16 September, 2025 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સમુદ્રની સપાટી શાંત હોય એનો અર્થ એ નથી કે અંદર ઊથલપાથલ નથી. અંદર લાવા પણ ઊકળતો હોઈ શકે છે. કોઈને અંદરનો અજંપો વ્યક્ત કરવો ગમતો નથી, દુઃખ જાહેર કરવું કોઈને ગમતું નથી. બધાના ચહેરા પર મહોરાં હોય છે. કહે છે કે ચાર્લી ચૅપ્લિનને વરસાદ બહુ ગમતો હતો. વહેતાં આંસુ કોઈ જોઈ ન લે એટલે, આંસુના તરાપા પર વેદના વહી જાય એટલે. આંસુને નામ નથી હોતાં. કયું આંસુ કોના નામનું એ બતાવી નથી શકાતું. કેટલાંક આંસુ તો પી જવાં પડે છે. પાંપણ સુધી પહોંચે તો કોઈ જુએને? પાંપણ હોય છે નાજુક, પણ આંસુની ધસમસતી ધારાને રોકી શકે છે.
તેમની નારાજગી જ તો અમારી બીમારીનું કારણ હતું. અમને બીમાર જાણીને ખબર કાઢવા આવ્યા ને લો, તેમને જોઈને અમારા ચહેરા પર તો રોનક આવી ગઈ! તો તેમને લાગ્યું કે અમે બીમારીનું મહોરું પહેર્યું છે. તેમની નારાજગીની જાણે કોઈ અસર જ નથી થઈ. ને તે વધુ નારાજ થઈને ચાલ્યા ગયા. હવે કોઈ અમને સમજાવે કે તેમને સમજાવવા કઈ રીતે?
દુનિયા બેમોઢાળી અને બહુ મહોરાંવાળી છે. આને લગતી એક રસપ્રદ વાત છે. છે ફિલ્મી, પણ ફિલ્મો પણ આખરે તો સમાજનો જ ચહેરો છેને? ‘દાગ’ ફિલ્મમાં સાહિરનું એક સુંદર ગીત છે, ‘જબ ભી જી ચાહે નયી દુનિયા બસા લેતે હૈં લોગ, એક ચેહરે પે કઈ ચેહરે લગા લેતે હૈં લોગ’. આ ફિલ્મના હીરો રાજેશ ખન્નાએ રાતોરાત ડિમ્પલ સાથે લગ્ન કરી લીધાં. ત્યારે પ્રેમિકા અંજુ મહેન્દ્રુએ આ જ ગીત દ્વારા પોતાની વેદના જાહેરમાં વ્યક્ત કરી હતી. ક્યારેક પીડાનો પોકાર જાહેર થઈ જતો હોય છે.
કેટલાંક આંસુ પી જવાં ખરેખર અઘરાં હોય છે. રામને તો વનવાસ પછી સિંહાસન મળ્યું. સીતાને? વનવાસ પછી ફરી વનવાસ. જેના પગલે-પગલે ચાલી તેના જ હાથે ફરી વનવાસ. આંખો સુધી ન આવતાં આંસુ અસહ્ય હોય છે.
બાય ધ વે, જેમને રોશની મળે એના માટે અમારું ઘર સળગાવી દીધું તે જ જ્યારે કહે કે તું તો બેઘર છે ત્યારે કહો અમારે હસવું કે રડવું?
- યોગેશ શાહ
(યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)