આ વેપારી છે મુલુંડનાં વૃક્ષોની હરતીફરતી પરબ

22 January, 2025 01:25 PM IST  |  Mumbai | Kajal Rampariya

લગભગ ૩૦૦થી ૪૦૦ વૃક્ષોની બકુલ શાહ કાળજી કરે છે. રોજ ૧૦૦ લીટર પાણીની ટાંકી લઈને પાણી પાવા નીકળે છે.

પ્રેશર વૉટર ગનથી વૃક્ષોનાં પાંદડાંની સફાઈ કરી રહેલા બકુલ શાહ. તસવીરો : નિમેશ દવે

પર્યાવરણને બચાવવાની અને વૃક્ષોના જતનની વાતો તો ઘણા લોકોના મોઢે સાંભળી હશે પણ તેમને આવું કરતા નહીં જોયા હોય, અને જે લોકો કરે છે તેમને બોલીને જતાવવાની જરૂર પડતી નથી. મુલુંડમાં રહેતા ૬૩ વર્ષના બકુલ શાહ એમાંના એક છે. મુલુંડ-વેસ્ટનાં સેંકડો વૃક્ષોનું પોતાના બાળકની જેમ જતન કરી સાચા અર્થમાં પર્યાવરણપ્રેમી હોવાનું ઉદાહરણ પૂરું પાડતા બકુલભાઈને જોકે પબ્લિસિટીમાં બિલકુલ રસ નથી; એટલે જ ફોટોમાં માત્ર પોતાની પ્રવૃ‌િત્ત દેખાડવા માગે છે, ચહેરો નહીં

તેઓ સમયાંતરે વૃક્ષોને ખાતર પણ નાખે છે. 

સિમેન્ટનાં જંગલોનો વિકાસ વધી રહ્યો હોવાથી હરિયાળીનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે, જેને કારણે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વૉર્મિંગનો મુદ્દો વૈશ્વિક સ્તરે ગાજ્યો છે અને સાથે કુદરતી આફતોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ બધી જ સમસ્યાઓનું એકમાત્ર સૉલ્યુશન છે પર્યાવરણનું સંવર્ધન અને સંરક્ષણ. આ મુદ્દે ફિલોસૉફિકલ વાતો તો ઘણા લોકો કરતા હોય, પણ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરનારા લોકોની સંખ્યા બહુ જ ઓછી છે. આ લોકોની યાદીમાં મુલુંડમાં રહેતા ૬૩ વર્ષના બકુલ શાહને સામેલ કરવા પડે. દરરોજ સવારે પોણાઆઠ વાગ્યાથી નવ વાગ્યા સુધી મુલુંડ વેસ્ટમાં આવેલાં બધાં જ વૃક્ષોને પાણી આપવાનોતેમનો નિત્યક્રમ બની ગયો છે. ઓછા સમયમાં વધુમાં વધુ વૃક્ષોને પાણી મળે એ માટે તેમણે કરેલો જુગાડ પણ કાબિલે તારીફ છે. પર્યાવરણના સંવર્ધનમાં તેમની રુચિ કેવી રીતે કેળવાઈ એ વિશે બકુલભાઈ પાસેથી જ જાણીએ.


ખાસ વૃક્ષોને પાણી પાવા માટે બનાવડાવેલું ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર. 

