બબ્બે એમબીએની ડિગ્રી પછી આ ભાઈ કરે છે ખેતી, એ પણ શાનથી

25 October, 2021 12:11 PM IST  |  Mumbai | Jigisha Jain

આઇઆઇએમમાંથી એમબીએ કરીને, ધીકતી જૉબ છોડીને હર્ષ વૈદ્યએ આજથી ૧૨ વર્ષ પહેલાં જૈવિક ખેતી કરવાનું શરૂ કર્યું. એમાંથી ઊગતાં શાકભાજી, ફળ અને ગ્રોસરી તે અમિતાભ બચ્ચન અને સચિન તેન્ડુલકર જેવી જાણીતી સેલિબ્રિટીઝ સહિત ૨૪,૦૦૦ પરિવારોને સપ્લાય કરે છે.

બબ્બે એમબીએની ડિગ્રી પછી આ ભાઈ કરે છે ખેતી, એ પણ શાનથી

આઇઆઇએમમાંથી એમબીએ કરીને, ધીકતી જૉબ છોડીને હર્ષ વૈદ્યએ આજથી ૧૨ વર્ષ પહેલાં જૈવિક ખેતી કરવાનું શરૂ કર્યું. એમાંથી ઊગતાં શાકભાજી, ફળ અને ગ્રોસરી તે અમિતાભ બચ્ચન અને સચિન તેન્ડુલકર જેવી જાણીતી સેલિબ્રિટીઝ સહિત ૨૪,૦૦૦ પરિવારોને સપ્લાય કરે છે. ખેતીનું તેમનું બિઝનેસ મૉડલ લાખો ખેડૂતો માટે આદર્શ સાબિત થઈ શકે એમ છે

