ચાર-ચાર દિવસ સુધી સામૂહિક રેપ, ઢોરમાર, સિગારેટના ડામ જેવી યાતના આપ્યા પછી જેની હત્યા થઈ તેને ૩૬ વર્ષ પછી...

12 July, 2026 04:32 PM IST  |  Mumbai | Aashutosh Desai

અહીંથી શરૂ થાય છે ઘૃણાસ્પદ અને અમાનવીય હેવાનિયતનો એક સિલસિલો. સતત ૪ દિવસ સુધી આ કાશ્મીરી પંડિત છોકરી પર સામૂહિક બળાત્કાર થયો. કોઈ નિર્જીવ વસ્તુનેય ન મારે એટલી નિર્દયતાથી તેને ૪ દિવસ સુધી મારવામાં આવી.

કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ, જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)નો ચીફ યાસીન મલિક

૧૯૯૦માં જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમોના આકાઓએ કાશ્મીરી પંડિતોને રાજ્યમાંથી તગેડી મૂકવા માટે આચરેલી બર્બરતામાં સરલા ભટ નામની ફરજપરસ્ત નર્સ અમાનવીય અત્યાચારનો ભોગ બની હતી. છેક ૩૫ વર્ષ પછી આ કેસની ફાઇલ ઊખળી અને એના એક વર્ષ પછી ૭૩૭ પાનાંની ચાર્જશીટ દાખલ થઈ શકી. આ કેસના પાંચમાંથી ૩ આરોપીઓ પણ મરી ચૂક્યા છે ત્યારે હજી સરલાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે કેટલી રાહ જોવી પડશે?

એક આશા જેને ભારતની જ સર્વોચ્ચ અદાલત તરફથી બે વાર જાકારો મળી ચૂક્યો હતો. ૨૦૧૭ અને ત્યાર બાદ ૨૦૨૩માં ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી હતી કે કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની ઝીણવટપૂર્વક ફરી તપાસ થવી જોઈએ. જોકે સુપ્રીમ કોર્ટે બન્ને વખત એ યાચિકા સ્વીકારી નહીં. હવે ફરી એક વાર સરલા ભટના પરિવારની આશાઓ જીવંત થઈ છે. કારણ? ૩૬ વર્ષ પહેલાં થયેલા અપહરણ, અત્યાચાર અને ખૂનના મામલાને સાંકળી લેતા કાશ્મીર ઘાટીના એ કાળા ઇતિહાસની ઊંડી તપાસ બાદ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ કોર્ટમાં ૭૩૭ પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે.

૧૯૯૦ની ૧૪ એપ્રિલ. શ્રીનગરની શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસમાં કામ કરતી પચીસ વર્ષની સરલા ભટ નામની એક નર્સ પોતાનું કામ ખતમ કરીને હૉસ્ટેલના પોતાના રૂમમાં આરામ કરી રહી હતી. ત્યાં જ અચાનક જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના હથિયારબંધ આતંકી તેના રૂમમાં પ્રવેશ્યા અને કપાળે બંદૂક ધરીને તે યુવાન છોકરીનું અપહરણ કરી લીધું.

સરલા ભટની જેમ જ ૧૯૮૯ના નવેમ્બર મહિનામાં આતંકીઓએ એક કાશ્મીરી પંડિત જજ નીલકંઠ ગંજુની પણ હત્યા કરી નાખી હતી. તેમણે ડરનો એવો માહોલ ફેલાવ્યો હતો કે અઢી કલાક સુધી નીલકંઠ ગંજુની લાશ રસ્તા પર પડી રહેવા છતાં એને કોઈ હાથ લગાડવા તૈયાર નહોતું. પોતાના જ દેશમાં પ્રતાડિત આવા અનેક કાશ્મીરી પંડિતોના પરિવારોને આખરે ફરી એક વાર આશા જાગી જ્યારે ૨૦૨૩માં ગવર્નરના આદેશથી સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ આ આખા મામલા પર તપાસ શરૂ કરી, જેમાં સરલા ભટની હત્યાની પણ તપાસ કરવામાં આવી.