જંગલની રખડપટ્ટીએ વધાર્યો પ્રેમ

કુદરતને તમે જેટલું સાચવશો એટલું એ તમને સાચવશે. આ સિદ્ધાં​તને અનુસરી રહેલા બકુલ શાહનું સાચું નામ નરેન્દ્ર છે, પણ લોકો તેમને બકુલભાઈના નામે જ ઓળખે. પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું પહેલેથી જ પ્રકૃતિપ્રેમી છું.કુદરતના સાંનિધ્યમાં રહેવું મને બહુ ગમે છે. હું છેલ્લા ત્રણથી ચાર દાયકાથી માઉન્ટેનિયરિંગ અને ટ્રેકિંગ કરું છું. મેં મારા ફ્રેન્ડ્સ સાથે સહ્યાદ્રિ પર્વત હારમાળાના ઘણા પર્વત સર કર્યા છે.મુંબઈ અને પુણેની વચ્ચે આવતા ટ્રેકિંગમાં પણ હું અવારનવાર જતો હોઉં છું.મને જંગલમાં રખડપટ્ટી કરવાનું, ત્યાં સમય વિતાવવાનું બહુ જ ગમે તેથી ટ્રેકિંગ કરું તો મારું માઇન્ડ રિફ્રેશ થઈ જાય છે. આ સમય એવો છે કે આપણને આગામી પેઢીની સુખાકારી માટે કુદરતનું સંવર્ધન અને જતન કરવું પડશે. ગ્લોબલ વૉર્મિંગ, કમોસમી વરસાદ, ઠંડીની સીઝનમાં ધોમધખતા તડકા એ આપણાં જ કર્મોનું ફળ છે.આપણે આડેધડ વૃક્ષોને કાપી રહ્યા છીએ. પર્યાવરણનું જતન થઈ રહ્યું નથી તેથી એ આપણું જતન પણ કરી રહી નથી.કર્મોનું ચક્ર ગોળ છે. જેવું આપશો એવું મળશે તો આપણે સારું જ કેમ ન આપીએ. મને કુદરત સાથે સમય વિતાવવો ગમે છે તો હું એના જતન માટે થોડો સમય તો ફાળવી જ શકું છું એમ વિચારીને મારી વિશેષ જર્નીની શરૂઆત થઈ.’

વૃક્ષોની ફરતે લગાવેલાં પોસ્ટર્સ.

સ્વેચ્છાએ જવાબદારી સમજી

વૃક્ષોના જતનની જવાબદારી સ્વેચ્છાએ સમજતા બકુલભાઈ જણાવે છે, ‘થોડા સમય પહેલાં મેં એક ચીજ નોટિસ કરી હતી કે BMCના ટી વોર્ડના ગાર્ડન વિભાગના કર્મચારીઓ વૃક્ષો વાવી જાય છે, પણ એનું જતન કરવું તેમના માટે શક્ય હોતું નથી. અમુક વૃક્ષ સુકાવા લાગ્યાં હતાં, પ્રદૂષણ અને કન્સ્ટ્રક્શન સાઇટના એરિયામાં આવેલાં વૃક્ષો પર સિમેન્ટ અને રેતી ઊડતાં હોવાથી એનો ગ્રોથ અટકી ગયો હતો. આ પર્યાવરણની દૃષ્ટિએ સારું ન કહેવાય. બાળકનો ગ્રોથ અટકે તો તરત જ આપણે ડૉક્ટર પાસે ભાગીએ છીએ, તપાસ કરાવીએ છીએ, સારવાર કરાવીએ છીએ; પણ આ જ સ્થિતિ જ્યારે વૃ​ક્ષોની આવે ત્યારે આપણે કેમ ધ્યાન આપતા નથી? વૃક્ષોનો ગ્રોથ અટકી જવો કે ન થવો એ તો કોઈ કાળે સારી નિશાની ન કહેવાય.એને પણ કૅરની જરૂર હોય છે એ વાતને સમજવી આપણી જવાબદારી છે.પાલિકાએ વૃક્ષ લગાવ્યાં તો જતન પણ એ જ કરશે એવો ઍટિટ્યુડ રાખવાનુંયોગ્ય નથી. આ વિચારે મને ઘમરોળીનાખ્યો અને એ સમયેમેં વિચાર્યું કે વાવવાનું કામ ભલે પાલિકા પ્રશાસન કરે, પણ એનું જતન કરવાનું કામ તો આપણે કરી જ શકીએ છીએ. જેમ ઘરમાં ઉગાવેલા છોડને પાણી આપીએ છીએ એ રીતે પોતાના એરિયામાં આવેલાં વૃક્ષ અને છોડને આવતાં-જતાં પાણી આપી શકાય, આ આપણી નૈતિક જવાબદારી છે, આ ફરજ હું પણ નિભાવીશ. આજકાલ તો એટલાં વૃક્ષો કપાઈ રહ્યાં છે કે ન પૂછો વાત. સાથે વાવવામાં પણ આવી રહ્યાં છે, પણ થાય એવું છે કે લોકો વાવીને એ છોડને ભૂલી જાય છે.કોઈ બાળકનો જન્મ થયા બાદ તેને મોટું કરવાની જવાબદારી તેમના પર આવી જાય છે એવું વૃક્ષોનું પણ છે.વાવીને એને ભૂલી જવા કરતાં જતન કરવું જોઈએ.’

