વિશ્વનું એક માત્ર ગામ જ્યાં સંસ્કૃતમાં વાતચીત થાય છે

20 September, 2021 09:19 AM IST  |  karnataka | Aashutosh Desai

કર્ણાટકમાં આવેલા આ ગામે સંસ્કૃતિનાં મૂળિયાંને પકડી રાખીને વિકાસને પામવાની જે જહેમત ઉઠાવી છે એને કારણે વૈશ્વિક સ્તરે એની સુવાસ પ્રસરી છે અને દેશવિદેશના લોકો અહીં સંસ્કૃત શીખવા આવે છે

વિશ્વનું એક માત્ર ગામ જ્યાં સંસ્કૃતમાં વાતચીત થાય છે

આખા વિશ્વનું એકમાત્ર ગામ જ્યાં આજેય સંસ્કૃત બોલચાલની ભાષા તરીકે વપરાય છે. કર્ણાટકમાં આવેલા આ ગામે સંસ્કૃતિનાં મૂળિયાંને પકડી રાખીને વિકાસને પામવાની જે જહેમત ઉઠાવી છે એને કારણે વૈશ્વિક સ્તરે એની સુવાસ પ્રસરી છે અને દેશવિદેશના લોકો અહીં સંસ્કૃત શીખવા આવે છે

ગામના દરેક પરિવારમાં કમસે કમ એક વ્યક્તિ આઇટી એન્જિનિયર હોય અને છતાં તે આઇટી એન્જિનિયર અંગ્રેજી કે હિન્દીમાં નહીં પરંતુ સંસ્કૃતમાં વાત કરતો હોય તો? વિડિયો કૉન્ફરન્સ, ઝૂમ મીટિંગ અને ક્લાસ-ઓવર ટેલિફોન જેવી અત્યાધુનિક સેવા અને ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને વિશ્વની સૌથી જૂની છતાં સૌથી સમૃદ્ધ એવી સંસ્કૃત ભાષા શીખવવામાં આવતી હોય તો? ભારતના કોઈ એક ગામમાં બધી સુખસાહ્યબી છોડીને વિદેશીઓ માત્ર એક ભાષા શીખવા આવતા હોય તો? આ બધા ઢંગઢડા વગરના, પાગલ જેવા પ્રશ્નો કરવા અમારી આદત પણ નથી અને આ બધી અમારી કોઈ કલ્પના પણ નથી. આ ખરેખર એક વાસ્તવિકતા છે. 
કહેવાય છે કે આખા વિશ્વમાં સૌથી પહેલાં જો કોઈ ભાષા જન્મી હોય તો તે સંસ્કૃત ભાષા છે. એટલું જ નહીં, આજે વિશ્વમાં લગભગ ૬૫૦૦ જેટલી અલગ-અલગ ભાષાઓ બોલાય છે જેમાંની મોટા ભાગની ભાષાઓ સંસ્કૃતમાંથી જન્મી છે. ભારતની બધી બોલીઓની જનેતા તો સંસ્કૃત ખરી જ. એમાં કોઈ શંકાને સ્થાન જ નથી; પરંતુ વિશ્વમાં સૌથી વધુ બોલાતી, લખાતી, વંચાતી અને વ્યવહારમાં ઉપયોગમાં લેવાતી એવી અંગ્રેજી ભાષાનાં મૂળ પણ સંસ્કૃતમાંથી નીકળ્યાં છે અને વિકસ્યાં છે એવું આપણે કહીશું તો ઘણાને અતિશયોક્તિ અથવા આત્મશ્લાઘા જેવું લાગશે. જોકે સાચું કહું છું. આપણે કંઈ ‘અપને મુંહ મિયાં મિઠ્ઠુ’ કરીએ એવા નથી જ. લો તમને કેટલાંક દૃષ્ટાન્તો જ આપી દઈએ. ગુજરાતીમાં આપણે જેને ગાય કહીએ છીએ એને સંસ્કૃતમાં ગૌ કહેવામાં આવે છે, જેનાથી પરથી ગ્રીક શબ્દ આવ્યો બોઉસ અને બોઉસ પરથી અંગ્રેજી થયું કાઉ. એ જ રીતે નાકને સંસ્કૃતમાં નાસ કહેવામાં આવે છે, જ્યાંથી લૅટિનમાં એ થયું નાસુસ અને એનું અંગ્રેજીમાં થયું નોઝ. હજી નથી માનવું? તો લો, સાપને સંસ્કૃતમાં સર્પ કહે છે જેના પરથી લૅટિનમાં સેરપેટમ અને અંગ્રેજીમાં એનું થયું સેરપન્ટ. એ જ રીતે દ્વારનું થયું ડોર. બ્રાથરનું થયું બ્રધર અને મહાનું થયું મેગા અને માતૃનું લૅટિન ભાષામાં થયું મેતર અથવા માતર જેનાથી પરથી અંગ્રેજી શબ્દ આવ્યો મધર.
