ગાંધીયન ફિલોસૉફીમાં ઊછરેલા આ વડીલ આજે પણ મજબૂત છે!

07 June, 2023 06:54 PM IST  |  Mumbai | Laxmi Vanita

લિફ્ટ વિનાના બિલ્ડિંગમાં રહેતાં ૮૫ વર્ષનાં ચંદ્રિકા નાણાવટી દિવસમાં એક વખત તો આ ચાર માળ ચડ-ઊતર કરે જ છે અને તેમની કૅપેસિટી દિવસમાં ત્રણ વખત ચડ-ઊતર કરવાની છે. તેમની સ્વસ્થતાનું રહસ્ય અને જીવન પ્રત્યેનો તેમનો દૃ‍ષ્ટિકોણ બન્ને જાણવા જેવા છે

ચંદ્રિકા નાણાવટી

 મને યાદ છે મારા પપ્પા દર શિયાળામાં ચાર મહિના મૉર્નિંગ વૉક પર લઈ જતા એટલે મરીન ડ્રાઇવ પર બહુ વૉક કર્યું છે અને એના પરિણામે આજે પણ મારી હેલ્થ બહુ જ સારી છે. 

ચંદ્રિકાબહેનના ગ્રાન્ટ રોડ પર આવેલા બિલ્ડિંગ પન્નાલાલ ટેરેસનું ૧૯૪૭ પહેલાં આખું કમ્પાઉન્ડ ભરાઈ જતું જ્યારે મોરારજી દેસાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્રતાનાં પ્રવચન આપવા આવતા. આવી તો ઘણી પુરાણી વાતો તેમને યાદ છે.

ગ્રાન્ટ રોડ પર રહેતાં ૮૫ વર્ષનાં ચંદ્રિકા નાણાવટીએ આઝાદી પહેલાંનો અને પછીનો સમય જોયો છે. ૧૯૧૦માં બનેલા આજે બહુ જાણીતા લિફ્ટ વગરના બિલ્ડિંગ પન્નાલાલ ટેરેસમાં જ તેઓ આજ સુધી રહ્યાં છે. તેમણે આ જગ્યાએ જે સમય વિતાવ્યો એની કહાણી સાંભળીને ઇતિહાસની બુકનાં કોઈ પાનાં વાંચી રહ્યા હો એવું લાગશે. મળીએ આ વડીલને જેઓ આ બિલ્ડિંગના ચાર માળના દાદર નિયમિત ચડ-ઊતર કરે છે અને પોતાની હેલ્થ એવી રીતે જ સાચવે છે.

એ દિવસોની વાત ૧૯૬૯માં હિન્દી ભાષામાં પીએચડી કરનાર ચંદ્રિકાબહેન કહે છે, ‘૧૯૧૦માં આ બિલ્ડિંગ બનેલું છે અને અત્યાર સુધીમાં કેટલાય ભાડૂતો બદલાઈ ગયા છે પણ થોડા ફેરફાર સાથે ઇમારત એવી ને એવી છે. મને યાદ છે ૧૯૪૭ પહેલાં આ આખું કમ્પાઉન્ડ ભરાઈ ગયેલું જ્યારે મોરારજી દેસાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્રતાનાં પ્રવચન આપવા આવેલા. મારો આખો પરિવાર આઝાદીની વિચારધારાને સમર્પિત હતો. એ સમયથી મારા પરિવારમાં સાદું જીવન અને એજ્યુકેશનનું બહુ મહત્ત્વ હતું. મારા પપ્પા ફિલ્મી કંપનીમાં અકાઉન્ટન્ટ હતા અને અમારા પાડોશી સીએ હતા. ઍક્ટર નલિની જયવંત અમારા ઘરે આવેલાં અને એ સિવાય પણ ઘણા ફિલ્મસ્ટાર્સનો આવરોજાવરો રહેતો. એ સમયે ફિલ્મી દુનિયાની વાત પણ ચોરીછૂપીથી કરવાની કારણ કે ત્યારે તો વાત કરવાનું પણ સારું નહોતું ગણાતું. આ બૅકગ્રાઉન્ડને કારણે મને ઘણી ફિલ્મો જોવાનો મોકો મળ્યો છે. હું ૧૯૫૫માં ગ્રૅજ્યુએટ થઈ અને પીએચડી શરૂ કર્યું ત્યાં સુધી વચ્ચેના સમયગાળામાં મેં એમ્પ્લૉયમેન્ટ એક્સચેન્જમાં નામ લખાવ્યું હતું એટલે મારો પહેલો ઇન્ટરવ્યુ કૉલ સચિવાલયમાં હિન્દી વિભાગમાં આવ્યો. ત્યાં કામ કર્યું અને ત્યાર બાદ ગુજરાતી 
વિભાગમાં પર્મનન્ટ થઈને ઉચ્ચ પદે નિવૃત્ત થઈ.’ 

