જ્યારે એક મા તેના નવજાત બાળકને તરછોડે છે ત્યારે

11 May, 2026 02:03 PM IST  |  Mumbai | Jigisha Jain

હાલમાં નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્‍સ બ્યુરોએ તરછોડાયેલાં નવજાત શિશુઓના આંકડા બહાર પાડ્યા છે. શિશુને તરછોડવા પાછળ ગરીબી, દીકરી પ્રત્યેની કુંઠા સિવાય અતિ મહત્ત્વનું કારણ છે માનું કુંવારા હોવું. જોકે આ અમાનવીય કૃત્ય બદલ મા પર દોષનો ટોપલો ઢોળીને હાથ ખંખેરી નાખ

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે મધર્સ ડે હતો. છેલ્લાં કેટલાંક વર્ષથી ઘર-ઘરમાં આ દિવસ ઘણા ઉત્સાહ સાથે ઊજવાય છે. સમાજે હંમેશાં માનું સ્થાન ઘણું ઊંચું જ રાખ્યું છે. જોકે એક પ્રકારની મા છે જેને સમાજ ઘણી હીન દૃષ્ટિએ જુએ છે. તે છે કુંવારી મા. બાળકો માટે ત્યાગ કરતી સ્ત્રીઓનાં ઉદાહરણો તો ઘરે-ઘરે જોવા મળે છે એટલે સ્ત્રી માટેની આ પ્રકારની ધારણા પુખ્ત થાય છે, પરંતુ ક્યારેક એવી પણ સ્ત્રીઓ મળે છે જે પોતાના બાળકને ગમે ત્યાં મરવા માટે છોડી દે છે. અને આ કોઈ કળિયુગની વાત નથી. સ્ત્રીનું આ રૂપ યુગોથી સમાજમાં જોવા મળે જ છે. કર્ણને જન્મતાંની સાથે નદીમાં તરતો મૂકી દેનારી કુંતી હોય કે સરકારી હૉસ્પિટલની કચરાપેટીમાં બાળકને મરવા માટે છોડી દેનાર કોઈ કુંવારી મા; તે મા જ છે, પણ ઘર-ઘરમાં જોવા મળતી માથી તે ઘણી અલગ વર્તાય છે. છોકરીઓ પ્રેમમાં પડે, પ્રેગ્નન્ટ થાય, પુરુષ એની જવાબદારી લેવા તૈયાર ન હોય ત્યારે કાં તો તે ઘરનાથી ડરતી હોય છે અથવા તે કહી દે તો પણ તેના ઘરના લોકો તેનો સાથ દેવા તૈયાર નથી હોતા અને એટલે આ પરિસ્થિતિમાંથી જન્મે છે કુંવારી મા. કોઈ રેલવે-સ્ટેશન પર તો કોઈ હૉસ્પિટલમાં જ, કોઈ બસમાં તો કોઈ જંગલમાં પોતાના નવજાત શિશુને છોડીને ભાગી જાય છે. આ કિસ્સા એકલ-દોકલ નથી.

હાલમાં નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્‍સ બ્યુરોએ બહાર પડેલા આંકડાઓ અનુસાર ૨૦૧૯-૨૦૨૩ સુધીમાં સમગ્ર ભારતમાં ૩૮૨૩ નવજાત શિશુઓને તરછોડી દેવામાં આવેલાં. આ આંકડો ૨૦૧૯માં ૮૯૬ અને ૨૦૨૨માં ૮૧૮ સુધીનો હતો. ૨૦૧૭-૨૦૨૧ સુધીમાં મહારાષ્ટ્રમાં ૧૧૮૪ નવજાત શિશુઓને તરછોડી દેવામાં આવ્યાં હતાં. કોઈ પણ અનાથાશ્રમની મુલાકાત લેશો તો સમજાશે કે આ આંકડાઓ ઘણા ઓછા દેખાઈ રહ્યા છે અને આ સમસ્યા એનાથી ઘણી મોટી છે. નવજાત શિશુને તરછોડવા પાછળ ગરીબી અને દીકરી પ્રત્યેની કુંઠા જેવાં કારણો જવાબદાર હોઈ શકે, પરંતુ એનું મુખ્ય કારણ મોટા ભાગે માનું કુંવારા હોવું જ છે. એક મા પોતે જણેલા બાળકને આમ ફેંકી દે એ વાત માણસ તરીકે આપણને અરેરાટી ઉપજાવનારી છે, પરંતુ સમજવાનું એ છે કે આવું કૃત્ય કરતાં તે માનું શું થયું હશે? આવું કરતાં તેના પેટનું પાણી પણ નહીં હલ્યું હોય? કોઈ પણ કુંવારી માની જેમ તેની સામે એ જ પ્રશ્નો હશે કે હવે કઈ રીતે જીવવું? કોને મોઢું બતાવવું? આ બાળકને કોણ નામ આપશે? ઘરના લોકોની કેટલી બદનામી થશે? શું તેના આ પ્રશ્નોનો કોઈ હલ ન હોઈ શકે?

