૧૯૪૮માં ગાંધીજીની હત્યા થયેલી, હવે રોજ વૉટ્સઍપ પર તેમનું ખૂન થાય છે

30 January, 2025 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુણવંત શાહે લખ્યું હતું કે ‘ગાંધીજી જન્મ્યા જ ન હોત તોય વહેલુંમોડું સ્વરાજ મળે એ શક્ય હતું, પરંતુ ઝીણા જન્મ્યા જ ન હોત તો પાકિસ્તાન પેદા થાય એ વાતમાં માલ નથી.’

મહાત્મા ગાંધીજી

મારાથી ઉંમરમાં ઘણા મોટા પણ વૈચારિક સમાનતાને કારણે ફ્રેન્ડ, ફિલોસૉફર ઍન્ડ ગાઇડ કહી શકાય એવા એક જ્ઞાતિબંધુ કહેતા, ‘તમારા સુખે દુખી તો ઘણા હશે, તમારા દુઃખે દુખી થનારાય મળી આવશે પણ તમારા સુખે સુખી થનારા તો કો`ક જ મળશે.’

કેવી અનુભવસિદ્ધ વાણી! નરસિંહ મહેતાએ આવી વ્યક્તિને જ વૈષ્ણવજન કહી છે. ગાંધીજીનું એ અતિશય પ્રિય ભજન. વળી કવિ દયારામ તો કહે છે, ‘તુજ સંગ કોઈ વૈષ્ણવ થાયે તો તું વૈષ્ણવ સાચો.’ નારદે વાલિયા લૂંટારાને વાલ્મીકિ બનાવ્યો માટે નારદ સાચા વૈષ્ણવ. જેની હાજરીમાં મનની મલિનતા દૂર થઈ જાય તે વૈષ્ણવ સાચો. ગાંધીજીની હાજરી આવી હતી. તમે ખોટું કરતાં અટકી જાઓ. દયારામ તો ચેતવે છે કે ‘જો એવું ન થાય ત્યાં સુધી હરિજન નથી થયો તું રે.’ જેનું મન પાવન છે તેને બીજાની માન્યતાની જરૂર નથી. પ્રભુમાં એ જ મન લીન થાય જે મલિન ન હોય. આ મલિનતાને સાચા હૃદયથી દૂર કરવાના ગાંધીજીના સત્યના પ્રયોગો એટલે જ મૂઠી ઊંચેરા સાબિત થયા છે.

ગુણવંત શાહે લખ્યું હતું કે ‘ગાંધીજી જન્મ્યા જ ન હોત તોય વહેલુંમોડું સ્વરાજ મળે એ શક્ય હતું, પરંતુ ઝીણા જન્મ્યા જ ન હોત તો પાકિસ્તાન પેદા થાય એ વાતમાં માલ નથી.’ ભારતના ભાગલાનો આખરી નિર્ણય લેવાનો બાકી હતો ત્યારે પ્રાર્થનાસભામાં ગાંધીજીએ કહ્યું હતું કે ‘મુસલમાનો તલવારના બળથી પાકિસ્તાન લેવા માગતા હશે તો હું કહીશ કે એક ઇંચ જમીનનો ટુકડો પણ નહીં મળે’ (૨૮/૦૫/૪૭). આજે ભાગલા માટે ગાંધીજીને મુસલમાન તરફી ઠેરવતા મેસેજિસ તથ્ય જાણ્યા વગર ફરી રહ્યા છે અને અબુધ લોકો એને સાચા માની ફૉર્વર્ડ કરે જાય છે. ૧૯૪૬ની ૧૬ ઑગસ્ટે મુસ્લિમ લીગે ડાયરેક્ટ ઍક્શનનો કૉલ આપેલો. હિંસાનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું. પંડિત નેહરુએ કબૂલ કરેલું કે ‘નિર્દોષ નાગરિકો મરે અને સિવિલ વૉરની આપત્તિ ટાળવા ભાગલા સ્વીકારવા પડ્યા હતા.’ ૧૯૪૮ની ૨૫ નવેમ્બરે સરદાર પટેલે બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રવચનમાં કહેલું, ‘મને એવું લાગ્યું હતું કે જો ભાગલા ન સ્વીકાર્યા હોત તો ભારત ઘણા ટુકડાઓમાં વહેંચાઈ ગયું હોત. પછી એક નહીં, અનેક પાકિસ્તાન ઊભાં થયાં હોત.’ આ બતાવે છે કે ઝીણાએ નેહરુ અને સરદારને ભાગલા સ્વીકારવા મજબૂર કર્યા હતા. ગાંધીજી તો ક્યારેય તૈયાર થયા જ નહોતા. ‘પહેલાં મારા ટુકડા કરો પછી હિન્દુસ્તાનના કરજો.’ ૧૯૪૮ની ૩૦ જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા થઈ, પણ આજે તો રોજેરોજ વૉટ્સઍપ પર તેમનું ખૂન થાય છે. મૅન ઑફ ‍યર, ડેકેડ કે સેન્ચુરી નહીં પણ મૅન ઑફ મિલેનિયમ એવા આ વિરાટની ઉપેક્ષા કરનારી પ્રજા સ્વયં વામણી પુરવાર થઈ રહી છે.

- યોગેશ શાહ

( યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે. )

columnists mahatma gandhi gujarati mid-day