ઓળખાણનું તો બસ આવું જ હોય ભાઈ

15 March, 2026 12:01 PM IST  |  Mumbai | Dinkar Jani

તમને તમારું નામ તો આવડે જ છે, પણ જો પેલા સાંભળનારની તૈયારી હોય તો તમારી ૭ પેઢીનાં નામ પણ કદાચ તમને આવડતાં હશે

પ્રતીકાત્મક તસવીર

તમારું નામ શું છે? એવો કોઈ પ્રશ્ન જો અચાનક તમને કોઈ પૂછે તો તમે શું જવાબ આપો? તમારું નામ તમારે શોધવા જવું પડે એમ નથી. તમારી જીભના ટેરવે છે. ગઈ કાલ સુધીમાં તમે એ નામ હજાર વાર બોલ્યા હશો અને એમ છતાં પુછાયેલો આ પ્રશ્ન તમને આશ્ચર્યજનક કેમ લાગે છે? લાગે જ, કારણ કે તમને ખબર છે કે પેલા પ્રશ્નકર્તાને તમારું નામ તો ખબર જ છે. તમે આટલાં વરસથી પરસ્પરને ઓળખો પણ છો. તમારું નામ તેમને ખબર ન હોય એવું તો બને જ નહીં. તો આવું કેમ થયું?

સાંભળો (એટલે કે વાંચો)

તમને તમારું નામ તો આવડે જ છે, પણ જો પેલા સાંભળનારની તૈયારી હોય તો તમારી ૭ પેઢીનાં નામ પણ કદાચ તમને આવડતાં હશે. તમે મનમાં ને મનમાં તમારી ૭ પેઢીનાં નામ બોલ્યા છો. સરકારી પત્રિકાઓમાં કે અન્યત્ર એવી કૉલમ હોય છે. તમારું નામ... પિતાનું નામ... પિતામહનું નામ... સારું છે કે આનાથી આગળ નામ ક્યાંય લખાતાં નથી. આમ છતાં આપણે તો ભારે આધ્યાત્મિક છીએ. પારિવારિક કોઈક ને કોઈકને શુભ-અશુભ પ્રસંગ નિમિત્તે આપણે પૂજાપાઠ કરાવીએ છીએ અને આ પૂજાપાઠમાં ગોર મહારાજ તમારા જમણા હાથની હથેળીમાં પાણી લેવડાવીને તમને સૂચવે છે, ‘આ પાણીની અંજલિ પિતાને આપો, બીજી અંજલિ પિતામહને આપો અને હવે પ્રપિતામહને આપો.’ આટલું અધૂરું હોય એમ આવી અંજલિ ૭ પેઢી સુધી આપવાનો નીતિનિયમ છે. તમને ધારો કે ૭ પેઢીનાં નામ આવડે છે તો પણ ત્રીજી-ચોથી પેઢીએ તમે અકળાઈ જાઓ છો. અને પછી માતૃવંદના શરૂ થાય છે. અહીં માતા, માતામહી, વડદાદી... બસ, હવે આગળનાં કોઈ નામ તમને આવડવાનાં નથી અથવા જે દાદા કે દાદી કે જે પૂર્વજો તમને ખોળામાં રમાડવા ભારે ઉત્સુક હતાં, વર્ષો સુધી તમારી રાહ જોઈ હતી, તમને કેટલાંય નામે રમાડ્યા હતા એ નામ સુધ્ધાં તમને યાદ નથી. એ દરેકને નામને બદલે હવે ગોર મહારાજ માર્ગદર્શન કરે છે, ‘નામ ભૂલી જાઓ. હવે દરેક માતાજીને ગંગા, જમના, સરસ્વતી કહો. બસ, અંજલિ તેમને મળી ગઈ, તેમનો મોક્ષ થઈ ગયો.’

હવે બીક કેમ લાગે છે?

ઉપર જેમને પૂજ્ય-પૂજ્ય કહીને પૂજ્યા એ બધાની યાદ આજે મધુર કેમ નથી લાગતી? પિતૃનું સ્મરણ દુઃખદ કેમ થઈ ગયું છે? પિતૃ એટલે અવગતિયો જીવ એવું જ કેમ માની લીધું છે? આ પિતૃ આપણાથી સાવ અજાણ્યા છે? ખરેખર તો ખૂબ જાણીતા છે અને છતાં એમનું સ્મરણ પોતીકું કેમ નથી લાગતું? ચાલો, આ પિતૃલોકની વાત એક બાજુ રાખીએ. પિતૃઓથી આપણે અજાણ્યા છીએ તો આપણાથી પિતૃઓ ક્યાં જાણીતા છે?