ખેર, તો આપણે મૂળ વાત પર આવીએ. આખા ભારતે ગૌરવ લેવું ઘટે એવું કર્ણાટકમાં એક ગામ છે - મત્તુર. આ ગામ હજી આજેય આપણી સંસ્કૃતિની ધરોહર એવી અતિસમૃદ્ધ ભાષા એવી સંસ્કૃતને જીવિત રાખી જીવી રહ્યું છે. એટલું જ નહીં, એનો યોગ્ય પ્રચાર અને પ્રસાર થાય એ માટે પ્રયત્નો પણ કરી રહ્યું છે. એક એવું ગામ જે ગામના કોઈ પણ ઘરમાં તમે પ્રવેશ કરો એટલે તમારું અભિવાદન કરવામાં આવે ત્યારે કહેવાય, ‘ભવતઃ નામ કીમ’ મતલબ કે ‘આપનું નામ શું છે?’ અને પછી હસતા મોઢે બીજો પ્રશ્ન પુછાય, ‘કથમ અસ્તી’ મતલબ કે ‘તમે કેમ છો?’ આ બે પ્રશ્નો દ્વારા આગંતુકનું અભિવાદન કર્યા બાદ યજમાન ગૃહસ્થ તમને પૂછે, ‘કૉફી વ ચાયમ કીમ ઇચ્છતીમ ભવન’ જેનો અર્થ થાય છે, ‘તમને શું ફાવશે - કૉફી કે ચા?’ આ રીતના સંવાદો કોઈ બીજા પ્રદેશના નહીં પરંતુ આપણા જ દેશના એક ગામમાં બોલાતા સંવાદો છે. કર્ણાટકના પાટનગર બૅન્ગલોરથી ૩૦૦ કિલોમીટરના અંતરે આવેલા શિમોગા જિલ્લાનું એક ગામ ‘મત્તુર’ આજે પણ આપણી સંસ્કૃતિના મૂળમાંથી ઉદ્‍ભવેલી ભાષા સંસ્કૃતને પોતાની પ્રથમ ભાષા તરીકે સ્વીકારી, એને બોલચાલની ભાષા તરીકે જીવંત રાખીને જીવી રહ્યું છે. એટલું જ નહીં, આ ગામના દરેક રહેવાસીનો એક જ જીવનમંત્ર છે, ‘એ ગામમાં આવનાર દરેક મહેમાનને તેમની ઇચ્છા અનુસાર સંસ્કૃતનું જ્ઞાન આપવું અને સંસ્કૃત ભાષાને જીવંત રાખવાના શુભ આશય પાછળ જ પોતાનું જીવન ખર્ચી નાખવું.’
પરંતુ જોજો રખે માનતા કે સંસ્કૃતને પોતાની માતૃભાષા તરીકે અપનાવનાર આ ગામના રહેવાસીઓ આજેય વર્ષોજૂની જીવનશૈલી સાથે જીવતા હશે. મત્તુર ગામના દરેક પરિવારમાં કમસે કમ એક આઇટી એન્જિનિયર છે. એટલું જ નહીં, આખા ગામની દરેક વ્યક્તિ અત્યાધુનિક ગૅઝેટ્સ અને ઇન્ટરનેટ દ્વારા વિશ્વમાં બનતી દરેક નાનામાં નાની ઘટના અંગે અપડેટ પણ રહે છે. આઇફોન હોય કે લૅપટૉપ કે પછી ડ્રોન હોય કે બીજું કોઈ પણ અત્યાધુનિક ગૅઝેટ, ક્રિકેટ હોય કે ફૂટબૉલ, રાષ્ટ્રીય રાજકારણ હોય કે આંતરરાષ્ટ્રીય - મત્તુર ગામના રહેવાસીઓ આ રીતની દરેકેદરેક બાબતથી અપડેટ તો હોય જ છે, સાથે જ આ બધા વિશે તેમની બોલચાલની જે હવે તો માતૃભાષા તરીકે જ ગણાવવી પડે એવી સંસ્કૃતમાં વાતો પણ કરે છે.
