બદલે છે વેબ-સિરીઝની દુનિયા

13 June, 2021 04:19 PM IST  |  Mumbai | Bhavya Gandhi

છેલ્લા દોઢ વર્ષના લૉકડાઉનમાં મોટા ભાગનાં વેબ-સિરીઝ પ્લૅટફૉર્મને સમજાઈ ગયું કે આપણે જો ઘર-ઘર સુધી પહોંચવું હશે તો સાફસૂથરું કન્ટેન્ટ આપવું પડશે અને એ કન્ટેન્ટ આપવાની દિશામાં છેલ્લા થોડા મહિનાથી કામ શરૂ થઈ ગયું છે

બદલે છે વેબ-સિરીઝની દુનિયા

ગયા વર્ષના માર્ચ સુધી એટલે કે ૨૦૨૦ના માર્ચ સુધીની વાત જુદી હતી અને અત્યારના આ સમયની વાત જુદી છે. એ સમય સુધી લૉકડાઉન કોને કહેવાય એની પણ કોઈને ખબર નહોતી. કોઈ એવું ધારતું નહોતું કે સરકાર એક આદેશ આપે અને લોકો ઘરમાં બેસી જાય. કરફ્યુમાં એવું થતું એવું મેં મારા પપ્પા પાસેથી સાંભળ્યું છે, પણ કરફ્યુમાં, એટલે કે તોફાનો થયાં હોય કે દંગલ ફાટી શકે એવી સિચુએશન હોય એવા સમયે પણ બીમારીને કારણે, માંદગી આવશે એવી વાત પર આવું નહોતું બન્યું અને લૉકડાઉન તો શબ્દ પણ પહેલી વાર આ જ પિરિયડમાં સાંભળવા મળ્યો અને લોકોએ પાળ્યો પણ ખરો.
લૉકડાઉનને કારણે કદાચ ૧૫-૧૭ વર્ષમાં પહેલી વાર એવું બન્યું કે શૂટિંગ પણ બંધ થઈ ગયાં અને શૂટિંગ બંધ થયાં એટલે વેબ-સિરીઝ જોવાનું શરૂ થયું, પણ મોટો પ્રૉબ્લેમ એ આવ્યો કે વેબ-સિરીઝ ફૅમિલી સાથે જોઈ શકાય એ સ્તરની નહોતી. ફાલતુમાં ફાલતુ કહેવાય એવી વેબ-સિરીઝથી લઈને બેસ્ટમાં બેસ્ટ કહેવાય એવી વેબ-સિરીઝમાં પણ ગંદી ભાષા અને બિનજરૂરી સેક્સ-સીન્સ હોય. સોશ્યલ માનસિકતાથી વાત વિચારીએ તો ગંદકી કહેવાય આ બધી અને આવી ગંદકી ઘરમાં ફૅમિલી સાથે જોઈ શકાય નહીં. આ જ કારણે બન્યું એવું કે એન્ટરટેઇનમેન્ટ આંખ સામે હતું અને તો પણ એનો લાભ બધાએ પર્સનલી જ લેવાનો હતો. જોકે એ પર્સનલી લાભ લેવામાં પણ આપણું ઇન્ડિયન ફૅમિલી કતરાતું હતું અને એમાં ખોટું પણ કાંઈ નથી. સભ્યતા પરિવારમાં હોવી જોઈએ એ રિયલિટી છે અને આ રિયલિટી આ સમય દરમ્યાન બધાને સમજાઈ. બધાની સાથોસાથ ડિજિટલ પ્લૅટફૉર્મને પણ એ સમજાઈ અને એ જ સૌથી મહત્ત્વની વાત છે.
છેલ્લા ૪-૬ મહિનામાં એવી પરિસ્થિતિ આવી છે કે અમુક પ્લૅટફૉર્મ રીતસર ફૅમિલી એન્ટરટેઇનર જ માગતા થઈ ગયા છે અને અમુક પ્લૅટફૉર્મ પર તો એ પ્રકારનું કન્ટેન્ટ પણ જોવા મળવા માંડ્યું. તમે જુઓ કે દસેક મહિના પહેલાં જે પ્લૅટફૉર્મનાં નામ વલ્ગર સિરીઝ માટે કુખ્યાત હતાં એ પ્લૅટફૉર્મનું નામ પણ કોઈ આજે બોલતું નથી. રીતસર એ પ્લૅટફૉર્મ ખોવાઈ ગયાં છે અને એ જ થવાનું હતું એનું.
