સોપના બિઝનેસમાં પણ છે ઘણો સ્કોપ

18 January, 2022 12:34 PM IST  |  Mumbai | Varsha Chitaliya

રોજબરોજના વપરાશ ઉપરાંત બર્થ-ડે, વેડિંગ ઍનિવર્સરી, બેબી શાવર જેવાં ફંક્શન્સમાં પણ બાથ સોપ ગિફ્ટ આપવાનો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે ત્યારે એવી મહિલાઓને મળીએ જેમણે સોપ મેકિંગ ઇન્ડસ્ટ્રીને કૅપ્ચર કરવા કમર કસી છે

હેતલ મોમાયાએ બનાવેલી પ્રોડક્ટ્સ

હૅન્ડમેડ પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધતી ગઈ એમ મહિલાઓની ક્રીએટિવિટીને ખીલવાની તક મળી છે. રોજબરોજના વપરાશ ઉપરાંત બર્થ-ડે, વેડિંગ ઍનિવર્સરી, બેબી શાવર જેવાં ફંક્શન્સમાં પણ બાથ સોપ ગિફ્ટ આપવાનો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે ત્યારે એવી મહિલાઓને મળીએ જેમણે સોપ મેકિંગ ઇન્ડસ્ટ્રીને કૅપ્ચર કરવા કમર કસી છે

અત્યાર સુધી એવું કહેવાતું કે ગુજરાતી ગૃહિણીઓ ઘર સંભાળવા સિવાય કોઈ પ્રવૃત્તિ કરતી નથી. સંજોગોવશાત આર્થિક ટેકો આપવાની જરૂર પડે તો મોટા ભાગની ગૃહિણીઓ ટિફિન સર્વિસ, બ્યુટી પાર્લર કે ગાર્મેન્ટ્સના વેચાણમાં ઝંપલાવે છે. જોકે હૅન્ડમેડ પ્રોડક્ટ્સ ઇન્ડસ્ટ્રી વિસ્તરતી ગઈ એમ નવા આઇડિયાઝ પણ માર્કેટમાં આવતા ગયા. લેટેસ્ટમાં ઘરમાં બનાવેલા સાબુ, શૅમ્પૂ, બૉડી વૉશ, હેરઑઇલ, ક્રીમ વગેરે ટ્રેન્ડી બિઝનેસ મનાય છે. એમાંય બાથ સોપ મેકિંગમાં મહિલાઓની ક્રીએટિવિટી એવી ખીલી છે કે તેમનો બિઝનેસ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. આજે આપણી એવી મહિલાઓને મળીએ જેમણે બાથ સોપ ઇન્ડસ્ટ્રીને કૅપ્ચર કરવા કમર કસી છે. 
લક્ઝરી આઉટ, હૅન્ડમેડ ઇન
ઘર કા ખાના તો ઘર કા સાબુન કેમ નહીં? મુલુંડમાં રહેતાં હેતલ મોમાયાએ આવું વિચારી સોપ મેકિંગના બિઝનેસમાં ઝંપલાવ્યું. તેમના સ્ટાર્ટઅપ સ્પ્લૅશ હોમમેડ સોપ્સને કસ્ટમરનો બહોળો પ્રતિસાદ મળતાં મહિલાઓ માટેની એક ઇવેન્ટમાં બેસ્ટ વુમન ઑન્ટ્રપ્રનરનો અવૉર્ડ પણ મળ્યો છે. સ્ટાર્ટઅપ વિશે વાત કરતાં હેતલ કહે છે, ‘નૅચરલ બ્યુટી પ્રોડક્ટ્સનું મને હંમેશાંથી આકર્ષણ હતું. સાબુ, શૅમ્પૂ, કૉસ્મેટિક્સ ખરીદતી વખતે ઇન્ગ્રીડિયન્ટ્સ કયાં ઉમેરવામાં આવ્યાં છે એની ચકાસણી કરતી. મેં જોયું કે મોટા ભાગની પ્રોડક્ટ્સમાં હાનિકારક રસાયણો ઉમેરવામાં આવે છે. રોજ-રોજ બહારનું ખાઈએ તો પેટ બગડે એવી જ રીતે આવી પ્રોડક્ટ્સ આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે. બહારની પ્રોડક્ટ્સમાં પૈસા નાખવા કરતાં ઘરમાં ટ્રાય કરી જોવામાં શું વાંધો છે? ત્યાર બાદ સોપ મેકિંગની એક દિવસની વર્કશૉપ જૉઇન કરી. બેઝિક નૉલેજ મેળવ્યા બાદ સેલ્ફ યુઝ માટે સોપ બનાવ્યા. રિઝલ્ટ સારું દેખાતાં બિઝનેસ સ્ટાર્ટ કર્યો. સ્પ્લૅશની તમામ પ્રોડક્ટ કસ્ટમાઇઝ્ડ છે. કોઈને રોઝ ફ્રૅગ્રન્સ જોઈએ તો કોઈને લૅવેન્ડર, ઘણાને સ્પેસિફિક સ્કિન ડિસીઝ માટે સોપ જોઈતા હોય છે. ડ્રાય સ્કિન અને ઑઇલી સ્કિન માટેના સોપ પણ જુદા હોય. 
ફેસવૉશ, બૉડીવૉશ અને હૅન્ડવૉશ માટે ડિફરન્ટ સોપ હોય. કસ્ટમર સાથે વાતચીત કરી તેમને સજેસ્ટ કરું કે આ પ્રોડક્ટ વાપરવાથી ફાયદો થશે. સોપ મેકિંગ ઇન્ડસ્ટ્રીમાં ઘણી મહિલાઓ છે, પરંતુ બિઝનેસ નેટવર્કિંગથી વધે છે તેથી સમયાંતરે એક્ઝિબિશન રાખું છું. મારા ક્લાયન્ટ્સના લિસ્ટમાં કેટલાક ટીવી સ્ટાર પણ છે. હવે લોકોને લક્ઝરી પ્રોડક્ટ કરતાં હૅન્ડમેડનો વધુ ક્રેઝ છે. તમારે એમાં આઇડિયાઝ ઇમ્પ્લિમેન્ટ કરવા પડે. આ પ્રોડક્ટ ગિફ્ટમાં પણ ખૂબ ચાલે છે.’
 
