મુંબઈનું આ ગ્રુપ માત્ર યુરોપમાં જ સાઇકલ ચલાવે છે

16 May, 2022 02:04 PM IST  |  Mumbai | Varsha Chitaliya

વર્ષમાં એક વાર યુરોપના લેક વ્યુ, સ્નો માઉન્ટન અને ઇન્ટિરિયર સિટીની બ્યુટીને સાઇક્લિંગ કરીને માણવા નીકળી પડતા ઍડ્વેન્ચર બડીઝ ગ્રુપની વાતો મજાની છે

મુંબઈનું આ ગ્રુપ માત્ર યુરોપમાં જ સાઇકલ ચલાવે છે

છેલ્લાં કેટલાંક વર્ષોથી સાઇક્લિંગ તરફ પુરુષોનો ઝુકાવ વધ્યો છે. મુંબઈમાં અનેક ગ્રુપ ફિટનેસની સાથે એન્જૉયમેન્ટને ફોકસમાં રાખીને નિયમિત સાઇક્લિંગ કરતાં હોય છે. ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટીમાં રસ ધરાવતા પુરુષોનાં ગ્રુપ વીક-એન્ડમાં સાઇકલ લઈને અલીબાગ, લોનાવલા, ખંડાલા સુધી જતાં હોય છે. કેટલાક હોંશીલા અને જોશીલા પુરુષો લાંબા રૂટનો પ્રવાસ પણ ખેડી કાઢે છે. જોકે સાઇક્લિંગનો આનંદ ઉઠાવવા વિદેશ જતાં હોય એવાં ગ્રુપ ભાગ્યે જ જોવા મળશે. થાણે, ગોરેગામ, જોગેશ્વરી, વિલે પાર્લે, અંધેરી, માટુંગા જેવા મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાં રહેતા ૧૪ મિત્રો વર્ષમાં એક વાર સાઇકલ પર એક્સપ્લોર કરે છે. એ પણ છેક યુરોપ જઈને. ઍડ્વેન્ચર બડીઝ તરીકે ઓળખાતા આ ગ્રુપના મેમ્બરો ગયા મહિને અપર ઑસ્ટ્રિયા જઈ આવ્યા. સાઇકલ ચલાવવા માટે વિદેશની ધરતી પસંદ કરવાનાં કારણો તેમ જ કયાં લોકેશન એક્સપ્લોર કર્યાં એ જાણીએ. 
યુરોપ જ ફિક્સ
સાઇકલ ચલાવવાનો શોખ છે, પરંતુ મુંબઈમાં ક્યારેય સાઇક્લિંગ કરતા નથી. સાઇકલ પર જેટલા પ્રવાસ કર્યા છે એ બધા યુરોપના દેશોમાં જ એવી વાત કરતાં ઍડ્વેન્ચર બડીઝ ગ્રુપના મેમ્બર પ્રવીણ છેડા કહે છે, ‘પાંચેક વર્ષ અગાઉ વાતવાતમાં બધા મિત્રોએ નક્કી કર્યું કે કોઈ ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટી કરીએ. સાઇક્લિંગનો અમને શોખ છે, પરંતુ ડે-ટુ-ડે લાઇફમાં સાઇકલ ચલાવતા નથી. જે વસ્તુ આપણે વર્ષના વચલે દહાડે કરીએ એ સ્વાભાવિકપણે સાહસિક પ્રવૃત્તિ બની જાય. અમે એવા લોકેશનની શોધમાં હતાં જ્યાં નદીનો પટ, ડુંગરાઓ, બરફ આચ્છાદિત રસ્તાઓ હોય અને સાઇક્લિંગ માટે સ્મૂધ લેન બનાવવામાં આવી હોય. કુદરતી સૌંદર્યથી ભરપૂર વિશ્વના દેશોની વાત આવે એટલે મગજમાં સૌથી પહેલાં યુરોપ ક્લિક થાય. અહીં સ્નો માઉન્ટન અને લેક સાઇડ સાઇક્લિંગ મોસ્ટ ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટી છે. યુરોપના ઇન્ટીરિયર ટાઉન લેકનાં સ્મૉલ સિટીઝમાં સાઇકલનો પ્રવાસ એકદમ અદ્ભુત બની જાય. સર્વસંમતિએ વર્ષમાં એક વાર (માર્ચ-એપ્રિલ મહિનામાં) યુરોપ જવાનું ફિક્સ કર્યું.’
પ્રવાસની મજા
યુરોપ ફિક્સ છે, પણ લોકેશન જુદાં હોય એવી માહિતી આપતાં ગ્રુપના અન્ય મેમ્બર દિનેશ નંદુ કહે છે, ‘સૌથી પહેલો પ્રવાસ ૨૦૧૮માં લોઅર ઑસ્ટ્રિયાનો કર્યો હતો. પાસાઉથી વિયેના સુધીનો ૩૨૪ કિલોમીટર લાંબો ડેન્યુબ સાઇકલ-માર્ગ યુરોપમાં સૌથી સુંદર સાઇક્લિંગ હૉલિડે તરીકે લોકપ્રિય છે. ડેન્યુબ નદીના આ વિસ્તારમાં ઐતિહાસિક સ્થળો, પૅલેસ, પહાડી કિલ્લાઓ, જંગલો, બગીચાઓ અને મનમોહક ગામડાંઓ આવે છે. રૂટ સ્મૂધ અને ટ્રાફિક-ફ્રી હોવાથી પ્રવાસનો આનંદ બેવડાઈ જાય છે. પ્રથમ પ્રવાસમાં જર્મની અને ઑસ્ટ્રિયા એક્સપ્લોર કર્યા. ૨૦૧૯માં વિયેનાથી બુડાપેસ્ટનો પ્રવાસ ખેડ્યો હતો. આ રૂટમાં ઑસ્ટ્રિયા, સ્લોવેકિયા અને હંગેરી કવર થાય છે. વાઇનયાર્ડ્સ અને પર્વતોથી ઘેરાયેલો આ માર્ગ હાઇકિંગ અને સાઇક્લિંગ ટ્રેઇલ્સ માટે જાણીતો છે.’