છેલ્લા થોડા સમયમાં આવેલી વેબ-સિરીઝમાં અનેક સિરીઝ એ લેવલની આવી છે જે પરિવાર સાથે જોતી વખતે સંકોચ નથી થતો. એ વેબ-સિરીઝમાં ગાળોને અવકાશ હતો અને એ પછી પણ એનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. ગાળોની આવશ્યકતા છે જ નહીં, સેક્સ-સીનની પણ જરૂર હોતી નથી. એ મૂકવાની કે પછી એવા કોઈ સેન્સેશનનો ઉપયોગ કરવાની જરૂર પણ નથી. હૉટસ્ટાર પર આવેલી ‘1962’ જુઓ તમે. તમને વૉર સમયે એકાદ-બે ગાળ કદાચ સાંભળવા મળી શકે. કદાચ એટલે કહું છું કે વૉર સમયે બોલાતી એ ગાળો સમયે બૉમ્બ-બ્લાસ્ટ અને ફાયરિંગ પણ એ લેવલ પર ચાલી રહ્યું છે કે એ ગાળ કોઈના ધ્યાન પર પણ ન આવે.
‘મૈસુરી’ નામની એક વેબ-સિરીઝમાં એક પણ ગાળ નથી, એક પણ સેક્સ-સીન નથી. મર્ડર મિસ્ટરી છે, પોલીસની તપાસ ચાલે છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ મહત્ત્વના રોલમાં છે અને એ પછી પણ ફૅમિલી સાથે બેઠા હો તો જોવામાં જરા પણ ખચકાટ નથી થતો. નથી તમારે નજર ફેરવવી પડતી કે નથી તમારે બાળકોના કોઈ એવા સવાલનો જવાબ આપવો પડતો કે એ શબ્દનો અર્થ શું થાય.
મારા ઘણા ફ્રેન્ડ્સ એવા છે જેને મારી આ વાતો જરા વિચિત્ર લાગે છે. મે બી, તમને પણ લાગતી હશે, પરંતુ મને હજી પણ આ ગાળનો ઉપયોગ અજુગતો લાગે છે. એ લાગવો પણ જોઈએ એવું પણ મારું માનવું છે. શરીરના અંગ-ઉપાંગનો ઉપયોગ જો વાતચીતમાં કરવામાં તમને શરમ ન આવતી હોય તો પછી તમને સંકોચ થાય, શરમ આવે એવી વાત બીજી કઈ રહેવાની, એક પણ નહીં. ગાળની કોઈ આવશ્યકતા જીવનમાં છે જ નહીં. મને એક જર્નલિસ્ટ-ફ્રેન્ડે કહ્યું કે ગાળ બોલવાથી ફ્રસ્ટ્રેશન નીકળી જાય છે, પણ મને લાગે છે કે ગાળ બોલવાથી ફ્રસ્ટ્રેશન આવે. વલ્ગૅરિટી જોવાથી વિકૃતિ આવે અને બીભત્સ દૃશ્યો જોવાથી મનમાં વિકાર જન્મે. ગાળનો ઉપયોગ એ કરે જેનામાં ભારોભાર અસંતોષ છે, ગાળો એ બોલે જે સતત ઇનસિક્યૉર છે. ગાળો એણે બોલવી પડે જે સામેવાળા પર રોફ જમાવવા માગતો હોય અને રોફ તેણે જ જમાવવો હોય જેનામાં કોઈ ક્ષમતા નથી હોતી અને જે એક પણ વાતમાં સંપૂર્ણ નથી.
