ટાઇટલમાં પણ એનર્જી હોય, તાકાત હોય

27 September, 2021 07:41 PM IST  |  Mumbai | Sanjay Goradia

‘લાઇફ પાર્ટનર’ પછી વધુ એક વાર પુરવાર થયું કે નાટક માટે ટાઇટલ બહુ મહત્ત્વનું હોય છે. ‘લાઇફ પાર્ટનર’ નાટક સરસ હતું, લોકોને ગમતું હતું, ચૅરિટી શોમાં લોકો ખરીદતા પણ હતા; પણ બૉક્સ-ઑફિસ પર ટિકિટ લેવા કોઈ આવે નહીં અને એનું કારણ ટાઇટલમાં તાકાત નહોતી

‘લાઇફ પાર્ટનર’ સબ્જેક્ટ લોકોને ખૂબ ગમ્યો, પણ એનું ટાઇટલ બૉક્સ-ઑફિસ પર ચમકારો દેખાડી શક્યું નહીં અને નાટક ફ્લૉપ ગયું. અફકોર્સ, ચૅરિટી શોમાં નાટક બહેનોની ગિરદી ઊભું કરતું હતું એમાં કોઈ ના પાડી શકે નહીં.

આપણે વાત કરતા હતા મારા નવા નાટક ‘લાઇફ પાર્ટનર’ની. નાટકનો વિષય જ્યોતિષશાસ્ત્ર પર આધારિત હતો. આ નાટક મૂળ એક મરાઠી નાટક પર આધારિત હતું. એ મરાઠી નાટકનું નામ હતું ‘કાલાહી તાસ્મેય નમઃ’. આ નાટક પરથી અમોલ પાલેકરે ફિલ્મ ‘અનકહી’ બનાવી હતી અને એનું ગુજરાતીકરણ પણ થયું હતું, પરંતુ બહુ નબળું થયું હતું એવું મને લાગતું હતું. આ નાટક મારે કરવું જોઈએ એવું મારા મનમાં સતત ચાલતું હતું. મેં વાત વિપુલ મહેતાને કરી અને વિપુલને પણ વિષય ગમ્યો અને વાર્તા તો મને ગમતી જ હતી.
‘લાઇફ પાર્ટનર’ માટે અમારે મરાઠી રાઇટર પાસેથી રાઇટ્સ લેવાના હતા, પણ ઓરિજિનલ રાઇટર તો વર્ષો પહેલાં જ ગુજરી ગયા હતા એટલે રાઇટ્સ માટે અમારે હવે કોને મળવું એની તપાસ શરૂ કરી. અઢળક ફ્રેન્ડ્સ અને મરાઠી નાટકો સાથે જોડાયેલા બીજા ઘણા લોકોની સાથે વાત કરીને અમે વાયા-વાયા આગળ વધતા છેક રાઇટરની ફૅમિલી સુધી પહોંચ્યા અને તેમને રૂબરૂ મળવા ગયા. અમે નાટકના રાઇટ્સ માટે વાત કરી તો તેમની આંખોમાં આંસુ આવી ગયાં. તેમનું કહેવું હતું કે આજ સુધી અમારી પાસે કોઈ આ પ્રકારે રાઇટ્સ માટે આવ્યું નથી. અફસોસની વાત એ કે અમોલ પાલેકરે ફિલ્મ ‘અનકહી’ આ નાટક પરથી જ બનાવી, પણ તેમણે પણ આ ફૅમિલીનો કૉન્ટૅક્ટ નહોતો કર્યો કે પછી આર્થિક વ્યવહાર નહોતો કર્યો. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય કોઈનો હક મારવો નહીં, ક્યારેય નહીં. અમે રાઇટ્સની વાત કરી અને ઑફિશ્યલ તેમને પૈસા આપી, ઍગ્રીમેન્ટ કરીને નાટકના રાઇટ્સ લીધા.
હવે વાત આવી નાટકના કાસ્ટિંગની.