ચાર વર્ષ પહેલાં થઈ શરૂઆત

લોખંડ બજારમાં બ્રોકરેજનું કામ કરતા બકુલભાઈ માટે ઝાડ-પાનની કૅર કરવાનું રૂટીનનો હિસ્સો બની ગયું છે. વૃક્ષોના ગ્રોથ માટે કામ કરવાની જર્ની કેવી રીતે શરૂ થઈ એ વિશે વાત કરતાં બકુલભાઈ જણાવે છે, ‘અમારા બધા જ વેપારીઓનાં કામ વૉટ્સઍપથી જ ચાલે છે તેથી મને મારી મનગમતી પ્રવૃત્તિ કરવાનો સમય મળી જાય છે. મુલુંડમાં ૭૦-૮૦ વર્ષ જૂનાં ઘણાં ઝાડ છે.એને પણ આપણા વડીલોએ વાવ્યાં હશે ત્યારે આજે આપણને છાંયડો મળી રહ્યો છે તો આપણી પણ આવનારી પેઢીને હરિયાળી મળે એ જવાબદારી આપણી છે.મને કોઈએ જ ઇન્સ્પાયર કર્યો નથી, હું પહેલેથી જ નેચરથી ઇન્સ્પાયર્ડ છું.વૃક્ષોના ગ્રોથ માટે કામ કરવાની શરૂઆત આજથી ચાર વર્ષ પહેલાં કરી.મેં મારા જ એરિયાનાં વૃક્ષોને પાણી આપવાની શરૂઆત કરી. એક કરતાં વધુ વૃક્ષોને પાણી આપવાનું હોય તો ઊંચકીને લઈ જવું મુશ્કેલ હતું તેથી એ સમયે હું એક-એક લીટરની બારથી પંદરબૉટલ મારી ટ્રેકિંગ બૅગમાં નાખીને કારમાં રાખી દેતો અને જ્યાં ઝાડ દેખાય ત્યાં એને પાણી આપતો.’

ડ્રિપ ઇરિગેશનનો જુગાડ

બૉટલથી વૃક્ષોને પાણી આપવાની સાથે બકુલભાઈએ ડ્રિપ ઇરિગેશન સિસ્ટમનો પણ ગજબનો જુગાડ કર્યો છે.જુગાડ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘હું દરેક ઝાડને પાણી નાખવાની સાથે એને સતત પાણી મળતું રહે એ માટે બે લીટરની બૉટલ બાંધતો હતો.વૃક્ષ અને છોડને ટીપે-ટીપે પાણી મળતું રહે એને ડ્રિપ ઇરિગેશન પદ્ધતિ કહેવાય છે.બૉટલ બાંધીને ડ્રિપ ઇરિગેશનની સિસ્ટમ ડેવલપ કરવાનો ખ્યાલ આવ્યો એની પહેલાં મેં આ પ્રકારનો જુગાડ એક જગ્યાએ જોયો હતો.એ વખતે હું એટલો પ્રભાવિત થયો હતો કે મારા મગજમાં આ સિસ્ટમ ફિટ બેસી ગઈ હતી.પછી મેં એક જુગાડ લગાવ્યો.ભંગારવાળાની ત્યાંથી હું કોલ્ડ ડ્રિન્કની બે લીટરની બૉટલો લઈ આવું.એમાં ઘરે ચાકુ ગરમ કરીને હોલ કરું અને એમાં દોરી નાખી દઉં અને પછી એને તારથી બાંધી દઉં.આ રીતે મેં લગભગ દરેક ઝાડ પર ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ ઇન્સ્ટૉલ કરી છે.મુલુંડ વેસ્ટમાં ભક્તિ માર્ગથી લઈને સર્વોદયનગર સુધીના બધા જ રોડ પરનાં ઝાડને હું પાણી આપું છું.હું જ્યારે પાણી નાખું ત્યારે રાહદારીઓ જોતા હોય તો તેમને પણ હું બૉટલમાં પાણી રીફિલ કરવાની ભલામણ કરું.’

બાગકામ માટે જરૂરી સાધનો પણ તેઓ સાથે લઈને ફરે છે.

