પોતાની કુટેવોને પણ સ્વભાવગત બનાવી લેનારાઓનો તોટો નથી

02 January, 2022 07:54 PM IST  |  Mumbai | Swami Sachidanand

તમારા બીજા પાડોશી જોઈ લો. તેમને ખાસ કુટેવ છે તમારા બારણા તરફ ટગર-ટગર જોયા કરવાની. તે પોતાના ઘરની દેખરેખ નથી રાખતા એટલી તમારા ઘરની રાખે છે. કોણ ગયું? કેમ આવ્યું? શું કર્યું?

મિડ-ડે લોગો

‘વચ્ચેનું પાનું આપજો...’
ગયા અઠવાડિયે તમને કહ્યું એમ, મુંબઈની લોકલ ટ્રેનમાં પણ તમને આવી કુટેવવાળા અઢળક લોકો જોવા મળશે, પણ તમે જે પાનું વાંચતા હો એને વાંચવા એમાં કેટલાંય મોઢાં તમારા મોઢાની ચારે તરફ ગોઠવાઈ જતાં પણ અનુભવશો. પાનાનો છેડો ઊંચો કરીને, નીચું મોઢું કરીને અંદરથી વાંચી લેવાની ઉતાવળવાળા માણસો પણ મળશે. તમારે ત્યાંથી નાના છોકરા દ્વારા સમાચારપત્ર મગાવીને પછી પરત નહીં કરનારા, પાછા કરે તો ફાડીને અડધુંપડધું પાછું કરનારા, અરે ખરીદો તમે અને પસ્તી વેચે પેલા - ઘણા લોકો બૂમ પાડતા હોય છે કે ‘હું પેપર ખરીદું છું, પણ મને પૂરતું વાંચવા મળતું નથી.’ 
ક્યાંથી મળે? ચારે તરફ કુટેવો જ કુટેવો ઊભી છે અને આ કુટેવને પણ પોતાની માનવસહજ આદત માનનારાઓનો તોટો નથી. આ જ નહીં, આવી તો અનેક કુટેવો ભરી છે લોકોમાં. આ તમારા બીજા પાડોશી જોઈ લો. તેમને ખાસ કુટેવ છે તમારા બારણા તરફ ટગર-ટગર જોયા કરવાની. તે પોતાના ઘરની દેખરેખ નથી રાખતા એટલી તમારા ઘરની રાખે છે. કોણ ગયું? કેમ આવ્યું? શું કર્યું? બસ, તેનો બધો જીવનરસ તમારા બારણે આવીને ભેગો થઈ ગયો છે. તમને મળવા માટે કોઈ આવ્યું નહીં કે થોડી જ વારમાં આ મહાશય પણ ટપક્યા નથી. તેમને રસ છે, પેલા માણસો કોણ છે અને શું વાતો કરે છે એ જાણવામાં અને તેને એ પણ ખબર છે કે મહેમાન માટે ચા-પાણી-નાસ્તો થશે જ. ઘરે આવેલી ગંગાને તે જતી કરે એવા નથી. 
ના... ના... કહેતા જશે અને ખાતા જશે. 
કોણ એવો ધીરજવાળો માણસ હશે જે પાડોશીની આવી કુટેવોથી ત્રાસી ગયો ન હોય? આ ભાઈને તો તમે સારી રીતે ઓળખો છોને? કેટલીયે વાર તમારે ત્યાં આવી ગયા છે, પણ તે જ્યારે આવે ત્યારે જમવાના સમયે જ આવે. તેને ખબર હોય છે કે તમે જમવા બેઠા છો છતાં તે પાછા વળી જતા નથી અને દીવાનખાનામાં બેસીને તમે જમી રહો ત્યાં સુધી રાહ પણ જોતા નથી. બસ, સીધા જ તે તમારા ભાણા પર આવીને ઊભા રહી જાય છે અને ઢીલા મોઢે બત્રીસી બતાવીને વાતો કરે છે. તમે સંકોચમાં પડી જાઓ છો અને ‘આવો, જમવા બેસો’ એમ ઔપચારિકતાથી કહો છો. 
‘ના... રે ના, હું કાંઈ જમવા થોડો આવ્યો છું?’ એમ કહેતા જાય અને અંતે જમવા બેસી જાય. કયું એવું રસોડું હશે જેને આવી કુટેવવાળા માણસોનો ત્રાસ નહીં પડતો હોય?    

columnists swami sachchidananda