રૂપકડી છેતરપિંડી

01 February, 2026 12:51 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

ભારતમાં જ્યારે આઝાદી મળી ત્યારે અંગ્રેજી શાસન વારંવાર છાતી ઠોકીને એવું કહેતું કે બ્રિટિશ શાસન હવે ભારતને ગુલામ રાખવા માગતું નથી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કેટલાંક વાક્યો અવતરણ બનીને મહાપુરુષોના નામે વારંવાર વપરાતાં હોય છે. આવાં અવતરણો હંમેશાં સાચાં જ હોય છે એવું નથી. બુદ્ધ કે મહાવીરને નામે ચડેલું અવતરણ કોઈક વાર ઈસુ કે જરથુષ્ટ્રના નામે વહેતું થઈ જાય છે. આ અવતરણ સાચું હોય છે, પણ એ જેના નામે વહેતું કરવામાં આવે છે એ કેટલીક વાર સાચું નથી હોતું. આવું એક અવતરણ હમણાં વાંચવામાં આવ્યું. અંગ્રેજી લેખક બર્નાર્ડ શોના નામે એક સામયિકમાં એવું વિધાન ટાંકવામાં આવ્યું હતું કે અંગ્રેજો કદી ખોટા હોતા નથી, તેઓ હંમેશાં દરેક વસ્તુ સિદ્ધાંતના પાયા પર કરે છે. હવે બન્યું એવું કે ગાંધીજીના વાંચવામાં આ અવતરણ આવ્યું અને તેમણે પોતાના શબ્દોથી આ અવતરણનો હળવો પર ભારેખમ લાગે એવો જવાબ આપ્યો છે. ગાંધીજીએ લખ્યું કે માણસમાં પોતાની જાતને છેતરવાની અસાધારણ આવડત હોય છે. એમાં અંગ્રેજોનો નંબર પહેલો આવે છે. ટૂંકમાં દેખીતા થોડાક શબ્દોમાં જે અર્થ થાય એનો ભારોભાર જવાબ આવા અવતરણમાં મળે છે.

હું સમાજસેવા કરું છું

એક મિત્રે થોડાક દિવસ પહેલાં વાત-વાતમાં એવું કહ્યું કે તેમની પ્રકૃતિ જ સમાજસેવાની છે. કોઈ ને કોઈ માણસનું કોઈ ને કોઈ કામ કરી આપ્યા સિવાય તેમને સંતોષ જ ન થાય. જેમનું કામ થયું હોય એવા સજ્જન દેખીતી રીતે જ વખાણ કરે અને આ વખાણ આ મિત્ર વારંવાર ટાંક્યા કરે. હકીકતે કામ કરવાની તેમની આવડત ખરી, કામ કરે પણ ખરા; એમ છતાં સમાજસેવા તેમની મૂળ પ્રકૃતિ કહી શકાય નહીં. માણસના સ્વભાવમાં એક અહંકાર રહ્યો છે. આ અહંકારની જાણે-અજાણે કોઈ તૃપ્તિ કરે એનાથી તેને સંતોષ થતો હોય છે. આવા સંતોષની કદાચ તેને ખબર પણ પડતી નથી, પણ મૂળ વ્યક્તિની સમાજસેવાની પ્રકૃતિ નહીં પણ અહંકારની તૃપ્તિ હોય છે. આવી તૃપ્તિ જો તેને બહુ મળે તો એનાથી આવી કહેવાતી સમાજસેવા હાથ પર લેવાશે નહીં.

ભારતમાં જ્યારે આઝાદી મળી ત્યારે અંગ્રેજી શાસન વારંવાર છાતી ઠોકીને એવું કહેતું કે બ્રિટિશ શાસન હવે ભારતને ગુલામ રાખવા માગતું નથી. હકીકતે આ સાચું નહોતું. બ્રિટિશરો ભારતને ગુલામ તો રાખવા માગતા જ હતા, પણ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પરિસ્થિતિ જ એવી નિર્માણ થઈ ગઈ હતી કે લંડનથી દિલ્હી પર શાસન કરવું અંગ્રેજો માટે લગભગ અશક્ય કામ થઈ ગયું હતું. પોતાની આ નબળાઈ છુપાવવા માટે અંગ્રેજો એને રૂપકડું નામ આપતા અને સિદ્ધાંતના નામે પોતાની જાતને ઊજળી કરી દેખાડતા હતા.