જો ગાળ જરૂરી હોત, જો ગાળ અનિવાર્ય હોત, જો ગાળ આવશ્યકતા હોત તો આપણી ફૅમિલીમાં જ એ શીખવવામાં આવતી હોત. જે રીતે આપણને ધર્મના અને સંસ્કારના પાઠ ફૅમિલીના વડીલો આપે છે એ રીતે જ તેમણે આપણને બધાને બેસાડીને ગાળનું લેશન આપ્યું હોત, પણ તેમણે એ નથી આપ્યું, જે પુરવાર કરે છે કે આપણે માટે ગાળની કોઈ આવશ્યકતા નથી અને જો આવશ્યક નથી તો પછી વેબ-સિરીઝના માધ્યમથી એ ઘર સુધી પહોંચે એવું પણ થવા દેવું જોઈએ નહીં. હું માનું છું કે જે ઘરમાં ગાળો છૂટથી બોલાતી હોય છે એ ઘરમાં ક્યારેય સંસ્કાર રહેતા નથી. મારી આ માન્યતામાં હવે થોડો ઉમેરો કરવો છે. જે ઘરમાં ગાળ છૂટથી સંભળાતી હોય છે એ ઘરમાં ક્યારેય સંસ્કાર ટકતા નથી. આપણે આપણી મા-બહેન-દીકરીની સાથે કોઈ તોછડાઈથી વાત કરે એ ચલાવી લેતા નથી તો પછી આ વાતને આપણે કઈ રીતે જાતે જ ઘરમાં પ્રવેશવા દઈ શકીએ.
ભારતીય પરંપરા છે આ અને ભારતીય પંરપરાની આ માનસિકતાને હવે ડિજિટલ પ્લૅટફૉર્મ પણ સમજવા માંડ્યું છે. ડિજિટલ પ્લૅટફૉર્મને સમજાયું છે કે જો આ જ રીતે વેબ-સિરીઝ આવતી રહેશે તો એ જોવાશે ખરી, પણ એની ચર્ચા ક્યાંય નહીં થાય. રિવ્યુઅર રિવ્યુ લખીને રાજી રહેશે પણ એ રિવ્યુને ફૉલો કરનારાઓ ક્યારેય સામે નહીં આવે. એવું બને નહીં અને વલ્ગર વેબ-સિરીઝ આપનારાઓ જે રીતે ખોવાઈ ગયા છે એવું પણ બને નહીં એને માટે જ હવે ડિજિટલ પ્લૅટફૉર્મને પણ એવું કન્ટેન્ટ જોઈએ છે જે ડ્રૉઇંગરૂમ અને લિવિંગરૂમમાં બેસીને જોવાને લાયક હોય.
ઇન્ડિયન એન્ટરટેઇનમેન્ટની એ જ ખાસિયત છે કે એ ફૅમિલી સાથે જોવાતું હોય. આપણે એવા બોલ્ડ નથી બન્યા કે નગ્નતા પણ પરિવાર સાથે શૅર કરવાની. એવા બોલ્ડ બનવું પણ નથી અને એવું બનવામાં સાર પણ નથી. બોલ્ડનેસના લાભ જુઓ છો તમે, પણ એના ગેરલાભ જોવાનું શરૂ કરશો તો તમને સમજાશે કે એવા મૉડર્ન થવામાં સાર નથી.

 હૉટસ્ટાર પર આવેલી ‘1962’ જુઓ તમે. તમને વૉર સમયે એકાદ-બે ગાળ કદાચ સાંભળવા મળી શકે. ‘મૈસુરી’ વેબ-સિરીઝમાં એક પણ ગાળ નથી, એક પણ સેક્સ-સીન નથી. મર્ડર મિસ્ટરી છે, પોલીસની તપાસ ચાલે છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ મહત્ત્વના રોલમાં છે અને એ પછી પણ ફૅમિલી સાથે બેઠા હો તો જોવામાં જરા પણ ખચકાટ નથી થતો.

Bhavya Gandhi columnists