થોડાં વર્ષો પહેલાં મારી બહુ નાની ઉંમરે ક્યાંક કલકત્તા, મદ્રાસ, કોઇમ્બતુર કે એવા જ કોઈક સાવ અજાણ્યા પ્રદેશમાં મારે જવાનું થયું હતું. આ બધાં નામ નકશામાં તો જોયાં જ હતાં, નકશામાં વાંચ્યાં પણ હતાં, એના વિશે ભૂગોળમાં લખ્યું પણ હતું; પણ જ્યારે જવાનું થયું ત્યારે સાવ એકલો. એ દિવસે મદ્રાસની વસ્તી પચાસ લાખ છે, કલકત્તાની વસતી ૬૦ લાખ છે એવો બધે સાચેસાચો જવાબ ધડાધડ લખી નાખ્યો હતો અને એના માર્ક્સ પણ મળી ગયા હતા. શાળા-કૉલેજની પરીક્ષા પાસ પણ થઈ ગયો હતો. જોકે આજે જ્યારે ખરેખર દૂર-દૂર લાગતા સ્થળે અને અજાણ્યા સ્થળે એકલા જવાનું થયું ત્યારે સાચું કહું તો મને બીક લાગતી હતી. કલકત્તાનું સ્ટેશન કેટલું મોટું. આ તરફ હાવડા અને આ તરફ કલકત્તા. ક્યાંય રસ્તો સુધ્ધાં મને મળશે નહીં. બહારથી ટૅક્સી કરવાની ક્યાંથી થશે? ભાષા તો બિલકુલ આવડતી નથી. મધરાતે તો એવું કહેવાય છે કે એ લોકો તામિલ સિવાય બીજી ભાષા બોલતા નથી તો મારું શું થશે? હું ક્યાં જઈશ? મને કોણ ઓળખશે? બસ, આવા ગૂંચવાડા મનમાં ને મનમાં ચાલ્યા કર્યા.

પણ સાંભળો, આ ડરનું કારણ પેલી અજાણતા હતી. કલકત્તાના સ્ટેશન પર મને લેવા માટે કોઈક આવવાનું છે, મારા માટે ઊતરવાનું સ્થાન નિશ્ચિત છે આટલું જેવું જાણ્યું કે તરત જ પેલી બીક જતી રહી.

બસ, આ એક જ વાત સમજવા જેવી છે. જ્યારે પહેલી વાર સમજાઈ ત્યારે ખરેખર તો સમજાઈ જ નહોતી. હવે આજે એટલાં વર્ષે સમજાય છે.

સાંભળો (વાંચો) આપણી આયુયાત્રા

બસ, આવું જ હશે આ આયુયાત્રામાં. હવે સિત્તેર કે એંસી થયાં. કાલે એંસીમાં પણ ઉમેરો થશે. તમે આવ્યા ત્યારે ચોક્કસ ટિકિટ લઈને આવ્યા હતા? હા, ટિકિટ તો હતી જ, હજીયે છે; પણ તમને ક્યારેય વાંચતાં નથી આવડતી. તમારી આ અણઆવડતને કારણે હવે જ્યારે ખરેખર તમારું નામ અને સ્ટેશન પૂછવામાં આવે છે ત્યારે તમે ગૂંચવાઈ જાઓ છો, ગભરાઈ જાઓ છો. તમને તો એમ છે કે તમે બોરીવલીથી બેઠા છો અને ચર્ચગેટ જવાના છો. હજી તો અંધેરી કે સાંતાક્રુઝ સ્ટેશન જ આવ્યું છે. ના... ના... એમ નથી. બહાર રસ્તા પર જુઓ. આ તો ગ્રાન્ટ રોડ કે ચર્ની રોડ છે. ઊતરવા માટે ઊભા થાઓ છો ત્યારે તમને બીક લાગે છે. ઊભા થાઓ છો. બહાર કયું સ્ટેશન હશે એ જાણો છો છતાં બીક લાગે છે.

આ લોકલ ગાડીઓમાં તો ઠીક છે સ્ટેશનનાં નામ નિશ્ચિત છે. તમે માનસિક રીતે એનાથી પરિચિત હો કે ન હો તમારે ઊતરવું જ પડશે. ગાડી હવે ચર્ચગેટથી આગળ જતી નથી. જો વધુ વાર બેસી રહ્યા તો પાછા બોરીવલી ભેગા થઈ જઈશું. ગાડી હવે ઊલટી ચાલશે. આ ગાડીને તો સ્ટેશન પણ ઘણાં છે. તમારી આ ગાડીને ચર્ચગેટ એકમાત્ર જ સ્ટેશન છે; પણ પેલી ઊલટી ગાડીને સ્વર્ગલોક, વૈકુંઠવાસ, મોક્ષધામ, કૈલાશવાસ એમ જાતજાતનાં અને ભાતભાતનાં કેટલાંય સ્ટેશન હશે. હવે તમે ક્યાં ઊતરશો? તમારી ટિકિટ તમે જોઈ જ નથી. ક્યાં ઊતરવાનું છે અને ક્યાં જવાનું છે એ પણ તમને કોઈએ કહ્યું નથી અને તમે જાણતા પણ નથી.

આપણો અહંકાર એટલો જબરદસ્ત હોય છે કે કેટલીયે વાર આપણે અજાણ્યા માણસને કહી દેતા હોઈએ છીએ કે ‘મારું ઘર તો ફલાણા એરિયામાં છે. બધા મને ઓળખે. તમે ક્યારેય આવો અને કોઈને પણ પૂછો તો આપણું નામ બધાને ખબર હોય!’

હવે આપણું નામ જે બધાને ખબર હોય તેઓ માનતા હતા એ નામ સામે ઊભા રહીને કોઈ તમને પૂછે છે, ‘કહો જોઈએ તમારું નામ શું છે?’

અહીં તમને તમારું નામ આવડતું નથી. બધું જ ભૂલી ગયા છો. પૃથ્વી પર અથવા તો પેલા રેલવેના ડબ્બામાં આપણે કેટલાને ઓળખતા હતા? કેટલાં નામ કંઠસ્થ હતાં? અ...બ...ક...ડ... આ બધાં નામ હવે ભુલાઈ ગયાં છે. જાઓ જેવાં તમારાં નસીબ. ઓળખાણનું તો બસ આવું જ હોય ભાઈ.

columnists gujarati mid day exclusive life and style lifestyle news