04 November, 2025 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
એક સમય એવો હતો જ્યારે રાજસત્તા પર ૠષિઓ અને ગુરુઓનો પ્રભાવ રહેતો. વશિષ્ઠથી લઈને ચાણક્ય અને રામદાસસ્વામી સુધી જ્ઞાનના પ્રકાશથી રાજકારણ પણ ધર્મનો અંશ બનતું.
રાજકુમારોએ વિદ્યા મેળવવા આશ્રમમાં જવું પડતું હતું જ્યાં શિક્ષણ સાથે સંસ્કાર પણ મળતા. જોકે જ્યારથી શિક્ષણ સરકારના હાથમાં આવ્યું ત્યારથી એ ઉદ્યોગધંધો બની ગયું. આમાં વિદ્યાર્થીઓનો શો દોષ? ઊંચી ફી ભરીને તેઓ જે મહાન વૈજ્ઞાનિકોના સિદ્ધાંતો, જે મહાન લેખકોનાં સાહિત્ય અને મહાન નેતાઓના ઇતિહાસ ભણે છે તેમને પચાસ-સો રૂપિયા જેવી મામૂલી રકમ માટે ભણતર છોડવું પડ્યું હોય એવા દાખલાઓ મોજૂદ છે. છતાં માનવજાતને તેમણે ઉત્તમ શોધ, સિદ્ધાંતો, સાહિત્ય અને મૂલ્યો અર્પણ કર્યાં છે. કથીરમાંથી કંચન ઘડનારા તેમના જીવનપ્રસંગો પાઠ્યપુસ્તકના ભાગ બનવા જોઈએ. તો શિક્ષણ સાથે સાચી કેળવણી પણ મળશે.
વાત કરવી છે એક યુવાન શિક્ષકપુત્રની. એમ.એ. વિથ ફિઝિક્સ લઈને પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન. ઇંગ્લૅન્ડમાં વધુ અભ્યાસનું સપનું, પણ ગરીબી અને શરીરે બાંધો નબળો. ડૉક્ટરી સર્ટિફિકેટ ન મળ્યું. નાયબ અકાઉન્ટન્ટની નોકરી કરવી પડી. એક દિવસ ટ્રામમાં જતાં આંખે એક સાઇનબોર્ડ ચડ્યું – ઇન્ડિયન અસોસિએશન ફૉર કલ્ટિવેશન ઑફ સાયન્સ. ત્યાં જોડાયો. સંશોધનો કર્યાં, રિસર્ચ પેપર્સ ઇંગ્લૅન્ડ મોકલ્યાં. ‘વુડબર્ન મેડલ’ મળ્યો. આગળ જતાં કલકત્તા યુનિવર્સિટીએ વૈજ્ઞાનિક કૉન્ગ્રેસમાં પ્રતિનિધિ તરીકે તેને ઇંગ્લૅન્ડ મોકલ્યો. ભણવા જવાનું સપનું તો સાકાર નહોતું થયું, પણ એથી વધુ ઊંચી કક્ષાએ જઈને પેપર-પ્રેઝન્ટેશનથી નામ કમાયો; અનેક માનદ ડિગ્રીઓ, ચંદ્રકો, સન્માનો મેળવ્યાં. તે યુવાન હતો ચંદ્રશેખર વેન્કટ રમન. પાછા ફરતાં સ્ટીમરમાં દરિયાનાં ઊછળતાં મોજાં જોતાં વિચારે ચડ્યો. મોજાંઓનો રંગ બ્લુ જ કેમ? ૧૯૨૯માં સાબિત કર્યું કે પ્રકાશ જ્યારે પારદર્શક પદાર્થમાંથી પસાર થાય છે ત્યારે એની તરંગલંબાઈ બદલાય છે અને પદાર્થથી જે રંગ વધુ વિખરાય છે એ જ રંગનો એ દેખાય છે. પાણી બ્લુ રંગ વધુ પરાવર્તિત કરે છે એટલે બ્લુ દેખાય છે. આ શોધ ‘રમન ઇફેક્ટ’ તરીકે પ્રસિદ્ધ થઈ અને ૧૯૩૦માં નોબેલ પુરસ્કાર મળ્યો. ૭ નવેમ્બરે સી. વી. રમનનો જન્મદિવસ. વિજ્ઞાનના પ્રકાશદિને સ્મરણાંજલિ.
બાય ધ વે, જો તમે મુંબઈમાં ટૅક્સીવાળાને વાસુદેવ બળવંત ફડકે ચોક લે લો કહેશો તો પૂછશે કે ‘બૉસ, કિધર આયા?’ ‘અરે, મેટ્રો ભૈયા’ અને તમે બન્ને હસી પડશો. ચોકના એક ખૂણે તેમનું હાફબસ્ટ છે - શાંત, નિર્જન. આજે ૪ નવેમ્બરે વાસુદેવ બળવંત ફડકેની જન્મતિથિએ કોઈએ પુષ્પાંજલિ અર્પી હશે કે?
- યોગેશ શાહ (યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)