હવે લાગ્યું કુછ બડા કરના હૈ

ઝાડ ઘણાંબધાં છે તો ફક્ત ૧૫ લીટર પાણી પૂરતું નથી.એ વાત​ રિયલાઇઝ થતાં બકુલભાઈને કંઈ મોટું કરવાની ઇચ્છા હતી. આ માટે તેમણે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરનો જુગાડ લગાવ્યો.આ કેવી રીતે પૉસિબલ થયું એના વિશે વાત કરતાં બકુલભાઈ કહે છે, ‘મારા એરિયાનાં બધાં ઝાડને પોષણ મળે એ માટે કંઈ મોટું વિચારવું પડશે એવું મને લાગ્યું.પછી મેં ઘણા ઑપ્શન જોયા.
ઍક્ટિવામાં સાઇડકાર રાખીને સ્ટોરેજ વધી શકે એની પૉસિબિલિટી ચેક કરી.માલ-સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી સાઇકલ જોઈ પણ કંઈ જામ્યું નહીં.શોધતાં-શોધતાંએક દિવસ મેં ઇલેક્ટ્રિક બાઇક જોઈ. એ દિવસે મને આઇડિયા આવ્યો કે હું આ રીતનું થ્રી-વ્હીલર બનાવડાવી શકું છું. ઇલેક્ટ્રિક બાઇક જોયા બાદ મેં બે દિવસમાં જ મારા હિસાબે થ્રી-વ્હીલર બનાવડાવ્યું અને એને ખરીદી જ લીધું.દોઢ મહિના પહેલાં જ ખરીદેલા મારા થ્રી-વ્હીલરને મારી રીતે કસ્ટમાઇઝ કરાવ્યું.એમાં મેં ફેબ્રિકેશન કરાવ્યું, આશરે ૧૦૦ લીટરની ટાંકી ઇન્સ્ટૉલ કરાવી, એમાં નળ બેસાડ્યો અને પાઇપ બેસાડી દીધી જેથી હું ફટાફટ એકસાથે વધુ ઝાડને પાણી આપી શકું.અત્યારે હું મુલુંડ વેસ્ટના લગભગ બધા જ રોડ પર આવેલાં ઝાડને પાણી આપું છું.આમ તો હું કેટલાં ઝાડને પાણી આપું છું એવી ગણતરી રાખી નથી, પણ દર મહિને હું અંદાજે ૩૦૦થી ૪૦૦ વૃક્ષની કૅર કરું છું.’

પ્રેશર વૉટર ગન પણ વસાવી

વૃક્ષોની જાળવણી કરવી જ છે તો એ માટેનાં સાધન વસાવવાં જરૂરી છે જેથી કામ ક્વિક અને ઈઝી બને.આ માટે તેમણે પ્રેશર વૉટરગન વસાવી.એના વિશે જણાવતાં બકુલભાઈ કહે છે, ‘અત્યારે ઠેર-ઠેર કન્સ્ટ્રક્શનનાં કામો ચાલે છે અને પાલિકાએ રોડનાં કામો પણ હાથ ધર્યાં છે.આ કામને કારણે વૃક્ષો પર રેતી-સિમેન્ટ અને કેમિકલ લાગી જાય છે અને એને નુકસાન પહોંચે છે.આ વાતનો ખ્યાલ આવતાં મેં ઇલેક્ટ્રિકલ થ્રી-વ્હીલર લીધા બાદ ઝાડની વ્યવસ્થિત સફાઈ થાય અને પાણી પણ મળે એ માટે કાર સાફ કરવા માટે વપરાતી પ્રેશર વૉટર ગન પણ વસાવી લીધી.મારી ૧૦૦ લીટરની પાણીની ટાંકી છે એમાં હું પાઇપ નાખું અને એ ગનથી પાણી છાંટીને હું ઝાડમાં લાગેલી ધૂળ અને ગંદકીને સાફ કરું છું.એટલે હવે એક ઝાડને હું પાણી તો આપું જ છું અને એને સાફ પણ કરું તથા ખાતર પણ આપું.’

