એકમાત્ર નૉવેલે એમિલીને અમર બનાવી દીધી

09 June, 2021 01:47 PM IST  |  Mumbai | Rashmin Shah

૧૮૪૭માં નૉવેલ પબ્લિશ થઈ અને એક જ વર્ષમાં એમિલીનું માત્ર ૩૦ વર્ષની ઉંમરે મોત થયું. એમિલીના મોત પછી નૉવેલ વધારે પૉપ્યુલર થઈ અને માત્ર એક નવલકથા ‘વુધરિંગ હાઇટ્સ’થી એમિલી અમર થઈ ગઈ.

એમિલી

વુધરિંગ હાઇટ્સ.’ 
ઇંગ્લૅન્ડના યૉર્કશરના આ એક એરિયાનું નામ છે, પણ આ એરિયાને દુનિયાઆખીમાં જાણીતું કરી દેવાનું કામ રાઇટર એમિલી બ્રૉન્ટે કર્યું. એમિલી બ્રૉન્ટે પોતાની નૉવેલનું નામ ‘વુધરિંગ હાઇટ્સ’ રાખ્યું અને નૉવેલે ધમાલ મચાવી દીધી. પ્રેમ અને બદલાની ભાવના સાથેની નૉવેલમાં બે પરિવારની વાત હતી, પણ એ વાત એટલી અસરકારક રીતે કહેવામાં આવી હતી જેની કોઈ કલ્પના ન થઈ શકે. પોતાની લાઇફની પહેલી જ નૉવેલ લખતી એમિલીને પોતાના આ રાઇટિંગ પર ભરોસો નહોતો એટલે તેણે ‘વુધરિંગ હાઇ્ટસ’ને નામ પણ પોતાનું આપવાને બદલે ફેક નામ આપ્યું હતું અને એસિલ બેલના નામે નૉવેલ લખી. કરમની કઠણાઈ જુઓ તમે, નૉવેલની સેકન્ડ એડિશનમાં પોતાનું સાચું નામ છપાયું એ જોવા માટે એમિલી હયાત ન રહી અને અસાધ્ય બીમારીને કારણે એમિલીનું મોત થયું. ૧૮૪૭માં નૉવેલ પબ્લિશ થઈ અને એક જ વર્ષમાં એમિલીનું માત્ર ૩૦ વર્ષની ઉંમરે મોત થયું. એમિલીના મોત પછી નૉવેલ વધારે પૉપ્યુલર થઈ અને માત્ર એક નવલકથા ‘વુધરિંગ હાઇટ્સ’થી એમિલી અમર થઈ ગઈ.
‘વુધરિંગ હાઇટ્સ’ પરથી એ જ નામની પાંચથી વધુ ફિલ્મ બની છે, છેલ્લે ૨૦૧૨માં ફિલ્મ બની. 
હિન્દીમાં પણ આ જ નવલકથા પર આધારિત ફિલ્મ ‘દિલ દિયા દર્દ લિયા’ બની, પણ એ શોધીને જોવાને બદલે બહેતર છે કે પહેલાં નવલકથા વાંચો. સમજાશે કે અઢારમી સદીમાં પણ એમિલીએ કયા સ્તરે વિચારી શકતી હતી.
એમિલીની અજાણી વાતો...
એમિલીએ ૧૩ વર્ષની ઉંમરથી પોએટ્રી લખવાની શરૂઆત કરી. તેની કવિતાઓ એટલી સંવેદનશીલ હતી કે સ્કૂલના ટીચર પણ એ વાંચતી વખતે રડી પડતા. એમિલીને નાનાં લખાણ લખવાનું ગમતું. એમિલીના એ નિબંધ વાંચીને તેને નવલકથા લખવાની સલાહ આપવામાં આવી અને એમાંથી જ ‘ધી વુધરિંગ હાઇટ્સ’નો જન્મ થયો. આ જે એરિયા છે એ એરિયા એમિલીનો ફેવરિટ એરિયા હતો. એમિલી ત્યાં નિયમિત જતી. ‘ધી વુધરિંગ હાઇટ્સ’નું આખું લોકેશન તેણે પોતાની નવલકથામાં લીધું અને બે પરિવારો વચ્ચેના સંબંધોની વાતો તેણે નવલકથામાં લખી. નાનપણમાં થયેલા પ્રેમની આખી જિંદગી પર કેવી અસર રહે એ વાત નવલકથાનું કેન્દ્રબિંદુ છે.
કહે છે કે એમિલીની આ નવલકથા તેની પોતાની કથા છે, પણ એનાં કોઈ તથ્ય ક્યારેય મળ્યાં નથી અને એમિલી એ વિશે કંઈ કહે એ પહેલાં જ તેનું મોત થતાં આ વાત પર કાયમ માટે અધ્યાહાર રહી ગઈ.
ભાષા અને અબજોની આવક
‘ધી વુધરિંગ હાઇટ્સ’ એકમાત્ર નવલકથા લખી હોવા છતાં આ નવલકથાની રૉયલ્ટીમાંથી એમિલીની ફૅમિલીને વર્ષો સુધી મિલ્યન્સ પાઉન્ડની આવક થતી રહી. એમિલીની એ અબજોની આવકમાંથી તેના ભાઈએ એક ટ્રસ્ટ બનાવ્યું હતું, જે ટ્રસ્ટ પહેલા વર્લ્ડ વૉર સુધી ચાલુ રહ્યું અને છેલ્લે વૉરમાં જીવ ગુમાવનારા સૈનિકોનાં બાળકોને એ ફન્ડ આપીને એ બંધ કરવામાં આવ્યું.
એમિલી બ્રૉન્ટે પહેલી નવલકથા પૂરી કર્યા પછી ત્રણ નવલકથાના પ્લૉટ પર કામ કર્યું હતું, જે નવલકથા ક્યારેય શરૂ ન થઈ. એમિલીના ભાઈએ એના પર કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તે પણ એ નવલકથા લખી ન શક્યો. કહે છે કે ફ્રાન્સના એક રાઇટરને એ નવલકથા લખવા માટે એમિલીની હસ્તપ્રત આપ્યા પછી એ રાઇટર ક્યારેય પાછો આવ્યો નહીં અને એમ એમિલીની નૉવેલના એ પ્લૉટ પણ કાયમ માટે ગુમ થઈ ગયા. તમને જાણીને નવાઈ લાગશે કે એમિલીનો એક ફોટોગ્રાફ પણ આજે હયાત નથી. એમિલી, તેની બહેન અને ભાઈ એમ ત્રણ બ્રૉન્ટ વારસદારોનું એક પેન્ટિંગ જ છે, જે એકમાત્ર એમિલીની ઝલક છે.

