શનિ અને શનિની સાડીસાતી

29 January, 2023 03:16 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

સાડીસાતી વિશે વાતો તો પુષ્કળ થતી હોય છે, પણ એ સાડીસાતી વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે કે વ્યક્તિના જીવનમાં શનિની આ સાડીસાતી બે વાર અને બહુ-બહુ તો ત્રણ વાર જ આવે. આ સાડીસાતીને ખરા અર્થમાં ટ્રેઇનિંગનો પિરિયડ ગણવો જોઈએ

શનિ અને શનિની સાડીસાતી

શનિ વિશે પુષ્કળ વાતો થતી રહે છે અને મોટા ભાગની વાતો નકારાત્મક છે, પણ કહેવાનું કે એવું માનવું બિલકુલ ગેરવાજબી છે કે શનિ ગ્રહ નકારાત્મક પરિણામ જ આપે. પંદર દિવસ પહેલાં શનિએ ઘર બદલ્યું ત્યારે એ ગાળામાં શનિની સાડીસાતી માટે પુષ્કળ લેખો લખાયા અને વિડિયો બન્યા, પણ બહુ જૂજ લોકો એવા છે જેમને આ સાડીસાતી વિશે વિગતવાર ખબર પણ હોય છે અને એમ છતાં મોટા ભાગના લોકો શનિ ગ્રહ અને એના દ્વારા શરૂ થનારી સાડીસાતીથી ધ્રૂજે છે.

શનિને ક્યાંય નકારાત્મક માનવાની ભૂલ કરતા નહીં. શાસ્ત્રોમાં શનિને પરીક્ષા લેનારો ગ્રહ ગણાવ્યો છે તો જ્યોતિષશાસ્ત્રમાં શનિને ગુરુ તરીકે પણ માનવામાં આવે છે. જેમ ગુરુ પરીક્ષા લે અને વિદ્યાર્થીનું ઘડતર કરે એવું જ કાર્ય શનિ કરે છે એવું શાસ્ત્રો કહે છે એટલે શનિ કે એની સાડીસાતીથી સહેજ પણ ગભરાવું નહીં.
શનિ આધારિત કેટલાક પ્રશ્નો એવા છે જે મોટા ભાગના લોકોના મનમાં છે. એ પ્રશ્નોની ચર્ચા કરીએ.

સાડીસાતી એટલે શું?

તમામ ગ્રહોમાં સૌથી લાંબી ચાલ જો કોઈ ગ્રહની હોય તો એ શનિ છે. શનિ સામાન્ય રીતે અઢી વર્ષે ઘર બદલે છે. આ જ કારણ છે કે જેનો શનિ ગ્રહ સારા સ્થાનમાં ન હોય તેને મોડું પરિણામ મળે છે. શનિની સાડીસાતી એટલે કે જન્માક્ષરમાં જ્યાં શનિ ગ્રહ હોય એના આગળના ઘરથી લઈને શનિ છે એ ઘર અને એના પછીનું ઘર. આમ આ ત્રણ ઘરમાંથી શનિ પસાર થાય ત્યારે એ કામોને ધીમાં કરી નાખે છે. આ ત્રણ ઘરમાંથી પસાર થતાં શનિને સાડાસાત વર્ષનો સમય લાગે, જેને લીધે એને શનિની સાડીસાતી કહેવામાં આવે છે.

સાડીસાતીથી બહુ ધ્યાન રાખવું પડે?

ના, પણ સાવચેત રહેવું હિતાવહ છે અને સાથોસાથ એ પણ જણાવવાનું કે આ જે સાડીસાતી છે એ માણસના જીવનમાં બે અને મૅક્સિમમ ત્રણ જ વાર આવે. એ પૈકીની પહેલી અને અંતિમ સાડીસાતીનું પરિણામ વ્યક્તિએ પોતે ભોગવવાનું આવતું નથી અને મધ્ય સાડીસાતી જે આવે એ સમય દરમ્યાન તેનું ઘડતર થતું હોય છે એટલે એ સમયને નવી દિશાઓ ખોલવાના સમય તરીકે પણ જોઈ શકાય. કહેવાનો ભાવાર્થ એ કે શનિથી ગભરાવાની કોઈ આવશ્યકતા નથી. એ ઘડતર કરે છે, પરીક્ષા લે છે અને વ્યક્તિએ ઘડતર કે પરીક્ષાથી સહેજ પણ ગભરાવું જોઈએ નહીં.

કેમ પહેલી અને ત્રીજી સાડીસાતી આપણે ભોગવવાની નથી હોતી?

એક જન્માક્ષરનાં તમામ ઘરમાં ફરીને ફરી પોતાના સ્થાને પાછા આવવામાં શનિને ત્રીસ વર્ષનો સમય લાગે એટલે સામાન્ય રીતે પહેલી સાડીસાતી આવે ત્યારે વ્યક્તિ બાળક કે ટીનેજર હોય, જેનો ભાર તેને આવતો નથી. બીજી સાડીસાતી તેણે જોવાની આવે, પણ ત્રીજી સાડીસાતી વખતે તે વૃદ્ધાવસ્થામાં હોવાને લીધે એ પણ તેણે ભોગવવાની આવતી નથી.

જન્મનો શનિ ખરાબ હોય તો શું થાય?

કશું નહીં. મહેનત થોડી વધારે કરાવે, પણ એ પરિણામ તો આપે જ આપે. બીજા વિદ્યાર્થી ચાર કલાક વાંચતા હોય તો તમારે પાંચ કલાક વાંચવું પડે, પણ વધારે થયેલી મહેનતને જોઈને શનિ એવું પરિણામ આપે કે વ્યક્તિનો વધારે મહેનત કર્યાનો થાક સંપૂર્ણપણે ઊતરી જાય. 

columnists