ધી પૅન્ડેમિક પિરિયડ : કરેલી બચતનો સંગ્રહ કરવાને બદલે બહેતર છે કે એને ઇન્વેસ્ટ કરતાં શીખો

16 January, 2022 10:46 AM IST  |  Mumbai | Manoj Joshi

યંગસ્ટર્સને પણ આ વાત ખાસ લાગુ પડે છે.

પ્રતીકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

આપણે ત્યાં આ વાત જો કોઈને લાગુ પડતી હોય તો એ આપણી મહિલાઓ અને યંગસ્ટર્સ ખાસ છે. આપણે પૈસા બચાવી જાણીએ છીએ, પણ આપણી બચતમાં બે જ વાત હોય છે. એક તો પૈસાને એમ ને એમ જ ઘરમાં ભરી રાખવા અને બીજી વાત, પૈસાને ફિક્સ ડિપોઝિટમાં મૂકવા. હમણાં જ એક સર્વે વાંચતો હતો એમાં વાંચવા મળ્યું કે આજે જ્યારે ઑપ્શનના અઢળક નવા રસ્તા સામે ખૂલી ગયા છે ત્યારે પણ ફિક્સ ડિપોઝિટને પ્રાધાન્ય આપનારાઓનો તોટો નથી. ખોટું નથી, પરંપરાગત એ રસ્તો વાપરવો પણ, અને એને ખોટો કહેવાનો મને કોઈ અધિકાર પણ નથી. કારણ કે હું કોઈ ફાઇનૅન્શિયલ કન્સલ્ટન્ટ નથી કે મારું કોઈ જ્ઞાન પણ એ દિશામાં વધારે નથી, પણ મુદ્દો એ છે કે આજની હરીફાઈના સમયમાં ઇન્વેસ્ટમેન્ટ માટેના અઢળક નવા રસ્તા તૈયાર થઈ ગયા છે ત્યારે એ દિશામાં ગંભીરતાથી વિચારવું જોઈએ અને ગંભીરતાથી એ કામ પણ કરવું જોઈએ કે બચાવવામાં આવેલો પૈસો તમારે માટે કમાઉ દીકરો બનીને ઊભો રહે. 
પૅન્ડેમિકના આ પિરિયડમાં અનેક પરિવારો એવા હતા જેમનું ઇન્વેસ્ટમેન્ટ એવું તે સજ્જડ હતું કે તેમને લૉકડાઉનનો એક પણ દિવસ આર્થિક રીતે ખૂંચ્યો નથી. બે લૉકડાઉન આપણે જોઈ લીધાં છે અને ત્રીજા લૉકડાઉનને જોવાની આપણી ક્ષમતા નથી રહી, પણ ધારો કે એવું બને તો પણ એ પરિવારને એની ચિંતા નથી. કારણ, એ જ, બુદ્ધિપૂર્વકનું અને સમજણ સાથેનું ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટની અવેરનેસ ગુજરાતીઓમાં ઓછી છે એવું કહેવા કરતાં કહેવું પડે કે ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં કોઈની સલાહ લેવી પડે એ બાબતની અવેરનેસ આપણામાં ઓછી છે.
જરૂર લાગે ત્યારે અને જરૂર લાગે ત્યાં દરેક ક્ષેત્રના એક્સપર્ટ્સ પાસે જવાનું જો આપણને વાજબી લાગતું હોય તો ઇન્વેસ્ટમેન્ટ પણ એવી જ દુનિયા છે અને એ દુનિયામાં પણ અઢળક એવા ધુરંધર છે તેમને આપણે મળવું જોઈએ અને તેમની સલાહ મુજબ ચાલવું જોઈએ. આજના દિવસની આ વાત કરવાની શરૂ કરી ત્યાં જ કહ્યું કે આપણે ત્યાં મોટા ભાગની મહિલાઓ આજે પણ દેશી પ્રથાની બચતમાં જ માને છે અને પૈસો સંઘરી રાખે છે. જો સંઘરેલો સાપ પણ કામ લાગતો હોય તો સ્વાભાવિક છે કે એ સંઘરેલો પૈસો પણ કામ જ લાગવાનો છે, પણ એને સંઘરવા કરતાં એને વાવવાનું અને એને ઉગાડવાનું વિચારશો તો આવતી કાલે તમને એ બચતનો પણ લાભ મળશે અને સાથોસાથ એ બચત દ્વારા આવેલાં ફ્રૂટ્સનો પણ લાભ મળશે. બની પણ શકે કે બચતને તમારે હાથ પણ ન લગાડવો પડે અને તમે તમારા એ ઇન્વેસ્ટમેન્ટનાં ફળથી જ તમારી જરૂરિયાત પૂરી કરી શકો પણ એને માટે તમારે ફ્રૂટ્સ આવે એવું પ્લાનિંગ કરવું પડશે અને એ પ્લાનિંગ માટે તમારે થોડી અવેરનેસ વધારવી પડશે.
યંગસ્ટર્સને પણ આ વાત ખાસ લાગુ પડે છે. અફકોર્સ તેઓ ઇન્વેસ્ટમેન્ટના ટિપિકલ રસ્તા પર ચાલતા નથી પણ તેમની જે નીતિ છે એમાં રિસ્ક ફૅક્ટર વધારે હોય છે એટલે તેમણે અવેરનેસની સાથોસાથ રિસ્કને બદલે કૅલ્ક્યુલેટિવ પ્લાનિંગને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. એ પ્લાનિંગ જ તેમની આવતી કાલને શ્રેષ્ઠ બનાવવાનું કામ કરશે.

columnists manoj joshi