સાક્ષી હત્યાકાંડ સૂચવે છે કે હવે મોડું કરીશું તો સમાજની પીડામાં નવો ઉમેરો થશે

04 June, 2023 04:01 PM IST  |  Mumbai | Manoj Joshi

સેંકડો લોકોની હાજરીમાં થયેલી નિર્દયી હત્યામાં હજી સુધી હથિયાર મળે નહીં એ વાતને લઈને પોલીસ ચિંતિત છે અને તેમની એ ચિંતાનું મુખ્ય કારણ એ છે કે ભારતીય કાયદાઓમાં આ વાતને છટકબારી બનાવીને સાહિલને છોડી મૂકવામાં આવે એવો કારસો ઊભો થઈ શકે છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

સાક્ષી હત્યાકાંડની વાતો વાંચતો હતો એ દરમ્યાન એક જગ્યાએ વાંચવા મળ્યું કે સાહિલની કોર્ટે રિમાન્ડ વધારી દીધી છે, કારણ કે હત્યામાં જે ચાકુ વાપરવામાં આવ્યું હતું એ હજી સુધી મળ્યું નથી. સરેઆમ, જાહેરમાં, સેંકડો લોકોની હાજરીમાં થયેલી નિર્દયી હત્યામાં હજી સુધી હથિયાર મળે નહીં એ વાતને લઈને પોલીસ ચિંતિત છે અને તેમની એ ચિંતાનું મુખ્ય કારણ એ છે કે ભારતીય કાયદાઓમાં આ વાતને છટકબારી બનાવીને સાહિલને છોડી મૂકવામાં આવે એવો કારસો ઊભો થઈ શકે છે. પ્લીઝ જાગો હવે, ભારતીય ન્યાયદેવી, જાગો. તમારું જાગવું હવે અનિવાર્ય થઈ ગયું છે.
જો આવી ઘટના દુનિયાના અન્ય કોઈ દેશમાં ઘટી હોત તો, પહેલી વાત તો એ છે કે આવી કોઈ ઘટના ત્યાં ઘટે જ નહીં, એવી કોઈ હિંમત કરે જ નહીં, પણ ધારો કે આવું ત્યાં બન્યું હોત તો એ કેસને ચલાવવામાં જ ન આવ્યો હોત. ૪૮થી ૭૨ કલાકમાં જજમેન્ટ આવ્યું હોત અને જજમેન્ટમાં સાહિલને સરાજાહેર ફાંસી આપવામાં આવી હોત. હા, કોઈ મીનમેખ નથી આ વાતમાં અને આપણે પણ એ જ કરવું જોઈએ. આ શબ્દોમાં પણ કોઈ વાત ચોરવામાં નથી. આ જ કરવું જોઈએ અને સાહિલને ચાંદની ચોક વચ્ચે ઊભો રાખીને ગોળીએ દેવો જોઈએ, જેથી ખબર પડે આવું કૃત્ય કરવાનું સહેજ પણ વિચારનારાઓને. ખબર પડે, ગુસ્સાને કાબૂમાં નહીં રાખનારા રાક્ષસોને અને ખબર પડે એ સૌને જેઓ કાયદો હાથમાં લઈને પોતે જાણે બાદશાહ હોય એ રીતે વર્તી રહ્યા છે.

ભલા માણસ, જરા તો વિચાર કરો તમે. જાહેરમાં ગુનો થયો છે. સેંકડો લોકોની હાજરી એ સમયે ત્યાં હતી. સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તમારી પાસે છે અને એ પછી પણ આપણે કેસ ચલાવવાની અને કબૂલાતથી માંડીને હથિયાર શોધવા જેવી વાતોમાં પડીએ છીએ! આશ્ચર્યજનક વાત છે આ. જો આવા જ પુરાવાની જરૂર હોય તો ખરેખર આપણે એ પણ સવાલ ઉઠાવવો જોઈએ કે આપણને કહેવામાં આવ્યું છે એ જ માબાપ આપણાં છે એનાં પ્રૂફ કોઈ લાવીને આપે?

સમય આવી ગયો છે હવે કાયદાની બાબતમાં સુધારો કરવાનો અને અગાઉ પણ આ વાત કહી છે. બધા કાયદામાં સુધારો ન કરો તો સમજાય, પણ ઍટ લીસ્ટ ભારતનું સંવિધાન આવા કિસ્સામાં તો પોતાનામાં સુધારો લાવે. સરેઆમ ઘટેલી ઘટનામાં કોઈ જાતની એવી માગણી ન કરે જેને કારણે આરોપીઓને છટકબારીઓ મળી રહે અને આરોપીઓને છોડાવવા માટે આવેલા વકીલ એમાંથી રસ્તો કાઢવાની કોશિશ કરે. ના, આવો માનવીય હક પણ કોઈ કામનો નથી અને એ શું કામ કોઈ કામનો નથી એની પણ સ્પષ્ટતા કરી દઉં. સાહિલ કે પછી એવું કૃત્ય કરનારાને માણસ કહેવો જ ન જોઈએ. અરે માણસ હોય તેને માનવીય હક મળવા જોઈએ, પણ જે રાક્ષસ હોય, જે દાનવ હોય તેને શું કામ આવો હક આપવાનો? ધૂળ ને ઢેફા. અત્યારે તે જે શ્વાસ લઈ રહ્યો છે એમાં પણ આપણા પર સાક્ષીની ઉધારી વધારવાનું કામ થઈ રહ્યું છે. આવા દાનવના વધ માટે આગળ આવવાનું હોય, એનો વધ કરવાનો હોય અને વધ કર્યા પછી ઘરે જઈને લાપસીનાં આંધણ મૂકવાનાં હોય, પણ એને બદલે આપણે...
હરિ ઓમ, હરિ ઓમ.

columnists manoj joshi Crime News sexual crime delhi violence new delhi