અર્બન ફૉરેસ્ટ અને પર્યાવરણ સેનાની તૈયાર કરવાનો આઇડિયા અપનાવવા જેવો છે

03 January, 2025 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૯માં પર્યાવરણની જ થીમ પર આધારિત ઉધના સ્ટેશનનો કાયાકલ્પ કર્યો

પ્રતીકાત્મક તસવીર

ગયા અઠવાડિયે વાત કરી એ શહેરમાં વન ઉછેરતા ફૉરેસ્ટ મૅનની પર્યાવરણ-પ્રીતિનાં મૂળ શોધવા પ્રયાસ કર્યો તો જવાબમાં વિરલ દેસાઈએ ૨૦૧૨નો એક કૅન્સર કૅમ્પનો અનુભવ યાદ કર્યો. મધ્યમ કદની તેની ટેક્સટાઇલ મિલ કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી-CSRના દાયરામાં નથી આવતી છતાંય સ્વાસ્થ્યને સ્પર્શતા કૅન્સર-જાગૃતિ જેવા કે સામાજિક નિસબતના પ્રશ્નો હોય ત્યાં મદદ માટે વિરલ પહોંચ્યો જ હોય. આવા જ એ કૅમ્પમાં ડૉક્ટરોની ટીમ સાથે બેઠેલા વિરલે બીમાર પતિનો હાથ પકડીને રૂમમાં દાખલ થયેલી એ સ્ત્રીને યાદ કરી. તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવેતાં તેમની ચાલમાં હતાશા છવાઈ ગયેલી. બહાર બેઠેલા દીકરાએ આઘાત સંતાડી વૃદ્ધ મા-બાપને હિમ્મત બંધાવેલી. ભાંગી પડેલા એ પરિવારની પીડા વિરલને હલાવી ગયેલી. એ ક્ષણે તમાકુના વ્યસન વિશે જાગૃતિ ફેલાવવાની પ્રેરણા આપી.

થોડા સમય બાદ ૨૦૧૩માં ડાંગ જિલ્લામાં બ્રેસ્ટ-કૅન્સર ચેકઅપ કૅમ્પમાં હજારો સ્ત્રીઓની તપાસ કરવામાં આવી. શહેરોમાં વધતા કૅન્સરના આંકડા સામે ત્યાં કૅન્સરનું પરિણામ નહીંવત્ હતું. એનાં પરિણામોએ વિરલને અભ્યાસ કરવા પ્રેર્યો અને તેને જવાબ મળ્યો કે એ સ્ત્રીઓની ધરખમ રોગપ્રતિકારક શક્તિ પ્રકૃતિની ભેટ હતી. એમાંથી જ વિચાર આવ્યો કે માનવીને પ્રકૃતિની નિકટ રાખીને કૅન્સર જેવા રોગને નાથી શકાય તો કેટલું ઉત્તમ!  

પર્યાવરણ રક્ષણ પર ઊંડો અભ્યાસ શરૂ કર્યો. પક્ષીઓની જીવનશૈલીને અનુકૂળ અને આરોગ્ય માટે ઉપયોગી એવાં દેશી વૃક્ષો, એનાથી જળવાતી બાયોડાઇવર્સિટી, પ્રદૂષણ નિવારણ વગેરેની સમજણ આપીને તેણે લાખો વિદ્યાર્થીઓને વૃક્ષારોપણની સક્ષમ ટેક્નિક શીખવી. આ અભિયાનના ‘પર્યાવરણ સેનાની’ઓ દ્વારા અત્યાર સુધીમાં ૬,૫૦,૦૦૦ વૃક્ષો વવાયાં છે અને ઉછેરાયાં છે. લક્ષ્ય એક કરોડ પારનું છે.

૨૦૧૯માં પર્યાવરણની જ થીમ પર આધારિત ઉધના સ્ટેશનનો કાયાકલ્પ કર્યો. રંગબેરંગી પશુ-પંખીનાં ચિત્રો, મૉડલ્સ અને જંગલની ફીલ આપતી વનરાજી ધરાવતા એ સ્ટેશનમાં પ્રવેશતાં પ્રવાસીઓના ચહેરા ખીલી ઊઠતા હતા. પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા આપોઆપ કેળવાતી હતી. આ જ રીતે ગણેશ મહોત્સવ દરમિયાન ઘેઘુર વૃક્ષની ગોદમાં નાનકડા માટીના ગણપતિ સ્થાપીને ‘ટ્રી ગણેશા’ની ઉજવણી શરૂ કરી છે. ૨૦૨૧થી તેણે ‘સત્યાગ્રહ અગેઇન્સ્ટ પૉલ્યુશન ઍન્ડ ક્લાયમેટ ચેન્જ’ નામની મૂવમેન્ટ શરૂ કરી છે જેના ઉપક્રમે ‘શહીદ સ્મૃતિવન’ જેવાં બીજાં નવ અર્બન ફૉરેસ્ટ્સ સુરત-વડોદરામાં વિકસાવાઈ રહ્યાં છે.

પ્રદૂષણને પરાજિત કરતા ‘અર્બન ફૉરેસ્ટ’ અને ‘પર્યાવરણ સેનાની’ તૈયાર કરવાનો આઇડિયા દેશભરમાં અપનાવવા જેવો છેને!

- તરુ કજારિયા

columnists gujarati mid-day exclusive