મત્તુર ગામમાં અનાજ અને ઘરવખરીની કોઈ સામાન્ય દુકાન ધરાવતા દુકાનદારથી લઈને ખેતરમાં કામ કરતા ખેતમજૂર સુધીના તમામ માણસો સંસ્કૃતમાં જ વાતો કરે છે. જવલ્લે જ કદાચ કોઈ એવી વ્યક્તિ આ ગામમાં હશે જેને સંસ્કૃત બોલતાં નહીં આવડતું હોય. તો પણ તે સંસ્કૃત સમજી તો શકતી જ હશે. અરે, આ ગામનું હમણાં જ નવું-નવું બોલતાં શીખેલું બાળક પણ સંસ્કૃતમાં જ બોલે, સાંભળે અને સમજે. મતલબ કે સમજી લોને કે રમકડાં માટેની જીદ કરે તો એ પણ સંસ્કૃતમાં જ. આ ગામના લોકોનું માનવું છે કે જેમ યુરોપમાં યુરોપિયન ભાષા બોલાય છે એ જ રીતે ભારતમાં પણ સંસ્કૃત ભાષાનો બોલચાલમાં ઉપયોગ થવો જોઈએ. તેઓ કહે છે કે સંસ્કૃત ભાષા ન માત્ર તમને ભારતની દરેક ભાષા શીખવામાં કે સમજવામાં મદદરૂપ થાય છે, બલકે સંસ્કૃતને કારણે તમે જર્મન અને ફ્રેન્ચ જેવી ભાષાઓ પણ ખૂબ સરળતાથી શીખી અને સમજી શકો છો. આ વિશે વધુ વિસ્તારમાં વાત કરતાં પ્રોફેસર શ્રીનિધિ કહે છે, ‘ભારતીય સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિમાંથી સંસ્કૃત ભાષાનો જન્મ થયો છે અને ભારતની બધી જ ભાષાનાં મૂળ સંસ્કૃતમાંથી જ જન્મ્યાં છે. એક સમય હતો જ્યારે ભારતમાં સંસ્કૃત બોલચાલની ભાષા તરીકે અને અભ્યાસની ભાષા તરીકે વપરાતી હતી અને એને દેવભાષા તરીકે ગણવામાં આવતી હતી. આજે સમગ્ર ભારતની એક ટકા કરતાંય ઓછી વસ્તી દ્વારા આ ભાષાનો ઉપયોગ થાય છે અને જ્યાં થાય છે એ પણ માત્ર બ્રાહ્મણો દ્વારા ધાર્મિક વિધિ દરમિયાન થાય છે.’
હવે જરા અંદાજ લગાવો કે જે દેશમાં એક ટકા કરતાંય ઓછી પ્રજા સંસ્કૃતનો ઉપયોગ કરતી હશે અને એ પણ મહદંશે બ્રાહ્મણો દ્વારા પૂજાવિધિ દરમિયાન તો એવા દેશમાં સંસ્કૃત વાંચનારા, સમજનારા અને જાણનારા તો કેટલા હોવાના? ૦.૧ ટકા કરતાંય ઓછા જ હશે એ નક્કી.
મત્તુર સંસ્કૃતભાષી કઈ રીતે બન્યું?