અવેરનેસ હૈ ઝરૂરી

પાણી આપવાની સાથે બકુલભાઈ બૅનર લગાવીને લોકોમાં જાગરૂકતા પણ ફેલાવે છે.આ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘બૅનર પ્રિન્ટ કરાવીને ઝાડ પર તાર વડે બાંધું.એક બૅનરમાં લખ્યું હતું કે ‘મૈં ભી આપ કા બચ્ચા હૂં, મુઝે ભી પાની પિલાઇએ.’‘તમારા ઘરનું પાણી મીઠું છે મને પણ પીવડાવો!’ એવાં સ્લોગન પ્રિન્ટ કરાવેલાંબૅનર પણ હું લગાવું છું જેથી લોકોમાં જાગરૂકતા આવે.ઝાડ પર તાર વડે બાંધેલા બૅનર પર મારી નજર હોય જ છે.હું દર બે-ચાર મહિને ફરીથી ચેક કરું કે ઝાડને તાર ખૂંચતા તો નથીને? જો મને લાગે કે એ તાર હવે ઝાડને ખૂંચે છે તો હું એને રિપ્લેસ કરીને મોટા તારથી બૅનર બાંધી લઉં. આ સાથે મને વૃક્ષ વાવવાલાયક યોગ્ય જગ્યા દેખાય ત્યાં વૃક્ષ વાવવાની વિનંતી આપતો મેસેજ પાલિકાના અધિકારીને કરું અને બે દિવસમાં ત્યાં ઝાડ વવાઈ જાય. પછી એનું ધ્યાન રાખું. છેલ્લા બે મહિનામાં પાલિકાએ આશરે ૫૦ જેટલાં વૃક્ષ વાવ્યાં છે. ઝાડ વાવવાની સાથે એ ટ્રી-ગાર્ડ પણ લગાવી જાય છે જેથી રસ્તા પરનાં વાહનો એને નુકસાન ન પહોંચાડે અને એની જાળવણી અને ગ્રોથ સારાં થાય. કોઈ ઝાડની કન્ડિશન સારી ન હોય કે સહેજ નમેલું હોય અને મૂળિયાંથી નબળું પડી ગયું હોય એવા ઝાડને પાલિકાના કર્મચારીઓ તાત્કાલિક આવીને રિપેર કરી જાય છે. વૃક્ષોના ઉછેરની સાથે હું એની હેલ્થનું પણ ધ્યાન રાખીને સમયસર પાલિકાના અધિકારીઓને આ રીતે જાણ કરતો હોઉં છું.’

મિત્રએ કર્યો ખાતરનો જુગાડ

નિષ્ઠાથી નેક કાર્યો કરો તો ગમે ત્યાંથી સફળતા મળી રહે છે અને બકુલભાઈના કેસમાં પણ એવું જ થયું હતું. તેમના મિત્રએ વૃક્ષોને વધુ સારી રીતે પોષણ મળી રહે એ માટે ગાયના ખાતરનો જુગાડ કર્યો. આ વિશે વાત કરતાં તેઓ જણાવે છે, ‘થયું એવું કે હું મારું રૂટીન વર્ક કરું અને આ વાતની જાણ મારા મિત્ર વિરલ જૈન અને નિલયને થઈ. તે વૉક કરવા નીકળ્યા હતા ત્યારે તેમણે મને ઝાડમાં પાણી નાખતાં જોયો.તેમણે મને સજેસ્ટ કર્યું કે ખાલી પાણી નાખ્યા કરીશું તો એટલો ફાયદો નહીં થાય, ઝાડને પૂરતું પોષણ મળે એ માટે ખાતરની પણ જરૂર હોય છે, મારા ધ્યાનમાં આવું ગૌખાતર બનાવતી વ્યક્તિ છે.વૃક્ષોને ખાતર મળવું જરૂરી છે એ વાત સમજાતાં મને વિરલની વાતમાં દમ લાગ્યો અને હું ખાતર મગાવવા ઍગ્રી થયો.તે મને નાશિકથી ખાતર મગાવીને આપે છે અને મારી પાસેથી પૈસા પણ નથી લેતો.તે એમ કહે છે કે આ મારા તરફથી ગિફ્ટ છે, જ્યારે જેટલું જોઈએ એટલું મગાવી શકો છો.એ ખાતર ગાયના ગોબરનું હોય છે, એમાં કાળી માટી સહિત બેથી ત્રણ ચીજો મિક્સ કરીને કેમિકલનો ઉપયોગ કર્યા વગર બને છે.એ ઘનના રૂપમાં મળે છે. જ્યારે મારી પાસે આવે ત્યારે હું એને ઝાડમાં આપવા પહેલાંબન્ને હાથથી મસળીને પાણી નાખીને લિક્વિડ જેવું બનાવી નાખું જેથી ઝાડને સારા પ્રમાણમાં પોષણ મળે અને ગ્રોથ પણ ફાસ્ટ થાય છે. જ્યારથી ખાતર મળવાનું શરૂ થયું છે ત્યારથી હું પાણી નાખવાની સાથે દરરોજ ખાતર પણ આપું છું.૨૦ ગૂણી ખાતર એક મહિનામાં પતી જાય છે.’