લોહી થિજાવી દેનારું આ ટૂંકું વર્ણન કોઈ કાલ્પનિક કહાણીનો હિસ્સો નથી. કાશ્મીરી પંડિત પરિવારની દીકરી સાથે થયેલી બર્બરતા પછી ન્યાય મળશે એવી આશાથી તેનો પરિવાર છેલ્લાં ૩૬ વર્ષથી રાહ જોઈ રહ્યો છે.

કહાણી પહેલાંની કહાણી

કહાણી શરૂ થાય છે ૧૯૮૯ના વર્ષથી. આ એ વર્ષ હતું જ્યારે પાકિસ્તાનના રહેમ-ઓ-કરમથી કાશ્મીર ઘાટીમાં આતંકવાદ માથું ઊંચકી રહ્યો હતો. એમાં સૌથી પહેલું લક્ષ્ય નક્કી થયું બિનમુસ્લિમ એટલે કે કાશ્મીરી પંડિતોને ઘાટીમાંથી બહાર કાઢી મૂકવામાં આવે. એ કાશ્મીરી પંડિતો જેમનાં મૂળ જ કાશ્મીરમાં હતાં. જોકે મુસ્લિમ આતંકીઓના આકાઓએ ફરમાન બહાર પાડ્યું - ‘રાલીબ, ગાલિબ યા ચાલીબ’ અર્થાત્ ધર્માન્તરણ કરો અથવા ચાલી જાઓ, નહીં તો મરો! આ પરિસ્થિતિ એવી વણસી કે વિના કોઈ કારણ, વિના કોઈ ગુને કાશ્મીરી પંડિતોને ઘરમાંથી બહાર કાઢી-કાઢીને મુસ્લિમ આતંકીઓ મારી નાખવા માંડ્યા. માથે સતત લટકતી આ મૃત્યુની તલવારને કારણે આખરે પરિણામ એ આવ્યું કે અનેક કાશ્મીરી પંડિતો પોતાનું ઘર-જમીન-મિલકત બધું કહેતાં બધું જ છોડીને શ્રીનગરથી પલાયન થવા માંડ્યા. આવા જ માહોલમાં ૧૯૮૯ની ૪ નવેમ્બરે શ્રીનગર હાઈ કોર્ટ નજીકનો વિસ્તાર ગોળીઓના અવાજથી સુન્ન થઈ ગયો. ખબર પડી કે મુસ્લિમ આતંકીઓએ કાશ્મીરી પંડિત હાઈ કોર્ટના જજ નીલકંઠ ગંજુને ગોળીઓએ વીંધી નાખ્યા. હાઈ કોર્ટના જજ જેવા પદ પર બિરાજતી વ્યક્તિને આ રીતે જાહેરમાં મારી નાખીને મુસ્લિમ આતંકીઓનો સીધેસીધો સંદેશો આપ્યો હતો કે વટલાઈ જાઓ, ભાગો, નહીં તો મરો; અમે અમારી નાલાયકી પર ઊતરી ચૂક્યા છીએ. તેમની હિંમત અને હેવાનિયત એટલી વધી ચૂકી હતી કે બાળક હોય કે વૃદ્ધ, એનાથી તેમને કોઈ ફરક પડતો નહોતો. આ બર્બર હત્યાની જવાબદારી લેતાં JKLFના બની બેઠેલા બેશરમ અને હેવાન સુપ્રીમો યાસીન મલિકે સ્ટેટમેન્ટ આપ્યું કે  જજ નીલકંઠ ગંજુની હત્યા કરીને અમે ૧૯૮૪માં મકબૂલ ભટને થયેલી ફાંસીનો બદલો લીધો છે.

કોણ હતી સરલા ભટ?