બ્રેક કે બાદ
૨૦૨૦માં લૉકડાઉન આવી જતાં ટૂર મિસ થઈ ગઈ. ગયા વર્ષે ઇટલીના વિઝા થઈ ગયા હતા, પરંતુ કોવિડ ગાઇડલાઇન્સને કારણે જવા નહોતું મળ્યું. જોકે કાશ્મીર ફરી આવ્યા. કોવિડના નિયમો હળવા થયા બાદ ફરી યુરોપના પ્રવાસની યોજના બનાવી એવી માહિતી શૅર કરતાં પ્રવીણભાઈ કહે છે, ‘અમે પહેલા ટૂરિસ્ટ હતા જેમને કોવિડ પછી ઑસ્ટ્રિયાના વિઝા મળ્યા. આ અમારી થર્ડ ટ્રિપ હતી. ૧૦ દિવસના પ્રવાસમાં અપર ઑસ્ટ્રિયાના ૧૦ લેક રીજન કવર કર્યા હતા. બ્લુ સ્કાય, ગ્રે માઉન્ટન અને રિફ્લેક્ટેડ નૅચરલ વૉટરબૉડીઝ અહીંની ખાસિયત છે. ખૂબ જ સુંદર જગ્યા છે. બે વર્ષ બાદ જવા મળ્યું હોવાથી બધા એક્સાઇટેડ હતા. અમારો પ્રોગ્રામ ૯થી ૧૦ દિવસનો હોય. એમાં છ દિવસ સાઇક્લિંગ માટે ફાળવીએ અને બાકીના દિવસોમાં હરી-ફરીને જલસા કરવાના. યુરોપમાં ઇલેક્ટ્રો-અસિસ્ટ સાઇકલ રેન્ટ પર મળે છે. અમે લોકોએ એક કંપની સાથે ટાઇ-અપ કર્યું છે. સ્ટાર્ટ ટુ એન્ડ સુધી અમારી સાથે ગાઇડ પણ હોય. વિડિયો શૂટિંગ માટે મુંબઈથી ડ્રોન લઈને જઈએ છીએ. ત્યાંના રોડ સ્મૂધ હોવાથી પ્રૅક્ટિસ વગર દરરોજ અંદાજે પચાસ કિલોમીટર સાઇક્લિંગનો ટાર્ગેટ સરળતાથી અચીવ થઈ જાય. યુરોપમાં સાઇક્લિંગને ખૂબ પ્રમોટ કરવામાં આવે છે. અહીંના દેશોમાં સાઇકલ માટેના સુંદર રસ્તાઓ બનાવવામાં આવ્યા હોવાથી મજા આવે અને જોખમ પણ નહીંવત્ છે. જોકે એકાદ મેમ્બર સાથે નજીવો અકસ્માત થયો છે. સાઇકલ ચલાવતી વખતે પડી જવાથી કોણી અને હાથ છોલાઈ ગયાં હોય એવું બન્યું છે, પણ એ સામાન્ય કહેવાય. મોટા ભાગના સાઇક્લિંગ ગ્રુપનું ફોકસ ફિટનેસ વિથ એન્જૉયમેન્ટ હોય છે, જ્યારે અમે લૅન્ડસ્કેપની બ્યુટીને માણવા અને અમારા શોખને બરકરાર રાખવા સાઇક્લિંગ કરીએ છીએ.’ 
ઍડ્વેન્ચર ગ્રુપના મેમ્બરો છે દિનેશ શાહ, તરુણ ગાલા, શાંતિલાલ છેડા, પ્રવીણ છેડા, અશ્વિન દેઢિયા, નિમેશ શાહ, જયેશ રીટા, દિલીપ ગાલા, દિનેશ નંદુ, વિપુલ છેડા, રાજેશ સત્રા, મનીષ શાહ, મહેશ છેડા, ચંદ્રકાંત કારિયા. આ તમામ સભ્યો વાગડના કચ્છી છે. બધાનો પોતાનો બિઝનેસ છે. એક જ સમાજના હોવાથી તેમની વચ્ચે વર્ષો જૂની મિત્રતા છે અને ફૅમિલી બૉન્ડિંગ પણ. એક મેમ્બરનો યેઉરમાં બંગલો છે જ્યાં સમયાંતરે તેઓ એન્જૉયેબલ ઍક્ટિવિટીનું આયોજન કરે છે. 

 થાણે, ગોરેગામ, જોગેશ્વરી, વિલે પાર્લે, અંધેરી, માટુંગા જેવા મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાં રહેતા ૧૪ મિત્રો વર્ષમાં એક વાર સાઇકલ પર એક્સપ્લોર કરે છે.

ખાણીપીણીના જલસા 
ગુજરાતી પ્રજા દુનિયાના કોઈ પણ ખૂણે ફરવા જાય, ખાણી-પીણીમાં કચાશ ન ચાલે. ઍડ્વેન્ચર ગ્રુપ દરેક પ્રવાસમાં ફૂડની વ્યવસ્થા મુંબઈથી કરીને નીકળે છે. યુરોપમાં સવારના ગરમાગરમ મસાલાવાળી ઉકાળેલી ચા સાથે ફાફડા ખાવાના, જમવામાં છાશ સાથે સ્વાદિષ્ટ ભોજન અને ડિનર બાદ મીઠું પાન ફિક્સ મેનુ છે.

columnists Varsha Chitaliya