જુહુમાં રહેતા ૩૮ વર્ષના હર્ષ વૈદ્યએ આજથી ૧૨ વર્ષ પહેલાં તેની મમ્મી સાથે મળીને એક ટેરેસ ગાર્ડન બનાવ્યું હતું, જેના અનુભવ પરથી તેને લાગ્યું કે સમયની આ માગ છે. શા માટે આપણે ખરાબ કેમિકલવાળાં શાકભાજી કે ફળો ખાવાં જોઈએ? આ ખરો સમય છે કે લોકો આ બાબતે જાગૃત થાય અને સમાજમાં આ પરિવર્તન આવે. વળી આ કામ કરવું તેના માટે શક્ય છે એ બાંહેધરી પણ તેને મળી ગઈ, કારણ કે એ ટેરેસ ગાર્ડન પરથી પણ તે ૨૦ પરિવારોને શાકભાજી પૂરાં પાડવા લાગ્યો હતો. આ વિચાર અને અનુભવથી આવેલા આત્મવિશ્વાસ સાથે IIM-અમદાવાદની મળીને કુલ બે એમબીએની ડિગ્રી ધરાવનાર હર્ષે તેની રિયલ એસ્ટેટની જૉબ છોડી અને જૈવિક ખેતીનું કામ શરૂ કર્યું જે કામ આજે ધ બૉમ્બે નૅચરલ કંપનીના નામે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ સુધી પણ પહોંચી ચૂક્યું છે. 
ખેતી 
હાલમાં ઉમરગામમાં ૧૨૫ એકર જમીન છે જ્યાં શાકભાજી અને સીઝનલ ફળો ઉગાડવામાં આવે છે. આ સિવાય અને જુદી-જુદી જગ્યાએ ૫૦૦ એકર જેવી જમીન હર્ષ ધરાવે છે જ્યાં તેણે ધાન્ય અને કઠોળ પણ ઉગાડવાનું શરૂ કર્યું છે. શરૂઆત હર્ષે શાકભાજી અને ફળોથી જ કરી હતી, પરંતુ હવે સમગ્ર રસોડામાં જરૂરી પ્રોડક્ટ્સ તેની કંપની વેચે છે. એ બાબતે તે કહે છે, ‘શાકભાજી અને ફળો જો તમે વગર કેમિકલનાં ખાતા હો અને ગ્રોસરી કેમિકલવાળી હોય તો એનો ખાસ અર્થ સરતો નથી. એટલે અમે એ પણ શરૂ કર્યું. એમાંથી મોટા ભાગનો સામાન અમે જ ઉગાડીએ છીએ પરંતુ અમુક ફળો જેમ કે સંતરાં તો એ નાગપુરથી આવે, ડ્રૅગન ફ્રૂટ તો એ કચ્છથી આવે; કારણ કે એ અહીં ઉગાડવાં જ શક્ય નથી.’
પર્સનલ ટચ 
હર્ષ સંપૂર્ણ બિઝનેસ જ નથી જોતો, તે ખેતીનું કામ પણ ઘણું સંભાળે છે. અઠવાડિયામાં ત્રણ વખત તે પોતાનાં ખેતરોમાં જઈને ખેતી વિશેની કાળજી લેતો હોય છે. ધ બૉમ્બે નૅચરલ કંપનીની પોતાની વેબસાઇટ છે જ્યાંથી લોકો ઑર્ડર કરી શકે છે. પરંતુ વેચાણની એક અલગ રીત હર્ષે શરૂ કરી જેની વાત કરતાં તે કહે છે, ‘જેમ છાપામાં સબસ્ક્રિપ્શન હોય એમ અમે શાકભાજી, ફળો અને ગ્રોસરીમાં સબસ્ક્રિપ્શન શરૂ કર્યું છે જેમાં કોઈ પણ વ્યક્તિ અમારા પ્રોડક્ટ ખરીદવામાં રસ બતાવે તો અમે પહેલાં તેમના ઘરે જઈએ. તેમની ફૂડ હૅબિટસ જાણીએ. એ મુજબ કસ્ટમાઇઝડ પ્લાન બનાવીએ. જેમ કે અમુક પરિવાર હોય જેમાં કારેલા કે ટીંડોળા ખવાતા હોય અને અમુક એને હાથ પણ ન લગાડતા હોય તો એ મુજબ આખો પ્લાન બને. એકાતરા અમે તેમને ફ્રેશ ડિલિવરી આપીએ.’
બગાડ ઘટાડ્યો 
જૈવિક ખેતીમાં જે ઊગીને આવે છે એ વસ્તુ કે સ્ટૉક લિમિટેડ હોય છે. હવે એમાં જો આપણે વ્યવસ્થિત રીતે એની વહેંચણી ન કરીએ તો એ વેડફાઈ જાય. સબસ્ક્રિપ્શન પદ્ધતિથી તમારા ઘરે બીજે દિવસે શું બનશે એ તમારે નથી વિચારવાનું. જે શાક આવ્યું હશે તમારે ત્યાં એ જ બનશે. એ વિશે વધુમાં સમજાવતાં હર્ષ કહે છે, ‘આ રીતે ગ્રાહક પણ ખુશ અને અમને પણ અંદાજ આવે કે શેની જરૂરત વધુ છે. એ રીતે શું ઉગાડવું, કેટલું ઉગાડવું એ પણ સમજાય છે. ગ્રાહકો ખુશ રહે એ માટે અમે ઋજુતા દિવેકર અને સંજીવ કપૂર પાસેથી રોજના ચાર્ટ પણ બનાવડાવ્યા હતા કે આજે તમારા ઘરમાં શું બનશે એ એ લોકો નક્કી કરીને કહેશે અને અમે એનું રૉ-મટીરિયલ તમને પહોંચાડીશું, જેનાથી ફાયદો એ થયો કે ગ્રાહકો ખુશ રહ્યા અને શાકભાજીનો બગાડ ખૂબ જ ઓછો થયો.’
સેલિબ્રિટીઝ સુધી પહોંચ્યા 
લોકો સારું અને કેમિકલ-ફ્રી ખાવું જોઈએ એ કઈ રીતે સમજશે? આ પ્રશ્ન હર્ષના મનમાં કંપની શરૂ કરી ત્યારે આવ્યો હતો. એ માટે તેણે વિચાર્યું કે આપણે મોટી હસ્તીઓ સુધી પહોંચીએ. એ લોકોનો સમાજ પર પ્રભાવ ઘણો વધારે હોવાને કારણે લોકોને સમજાવવા સરળ બનશે. આવું વિચારીને અમિતાભ બચ્ચન, યુવરાજ સિંહ, સચિન તેન્ડુલકર, પ્રિયા દત્ત, જુહી ચાવલા, દિયા મિર્ઝા જેવા ફિલ્મ, ટીવી, સ્પોર્ટ્સ અને પૉલિટિક્સ સાથે સંકળાયેલા સેલિબ્રિટીઝને તેમણે અપ્રોચ કર્યો અને તેઓ તેમના ગ્રાહક બન્યા. આ સિવાય તેમણે મોટી સોસાયટીઝમાં જઈને લોકોને સમજાવ્યા. એક સોસાયટીમાંથી ઓછામાં ઓછા ૧૦ ગ્રાહકની પૉલિસી તેમણે જાળવી. આજે ઘણી સોસાયટીઓમાં તેમના ૩૦૦ ગ્રાહકો છે, જેને કારણે હજી ૫૦ લોકોના સ્ટાફ વચ્ચે પણ તેઓ ૨૪,૦૦૦ જેટલા પરિવારને તાજાં ફળ-શાકભાજી અને ગ્રોસરી પહોંચાડે છે.’  