મારા આ પ્રશ્નનો જવાબ મને ઍડ્વોકેટ અને રાયગડ જિલ્લાનાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટીનાં ચૅરપર્સન રહી ચૂકેલાં મનીષા તુલપુલેએ આપ્યો. તેમનું કહેવું હતું કે લોકો પાસે પૂરી માહિતી હોતી જ નથી એટલે તેઓ સમજ્યા-વિચાર્યા વગર ગભરાટમાં ખોટાં કામ કરતા હોય છે. આપણી ન્યાયિક વ્યવસ્થામાં આ સ્ત્રીઓ માટે જોગવાઈ છે. જો ૧૮ વર્ષથી નીચેની કે ઉપરની સ્ત્રીને બાળક ન જોઈતું હોય તો તે અબૉર્શનના નિયમો અનુસાર જઈને બાળકનો ગર્ભપાત કરાવી શકે છે. એ સિવાય જો તેણે બાળકને જન્મ આપવો જ પડે એમ હોય, પરંતુ તે તેના ઉછેર માટે તૈયાર ન હોય તો એ બાળકને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીમાં સોંપી શકાય છે જ્યાં માની ગોપનીયતા જળવાઈ રહે છે. બાળકનો સંપૂર્ણ ઉછેર સરકાર કરે છે. એમાં પણ જો એવું હોય કે માને બાળક જોઈતું હોય પરંતુ તેની આર્થિક ક્ષમતા સારી ન હોય તો બાળક માનું જ રહે છે પણ થોડો સમય, જ્યાં સુધી મા પગભર ન થાય ત્યાં સુધી બાળક ચાઇલ્ડ વેલ્ફેર કમિટીમાં સચવાય છે. મા પગભર થઈ જાય તો બાળક તેને સોંપી દેવામાં આવે છે એટલું જ નહીં, માને પગભર કરવામાં પણ મદદ મળી શકે છે. આમ ઘણીબધી જોગવાઈ છે જેનાથી સ્ત્રીને મદદ મળી શકે છે. તકલીફ એ છે કે જરૂરિયાતમંદ સ્ત્રીઓને ખબર જ નથી હોતી અને તેમને સાચી સલાહ આપનારું કોઈ હોતું નથી. જો જાગૃતિ હોય કે સરકાર કે ન્યાયતંત્ર દ્વારા આટલી વ્યવસ્થા છે તો કોઈ પણ સ્ત્રી પોતાના બાળકને શા માટે તરછોડે કે મારે?

નવજાત બાળકને તરછોડવાના કિસ્સા જ્યારે આપણને સાંભળવા મળે છે ત્યારે માને ગાળો આપીને આપણે શાંત થઈ જઈએ છીએ જે યોગ્ય નથી. એક સમાજ તરીકે પણ આપણી કોઈ ફરજ તો હોવાની જ. એક સભ્ય સમાજ તરીકે લગ્નવ્યવસ્થાની ઉપરવટ જઈને આપણે કુંવારી માને સપોર્ટ કરીએ એ યોગ્ય નથી, પણ તેણે તેના બાળકને તરછોડી દેવું પડે કે ક્યાંક મરવા છોડવું પડે એવી પરિસ્થિતિમાંથી તેને બચાવવા માટે તો આપણે કશું કરવું જ રહ્યું. એ માટે પહેલાંના સમયમાં લોકો છોકરી પર નિયમોનો બોજ લાદતા. સાંજ પડ્યે ઘરે આવી જવાનું, કશે જવાનું નહીં, છોકરાઓની જોડે બોલવાનું નહીં વગેરે. જોકે મારા મતે સૉલ્યુશન આ નિયમોની પેલે પાર છે. છોકરીઓને બાઘી કે ડોબી ન રાખો. તેમને ભણાવો, સ્ટ્રીટ-સ્માર્ટ બનાવો. તે પ્રેમ કરી શકે પણ કોઈ લેભાગુ તેનો ફાયદો ઉઠાવીને છટકી ન જઈ શકે એવી બનાવો. એજ્યુકેશન પર જેટલો ભાર આપો છો એનો એક ટકા જેટલો પણ ભાર સેક્સ-એજ્યુકેશન પર રાખીશું, તેમને યોગ્ય માહિતીઓ પૂરી પાડીશું તો આવી પરિસ્થિતિમાં તે મુકાશે જ નહીં. દરેક પ્રૉબ્લેમમાં પ્રિવેન્શન ઇઝ મચ બેટર એટલે કે પૂર આવે એ પહેલાં પાળ બાંધવી જરૂરી છે. છતાં પણ ભવિષ્યમાં ન કરે નારાયણ ને તે આવી પરિસ્થિતિમાં ફસાય તો તે એટલી સશક્ત હોવી જોઈએ કે એક તો પૂરી સજાગતા સાથે બાળક જોઈએ છે કે નહીં એ નિર્ણય તે જાતે લઈ શકે, ન જોઈતું હોય તો મેડિકલી સાચા રસ્તે જઈને તે મદદ લે અને ઇમોશનલ થઈને બાળકને જન્મ આપવો હોય તો પણ તે એટલી ખમતીધર હોય કે પોતાનું અને બાળકનું બન્નેનું ધ્યાન રાખી શકે; કારણ કે આપણે સમજી શકીએ છીએ એમ કાયદો તેને સશક્ત બનાવી શકે, માતા-પિતા તેનો સાથ આપી શકે પણ લડત તેની ખુદની છે. બાળકને તરછોડવા જેવા કે ખુદ આપઘાત કરવા જેવા ખોટા નિર્ણયો તે ન લે. આવનારી પરિસ્થિતિનો સામનો કરી શકે એવી સબળા તો તેને બનાવવી જ રહી.

 

પત્રકારત્વમાં ૧૫ વર્ષનો અનુભવ ધરાવતાં જિગીષા જૈન ‘મિડ-ડે’નાં સિનિયર ફીચર-રાઇટર છે.

columnists sex and relationships gujarati mid day exclusive Jigisha Jain