જૂઈનાં ફૂલોની મહેક

24 October, 2021 12:02 PM IST  |  Mumbai | Hiten Anandpara

કલમના નાતે જોડાયેલી આવી ૮૧ સહેલીઓ-કવયિત્રીઓના ચૂંટેલા શેરોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. એમાંથી કેટલાક જૂઈ-શેરોની ખુશબૂ આપણે પણ માણીએ. આશા પુરોહિત સ્ત્રીનાં વિવિધ સ્વરૂપોનું દર્શન કરાવે છે...

જૂઈનાં ફૂલોની મહેક

આપણા સાહિત્યિક ઇતિહાસમાં નારીલિખિત સાહિત્યની નોંધ પ્રમાણમાં ઘણી ઓછી લેવાઈ છે. આ મહેણું ભાંગવા સતત કાર્યરત ડૉ. ઉષા ઉપાધ્યાયનું વધુ એક સંપાદન પ્રગટ થયું છે જેનું શીર્ષક છે જૂઈનાં ફૂલો. જૂઈની વેલ થાય છે. જૂઈને સાહેલી પણ કહેવામાં આવે છે. કલમના નાતે જોડાયેલી આવી ૮૧ સહેલીઓ-કવયિત્રીઓના ચૂંટેલા શેરોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. એમાંથી કેટલાક જૂઈ-શેરોની ખુશબૂ આપણે પણ માણીએ. આશા પુરોહિત સ્ત્રીનાં વિવિધ સ્વરૂપોનું દર્શન કરાવે છે...
બને છે બેન, બેટી, વહુ ને ભાભી, પત્ની કે મમ્મી
જનમ છે એક ને તોયે ઘણા અવતાર રાખે છે
મસ્ટિ-ટાસ્કિંગ સ્ત્રી માટે સહજ વાત રહી છે. ઍટ અ ટાઇમ કાને મોબાઇલ મૂકીને પિયરે દીકરી બનીને વાત કરી શકે, અન્નપૂર્ણાની જવાબારી નિભાવતાં રોટલી પણ બનાવી શકે અને સંતાનને જરૂર પડે ટીકટોક કરીને મમ્મીની જવાબદારી પણ અદા કરી શકે. પરિવાર પરત્વેની આ શક્તિ ક્યાંથી આવે છે એનો સરળ જવાબ દિવ્યા મોદી આપે છે...
એટલે તો મન ભરીને ચાહ્યો તને
કાળજાની કાળજી કરવી હતી
પરિવારની કાળજી રાખવામાં સ્ત્રીએ કેટલીયે વાર પોતાની ઇચ્છાને ઍનેસ્થેસિયા આપી દેવો પડે.  સર્જનાત્મક લખાણોમાં પ્રવૃત્ત ઘણી સ્ત્રીઓ ચાલીસ કે પચાસની ઉંમર પછી કલમ ઉપાડે છે. સંસારની સફરમાં મન મુજબ લેફ્ટ-રાઇટ જવાની અનુકૂળતા બધાને નથી મળતી. ઘણા કિસ્સામાં તો લેફ્ટ-રાઇટ લેવાઈ જતી હોય છે. ઉષા ઉપાધ્યાય એ સાધનાની વાત છેડે છે જે જિંદગી જીવવા જેવી બનાવે છે...
હતી ગિરનારમાં કરતાલ, દ્વારિકા વસે મીરાં
કલમની સાધનાથી હું, રસમ એની નિભાવું છું
અવ્યક્ત રહેતી ઇચ્છાઓ ગૅસ ચેમ્બરમાં ગૂંગળાઈ મરતાં જ્યુઇશ જેવી થઈ જાય. ભીતરની સામગ્રીનો પિંડ ન બંધાય તો વિસ્ફોટ થવાની શક્યતા વધી જાય. સાહિત્ય અને કલાનું કામ ભીતરમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાનું અને અંદરની અકળામણને શાતા આપવાનું છે. જો આ ટેકો લઈ લેવામાં આવે તો વૃક્ષ ધરાશાયી થઈ શકે. કિરણ જોગીદાસ ‘રોશન’ની વાતમાં એક તરફ પર્યાવરણ તો બીજી તરફ સુકાયેલી સરવાણી સાંભળી શકાશે...  
