નવા વર્ષનું સ્વાગત પર્યાવરણ રક્ષાના સંકલ્પથી કરીએ તો?

22 October, 2025 07:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અકબર-બીરબલની વાત છે જ્યારે અકબર પોતાના એક દરબારીની વાત સાંભળીને ગરમીના નિવારણ માટે દૂધના તળાવમાં નહાવા મળે એટલે પોતાના પાટનગરમાં રહેલા એક તળાવને પાણીને બદલે દૂધનું બનાવવાની ઘોષણા કરે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આજે મારે વાતની શરૂઆત એક વાર્તાથી કરવી છે જે તમે બધાએ જ બાળપણમાં સાંભળી હશે અને જેવી શરૂ કરીશ એવી યાદ પણ આવી જશે, પરંતુ લોકો એની સાથે સંકળાયેલો બોધ ભૂલી ગયા છે. અકબર-બીરબલની વાત છે જ્યારે અકબર પોતાના એક દરબારીની વાત સાંભળીને ગરમીના નિવારણ માટે દૂધના તળાવમાં નહાવા મળે એટલે પોતાના પાટનગરમાં રહેલા એક તળાવને પાણીને બદલે દૂધનું બનાવવાની ઘોષણા કરે છે. જોકે પાણીના તળાવને દૂધનું કરવા માટે જો પાટનગરમાં રહેતા દરેક જણ પોતપોતાના ઘરેથી થોડું-થોડું દૂધ આપી જાય તો કોઈ પર વધારે પડતા દૂધનો બોજ ન આવે અને તળાવ દૂધથી ભરાઈ જાય.

અકબરને આ આઇડિયા ગમી ગયો. બીરબલે એની સફળતા પર શંકા કરી છતાં અકબર બાદશાહે રાજ્યસભામાં ઘોષણા કરી દીધી. બધાને આજે રાતે તળાવમાં દૂધ ઠાલવવાનું ફરમાન મળ્યું. ગામના લોકોએ ગામના અંધકારમાં તળાવ સુધી જઈને દૂધ નાખવાનું હતું પરંતુ મનોમન લોકોએ વિચાર્યું કે હું એક દૂધને બદલે પાણી નાખીશ તો કોઈને ખબર નહીં પડે. જોકે ગામના બધા જ લોકોએ આમ વિચાર્યું અને એ તળાવ દૂધને બદલે પાણીનું જ રહ્યું. અત્યારે પ્રકૃતિના સંરંક્ષણમાં પણ આપણે આ જ ભૂલ કરી રહ્યા છીએ. કુદરતને બગાડવાનું કામ કરતી વખતે મારા એકના બદલવાથી શું થશે એમ વિચારીને પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છીએ. આજથી શરૂ થતા નવા વર્ષમાં આ વિચારધારા બદલીએ.

હડપ્પા સંસ્કૃતિના વંશજ ગણાતા ગુજરાતીઓ માટે દિવાળી જૂનો હિસાબકિતાબ પૂરો કરીને નવા ચોપડા લખવાનો અને નવી શરૂઆત કરવાનો આજનો દિવસ છે અને સહુને નૂતન વર્ષાભિનંદન કહીએ એ પહેલાં ખરેખર આપણે આપણી આસપાસના વાતાવરણને નવું બનાવવું, બહેતર બનાવવા શું કરીશું એ વિચારવું જોઈએ. પર્યાવરણને હવે તમારા સહકારની જરૂર છે અને પાણી ઓછું વાપરીને, પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડીને, ફટાકડાઓ થકી હવાનું પ્રદૂષણ ન કરીને કે તમારી આસપાસ સ્વચ્છતા જાળવીને તમે નવા વર્ષની ઉજવણીની શરૂઆત કરશો તો એ વધુ લેખે લાગશે. 

 

- ડૉ. જે. જે. રાવલ (૮૩ વર્ષના ડૉ. જે. જે. રાવલ વિશ્વવિખ્યાત ખગોળશાસ્ત્રી અને ખગોળ વિજ્ઞાન પર સંશોધન કરતી પી. સી. વૈદ્ય સંસ્થાના સ્થાપક છે અને રિસર્ચર તરીકે સતત સક્રિય છે.)

diwali new year columnists gujarati mid day exclusive