉથ એટલે કે એક ગ્રાહક બીજા ગ્રાહકને જે સાચો અનુભવ કહેતો એને શ્રેષ્ઠ જાહેરાત માનવામાં આવતી. આપણે ક્યાંય ગયા હોઈએ, કંઈક સારું ખાધું હોય કે કોઈ સેવાનો સારો અનુભવ થયો હોય એટલે આપણે તરત આપણા મિત્રો કે સ્નેહીજનોને ત્યાં જવાની ભલામણ કરતા. એ ભલામણ પાછળ એક નિઃસ્વાર્થ ભાવ અને સચ્ચાઈ હતાં. જોકે આજકાલ સોશ્યલ મીડિયા પર જે ઇન્ફ્લુઅન્સર માર્કેટિંગનો રાફડો ફાટ્યો છે એણે આ જેન્યુઇનનેસ ખતમ કરી નાખી છે. આજે બજાર ગ્રાહકોની છેતરામણી પર અને માત્ર પૈસા કમાવાના આંધળા આઇડિયા પર ચાલી રહ્યું છે, જ્યાં ક્વૉલિટી અને કિંમતનું કોઈ મૂલ્ય જ નથી બચ્યું.

સોશ્યલ મીડિયા પર જે બધું ખૂબ વાઇરલ થાય છે એની પાછળ એક આખી વ્યવસ્થિત રમત ગોઠવાયેલી છે. નવી ખૂલેલી હોટેલો, રિસૉર્ટ્‍સ, વિલા, કપડાં કે જ્વેલરી બ્રૅન્ડ્સ આ ઇન્ફ્લુઅન્સર્સને ફ્રી સ્ટે અથવા મફત પ્રોડક્ટ્સ આપીને ઇન્વાઇટ કરે છે. હવે સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો સમજાય કે જ્યારે કોઈ ખાસ મહેમાન આવવાનો હોય ત્યારે તેને બધું બેસ્ટ જ પીરસવામાં આવે. નાના ઇન્ફ્લુઅન્સર્સ વસ્તુના બદલામાં બાર્ટર કોલૅબરેશન કરીને રિવ્યુ આપે છે, જ્યારે લાખો ફૉલોઅર્સ ધરાવતા મોટા ઇન્ફ્લુઅન્સર્સ માત્ર એક રીલ કે વિડિયો બનાવવાના ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ રૂપિયા વસૂલ કરે છે. જે વ્યક્તિને માત્ર સારું-સારું બોલવાના હજારો રૂપિયા મળતા હોય તે ક્યારેય જે-તે પ્રોડક્ટ કે સર્વિસની ખામીઓ કે સચ્ચાઈ તમને કહેશે ખરી? બિલકુલ નહીં.

ફેક રિવ્યુઝની આ માયાજાળ માત્ર ઇન્સ્ટાગ્રામ પૂરતી સીમિત નથી. ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ્સ સિવાયની પણ એવી અગણિત વેબસાઇટ્સ છે જે ગ્રાહકોને ફ્રીમાં પ્રોડક્ટ્સ ડિલિવર કરે છે, પણ એની પાછળ એક જ શરત હોય છે... પ્રોડક્ટ્સનાં વખાણ કરતો ફોટો અપલોડ કરીને ફાઇવ સ્ટાર રિવ્યુ આપવો. હવે મફતમાં વસ્તુ મળતી હોય એટલે લોકો પાંચ શું, ૧૦ સ્ટાર પણ આપી દે. પરિણામે ઑનલાઇન રેટિંગ્સ જોઈને ખરીદી કરતી નિર્દોષ પબ્લિક છેતરાય છે.

ઇન્ફ્લુઅન્સર્સ પાછળ કરેલો લાખો રૂપિયાનો ધુમાડો વસૂલ કરવા આ રિસોર્ટ્‍સ સામાન્ય જનતા પાસેથી અધધધ કિંમતો વસૂલ કરે છે. સોશ્યલ મીડિયા પર જે વિલા કે રૂમ્સનાં ભારોભાર વખાણ થાય છે ત્યાં સામાન્ય દિવસોમાં કમેન્ટ્સ વાંચશો તો ખબર પડશે કે ૯૦ ટકા જગ્યાઓ પર ગંદકી અને ખરાબ સર્વિસની વણજાર હોય છે. અખબારો કે ટીવીની જાહેરાતોમાં તો નીચે કાયદાકીય ડિસ્ક્લેમર હોય છે કે ગુણવત્તા માટે સંસ્થા જવાબદાર નથી, પણ આ ઇન્ફ્લુઅન્સર્સ તો અંગત ગૅરન્ટી આપીને ફેક વસ્તુઓ ગ્રાહકોના ગળે વળગાડે છે. આ ફેક માર્કેટિંગને કારણે ગ્રાહક એક વાર તો લલચાઈને આવી જાય છે, પણ ક્વૉલિટી ન હોવાને કારણે તે ક્યારેય રિપીટ નથી થતો. ફૉલોઅર્સ કે લાઇક્સ જોઈને અંજાઈ જવું જોઈએ નહીં. જે બ્રૅન્ડ્સ આ ચળકાટથી દૂર રહીને જાહેરાતો પાછળ ઓછો ખર્ચ કરે છે તેઓ ઘણી વાર વધુ જેન્યુઇન અને ક્વૉલિટી પ્રોડક્ટ્સ વાજબી ભાવે આપે છે.

columnists exclusive gujarati mid day