પ્રેઝન્ટેબલ આઇડિયાઝ 

હૅન્ડમેડ ઇન્ડસ્ટ્રીમાં ત્રણ રીતે બનાવવામાં આવે છે, હૉટ પ્રોસેસ, કોલ્ડ પ્રોસેસ અને મેલ્ટ ઍન્ડ પોર પ્રોસેસ એવી જાણકારી આપતાં ઘાટકોપરની એવીએન હૅન્ડક્રાફ્ટેડ પ્રોડક્ટ્સનાં ફાઉન્ડર વિધિ ઓઝા કહે છે, ‘હું મેલ્ટ પ્રોસેસથી સોપ બનાવું છું. બજારમાં સલ્ફેટ-ફ્રી બેઝના મોટા ચન્ક મળે છે. વેન્ડર પાસેથી બેઝ લાવ્યા બાદ પોતાના આઇડિયાઝ અને ક્રીએટિવિટીથી સોપની વરાઇટી બનાવીને આપું. ગોટ ઍન્ડ કૅમલ મિલ્ક, કોકોનટ મિલ્ક, ચારકોલ, ગ્લિસરીન વગેરેમાંથી બનાવવામાં આવતા સોપ સ્કિન-ફ્રેન્ડ્લી છે. હું એની અંદર વિટામિન ઈ અને સિયા બટર પણ ઍડ કરું છું. લેટેસ્ટમાં બેબી શાવર, બર્થ-ડે સેલિબ્રેશન અને વેડિંગ ઍનિવર્સરીમાં આવેલા ગેસ્ટને રિટર્ન ગિફ્ટ આપવા માટે સોપ હૅમ્પર્સ ખૂબ ચાલે છે તેથી એને પ્રેઝન્ટેબલ બનાવવું પડે. ગિફ્ટ કયા એજગ્રુપને આપવાની છે એ જાણ્યા બાદ હૅમ્પર બને. વેડિંગ ઍનિવર્સરીની રિટર્ન ગિફ્ટ હોય તો સોપની સાથે સ્ક્રબ, શૅમ્પૂ, બાથ સૉલ્ટ અને મૉઇશ્ચરાઇઝર ક્રીમ ઍડ કરીએ. બેબી શાવરમાં પિન્ક અને બ્લુ કલર્સના સોપ ડિમાન્ડમાં છે. બેબી ફિટ શેપના સોપ ગિફ્ટમાં આપી શકાય. કિડ્સ માટેના સોપમાં કલર્સ અને પિક્ચર્સનું મહત્ત્વ છે. રેડ, બ્લુ, નિયૉન કલર્સ તેમ જ ફ્લેવરમાં ચ્યુઇંગ-ગમ, સ્ટ્રૉબેરી, ઑરેન્જ વગેરેની સ્મેલ તેમને આકર્ષે છે. અમુક ક્લાયન્ટ્સ સ્પેસિફિક ફ્રૅગ્રન્સના સોપ્સ જ વાપરે છે. આ ટોટલી પર્સનલાઇઝ્ડ પ્રોડક્ટ છે. બધાના બજેટ અને ચૉઇસ ડિફરન્ટ હોય તેથી બનાવીને કંઈ નથી રાખતી. બાળકોને વારંવાર હાથ ધોવાનું કહો તો માનતાં નથી તેથી કોવિડમાં ઘણી મમ્મીઓએ ટેડી બેઅર અને કાર્ટૂન કૅરૅક્ટરવાળા સોપ્સ લીધા છે.’