હજી જસ્ટ ૪૧ વર્ષ પહેલાં જ એટલે કે ૧૯૮૦ના સમય પહેલાં સુધી મત્તુર ગામના લોકો કર્ણાટકની રીજનલ લૅન્ગ્વેજનો એટલે કે કન્નડ ભાષાનો બોલચાલમાં ઉપયોગ કરતા હતા અને સાથે જ બીજી ભાષા તરીકે અહીં તામિલનું ચલણ વધુ હતું, કારણ કે અહીં કામ મેળવવા માટે આવતા મોટા ભાગના મજૂરો પાડોશી રાજ્ય તામિલનાડુથી આવતા હતા. પ્રોફેસર શ્રીનિધિ આ વિશે વધુ વિગતે વાત કરતાં કહે છે, ‘કોઈ ચોક્કસ તારીખ કહેવી તો મુશ્કેલ છે, પરંતુ ૧૯૮૦ની સાલમાં આ શુભ બદલાવની શરૂઆત થઈ હતી. અહીં અમારા ગામમાં સંસ્કૃત ભાષા અંગે એક ચળવળની શરૂઆત થઈ, કારણ કે સંસ્કૃતને લોકો બ્રાહ્મણોની જ ભાષા તરીકે ક્રિટિસાઇઝ કરવા માંડ્યા હતા અને આખા કર્ણાટકમાં બોલચાલની ભાષા તરીકે કન્નડ ભાષાનો જ ઉપયોગ થતો હોવાને કારણે બ્રાહ્મણો પણ સંસ્કૃતને ભૂલવા માંડ્યા હતા. એ સમય દરમિયાન અમારા ગામના નદીકિનારે જે પૌરાણિક મંદિર છે એ મંદિરના પૂજારી પેજાવર મુત્ત દ્વારા ગામવાસીઓ સામે એક મંતવ્ય રજૂ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે આ રીતે તો આપણી દેવભાષા મૃત્યુ પામશે. જો આ વિશે આપણે ગંભીરતાથી નહીં વિચારીએ તો સંસ્કૃત ભાષા ન જાણતા હોવાને કારણે આપણે આપણા જ અતિમૂલ્યવાન એવા વારસાને ખોઈ બેસીશું. માત્ર ભાષાના અજ્ઞાનને કારણે આપણાં શાસ્ત્રો, વેદો, પુરાણો, આયુર્વેદ જેવી ચિકિત્સા-પ્રણાલીઓ વગેરે જેવી અનેક ધરોહર કાયમ માટે અંધકારમાં ચાલી જશે, વિલુપ્ત થઈ જશે. ત્યાર બાદ તેમણે બધા ગામવાસીઓ સામે એક પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે મત્તુર ગામને આપણે સંસ્કૃતભાષી ગામ બનાવીએ તો કેવું? માત્ર ભાષાના અજ્ઞાનને લીધે આખેઆખી ભારતીય સંસ્કૃતિ જ નષ્ટ થઈ જાય એવું કમસે કમ અમે મત્તુરવાસીઓ તો નહોતા ચાહતા. અને તમે નહીં માનો, અમે આખા ગામે માત્ર દસ દિવસ સુધી રોજના માત્ર બે કલાક સંસ્કૃતમાં વાત કરવાનું નક્કી કર્યું અને એનું પરિણામ આજે તમે જોઈ શકો છો. મત્તુરને સંસ્કૃતભાષી ગામ બનાવવા માટે અમે માત્ર દસ દિવસ રોજના બે કલાક ફાળવ્યા હતા અને આજે મત્તુર ભારતનું એકમાત્ર સંસ્કૃતભાષી ગામ છે.’
દરેક ઘરમાં એક એન્જિનિયર
ગામના દરેક પરિવારનો કમસે કમ એક સભ્ય આઇટી એન્જિનિયર છે. મત્તુર ગામમાં જન્મેલા અને સંસ્કૃત શીખેલા એવા કેટલાય લોકો આજે મત્તુર છોડીને ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સ્થાયી થયા છે.  છતાં એમાંના મોટા ભાગના લોકો દર વર્ષે વર્ષમાં એક વાર મત્તુર જરૂર આવે છે. પોતાનાં મિત્રો અને સગાંવહાલાંઓને પણ સાથે લેતા આવે છે. તેઓ સંસ્કૃતના પાઠો શીખે છે અને મહેમાન થઈને આવેલા તમામને શીખવે પણ છે. સંસ્કૃત ભાષાનું આ શિક્ષણ કોઈ આધુનિક ટ્યુશન ક્લાસિસ, ક્લાસરૂમ, સ્કૂલ કે કૉલેજની જેમ નથી ભણાવવામાં આવતું. અહીં આ સુસંસ્કૃત ભાષાનું જ્ઞાન વૈદિક પદ્ધતિ દ્વારા ચાલતી અહીંની પાઠશાળાઓમાં આપવામાં આવતું હોય છે. અહીં શીખવા આવતા વિદ્યાર્થીઓ માટે ઉંમરનો કોઈ બાધ નથી. તેઓ પંદર દિવસના બેઝિક કોર્સથી લઈને પાંચ વર્ષ સુધીના સંસ્કૃત શીખવાના કોર્સ ચલાવે છે. અહીંના પ્રાધ્યાપકોનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ માત્ર ૧૫ જ દિવસમાં કડકડાટ સંસ્કૃત બોલતી અને સમજતી થઈ શકે છે. 
