ધી પૅન્ડેમિક પિરિયડ : હવે તો મેડિકલ એક્સપર્ટ્સ પણ કહે છે કે અંત હાથવેંતમાં છે

18 January, 2022 12:19 PM IST  |  Mumbai | Manoj Joshi

પૅન્ડેમિકનો અંત આ વર્ષમાં આવી જશે અને આપણે આવતા વર્ષથી રાબેતા મુજબ જીવન જીવી શકીશું, કોઈ જાતના ભય વિના, પણ એને માટે જે ચીવટ રાખવાની છે એ રાખવી પડશે અને પૅન્ડેમિક જે શહીદી વહોરવા આવ્યું છે એને એ જ રસ્તે રહેવા દેવો પડશે.

પ્રતીકાત્મક તસવીર

હા, પૅન્ડેમિકનો અંત હાથવેંતમાં છે અને આ વાત અત્યાર સુધી અનુમાનના આધારે કહેવાતી હતી, પણ હવે એને સમર્થન આપવાનું કામ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પણ કર્યું છે. એનું પણ કહેવું છે કે મેડિકલ એક્સપર્ટ્સની વાત સાવ સાચી પડી શકે એમ છે. પૅન્ડેમિકનો અંત આ વર્ષમાં આવી જશે અને આપણે આવતા વર્ષથી રાબેતા મુજબ જીવન જીવી શકીશું, કોઈ જાતના ભય વિના, પણ એને માટે જે ચીવટ રાખવાની છે એ રાખવી પડશે અને પૅન્ડેમિક જે શહીદી વહોરવા આવ્યું છે એને એ જ રસ્તે રહેવા દેવો પડશે.
ઓમાઇક્રોન માટે કહેવાય છે કે એ જગતની દરેકેદરેક વ્યક્તિને થશે અને એ વૅક્સિન જેવું કામ આપીને દરેકના શરીરમાં કોવિડ માટેના ઍન્ટિજન બનાવી જશે. જે કામ વૅક્સિન યોગ્ય રીતે નથી કરી શકી, આપણી જ નહીં, દુનિયાની કોઈ વૅક્સિન કામ નહોતી કરી શકી એ જ કામ હવે કુદરત ઓમાઇક્રોનના હાથે કરાવશે, પણ બેદરકારી દાખવવી નહીં એવું સૂચન પણ મેડિકલ એક્સપર્ટ્સ કરે છે અને બેદરકારી દાખવવામાં આવે છે. વાત માત્ર આપણે ત્યાંની નથી, મુંબઈ પૂરતી સીમિત નથી. વાત દેશભરના લોકોની છે અને હમણાં-હમણાં પ્રવાસ કરવાનું વધુ બને છે એટલે ખબર છે કે તમને ૧૦માંથી ૪ જણના ચહેરા પર માસ્ક જોવા નથી મળતા.
માસ્ક સાથે હોય પણ કાં તો એ ગળામાં લટકતો હોય અને કાં તો એ પૉકેટમાં હોય. જાણે પૉકેટને કોરોનાથી બચાવવાનું હોય. સરકાર આકરાં પગલાં લઈ શકતી નથી અને એનું કારણ પણ છે. આર્થિક સંકડામણ વચ્ચે સરકારે પણ બેફામ ડામ આપ્યા એવી ફરિયાદ સૌકોઈએ કરી અને મીડિયા પણ એમાં બાકાત રહ્યું નહીં. મારે કહેવું છે કે જે દંડની વાત છે, જે ડામની વાત છે એ મળ્યો ક્યારે? આપ્યો શું કામ? કેટલા લોકો એવા જોવા મળ્યા જેમણે એવું કહ્યું હોય કે માસ્ક પહેર્યો હતો અને એ પછી પણ મારી પાસેથી દંડ વસૂલવામાં આવ્યો?
એક પણ નહીં. 
ભૂલ આપણે કરીએ અને એ પછી આપણે જ સજા માટે તાબોટા લઈએ તો એનો કોઈ અર્થ સરતો નથી. બહેતર છે કે થોડી સભાનતા સાથે નિયમોનું પાલન કરીએ અને એ પાલન વચ્ચે સમજીએ કે પૅન્ડેમિક હવે અંતિમ દોરમાં છે ત્યારે એને પાછળથી લાત મારીએ, નહીં કે આગળ ઊભા રહીને અંદર લાત ફટકારીએ. બહુ હેરાનગતિ ભોગવી લીધી, બહુ લોકોએ પોતાના વહાલસોયા ગુમાવ્યા અને અનેક લોકો નોધારા પણ થયા. આપણે નથી થયા એ માટે ઈશ્વરનો બે હાથ જોડીને આભાર માનીને નક્કી કરીએ કે કોઈ પણ પરિસ્થિતિ આવે, આપણે નિયમો પાળીશું અને એ પાલન સાથે આપણે પણ કોરોના-વૉરિયર્સ બનીશું. જરૂરી નથી કે વૉરિયર્સમાં નામ નોંધાવવા માટે એવા પ્રોફેશનમાં જ જઈએ, ના, જરા પણ નહીં. જરૂરી છે કે નિયમોનું પાલન કરીએ અને નિયમોનું પાલન કરાવતા રહીએ તો આપણે પણ કોરોના વૉરિયર્સ જ છીએ અને કોરોના સામે લડતનો આ જે જંગ છે એ એવા અંતિમ ચરણમાં છે જેમાં આપણે સૌએ કોરોના-વૉરિયર્સ બન્યા વિના છૂટકો પણ નથી.

columnists manoj joshi