હકારાત્મક વિચારો અને કૃતજ્ઞતાનો ગુણ જીવનમાં જાદુઈ અસર કરવા સમર્થ છે

21 November, 2024 07:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની અપૂર્ણતાઓનો ખેલદિલીથી સ્વીકાર કરો. તમારું જીવન તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે.

પ્રતીકાત્મક તસવીર

સારા જીવનનો વિચાર વ્યક્તિએ-વ્યક્તિએ અને યુગે-યુગે બદલાયા કરે છે. વિચારોમાં તફાવત હોવા છતાં કેટલાક સાર્વત્રિક સિદ્ધાંતો છે જે જીવનને સારી રીતે વ્યતીત કરવા માટે આવશ્યક છે. સારું જીવન એ માત્ર ભૌતિક સમૃદ્ધિ અથવા ક્ષણિક આનંદ વિશે જ નથી, પરંતુ આપણા અસ્તિત્વના દરેક પાસામાં વ્યાપેલા હેતુ, સુખ અને પરિપૂર્ણતાની ભાવના કેળવવા વિશે છે. સારા જીવનની શરૂઆત સ્વસ્થ શરીરથી થાય છે. બધાં જ સુખોને સાધવાનું એકમાત્ર સાધન શરીર છે. જીવનની ઊર્જા જાળવવા માટે શરીરની સુખાકારી જાળવવી મહત્ત્વની છે. સાથોસાથ સ્વસ્થ મન પણ એટલું જ જરૂરી છે. જીવનમાં આનંદ અને સર્જનાત્મકતા લાવવા માટે મનગમતી પ્રવૃત્તિઓ અને શોખ પ્રત્યે ધ્યાન કેળવવું અતિઆવશ્યક છે. હકારાત્મક વિચારો અને કૃતજ્ઞતાનો ગુણ જીવનમાં જાદુઈ અસરો ઊભી કરવા માટે સામર્થ્યવાન છે. જે સમાજ પાસેથી આપણે લીધું છે એને પાછું દેવાની વૃત્તિ તમને એક ઉમદા મનુષ્ય બનાવે છે. તમારું યોગદાન તમારા વ્યક્તિત્વને વધુ ઊજળું બનાવે છે. પરંપરા અને સંસ્કૃતિથી વિખૂટો પડીને માણસ જીવી શકતો નથી. પ્રિયજનો સાથેના મજબૂત અને અર્થપૂર્ણ સંબંધો મનુષ્યને જીવનને ભરપૂર રીતે માણવાની ઊર્જા આપે છે.

સારું જીવન વ્યક્તિને સારા ધ્યેય તરફ દોરે છે, જીવનને યોગ્ય દિશા સૂઝાડે છે. લક્ષ્ય નક્કી કરવા અને એને પ્રાપ્ત કરવા જે પ્રયત્નો થાય છે તેથી જીવનનો જુસ્સો અને મહત્ત્વાકાંક્ષા જળવાઈ રહે છે. મનુષ્યની એક પણ ક્ષણ કર્મ કર્યા વગર જતી નથી. આ કર્મોનો પ્રતિસાદ કે ટીકાનો આધાર લોકો ઉપર ન રાખતાં સ્વ-મૂલ્યાંકન પર રાખવો વધુ હિતાવહ બની રહેશે. દુનિયાના ત્રાજવે તોળાવા કરતાં ‘સ્વ’ને ઓળખવું વધુ જરૂરી છે. શીખવાની તકોને જવા ન દેવી અને પડકારો સામે ઝૂકી ન જવું - આ બન્ને જીવનમૂલ્યો આપણને વિકાસ કરવાની ભરપૂર તકો પૂરી પાડવાની ક્ષમતા રાખે છે.

હા, સાથે-સાથે પોતાની સિદ્ધિઓની ઉજવણી કરવાનું પણ ન ભૂલવું. નાની-નાની સિદ્ધિઓનો આનંદ પ્રગતિના પંથનું ભાથું બને છે. સારું જીવન એ ‘ગંતવ્ય સ્થાન’ નથી, એ તો પોતાની શરતે જીવવાની મજા છે. શારીરિક, માનસિક અને ભાવનાત્મક સુખાકારી જીવનને સુખ અને પરિપૂર્ણતાથી ભરી દે છે. જીવનમાં સકારાત્મક ફેરફારો કરવા માટે ક્યારેય મોડું થતું નથી. ભલે આપણે નાના ફેરફારોથી શરૂ કરીએ, પણ એનું સાતત્ય આપણા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે.

પોતાની અપૂર્ણતાઓનો ખેલદિલીથી સ્વીકાર કરો. તમારું જીવન તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. જેટલું તમારું વ્યક્તિત્વ ઊજળું એટલું તમારું પ્રતિબિંબ ચોખ્ખું. સારું જીવન એ ‘પરલક્ષી’ નહીં પણ ‘આત્મલક્ષી’ કલા છે.

- ફાલ્ગુની વોરા

columnists gujarati mid-day