ધર્મપુસ્તકો પ્રજાને સ્થગિત કરવાનું કામ કરતાં હોય છે

01 May, 2022 05:03 PM IST  |  Mumbai | Swami Satchidananda

આજે પણ ઘણા ભોળા ધાર્મિક માણસો ગૌરવપૂર્વક વાતો કરતા હોય છે કે જર્મની, અમેરિકા જેવા દેશો જેમણે વિજ્ઞાનના આધારે પોતાના રાષ્ટ્રનો વિકાસ કર્યો એ હકીકતમાં તો અમારા વેદોથી જ વિકસ્યું છે

પ્રતીકાત્મક તસવીર

ગયા સોમવારે કહ્યું એમ આજ સુધી અનેક ભાષ્યકર્તાઓ થયા, પણ હજીયે એનો પ્રત્યેક મંત્ર સ્પષ્ટ થઈ શક્યો નથી. જેમ કે પ્રાચીનકાળના કેટલાક શિલાલેખો. આ અસ્પષ્ટતા અસંખ્ય સંપ્રદાયો શરૂ થવામાં આશીર્વાદરૂપ બની ગઈ. પ્રત્યેક સંપ્રદાય પોતાના સિદ્ધાંતો વેદસિદ્ધ હોવાનો દાવો કરી શકે છે. એમાં નવામાં નવું જ્ઞાન હોવાનો દાવો કરનારા વિમાન, જહાજ, ફાઉન્ટન પેન વગેરે બનાવવાના મંત્રો બતાવી શકે છે. આજે પણ ઘણા ભોળા ધાર્મિક માણસો ગૌરવપૂર્વક વાતો કરતા હોય છે કે જર્મની, અમેરિકા જેવા દેશો જેમણે વિજ્ઞાનના આધારે પોતાના રાષ્ટ્રનો વિકાસ કર્યો એ હકીકતમાં તો અમારા વેદોથી જ વિકસ્યું છે. એ લોકો અહીંથી આપણા વેદો લઈ ગયા અને પછી વિજ્ઞાન મેળવ્યું. જો અમારા વેદો ન હોત તો એ લોકો કશું કરી શકવાના નહોતા.
માત્ર વેદો જ નહીં, લગભગ બધાં જ ધર્મપુસ્તકો પ્રજાને સ્થગિત કરી નાખતાં હોય છે. અનુભવ કરવો હોય તો કરજો. દુનિયાના જે ભાગમાં જે પ્રજા વધુ ધર્મચુસ્ત હશે એ વધુ ને વધુ સ્થગિત થઈ ગયેલી પ્રજા હશે. ધર્મગ્રંથોનું જમા પાસું ઘણું મોટું છે. ચારિત્ર્યનિર્માણ, આચારવ્યવસ્થા, ઉત્તમ અને પવિત્ર વિચારોની ભૂમિકા, ભક્તિ, સેવા, સમર્પણ જેવી અનેક બાબતોમાં એણે સવિનયી ભૂમિકા ભજવી છે. કોઈ સામાન્ય વ્યક્તિના જીવનમાં કોઈ ધર્મગ્રંથનું મહત્ત્વ ન હોય તો કદાચ એ મોટું પ્રેરકબળ ખોઈ બેસશે. આજે પણ સેંકડો માણસો ગીતા અને રામાયણનો રોજ પાઠ કરીને કૃતજ્ઞતા અનુભવે છે. તેમને શાંતિ તથા સમજણ મળે છે. પ્રજામાં એકસૂત્રતા રહે અને પ્રજામાં ભાઈચારો જળવાયેલો રહે જેવા અનેક લાભો આ ધર્મગ્રંથો દ્વારા પ્રાપ્ત થયા છે એ સ્વીકારવું જ રહ્યું. જોકે આટલા બધા લાભ આપ્યા પછી પણ એ પ્રજાના ચિંતનને સ્થગિત કરી દેનારા પણ બન્યા છે એ વાત સમજાય એ પણ જરૂરી છે અને એ વાત જે સમયે સમજાય એ સમયે આપણે આપણા ચિંતનને ભવિષ્યનિર્માતાની ભૂમિકા આપી શકીએ.
લગભગ બધા જ ધર્મોમાં પ્રાચીન ગ્રંથોની સર્વકાલિક ઉપયોગિતા સિદ્ધ કરવા સતત ભાષ્યો અને ટીકાઓ લખાતાં રહ્યાં છે. ઘણી વાર તો મૂળ ગ્રંથ કરતાં એના ભાષ્યકારો વધુ પ્રામાણિક તથા મહત્ત્વના થઈ ગયા છે. એવું લાગે છે કે એ રચનાઓને પરમ સત્ય સાબિત કરવા પેઢી દર પેઢીના વિદ્વાનોએ પોતાની તમામેતમામ બુદ્ધિ ખર્ચી નાખી છે. પ્રાચીનતા પ્રત્યેના આ મોહથી પ્રજા સ્થગિત થઈ ગઈ. જો આ પ્રકાંડ વિદ્વાનોની બુદ્ધિનો દસમો ભાગ પણ વર્તમાન પ્રશ્નોને સમજવા તથા ભવિષ્યનું નિર્માણ કરવામાં પ્રયોજાયો હોત તો આપણે યુરોપનાં ઊતરેલાં ચીંથરાં ન પહેરવાં પડ્યાં હોત.

columnists swami sachchidananda