રિસ્ક હૈ તો ઇશ્ક હૈ

૧૨ વર્ષ પહેલાં ધીકતી રિયલ એસ્ટેટની જૉબમાંથી ખેતીનો વિચાર આવ્યો ત્યારે રિસ્કથી ડર લાગેલો નહીં? આ પ્રશ્નનો જવાબ આપતાં હર્ષ કહે છે, ‘હું એ ભણ્યો છું કે સમાજમાં બિઝનેસની તકો ખોળી કાઢવી જરૂરી છે. આપણે આસપાસ જોઈએ, સમજીએ ત્યારે ખબર પડે છે કે સમાજમાં શેની જરૂર છે, શું માગ છે. વળી બિઝનેસ એવો કરવો જેમાં ફક્ત આપણો નહીં, સમાજનો પણ ફાયદો હોય. મને આનંદ છે કે હું જે કમાઉં છું એ બદલ હું લોકોને એક સારી હેલ્થ ભેટ આપું છું. 

કોઈ માનવા તૈયાર નથી કે ભણેલી-ગણેલી વ્યક્તિ અને ખેતી? 

હર્ષે ત્રણ વર્ષ પહેલાં લગ્ન કર્યાં. અરેન્જ્ડ મૅરેજ કરનાર હર્ષે તેના પ્રોફાઇલમાં લખ્યું હતું બિઝનેસમૅન. છોકરીવાળા જ્યારે પૂછે કે બિઝનેસ શેનો છે તો જ્યારે હર્ષ કહે કે ખેતીનો ત્યારે એક અલગ જ રીઍક્શન જોવા મળે તેને. એ વાત પર ખૂબ હસતાં હર્ષ કહે છે, ‘મારાં સાસુ-સસરાને સમજાવવાનું મને ઘણું અઘરું પડી ગયું હતું કે આ પણ એક સારું કામ છે. એ લોકોને હજી પણ એમ થાય છે કે ભાઈ, તું શું કામ કરે છે?’ એક વખત હર્ષને કોઈ ટ્રાફિક-પોલીસે પકડ્યો ત્યારે પોલીસે પૂછ્યું કે તું શું કરે છે? તો હર્ષે કહ્યું કે ખેતી. પોલીસે કહ્યું, ‘ક્યા યેડા સમજ કે રખા હૈ પુલિસ કો? મઝાક ચલ રહ હૈ ક્યા ઇધર? તેરે જૈસા પઢા-લિખા દિખનેવાલા લડકા ખેતી કરેગા ક્યા?’ આ બાબતે હર્ષ કહે છે, ‘આપણે ત્યાં ડૉક્ટર્સને ભગવાન માનવામાં આવે છે, પણ મને લાગે છે કે ખેડૂતો પણ ભગવાન જ છે. તેમને જે માન મળવું જોઈએ આપણે તેમને એ આપતા નથી, જે ખોટું છે.’

columnists Jigisha Jain