આ ઘટનાને હજી તો ૪ મહિના જ થયા હતા ત્યાં ૧૯૯૦ના એપ્રિલ મહિનામાં સ્કીમ્સ હૉસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પચીસ વર્ષની સરલા ભટનું અપહરણ કરી લેવામાં આવ્યું. આકર્ષક દેખાવ અને ચુંબકીય હાસ્યવાળી સરલા ભટનો દોષ માત્ર એટલો હતો કે તે કાશ્મીરી પંડિત હતી અને આતંકીઓના દબાવથી ગભરાઈને તેણે કાશ્મીર ઘાટી છોડી નહોતી. એટલું જ નહીં, સારવારને કોઈ ધર્મ નથી હોતો એ ઉદ્દેશ સાથે તે સ્કીમ્સ હૉસ્પિટલમાં પોતાની ફરજ બજાવી રહી હતી. સરલા જે હૉસ્પિટલમાં હતી એ હૉસ્પિટલ શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ એ દિવસો દરમ્યાન આતંકવાદીઓનું સૌથી સુરક્ષિત પનાહગાહ બની ચૂક્યું હતું. કારણ? અબ્દુલ અહદ ગુરુ અને JKLFના ડેપ્યુટી કમાન્ડર હામિદ શેખનો હૉસ્પિટલ પર દબદબો હતો. આ બન્ને હરામખોરો હૉસ્પિટલની રોજિંદી કાર્યવાહી અને ઍડ્‍મિનિસ્ટ્રેશનમાં પણ સક્રિય હતા. એક દિવસ બન્નેને શક પડ્યો કે સરલા ભટ પોલીસની ઇન્ફૉર્મર છે. શકનું કારણ શું? કારણ કે સરલા એક કાશ્મીરી પંડિત હતી અને એવી શેરદિલ હતી કે ઘાટીમાં આટલી બર્બરતા થઈ રહી હોવા છતાં તે હૉસ્પિટલમાં ફરજ પર હાજર હતી. તેમણે સરલાને વારંવાર પોતાની નોકરી છોડવા માટે ધમકીઓ આપવા માંડી, પણ સરલા આતંકીઓ સામે ઝૂકવા તૈયાર નહોતી અને નર્સ તરીકે હૉસ્પિટલમાં પોતાની સેવા આપતી રહી. આખરે જ્યારે પેલા નરાધમોને લાગ્યું કે સરલા પર કેમેય કરી તેમની ધમકીઓની અસર નથી થઈ રહી ત્યારે તેમણે ૧૪ એપ્રિલે હૉસ્પિટલની હૉસ્ટેલમાંથી તેનું અપહરણ કરી લીધું.

અહીંથી શરૂ થાય છે ઘૃણાસ્પદ અને અમાનવીય હેવાનિયતનો એક સિલસિલો. સતત ૪ દિવસ સુધી આ કાશ્મીરી પંડિત છોકરી પર સામૂહિક બળાત્કાર થયો. કોઈ નિર્જીવ વસ્તુનેય ન મારે એટલી નિર્દયતાથી તેને ૪ દિવસ સુધી મારવામાં આવી. શરીર પર અનેકાનેક સિગારેટ ચાંપવામાં આવી અને નખમાં સોય આવી. પગના નખ ખેંચી નાખવાના પણ પ્રયત્નો કરવામાં આવ્યા. ચાર-ચાર દિવસ સુધી આ રીતે યાતનાઓ આપ્યા બાદ આખરે પાંચમા દિવસે એટલે કે ૧૯૯૦ની ૧૮ એપ્રિલે તેની હત્યા કરી નાખવામાં આવી. ગોળીઓથી વીંધાયેલા, ક્ષત-વિક્ષત થયેલા તેના મૃત શરીરને શ્રીનગરના ડાઉનટાઉનમાં ફેંકી દઈને એ લાશની બાજુમાં એક ચિઠ્ઠી મૂકી દેવામાં આવી, જેમાં JKLFના આતંકવાદીઓએ પચીસ વર્ષની તે સેવાભાવી નર્સ સરલા ભટ પોલીસની એજન્ટ હોવાનું લખ્યું એટલું જ નહીં, તે કૃતઘ્ની અને નિર્દયી હેવાનોએ તેની હત્યા કરી હોવાનું પણ એ ચિઠ્ઠીમાં કબૂલ્યું.

