✕

ઇન્ફ્લુઅન્સર્સથી ઘેરાયેલી યુવાપેઢીને વાસ્તવિક જીવનમાં કેમ ટકી રહેવું એ સમજાવતા મેન્ટર્સની જરૂર છે

01 October, 2026 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ફ્લુઅન્સરને લાઇક્સ, વ્યુઝ અને સબસ્ક્રાઇબર્સથી માપી શકાય; પણ મેન્ટરશિપને ક્યારેય આંકડામાં માપી શકાતી નથી.

આશિષ મહેતા

આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં દરેક વ્યક્તિ ઇન્ફ્લુઅન્સર છે. આપણે કેવાં કપડાં પહેરવાં જોઈએ, શું ખાવું જોઈએ, ક્યાં ફરવા જવું જોઈએ, શું ખરીદવું જોઈએ, શું જોવું જોઈએ અને ક્યારેક તો એ પણ જણાવે કે આપણે શું વિચારવું જોઈએ. સોશ્યલ મીડિયા સ્ક્રૉલ કરતાં જ આપણી આસપાસ એવા લોકોનો ભરાવો થઈ જાય છે જેઓ આપણને જીવવાની રીતો શીખવતા હોય છે. આપણને ઇન્ફ્લુઅન્સરની જરૂર છે કે મેન્ટરની? ભૂતકાળ તરફ નજર કરું છું ત્યારે આનંદ થાય છે કે હું ખરેખર નસીબદાર છું જેને જીવનમાં માર્ગદર્શક મળ્યા. ઇન્ફ્લુઅન્સર તમારી પસંદગીને બદલી નાખે છે, મેન્ટર તમારા જીવનને બદલી શકે છે. ઇન્ફ્લુઅન્સર તમને સફળ જીવનનો ચળકાટ બતાવશે; મેન્ટર તમને એ સફળતા પાછળની મહેનત, શિસ્ત અને નિષ્ફળતાઓ સમજાવશે. આજના યુવાનો માટે આ વાત સમજવી ખૂબ જરૂરી છે. તેમની પાસે માહિતીનો અખૂટ ભંડાર છે. તેઓ દુનિયાભરના લોકો પાસેથી શીખી શકે છે, પૉડકાસ્ટ સાંભળી શકે છે, નિષ્ણાતોને ફૉલો કરી શકે છે. જોકે માહિતી હોવી અને સાચું માર્ગદર્શન મળવું એ બન્નેમાં જમીન-આસમાનનો ફરક છે. શું કરવું છે એ આપણને ખબર છે, પણ એ શા માટે કરવું જોઈએ એ સમજવા માટે મેન્ટરની જરૂર પડે છે.
મેન્ટર કોઈ સેલિબ્રિટી કે પ્રખ્યાત વ્યક્તિ જ હોય એ જરૂરી નથી. તે તમારા શિક્ષક, માતા-પિતા, ઑફિસના સિનિયર સહકર્મી, કોઈ કોચ કે કલાકાર પણ હોઈ શકે છે અથવા એવી કોઈ પણ વ્યક્તિ જેણે શાંતિથી તમારા વિચારોને એક નવી ઊંચાઈ આપી હોય. ઇન્ફ્લુઅન્સરને લાઇક્સ, વ્યુઝ અને સબસ્ક્રાઇબર્સથી માપી શકાય; પણ મેન્ટરશિપને ક્યારેય આંકડામાં માપી શકાતી નથી. આ એવો પ્રભાવ છે જે સ્ક્રીન પર દેખાતો નથી. એક શિક્ષક તરીકે મને લાગે છે કે આ આપણી સૌથી મોટી જવાબદારી છે. વિદ્યાર્થીઓને માત્ર સિલેબસ પૂરો કરનારા શિક્ષકોની જરૂર નથી. તેમને જીવનની અનિશ્ચિતતા, નિષ્ફળતા, મહત્ત્વાકાંક્ષા અને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરી શકે એવા માર્ગદર્શકની જરૂર છે. હું મારા વિદ્યાર્થીઓને ખાસ કહેતો હોઉં છું કે તમારા જીવનમાં કોઈ મેન્ટર છે તો તેમને આદરપૂર્વક સાંભળો. મને તો ગર્વ છે કે મારા મેન્ટર્સે શું ટ્રેન્ડિંગ છે એ નહોતું શીખવ્યું, તેમણે મને શું શીખવા જેવું છે એ શીખવ્યું હતું. ઇન્ફ્લુઅન્સરના પ્રભાવમાંથી બહાર નીકળો અને કોઈને મેન્ટર બનાવીને જીવનને સાચી દિશામાં લઈ જાઓ. 

- બે દાયકાથી શિક્ષણક્ષેત્રે સક્રિય આશિષ મહેતા શ્રી વિલે પાર્લે કેળવણી મંડળની ઉષા પ્રવીણ ગાંધી કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ કૉમર્સમાં ફિલ્મ, ટેલિવિઝન ઍન્ડ ન્યુ મીડિયા પ્રોડક્શન વિભાગના પ્રોગ્રામ હેડ છે. તેમણે અનેક ફિક્શન અને નૉન-ફિક્શન સ્ટોરી-આધારિત પુસ્તકો લખ્યાં છે અને વાર્તાકથન, સિનેમા, શિક્ષણ તથા સામાજિક વિષયોમાં રસ ધરાવે છે.

columnists gujaratis of mumbai gujarati community news