શબ્દો કરતાં મૌન કેમ વધુ મહાન અને મહત્ત્વનું હોય છે?

16 November, 2025 05:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમ તો આપણને સૌને બોલતા થઈએ ત્યારથી શબ્દો સાથે દોસ્તી હોય છે, પરંતુ કોણ જાણે કેમ વધુ આનંદ આપણને મૌન સાથે જ મળે છે. એનું કારણ એ કે શબ્દોની મર્યાદા-સીમા હોય જ છે અને અર્થ યા અનર્થ પણ અનેક થાય યા થઈ શકે; જ્યારે મૌન અસીમ, અર્થપૂર્ણ, વિરાટ છતાં શાંત હોય.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

આમ તો આપણને સૌને બોલતા થઈએ ત્યારથી શબ્દો સાથે દોસ્તી હોય છે, પરંતુ કોણ જાણે કેમ વધુ આનંદ આપણને મૌન સાથે જ મળે છે. એનું કારણ એ કે શબ્દોની મર્યાદા-સીમા હોય જ છે અને અર્થ યા અનર્થ પણ અનેક થાય યા થઈ શકે; જ્યારે મૌન અસીમ, અર્થપૂર્ણ, વિરાટ છતાં શાંત હોય છે. શબ્દોમાં સજાવટ, સૌંદર્ય અને અભિનય મળે અને મૌન તો સીધું-સાદું, સરળ છતાં વધુ ગહન હોય છે. એટલે જ શબ્દો સાથે આપણી દોસ્તી ખરી; પરંતુ મૌન સાથે ઊંડો પ્રેમ, પ્રેમ અને કેવળ પ્રેમ.

જીવનમાં ઘણા પ્રસંગોમાં આપણે શબ્દો અને મૌનની વચ્ચે અટવાતા હોઈએ છીએ.

બે વ્યક્તિ વચ્ચે મોટા ભાગે શબ્દોની એવી જ આપ-લે થાય છે જેમાં અર્થ તો ક્યારેક જ હોય. આ વાતચીતમાં ભાવનું કોણ જાણે શું થતું હશે? ખેર, બધાને શબ્દોથી જ ચાલી જતું હોય તો આગળનું કોઈ વિચારતું પણ નથી. તકલીફ એ છે કે આપણે મોટા ભાગે આપણા મૌનને સાંભળતા નથી, કેમ કે આપણે ચૂપ રહીએ તો જ એ સંભળાય. બાય ધ વે, આપણે ચૂપ રહેવાનો અને મૌન રહેવાનો ફરક સમજવો પડે; કેમ કે ચૂપ રહ્યા બાદ પણ આપણે સતત જાત સાથે વાત કરતા રહીએ છીએ, જ્યારે મૌન સાવ કોરું-સ્વચ્છ-શાંત હોય. ખરેખર સાચા મૌનને સાંભળીને જોઈએ તો શબ્દો બધા ખોવાઈ જાય. શાંતિ કોને કહેવાય એ મૌનને પૂછીએ તો મૌન ચૂપચાપ બધું સમજાવી શકે છે.

સદીઓથી આપણા રોજબરોજના વ્યવહારોમાં શબ્દો જ ફેલાયેલા અને પ્રભાવ કરતા રહ્યા હોવાથી આપણે મૌનનું માહાત્મ્ય ભૂલી જઈએ છીએ. આપણે જેટલો મોકો કે અવસર શબ્દોને આપીએ છીએ એનાથી ૧૦ ટકા અવસર પણ મૌનને આપતા નથી. જો મૌનને પણ યોગ્ય સ્થાન અને અવસર આપીએ તો જીવન બદલાઈ શકે છે. અલબત્ત, આપણને જીવનને બદલવામાં રસ હોવો જોઈએ. ખરેખર તો જેમ સમજણ વધે એમ શબ્દો ખરવા લાગે અને મૌન વધવા લાગે. તેથી જ ધ્યાન, મેડિટેશન, યોગ, સાધના, તપસ્યા, એકાગ્રતામાં મૌનનું જ મહત્ત્વ રહે છે. સતત બોલ-બોલ કરતી વ્યક્તિ બહુ વિચારી શકતી નથી જે સમાજ માટે હાનિકારક ગણાય અને તેના પોતાના માટે પણ. 

આ વિષયમાં મનોમંથન બાદ લખાયેલી આ પંક્તિઓ પ્રસ્તુત કરીને મૌન તરફ પ્રયાણ કરીએ...
શબ્દો અને મૌન વચ્ચે કાયમ વિવાદ ચાલ્યા કરે છે
શબ્દો બોલ્યા કરે છે ને મૌન ચૂપચાપ જોયા કરે છે
વિચારો રોજ થાકીને થઈ જાય છે લોથપોથ
પણ મરકટ સમાન મન સતત કૂદ્યા કરે છે
પસાર થાય છે જીવન, પણ યાત્રા છે મૃત્યુ તરફની
સમય સાથે સતત આ સત્ય સમજાયા કરે છે

mental health health tips columnists gujarati mid day lifestyle news