જોકે સંસ્કૃત બોલચાલ અને પાઠશાળા ધરાવતા આ ગામમાં બધા લોકો વર્ષોજૂની જીવનશૈલીમાં જીવે છે એવું નથી. અહીં રહેતા દરેક પરિવારનો એક છોકરો કે છોકરી ક્યાં તો આઇટી એન્જિનિયર થયો છે, ક્યાં તો તેણે કોઈ બીજી ઉચ્ચ અભ્યાસની ડિગ્રી મેળવી હશે. કબડ્ડી જેવી ભારતીય રમતથી લઈને ફૂટબૉલ અને ક્રિકેટ જેવી રમતો પણ અહીં રમાય છે અને સ્માર્ટફોન તથા ઇન્ટરનેટ દ્વારા દેશ-દુનિયાની તમામ વિગતોથી પણ ગામના લોકો પોતાને અપડેટ રાખતા જ હોય છે. જોકે આ બધામાં આઇટી એન્જિનિયરોનું શું કામ? બધા પરિવારોમાંથી એક સભ્યે આઇટીના ક્ષેત્રે જ આગળ વધવાનું કોઈ ખાસ કારણ? હા, કારણ છે અને ખૂબ જ તાર્કિક કારણ છે. સંસ્કૃત શીખતા, બોલતા અને વાંચતા હોય એનો અર્થ એ નથી કે આખા ગામના બધા લોકો જુનવાણી હશે, જબરદસ્ત ધાર્મિક હશે કે રિજિડ હશે. સંસ્કૃતને પોતાની જયભાનું ઘરેણું બનાવી જાળવતા આ ગામના લોકો અત્યાધુનિક વિચારધારા ધરાવનારા અને અત્યાધુનિક જીવનશૈલી જીવનારા છે. અહીંના લોકોનું માનવું છે કે આઇટી એન્જિનિયર બનીશું તો કમ્પ્યુટરનો ઉપયોગ સાચા અર્થમાં થઈ શકાશે તથા કમ્પ્યુટર અને લેટેસ્ટ ટેક્નૉલૉજીની મદદથી આપણે સંસ્કૃતનો ફેલાવો અને સ્વીકાર વધુ સરળતાથી અને ઝડપથી કરી શકીશું. 
મત્તુર ગામમાં ‘પાઠશાળા’ કલ્ચર ફરી ઊભું કરવામાં આવ્યું છે અને અહીં સંસ્કૃતનું જ્ઞાન મેળવી રહેલા વિદ્યાર્થીઓ આજે વર્ષો પહેલાં ઝાડનાં પત્તાંઓ પર રચાયેલા સાહિત્યને કમ્પ્યુટર પર રી-રાઇટ કરી રહ્યા છે. આ આખા શ્રમયજ્ઞ પાછળનો શુભ આશય એ છે કે વર્ષો પુરાણાં એ વૃક્ષપત્તાંઓ પર લખાયેલા સાહિત્યના કેટલાક ડૅમેજ થયેલા શબ્દોને આ રી-રાઇટિંગ પ્રક્રિયા દ્વારા ફરી જીવંત કરી સાચવી લેવા અને સામાન્ય લોકોના વાંચન અને ઉપયોગ માટે એ ઉપલબ્ધ કરાવવા. 
ગામ અને ઘર પર સાઇનબોર્ડ
આ ગામની બીજી એક આગવી ઓળખ ત્યાં લગાડવામાં આવેલાં સાઇનબોર્ડ છે. જેમ કે ક્યાંક લખવામાં આવ્યું હોય ‘માર્ગે સ્વચ્છતય વિર્જતે, ગ્રામે સૂજાનાઃ વિર્જનતે’. મતલબ કે રસ્તા પર સ્વચ્છતા એટલી જ મહત્ત્વની છે જેટલી એક ગામને વ્યક્તિઓની. તો વળી ગામવાસીઓના ઘરના દરવાજે તમને વંચાશે, ‘યુ કૅન સ્પીક સંસ્ક્રીત ઇન ધીસ હાઉસ’. ગામના લોકો કહે છે કે આ રીતનું વાક્ય અમે ગૌરવભેર અમારા દરવાજે લખ્યું છે.