સિમ્પલ ઍન્ડ ઇફેક્ટિવ

અનેક મહિલાઓએ હૉબી તરીકે અથવા એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ કરવા સોપ મેકિંગનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. જોકે એવી મહિલાઓ પણ છે જેઓ સાચા અર્થમાં લક્ઝરી સોપ બનાવતી કંપનીઓ સાથે સ્પર્ધામાં ઊતરી છે. શેપ અને ફ્રૅગ્રન્સમાં ગતકડાં કર્યા વિના દહિસરનાં મીના રોજકોટિયાએ ચાર પ્રકારના સોપ બનાવ્યા છે. લૉકડાઉન દરમિયાન શરૂ થયેલા આયુરદીવા સ્ટાર્ટઅપની જર્ની વિશે માહિતી આપતાં મીનાબહેન કહે છે, ‘લોદ્રાની બાલા હનુમાન આયુર્વેદ કૉલેજના પ્રિન્સિપાલ સ્વ. વિષ્ણુભાઈ રાવલ સાથે અમારો ઘરોબો હતો. વર્ષો પહેલાં તેમણે આયુર્વેદ સોપ બનાવવાની ફૉર્મ્યુલા અમને આપી હતી. જોકે અમારું કામકાજ સરસ ચાલતું હતું તેથી આ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવવાનો વિચાર નહોતો કર્યો. કોવિડકાળમાં હસબન્ડનો બિઝનેસ ટોટલી ઠપ થઈ ગયો અને મારી સૅલેરીમાં કટઑફ આવતાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કપરા કાળમાં સોપ મેકિંગ પર ફોકસ કર્યું. અનેક રિસર્ચ બાદ ચહેરા, શરીર, ત્વચા રોગ અને વાળ માટે ઔષધિયુક્ત હર્બલ સાબુ બજારમાં મૂક્યા છે. રિફ્રેશિંગ ઑરેન્જ સોપમાં સંતરાની છાલ, આમળાં, લીમડો જેવી વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઍન્ટિબૅક્ટેરિયલ સાબુ ત્વચા પરના કાળા ડાઘ દૂર કરી શકે છે. નીમ સોપમાં આમળા, ઍલોવેરા અને લીંબુની છાલનો ઉપયોગ કર્યો છે. આ સાબુ ચહેરો નિખારે છે. ઔષધ નામથી ઇન્ટ્રોડ્યુસ કરેલા સાબુમાં ૨૫ જેટલી વનસ્પતિઓ ઉમેરવામાં આવી છે જે ત્વચાના રોગોમાં અકલ્પનીય પરિણામ આપે છે. જાસૂદ શિકાકાઈ સાબુ વાળ માટે છે. જાસવંતી, આમળા, અરીઠાં, શિકાકાઈ, બ્રાહ્મી વગેરે ઉમેરીને બનાવેલા આ સાબુથી વાળ ધોવાથી ખોડો દૂર થાય છે અને વાળ ચમકદાર બને છે. ચારેય સાબુની કિંમત સામાન્ય વ્યક્તિને પોસાય એટલી રાખવામાં આવી છે. હાલમાં વેબસાઇટના માધ્યમથી ઑર્ડર લઈએ છીએ. અમારી પ્રોડક્ટ લોકોને ગમતાં કમર્શિયલ માર્કેટમાં વેચાણ અર્થે લાઇસન્સ પણ મેળવી લીધું છે.’

 લેટેસ્ટમાં બેબી શાવર, બર્થ-ડે સેલિબ્રેશન અને વેડિંગ ઍનિવર્સરીમાં આવેલા ગેસ્ટને રિટર્ન ગિફ્ટ આપવા માટે સોપ હૅમ્પર્સ ખૂબ ચાલે છે. બેબી શાવરમાં પિન્ક અને બ્લુ કલર્સના ડિમાન્ડમાં છે. ગિફ્ટ કયા એજગ્રુપને આપવાની છે એ જાણ્યા બાદ હૅમ્પર બને.
વિધિ ઓઝા

columnists Varsha Chitaliya