રેંટિયા સાથેનો સંબંધ
ખાદીમાંથી કૉટન પર સ્વિચ કરવાની વાત કરતાં તેઓ કહે છે, ‘મારા પપ્પા અને કાકા ગાંધીવાદી વિચારધારમાં માનતા. જાતે જ કાંતેલી ખાદી પહેરતા અને મેં પણ જ્યાં સુધી ખાદી મોંઘી નહોતી થઈ ત્યાં સુધી ખાદી જ પહેરી. પછી કૉટન પર સ્વિચ કર્યું. કાકા અને માસી દરરોજ અડધો કલાક રેંટિયો કાંતતાં. તેમણે જ અમને તકલીથી દોરો કેવી રીતે બનાવવાનો એ શીખવ્યું. રેટિયો કાંતીને સૂતરને ફાળકા પર પચીસ-પચીસની દસ લચ્છી કરવાની અને ખાદી ભંડારમાં આપીએ. તેઓ કાપડ બનાવી આવે. અમારા બિલ્ડિંગમાં ત્યારે આઠ રેંટિયો હતા. બીજી ઑક્ટોબર અને ૩૦ જાન્યુઆરીએ અહીં રેંટિયો કાંતવાની હરીફાઈ થતી. આઠ-આઠ જણના બૅચમાં બધાને અડધો કલાકનો સમય આપવામાં આવતો. એમાં કોનો તાર તૂટે છે અને કેટલી લચ્છી બને છે એના પરથી વિજેતા નક્કી કરી ઇનામ આપવામાં આવતાં. આ બે ખાસ દિવસોએ ૨૪ કલાકનું કાંતણ ચાલતું અને કેટલાંય વર્ષો સુધી અહીં પ્રાર્થના થતી હતી. ગાંધીજીનો ફેવરિટ અધ્યાય બોલાતો અને ભજન થતાં. પછી આ બધું બંધ થઈ ગયું અને રેંટિયો ઘરમાં ધૂળ ખાતો હતો એટલે મણિભવન (મ્યુઝિયમ)માં આપી દીધો.’

સારી હેલ્થનું રહસ્ય
રંગોળી બનાવવાનાં ભારે શોખીન અને દર વર્ષે જન્માષ્ટમી ધૂમધામથી ઊજવતાં ચંદ્રિકાબહેન કહે છે, ‘રિટાયરમેન્ટ પછી તાતા કૅન્સર હૉસ્પિટલમાં અઠવાડિયામાં બે દિવસ સેવા આપવા જતી. મારી ભાણેજ જાગૃતિ મારી સાથે રહે છે અને તે પણ બૅન્કમાં જૉબ કરતી હતી. એ નિવૃત્ત થઈ એટલે પછી મારું ઘણુંખરું કામ તેણે જ સંભાળી લીધું. અત્યારે મોટા ભાગનો સમય ભગવાનની સેવામાં જાય, અમારામાં એ બહુ જ મોટી હોય. હું કોઈ પણ જગ્યાએ નિયમિત સેવા ન આપી શકું એટલે મેં પછી જવાનું બંધ કર્યું. હાલ તો હું મારી હેલ્થનું જ ધ્યાન રાખું છું. એક તો લિફ્ટ વગરના બિલ્ડિંગમાં ચોથા માળે રહું છું એટલે મારી હેલ્થ તો આમ જ સારી રહેવાની. મને યાદ છે મારા પપ્પા દર શિયાળામાં ચાર મહિના મૉર્નિંગ વૉક પર લઈ જતા એટલે મરીન ડ્રાઇવ પર બહુ વૉક કર્યું છે અને એના પરિણામે આજે પણ મારી હૅલ્થ બહુ જ સારી છે. દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત હું ચડી શકું. એક વખત નિયમિત ચડ-ઊતર થાય અને લોકો મને દાદર પર જુએ કે તરત જ પૂછે, આ ઉંમરે શું કામ મહેનત કરો છો?’ 

columnists