પાઠશાળા અને વિદ્યાર્થીઓ
મત્તુરમાં ચાલતી શ્રી શારદા વિલાસ શાળામાં લગભગ ૪૦૦ વિદ્યાર્થીઓમાંથી ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ સંસ્કૃતને પોતાની ફર્સ્ટ લૅન્ગ્વેજ તરીકે સ્વીકારીને અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે અંગ્રેજી સેકન્ડ લૅન્ગ્વેજ અને કન્‍નડ કે તામિલ જેવી રીજનલ લૅન્ગ્વેજને થર્ડ લૅન્ગ્વેજ તરીકે અભ્યાસાર્થે લેવામાં આવી છે. ઇમરાન નામના એક વિદ્યાર્થીને તે શાળાના શિક્ષકે જ્યારે પૂછ્યું કે તેણે સંસ્કૃતને પોતાની પ્રથમ ભાષા તરીકે શા માટે સ્વીકારી? ત્યારે ઇમરાને કહ્યું કે સંસ્કૃત ભાષાએ તેને પોતાની માતૃભાષા કન્‍નડને સારી રીતે અને ઊંડાણપૂર્વક સમજવામાં ખૂબ મોટી મદદ કરી હતી અને તેથી તેનું સંસ્કૃત પ્રત્યેનું આકર્ષણ વધ્યુ હતું. શશાંક નામનો એક વિદ્યાર્થી જે બૅન્ગલોરમાં પોતાની આઇટી સૉલ્યુશન કંપની ચલાવે છે તે કહે છે, ‘સંસ્કૃત ભાષાએ ન માત્ર મને વૈદિક ગણિત શીખવામાં મદદ કરી છે બલકે આજે સંસ્કૃતને કારણે જ મને એટલી મહારત હાંસલ થઈ છે કે જે ગણતરીઓ કરવા માટે આજે બીજા લોકો કૅલ્ક્યુલેટરનો ઉપયોગ કરે છે ત્યારે હું કૅલ્ક્યુલેટરની મદદ વિના મોઢે જ આ બધી ગણતરીઓ કરી શકું છું.’
શિકાગોમાં સૉફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતો મધુકર એક દિવસ અચાનક પોતાની નોકરીમાંથી રેઝિગ્નેશન મૂકી દે છે અને શિકાગોની વેલસેટલ્ડ લાઇફ છોડીને પોતાના ગામ મત્તુર આવી જાય છે. મત્તુર ગામમાં ગાર્મેન્ટનો બિઝનેસ કરતો મધુકર કહે છે, ‘ભારતની શિક્ષણવ્યવસ્થામાં જર્મન ભાષાને બદલે સંસ્કૃત ભાષા શીખવવાની વાત દેશના વડા પ્રધાન દ્વારા કરવામાં આવી ત્યારે અમે બધા ગામવાળા ખૂબ ખુશ થયા હતા, કારણ કે સંસ્કૃત એ ભારતની ભાષા છે. એના દરેક સંતાને આ ભાષા શીખવી જ જોઈએ. આપણાં બાળકો સંસ્કૃતના જ્ઞાનને કારણે વેદોનો અભ્યાસ કરી શકશે અને આપણા વેદો આપણને જિંદગીનો મેટાફિઝિકલ દૃષ્ટિકોણ શીખવે છે. પારિવારિક જીવન કઈ રીતે બહેતર બનાવવું એ આપણા વેદો જેટલી બહેતર રીતે શીખવી શકે એટલું બીજું કોઈ શીખવી નહીં શકે.’