સ્ટોરી શૉર્ટકટ

‘ધી વુધરિંગ હાઇટ્સ’ એક એવા ઘરની વાત છે જ્યાં પ્રેમની શરૂઆત થાય છે, વેરનો પ્રારંભ થાય છે. આ જ ઘરમાં વેરભાવના અંત સાથે પ્રેમની નવી શરૂઆત પણ થાય છે. નવલકથા અર્નશો અને લિન્ટન ફૅમિલીની વાત કહે છે. બ્રિટિશરોમાં જે સામંતશાહી હતી એ જ સામંતશાહી અહીં દેખાડવામાં આવી છે. ઘરમાં કામ કરતા છોકરાને માલિકની દીકરી સાથે પ્રેમ થાય છે અને એ બન્ને ટીનેજર એક વખત બાપના હાથે પકડાઈ જાય છે. આમ પણ સર્વન્ટ પર ભારોભાર અત્યાચાર કરતો બાપ હવે તો પેલાને એ સ્તરે માર મારે છે કે પેલો બિચારો મરી જ જાય, પણ નસીબજોગે એ બચી જાય છે અને હેથક્લિફ નામનો એ ટીનેજર શહેર છોડીને ચાલ્યો જાય છે. વર્ષો પછી હેથક્લિફ પાછો આવે છે, પોતાનો પ્રેમ પામવા, પણ તે આવે છે ત્યારે તેને ખબર પડે છે કે એની દુનિયા ખેદાનમેદાન થઈ ગઈ છે. હવે હેથક્લિફ સામે એક જ રસ્તો છે, તેને તબાહી આપનારા સૌને ખતમ કરવા. હેથક્લિફ આ કામે લાગે છે, પણ તેને ખબર નથી કે બદલાની આ આગનો અંત કેવો આવશે?

columnists Rashmin Shah