આ દિવસોમાં અમારા ધર્મેશ વ્યાસવાળા નાટક ‘ચાલ ચંદુ પરણી જઈએ’ને છ મહિના થઈ ગયા હતા અને હવે એના શો ધીમે-ધીમે ઘટવા માંડ્યા હતા. મને લાગ્યું કે ‘લાઇફ પાર્ટનર’માં ધર્મેશ મસ્ત રીતે ફિટ બેસશે એટલે તેને ફાઇનલ કર્યો તો હિરોઇન તરીકે અમે નાટકમાં અમી ત્રિવેદી (હવે સંગોઈ)ને લઈ આવ્યા. નાટકો પછી તો અમીએ ઘણી હિન્દી સિરિયલો કરી છે અને ટીવી પર તેની બોલબાલા છે એ સહેજ તમારી જાણ ખાતર. અમી અદ્ભુત ઍક્ટ્રેસ. ધર્મેશ વ્યાસ અને અમી ત્રિવેદી ફાઇનલ થયા પછી ધર્મેશની બીજી વાઇફના રોલમાં ડિમ્પલ દાંડા નક્કી કરી અને મનીષા મહેતા અને હેમંત ઝા પણ ફાઇનલ થયાં. 
‘લાઇફ પાર્ટનર’માં અમીષ તન્ના નામનો એક છોકરો બૅકસ્ટેજ કરે. અમીષ અગાઉ મારાં બે-એક નાટકમાં બૅકસ્ટેજ કરી ચૂક્યો હતો. છોકરો ખૂબ સારો અને ટૅલન્ટેડ. આ નાટકમાં વિપુલે ખાસ તેના માટે એક રોલ લખાવ્યો. અમીષે એ પછી ઘણાં નાટકો કર્યાં અને ‘પાપડપોળ’ નામની સિરિયલમાં તેનો રોલ બહુ પૉપ્યુલર પણ થયો હતો. 
‘લાઇફ પાર્ટનર’નું લેખન પહેલાં અમે જયેશ મહેતાને સોંપ્યું હતું. આ સેમ જયેશ મહેતા જેણે ‘મસાલા મામી’ નાટક લખ્યું હતું. જોકે જયેશ ભાગેડુ પ્રકૃતિની માનસિકતા ધરાવતો માણસ. લખે બહુ સરસ, અદ્ભુત; પણ લખવાની વાત આવે એટલે તેના મોતિયા મરી જાય અને બહાનાંઓ કાઢવાનું શરૂ કરી દે. ‘લાઇફ પાર્ટનર’ વખતે પણ એવું જ બન્યું. જ્યારે પણ તેને સીન માટે ફોન કરું ત્યારે તે ગલ્લાંતલ્લાં કરે અને રાઇટિંગ ધીમું ચાલે. રાઇટિંગ ધીમું ચાલે એટલે રિહર્સલ્સ પણ ધીમાં ચાલે. નાટકનો ફર્સ્ટ હાફ લખ્યા પછી તો જયેશે મારા ફોન જ ઉપાડવાના બંધ કરી દીધા. એક તરફ નાટક ઓપન કરવાની ડેટ નક્કી અને બીજી તરફ રિહર્સલ્સ બાકી. કરવું શું અમારે આવી પરિસ્થિતિમાં?
અમે જયેશના ઘરે ગયા. ઘરે પણ તેનો કોઈ અતોપતો નહીં. નાછૂટકે અમારે બીજા રાઇટર તરફ નજર દોડાવવી પડી. સ્ટેજનો પહેલો નિયમ છે - શો મસ્ટ ગો ઑન.
બીજા રાઇટરમાં અમારી વહારે આવ્યો જયેશ પાટીલ. જયેશ પાટીલને રિક્વેસ્ટ કરી અને કહ્યું કે જયેશ મહેતા ફોન ઉપાડતો નથી અને નાટકનું ઓપનિંગ નક્કી થઈ ગયું છે, હવે આ નાટક તું પૂરું કરી આપ. જયેશ પાટીલે અમારી રિક્વેસ્ટને માન આપીને નાટક હાથમાં લીધું અને નાટક આગળ વધાર્યું.
૨૦૦૩ની ૧૭ નવેમ્બર અને રવિવાર.
તેજપાલ સભાગૃહ.
‘લાઇફ પાર્ટનર’ ઓપન થયું અને નાટક બેસી ગયું. હા, અમારું આ નાટક બૉક્સ-ઑફિસ પર ચાલ્યું નહીં. ‘લાઇફ પાર્ટનર’ ન ચાલવાનું કારણ પણ અમને બધાને તરત જ સમજાઈ ગયું, પણ એની વાત કરતાં પહેલાં તમને કહી દઉં કે ‘લાઇફ પાર્ટનર’ નાટક બહુ સારું બન્યું હતું અને લોકોને પણ એ ખૂબ ગમ્યું હતું. સબ્જેક્ટ એનો નવીન હતો એટલે ઑડિયન્સને મજા આવતી હતી, પણ કોઈ પણ પ્રોજેક્ટ હોય એની સાથે ઘણી વાર એવું બને કે એ ચાલુ થાય ત્યાં જ એ એનાં નેગેટિવ વાઇબ્સ આપવાનું શરૂ કરી દે. અમે એને બુંધ બેઠી એવું કહીએ. ‘લાઇફ પાર્ટનર’ સાથે પણ એવું જ થયું. સૌથી પહેલાં રાઇટ્સ માટેની દોડાદોડી તો રાઇટિંગ વખતે જયેશ મહેતાએ અમને રખડાવી દીધા, જેને લીધે નાટકનાં રિહર્સલ્સમાં જ બધાના મૂડને અસર થવા માંડી હતી. તો નાટક ઓપન કરતાં પહેલાં જે ટાઇટલ ફાઇનલ કરવાનું હતું એમાં પણ કંઈ ખાસ વળ્યું નહીં.
મેં તમને અગાઉ કહ્યું છે એમ અમને નાટકની વાર્તા શોધવામાં, ઍક્ટરની પસંદગીમાં કે પછી મેકિંગમાં તકલીફ નથી પડતી; પણ નાટકના ટાઇટલમાં બહુ તકલીફ પડે. એક તો અમે ત્રણ પાર્ટનર - હું, કૌસ્તુભ ત્રિવેદી અને વિનય પરબ. આ ત્રણ પાર્ટનર ઉપરાંત ડિરેક્ટર, રાઇટર અને લીડ ઍક્ટર. એ બધા ટાઇટલની મંજૂરી આપે ત્યારે ટાઇટલ ફાઇનલ થાય. બધાની સહમતી એક ટાઇટલ પર આવવી એ ખૂબ મુશ્કેલ કામ. કોઈને આ ટાઇટલ ગમે તો કોઈને બીજું. બને પછી છેલ્લે એવું કે મારે અને કૌસ્તુભે નિર્ણય લેવાનો આવે, પણ એ નિર્ણય લેતી વખતે અમને પણ એમ થાય કે આ ટાઇટલ રાઇટરને નથી ગમ્યું કે આ ડિરેક્ટરને નથી ગમ્યું તો પછી એ નથી રાખવું. ટૂંકમાં, નાટકના ટાઇટલમાં અમારે બહુ હેરાનગતિ થાય. હવે ફરી આવી જઈએ નાટક ‘લાઇફ પાર્ટનર’ પર. 
‘લાઇફ પાર્ટનર’ ટાઇટલ નાટકને અનુરૂપ નહોતું. એ બહુ ઠંડું ટાઇટલ હતું, એમાં એનર્જીનો અભાવ હતો અને એ અભાવ અમને બૉક્સ-ઑફિસ પર નડ્યો. નાટક ચૅરિટી શોમાં બહુ ચાલ્યું, પણ ટિકિટબારીના શોમાં સરેઆમ નિષ્ફ્ળ નીવડ્યું. મને હજી પણ યાદ છે કે અમે લોકોએ રવીન્દ્ર નાટ્યમંદિરમાં શો કર્યો હતો. 
જ્યારે નાટક ખરાબ થવાનું હોય ત્યારે તમારા નાટકની સન્ડે-ટુ-સન્ડે થિયેટરની ડેટ્સ પ્રૉપર ગોઠવાય નહીં. રવીન્દ્ર નાટ્યમંદિરમાં આમ પણ ગુજરાતી નાટકના શો બહુ થતા નહીં. ‘લાઇફ પાર્ટનર’ના શોમાં છેક બે વીકનો ગેપ આવી જતો હતો એટલે નક્કી કર્યું કે આપણે થિયેટર ગોતીને પણ શો કરવો જ કરવો અને રવીન્દ્ર નાટ્યમંદિરની અમને ડેટ મળી અને અમે ત્યાં શો કર્યો. રવિવારે શો ચાલુ થતાં પહેલાં અમારું ટોટલ કલેક્શન સત્તાવીસ હજારનું અને નાટ્યમંદિરનું રેન્ટ બત્રીસ હજાર. ઇન શૉર્ટ, અમને આ નાટકમાં જંગી ખોટ ગઈ. બુકિંગના ફિગર્સ શું કામ કહ્યા તમને એની વાત આપણે આવતા સોમવારે કરીશું, પણ એ પહેલાં એક વાત કહેવાની. કોવિડની ત્રીજી લહેર આવશે નહીં એવું કહેવામાં આવે છે, પણ આપણે સાવચેત રહેવાનું છે. ઑક્ટોબરમાં થિયેટર ખૂલે છે, ઑડિટોરિયમ ખૂલે છે. ત્યાં સુધી જાતને ઘરમાં રાખો અને સુરક્ષિત રહો.

columnists Sanjay Goradia