સંસ્કૃત એ કોઈ ડરાવનારી કે શીખવામાં ભારે પડે એવી ભાષા છે જ નહીં. બલકે આપણા ભારતીયો માટે તો શીખવા માટે એ સૌથી સરળ ભાષા હોવાની, કારણ કે આપણી ભીતર હજીયે આ ભાષાનાં મૂળ છે જ. આપણામાંથી સંસ્કૃત અને સંસ્કૃતમાંથી આપણે જન્મ્યા છીએ. ૧૭૮૬ની સાલ, બીજી ફેબ્રુઆરી ‘ધ એશિયાટિક સોસાયટી’માં ‘ધ હિસ્ટરી ઍન્ડ ધ કલ્ચર ઑફ ધ હિન્દુ’ આ વિષય પર વાત કરતી વેળા એ સમયના વિશ્વકક્ષાએ જાણીતા એવા ભાષાવિદ્ સર જૉન વિલિયમે કહ્યું હતું કે ગ્રીક અને લૅટિન ભાષાઓનો સંબંધ સંસ્કૃત ભાષા સાથે ખૂબ જૂનો હોય એવું જાણવા મળે છે. ગોથિક, સેલ્ટિક અને ફારસી જેવી ભાષાઓ પણ સંસ્કૃતમાંથી જ જન્મી હોય એવા અનેક પુરાવાઓ મળે છે. એટલું જ નહીં, તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે સંસ્કૃત ભાષા લૅટિન અને ગ્રીક ભાષા કરતાં વધુ સ્ટ્રક્ચર્ડ અને વધુ પરફેક્ટ છે. એનું ગ્રામર અને એની શબ્દરચના જેટલાં સમૃદ્ધ છે એટલાં ગ્રીક અને લૅટિન ભાષાનાં ગ્રામર અને શબ્દરચના જણાતાં નથી જે સંસ્કૃત પરથી આ ભાષા અવતરી હોવાને કારણે બનવાજોગ છે.
આવી સમૃદ્ધ આપણી દેવભાષાને વ્યવહારમાં અને રોજિંદી જિંદગીમાં અપનાવીને જીવનારા મત્તુરને આખા ભારત તરફથી નતમસ્તક થઈ ગૌરવભેર પ્રણામ કરીએ છીએ.

ગામમાં રેસ્ટોરાં નથી

મત્તુરમાં એક પણ હોટેલ કે રેસ્ટોરાં ન હોવા છતાં મહેમાનોને રહેવાની કે ખાવાની ચિંતા નથી. કેટલાય વિદેશી પ્રવાસીઓ અને આપણા દેશના પણ સંસ્કૃત શીખવા માગતા હોય એવા લોકો આ ગામની મુલાકાતે આવે છે. એમાંના મોટા ભાગના લોકો અહીં જ રહી ૧૫ દિવસના બેઝિક કોર્સથી લઈને પાંચ વર્ષનું પૂર્ણ સંસ્કૃતનું જ્ઞાન મેળવતા હોય છે. એમ છતાં આવા પ્રવાસીઓ, મહેમાનો કે વિદ્યાર્થીઓને રહેવા કે ખાવા માટે મત્તુરમાં એક પણ હોટેલ કે રેસ્ટોરાં નથી. મત્તુરવાસીઓ આવા પ્રવાસીઓને કે વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક પોતાના જ ઘરે રહેવા માટે આશરો આપે છે અને એ પણ રહેવા આવનાર પાસેથી એક પણ પૈસો લીધા વિના. મહેમાનના રહેવાના ખર્ચથી લઈને ખાવાનો ખર્ચ સુધ્ધાં આ ગામવાસીઓ પોતે જ ભોગવે છે.

મત્તુર અને હોસાહાલી  

મત્તુર ગામ અને એનું સિસ્ટર વિલેજ ગણાતું ‘હોસાહાલી’ આખા દેશમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ‘ગામાકા’ નામના યુનિક ટ્રેડિશનલ સંગીતને જીવંત રાખવા બદલ ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યાં છે. આ ‘ગામાકા’ સંગીત દ્વારા તેમણે કાવ્ય અને વાંચનની ગામાકી શૈલીને જીવંત રાખી છે. એના દ્વારા તેઓ અનેક અલગ-અલગ રાગોમાં આપણી સંસ્કૃતિની અનેક કહાણીઓ અને વ્યાખ્યાનો કરતા હોય છે. એમાં જૈમિની ભારત, હરિશ્ચંદ્ર કાવ્ય, અજિત પુરાણ, દેવી ભાગવત અને તોરાવે રામાયણ મુખ્યત્વે ગણાવી શકાય.

columnists