હેવાનિયત હજીયે પૂરી નહોતી થઈ

સરલા ભટની હત્યા પછી તેના પરિવાર પર જાણે પસ્તાળ પડી. યુવાન દીકરીને આટલી નિર્દયતાથી મારી નાખી હોવાની વાત હજી તો તે પરિવાર જીરવી શકે એ પહેલાં તો કંઈક અશુભ તેમની રાહ જોઈ રહ્યું હતું. દીકરીનું પાર્થિવ શરીર લઈને પરિવારજનો એના અંતિમ સંસ્કાર માટે જઈ રહ્યા હતા ત્યારે આતંકીઓએ તેની અંતિમયાત્રા પર બૉમ્બ ફેંકીને હુમલો કર્યો. એટલું જ નહીં, અનંતનાગમાં આવેલા તેમના ઘરને પણ આગ ચાંપી દેવામાં આવી. હારી ચૂકેલો, દયનીય પરિસ્થિતિમાં આવી ચૂકેલો એક પરિવાર આખરે શું કરે? બીજા લાખો કાશ્મીરી પંડિતોની જેમ સરલા ભટનો પરિવાર પણ આખરે કાશ્મીર ઘાટી છોડીને પલાયન થવું પડ્યું.

ન્યાય માટે પ્રયત્નો

દીકરીનું મોત તો જેમ-તેમ કરીને જીરવાઈ ગયું, પણ તેને ન્યાય પણ નહીં મળે એ તે કેવો દેશ? સરલાના પરિવારે આ દેશની જુડિશ્યરી સિસ્ટમ તેમને ન્યાય અપાવે એ માટેના પ્રયત્નો શરૂ કર્યા. નીચલી કોર્ટ, વચલી કોર્ટ અને છેક ઉચ્ચ ન્યાયાલય સુધી તેમણે અનેક વાર યાચિકા નાખી. આખરે ૨૦૧૭માં એક સંસ્થા પણ તેમની સાથે જોડાઈ. ‘રૂટ્સ ઇન કાશ્મીર’ નામની સંસ્થાએ ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટમાં એક યાચિકા દાખલ થઈ, જેમાં કહેવામાં આવ્યું કે કાશ્મીર ઘાટીમાં આતંકવાદની શરૂઆતથી લઈને કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો વિશે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે અને દોષીઓને સજા આપવામાં આવે. જોકે તત્કાલીન ન્યાયાધીશ જે. એસ. ખેહર અને ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડની બેન્ચે એ યાચિકા નકારી કાઢી. નકારી કાઢવા માટે તર્ક શું આપવામાં આવ્યો? ઘાટીમાંથી પંડિતોએ પલાયન કર્યું એને ૨૭ વર્ષ થઈ ચૂક્યાં છે. આથી એની સાથે જોડાયેલા પુરાવા મળવાની સંભાવના નહીંવત્ છે.

ત્યાર બાદ ૨૦૨૩માં ફરી એક વાર ‘રૂટ્સ ઇન કાશ્મીર’ દ્વારા જ ક્યુરેટિવ અપીલ ફાઇલ કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટે ફરી એક વાર એ અપીલ પણ નકારી કાઢી.

યાસિન મલિક આણિ કંપની

૨૦૨૩થી શરૂ થયેલી તપાસનો આખરે ૨૦૨૬માં અંત આવ્યો અને તપાસના પરિણામે જે કંઈ જાણવા-જોવા મળ્યું એનું આખું વર્ણન ૭૩૭ પાનાંની ચાર્જશીટમાં ઇન્વેસ્ટિગેટિવ એજન્સીએ વર્ણવ્યું છે. આ ચાર્જશીટમાં પાંચ નરાધમોનાં નામ મૂળ આરોપી તરીકે લખવામાં આવ્યાં છે. પહેલું નામ યાસીન મલિક (તત્કાલીન JKLF ચીફ)નું છે જે જજ ગંજુ અને સરલા ભટની હત્યાના માસ્ટરમાઇન્ડ અને પ્રિન્સિપલ કૉન્સ્પિરેટર તરીકે નોંધાયું છે. બીજું નામ ખુરશીદ અહમદ ચાલકુનું છે જે આ બન્ને નિર્દોષો પર ગોળી ચલાવનાર  ગનમૅન હતો. એવું કહેવાય છે કે આ હરામખોર તો પાકિસ્તાન ભાગી ગયો છે. ત્રીજો દાનવ છે અબ્દુલ હમીદ શેખ, ચોથો મહમદ યુસુફ સૂફી જેને ઇદ્રીસ તરીકે ઓળખવામાં આવતો હતો અને માનવીયતા પરનો પાંચમો શ્રાપ એટલે ગુલામ મહમ્મદ ટપલુ. કેવી કરુણતા છે કે ન્યાય તો છોડો, હજી સરલા ભટની હત્યાના કેસની ચાર્જશીટ દાખલ થઈ છે પણ એ પહેલાં જ પાંચમાંના ૩ મુસ્લિમ આતંકીઓ જહન્નમનશીન થઈ ચૂક્યા છે.