સોસાયટીમાં પણ ગાર્ડન બનાવ્યું

બકુલભાઈ મુલુંડ વેસ્ટનાં વૃક્ષોની કૅર તો કરે જ છે પણસાથે તેઓ પોતાની સોસાયટીનાં વૃક્ષોની પણ એક્સ્ટ્રા કૅર કરે છે.બકુલભાઈ જે સોસાયટીમાં રહે છે ત્યાં એન્ટ્રન્સ અને કમ્પાઉન્ડની મોકળી જગ્યામાં સોસાયટી સભ્યોના સહકારથી વૃક્ષો અને છોડવાવીને હરિયાળી બનાવી છે. આ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘સોસાયટીના સભ્યોના સહકારથી મેં સોસાયટીને પણ હરિયાળી બનાવી નાખી છે. અમારી સોસાયટીમાં કાજુ, કાળા જાંબુ, સ્ટાર ફ્રૂટ, સીતાફળ, કેરી, પેરુ, ખાવાના પાન,રાતરાણી, અળુશા, સરગવો અને અનેક જાતના બીજા ફૂલો વાવ્યા છે.  આજે મારી સોસાયટીમાં વિવિધ પ્રકારનાં વૃક્ષ તો છે જ અને સાથે ડબલ સ્ટૅન્ડ ઝૂલામાં નાના છોડ વાવીને ડેકોરેટ કર્યું છે.અહીં આવતા લોકો અમારી સોસાયટીની હરિયાળી જોઈને પ્રભાવિત થઈ જાય છે.’

મોટા પાયે બદલાવની અપેક્ષા

બકુલભાઈ જે કાર્ય કરી રહ્યા છે એ પ્રકારે બધા જ પોતાની જવાબદારી સમજીને પર્યાવરણનું જતન કરે તો મોટા પાયે ચેન્જ લાવી શકાય છે.એ વિશે વાત કરતાં બકુલભાઈ કહે છે, ‘હું તો પ્રકૃતિનો જ માણસ છું.મારા માટે ઝાડપાન સાથે સમય વિતાવવો, એની કૅર કરવી બહુ જ રિલૅક્સિંગ ઍક્ટિવિટી છે. આ પ્રવૃત્તિ પોતાની જાતને કુદરત સાથે તો જોડે જ છે અને સાથે રોજિંદા જીવનના તનાવને પણ દૂર કરે છે. મને અંદરથી ખુશ રાખે છે. મારા આ કામને જોઈને એક લેડીપણ બૅગમાં પાણીની દસેક બૉટલ ભરીને ઝાડને પાણી આપવા નીકળતાં હતાં અને તેમના એરિયામાં દરરોજ પાણી નાખતાં.મારા કામની આ અસર જોઈને હું ખરેખર ગદ્ગદ થઈ ગયો હતો.આવા એક નહીં પણ ઘણા લોકોમાં ચેન્જ આવ્યા છે.હું તો મારા જ એરિયાનાં ઝાડને પાણી આપી શકું છું પણ બાકી વિસ્તારોમાં પણ લોકો આ રીતે પોતાની જવાબદારી સમજે એવી ઇચ્છા છે. મારા પરિવારને પણ મારું કામ પસંદ છે અને તેઓ સપોર્ટ કરવા મારી સાથે પણ આવે છે. ક્યારેક મારી સોસાયટીના વૉચમેનના દીકરા મારી સાથે આવે છે, રસ્તા પરથી પસાર થતાં સ્ટુડેન્ટ્સ અને તેના પેરેન્ટ્સમાં પણ આ કામ પ્રત્યે જાગરૂકતા આવે છે. ઝાડને ગ્રો થતા જોઉં તો મારું પા શેર લોહી વધી જાય છે! બહુ જ આનંદ થાય છે. મોજ શોખ માટે અમારો ખર્ચ બહુ ઓછા પ્રમાણમાં હોય છે, તેથી આવા કાર્યોમાં હું ધનનો સદુપયોગ કરું છું. મારાં પત્ની તો મોટા ભાગે સાથે જ હોય છે.આપણે આગામી પેઢીને પણ પર્યાવરણના સંવર્ધન અને જતન માટે તૈયાર કરવી બહુ જરૂરી છે એ જવાબદારીને સમજીને હું ઘણી વાર મારી દીકરીના દીકરા દેવાર્યને મારી સાથે લઈ જાઉં.તે પાંચ વર્ષનો છે પણ તેનેય વૃક્ષોનું જતન કરવાનું બહુ પસંદ છે. જ્યારે પણ તેને કહું કે મારી સાથે આવવાનું છે તો ખુશ-ખુશ થઈ જાય.’

 

columnists environment mulund gujarati community news gujaratis of mumbai exclusive