01 December, 2025 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કુદરતે સૃષ્ટિમાં જીવતા દરેક માનવીને જીવન જીવવાની વિપુલ સામગ્રી મળી રહે એવી વ્યવસ્થા કરેલી જ છે, પરંતુ માનવીને પોતાની પાસે જે કંઈ છે એનાથી કદી સંતોષ થતો હોતો નથી. આવો અસંતોષ સતત રહેતો હોય એવા મનુષ્યો ચેનથી જીવી શકતા નથી. જેની પાસે ઘણો વૈભવ છે તે ‘છે’વાળાને પણ ઈશ્વરની સામે ફરિયાદ હોય છે અને જેની પાસે આવો વૈભવ કે સમૃદ્ધિ નથી હોતી એવા ‘નથી’વાળાને પણ ઈશ્વરની સામે ફરિયાદ હોય જ છે એવું આપણે ધારી લઈએ છીએ. જોકે માનવીની આવી ફરિયાદો ઈશ્વર સાંભળે છે ખરો?
તે તો ફરિયાદો સંભળાવનાર જ જાણે. જોકે માનવીએ જે કંઈ પોતાનું માની લીધું છે એ ખરેખર કાયમને માટે તેનું પોતાનું છે ખરું? જે કાયાને તે પોતાની માને છે એ કાયા કાયમને માટે તેની પોતાની છે ખરી?
ઉછેરીને મોટો કરેલો પુત્ર પરણાવ્યા પછી બીજાનો થતો લાગે છે, ઉછેરીને મોટી કરેલી પુત્રીને પરણાવ્યા પછી માતા-પિતા બીજાની બનેલી નિહાળે છે. પોતાની પાસે બીજા જેટલી સમૃદ્ધિ નથી એવું માનનારા માનવીઓ વધુ ને વધુ કમાણી કરવાની દોડમાં ન કરવાં જેવાં ખોટાં કામો કરવા લલચાય છે અને અંતે દુ:ખી થાય છે.
જીવનના નાના-મોટા પ્રત્યેક વ્યવહારમાં ધર્મ આચરવાનો હોય છે. ધર્મનું સાચું સ્વરૂપ મનમાં ઘડાતું રહે છે. એ જ રીતે અધર્મનું સ્વરૂપ મનની બહાર ઘડાતું નથી હોતું. ઈશ્વરે સર્જેલા વિશ્વની ટીકા કરવાની કોઈ જરૂર નથી હોતી. નિ:સ્વાર્થી અને નિષ્પાપ બનીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે આપણે સંનિષ્ઠ પ્રયાસો કરતા રહીએ તો વિશ્વમાં કોઈ પણ આપણને અશાંત કે દુ:ખી નહીં કરી શકે.
પૈસો કે લક્ષ્મી જીવનવ્યવહારમાં અગત્યની તાકાત છે જ. લક્ષ્મી ન મેળવવી કે એને પ્રાપ્ત કરવા પુરુષાર્થ ન કરવો એવું આ લખનારનું મંતવ્ય નથી, પરંતુ ગમે એ માર્ગે લક્ષ્મીના દાસ બનીને કુકર્મો કરનાર ક્યારેય જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. પૈસો માત્ર જીવન જીવવાનું સાધન છે, જીવનનું સર્વસ્વ નથી.
સંસ્કારિતા, વ્યવહારકૌશલ અને જીવનના ઉચ્ચ આદર્શોને વળગી રહેવાની ખેવનાના અભાવને લીધે આજે જેને ગર્ભશ્રીમંતાઈ કહી શકાય એનાં જ્વલ્લે જ દર્શન થાય છે. લક્ષ્મીજીનું સ્થિર અને સાત્ત્વિક સ્વરૂપ ચારિત્ર્યની શુદ્ધિ દ્વારા જ ઘડાય છે અને એના દ્વારા જ
સુખ-શાંતિ-સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. જોકે જીવનમાં સફળ થવા માટે સાત્ત્વિક અસંતોષ પણ જરૂરી હોય છે એ વાત પણ યાદ રાખવા જેવી છે.
- હેમંત ઠક્કર (લેખક જાણીતા પ્રકાશનગૃહ એન. એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે.)