આપણે જ્યારે નાનું-મોટું કોઈ દાન આપી છીએ ત્યારે મોટા ભાગે આવું જ બનતું હોય છે. દાન આપણી વૃત્તિમાં નથી હોતું, પણ સમાજસેવાના નામે એને જે નામ આપવામાં આવે છે એ નામ આપણને ગમે છે. આ નામ આપણને જોઈએ છે. આ નામનો વપરાશ આપણને આપણી ભાવિ કારકિર્દીમાં ઉપયોગી થાય છે. જોકે હંમેશાં આવું થાય છે એમ કહેવાનો આશય નથી. એમ છતાં આવું બને છે એનો ઇનકાર પણ થઈ શકે એમ નથી. દાન એક ફરજ તરીકે અપાય ત્યારે એનું સ્વરૂપ જુદું હોય છે. એ ફરજ સાથે કોઈ નામ સંકળાયેલું હોતું નથી. વ્યાવહારિક જીવનમાં આવા નામની કોઈ જરૂર પડે એવું બને, પણ વ્યાવહારિક જરૂરિયાત જુદી વાત છે. એની મૂળભૂત વૃત્તિ એ સાવ ભિન્ન વાત છે. અહીં આપણે મૂળભૂત વૃત્તિની વાત કરીએ છીએ.

આ અહિંસા સ્વીકારશો?

સરદાર પટેલના જીવનની એક નાનકડી ઘટના અહીં યાદ કરવા જેવી છે. સરદાર અમદાવાદની મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પ્રમુખ હતા અને ત્યારે શહેરમાં કૂતરાઓનો ત્રાસ બહુ જ વધી ગયો હતો. શહેરના કેટલાક અગ્રણી ઉદ્યોગપતિઓ આ મુદ્દે સરદારને મળ્યા અને તેમને વિનંતી કરી કે શહેરમાંથી આ કૂતરાઓને પકડી-પકડીને બાજુના ગામની સીમમાં મૂકી આવો. સરદારે કહ્યું, ‘અહીંથી પકડીને ત્યાં મૂકવાથી તમે થોડા મુક્ત થશો, પણ જે ગામની સીમમાં તમે મૂકી આવો છો એ ગામના લોકોનું શું? તેમનો તો તમે વિચાર જ કરતા નથી! આ પછી પેલા પ્રતિનિધિમંડળે સરદારને કહ્યું કે તો પછી એ કૂતરાઓને પકડીને તમે કોઈક જગ્યાએ બંધ કરી દો. સરદારે તેમને કહ્યું, ‘જે જગ્યાએ એમને મૂકવામાં આવશે ત્યાં માણસો તો હશે જ. જો તમને બધાને દયા કે અહિંસાની વૃત્તિ યોગ્ય લાગતી હોય તો તમારા બંગલાઓમાં આ કૂતરાઓ પૈકી એક કે બેને પાળવાનું શરૂ કરો.’ ઉદ્યોગપતિઓને આવી અહિંસા મંજૂર નહોતી. કૂતરાઓને પકડીને મારી નાખવામાં આવે તો તેમને કોઈ વાંધો નહોતો, પણ જો પકડીને એમની દેખભાળ કરવાનું પોતાના બંગલામાં આવે તો એ અહિંસા તેમને મંજૂર નહોતી.

જાત જોડેની છેતરપિંડી

આ સંદર્ભમાં આપણું પારિવારિક જીવન પણ તપાસવા જેવું હોય છે. એવું બને કે પરિવારના રોજિંદા જીવનમાં આપણે ખોટું ન બોલતા હોઈએ. માતાપિતાને કે પતિપત્નીને રોજિંદા જીવનની સાચી વાત કહેતા હોઈએ. પણ એ સાચી વાતની પાછળ સચ્ચાઈ નથી હોતી. પતિ જ્યારે પત્નીને એવું કહે છે કે આજે મારે ઑફિસથી આવવામાં મોડું થશે ત્યારે તેની વાત સાચી હોય છે. તેના મોડા થવાથી પત્ની ચિંતા ન કરે એવો ભાવ પણ હોય છે. આમ છતાં મોડું કેમ થશે એનું કારણ તે કહેતો નથી. એનું કારણ એ છે કે તે કોઈ ફિલ્મ જોવા જવાનો હોય અને એ ફિલ્મની વાત તે કરવા માગતો નથી. ફરી એક વાર છેતરપિંડી થાય છે. સચ્ચાઈ ખરી, પણ છેતરપિંડી નથી એમ ન કહી શકાય.  

ઇતિ સિદ્ધમ

વાત નાની છે પણ એનું દર્શન ભારે મોટું થઈ શકે છે. આપણે રોજિંદા જીવનમાં આવાં દર્શન કરતા નથી. દર્શન આપણને ડરાવે છે. સચ્ચાઈ જાણ્યા પછી અને અંતરમાં ઊતર્યા પછી એને હડસેલો મારવો અત્યંત કપરો છે. આપણે એને હડસેલો મારીને આગળ જતા રહીએ છીએ. ક્યારેક અટકીને થોડીક વાર વિચાર પણ કરવા જેવો છે.

columnists dinkar joshi exclusive gujarati mid day