સવારે નીકળી ચકલી તણખલું શોધવા માટે
ફરી પાછી તો આખું ઝાડ એનું થઈ ગયું ગાયબ
અનેક સવાલદારીઓ ઝેલીને જવાબદારીઓનું વહન કરવું સહેલું નથી હોતું. વર અને ઘરને સાચવવામાં સ્વર ટૂંપાતો હોય તો ટહુકાને બદલે ડૂમાં જન્મે. જે કૌશલ્યને અભિવ્યક્તિનો અવસર ન મળે એણે કરુણને વહાલું કરવું પડે. સંસાર આનંદ સાથે બંધન પણ લઈને આવે છે. એનો રેશિયો નક્કી કરે કે રહેંસાવાનું છે કે રીચાર્જ થવાનું છે. ગોપાલી બુચનો સવાલ અનેક અર્થછાયાઓ ધરાવે છે...
સાદ દીધો, ગીત આપ્યું, વૃક્ષ સાથે આભ પણ
પણ ખૂલે ના પાંખ તારી તો પછી હું શું કરું?
જેને ઊડતાં આવડતું હોય એને પીંજરામાં પૂરી રખાય તો એની પાંખોને પૅરૅલિસિસ થઈ જાય. એક દિવસ એવો આવે કે સિલકમાં એકાદ-બે પીંછાંની મૂડી જ બચે. પીંજરાની અંદરની છટપટાહટ સળિયા સાથે અથડાઈને પાછી ફરવાની નિયતિ ધરાવે છે. સળિયાની બહારનું સુખ હોય તો ઘરની ભીંત સાથે અફળાઈને પાછું ફરે. છતાં એકાદ દિવસ તો એવો આવે કે દક્ષા સંઘવી જેવો ઠરેલ આક્રોશ સરી પડે...
મઝામાં છું કહી, વાસી દીધાં છે ઢાંકણાં જેનાં
અગર એ બરણીઓ ખૂલી ગઈ તો શું થશે? બોલો!
વિકટ પરિસ્થિતિઓમાં કોઈક સથવારો હોવો જોઈએ જેના ખભે માથું મૂકીને હૈયું ખાલી કરી શકાય. સ્વજન પાસેથી સ્નેહની ઊણપ જ મળ્યા કરે ત્યારે સખી વહારે આવતી હોય છે. મૈત્રી પણ ઋણાનુબંધનો વિષય છે. એ થાય તો થાય. એમાં એક વેવલેન્થ સર્જાવી જોઈએ. જો આ હૈયાધારણ પણ કાચી નીકળે તો જયશ્રી વિનુ મર્ચન્ટ કહે છે એ બે જ પર્યાય બાકી રહે...  
હોય મોત કે મુશ્કેલી, બે નામ કાયમ સાથમાં
એ એક ઈશ્વરનું હતું અને બીજું તે માનું હતું
ક્યા બાત હૈ
સૌને શુભેચ્છા આપવા સક્ષમ બની શકે
એવા જ દિલની પ્રાર્થના અક્ષત બની શકે
- જિજ્ઞા ત્રિવેદી
બધી નાજુક અદાઓને સમેટી બાનમાં રાખો
વધારે જુલ્ફ ભીની હોય તો ટુવાલમાં રાખો
- જિજ્ઞા મહેતા
આખેઆખી ભીની થઈ ગઈ
છેલ્લે આંખે નમતું મૂક્યું
- ચૈતાલી જોગી
પડે આભથી ક્યાં પછી કોઈ ફુગ્ગા
તમે જે ભરી એ હવાઓ ગમે છે
- દિવ્યા સોજિત્રા
પ્યાસ નજરે પડે તો જોવી છે
આયનો જળ ઉપર ધરું છું હું
- દીના શાહ
ચીસ મૂંગી નીકળી પણ સાંભળી ના કોઈએ
ભીતરે વિદ્રોહ કેવા ચળવળે છે શ્વાસમાં?
- જિગીષા રાજ

columnists hiten anandpara