અબ હોગા ઇન્સાફ?

વર્ષો બાદ સમયે પડખું બદલ્યું અને નિરાશાઓની વચ્ચે આશાનું એક કિરણ જાગ્યું જ્યારે સુપ્રીમ કોર્ટે અપીલ નકાર્યાના બે જ મહિના પછી જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ હાઈ કોર્ટના જજ ગંજુના હત્યાકાંડની તપાસ રીઓપન કરવાનો નિર્ણય જાહેર કર્યો એટલું જ નહીં, ઉપરાજ્યપાલે આ સાથે જ એવા સંકેતો પણ આપ્યા કે આ જ રીતે એ સમયની બીજી ઘટનાઓના મામલા પણ ખોલવામાં આવશે. થયું પણ એવું જ. ૨૦૨૫ની ૧૨ ઑગસ્ટે સ્ટેટ એજન્સીએ સરલા ભટ હત્યાકાંડની તપાસનો પણ આરંભ કર્યો. ૧૨ ઑગસ્ટની સવારે ઇન્વેસ્ટિગેટિવ એજન્સીએ ઘાટીની ૮ અલગ-અલગ જગ્યાઓએ રેઇડ પાડી અને એમાં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના ભૂતપૂર્વ નેતા પીર નુરુલ હક શાહ જેને ઍરમાર્શલના નામથી ઓળખવામાં આવતો હતો તેના ઘર પર પણ છાપામારી થઈ. આ રેઇડમાં બીજી જગ્યાનું નામ હતું JKLFના સુપ્રીમો યાસીન મલિકનું ઘર. નીલકંઠ ગંજુ હત્યાકાંડની જવાબદારી તો મલિકે લીધી જ હતી. આથી એ વિશેની તપાસ તો થઈ જ રહી હતી. હવે સરલા ભટની હત્યાની તપાસ પણ તેના ઘરથી આરંભવામાં આવી.

કેવી કરુણતા કહેવાય કે રઝાકાર અને કાશ્મીર જેવી સામૂહિક હિન્દુ હત્યાકાંડની ઘટનાઓ બનવા છતાં હિન્દુ મેજોરિટીવાળા દેશમાં રહેતા આપણે હિન્દુઓનું લોહી એટલું ઠંડું છે કે કોઈને કશો જ ફરક નથી પડતો. મારા ઘરે નથી થયુંને... મારા પરિવાર સાથે નથી થયુંને... આ બે સ્વાર્થી સ્ટેટમેન્ટ્સ દિમાગમાં રાખીને આપણે થોડો સમય પોલીસે આમ કરવું જોઈએ, સરકારે તેમ કરવું જોઈએ, કાશ્મીરી પંડિતોએ આમ કરવું જોઈતું હતું, હિન્દુ લોકોએ તેમ કરવું જોઈતું હતું જેવું કૉફી-ટેબલ ડિસ્કશન કરીએ છીએ અને બસ, બહુ ચિંતા કરી હોવાનો અને ઇન્ટલૅક્ચ્યુઅલ ડિસ્કશન કર્યું હોવાનો સંતોષ લઈને ફરી ઘરના હીંચકે ઝૂલવા માંડીએ છીએ.

columnists gujarati mid day kashmir jihad Movie Kashmir Files terror attack